“પશ્મિના શૉલને રેશમ જેવો દેખાવ અમે જ આપીએ છીએ.”
શ્રીનગરમાં અબ્દુલ મજીદ લુનનું ઘર દોરાની ગૂંચથી ભરેલું છે. તેઓ ભોંયતળિયે બેસીને હાથમાં વુચ (લોખંડનું એક ધારદાર ઓજાર) લઈને કુશળતાપૂર્વક છૂટાછવાયા દોરા ખેંચે છે અને તાજી વણેલી પશ્મિના શૉલમાંથી ગાંઠો દૂર કરે છે. તેઓ કહે છે, “અમે જે હસ્તકલા કરીએ છીએ તેના વિષે ખૂબ ઓછા લોકો જાણે છે.”
42 વર્ષીય આ કારીગર શ્રીનગર જિલ્લાના નવા કદલ વોર્ડમાં રહે છે. તેઓ ઊંચા મૂલ્યની પશ્મિના શૉલમાંથી વુચની મદદથી પોતાના હાથે પુર્ઝ (ગાંઠો અથવા દોરા) કાઢે છે. આ કામને પુર્ઝગરી કહેવાય છે, અને એકલા શ્રીનગરમાં જ 200થી વધુ કારીગરો આ કામ કરે છે. અબ્દુલ બે દાયકાથી પુર્ઝગર કારીગર છે, જેમને લગભગ આઠ કલાકના કામ માટે 200 રૂપિયા મળે છે.
પશ્મિના શૉલ વણેલી હોય, રંગેલી હોય, કે નકશીકામવાળી હોય, તે દરેકમાં પુર્ઝગરી હાથોથી જ કરવામાં આવે છે. તેનું કાપડ એટલું નાજુક હોય છે કે તેના પર ફક્ત કોઈ કારીગરની કુશળતા જ કામ લાગી શકે છે, મશીન નહીં.
પુર્ઝગરી માટે વુચ આવશ્યક છે. તેમની સામે લાકડાના લૂમ પર તાણપૂર્વક લંબાયેલી શૉલ તરફ ધ્યાનપૂર્વક જોતા અબ્દુલ કહે છે, “અમારી બધી કમાણી વુચ અને તેની ગુણવત્તા પર નિર્ભર છે. અમારા માટે વુચ વિના પશ્મિના શૉલને તૈયાર કરવી મુશ્કેલ છે.”
છેલ્લા કેટલાક સમયથી, શ્રીનગરમાં પુર્ઝગારો વુચ બનાવી શકે અને તેના બરાબર ધાર આપી શકે તેવા લુહારોને શોધવામાં સંઘર્ષ કરી રહ્યા છે. અબ્દુલ ચિંતા સાથે ઉમેરે છે, “એક સમય એવો આવશે કે જ્યારે પુર્ઝગરીની કલાકારી વુચની અછતને કારણે અદૃશ્ય થઈ જશે. હું જે વુચનો ઉપયોગ કરું છું તે મારી માલિકીની છેલ્લી વુચ છે. એક વાર તે બુઠ્ઠી થઈ જાય, એટલે મારી પાસે એકેય કામ નહીં હોય.”
અબ્દુલના ઘરથી 20 મિનિટના અંતરે લુહાર અલી મોહંમદ આંગરની દુકાન આવેલી છે. શ્રીનગર જિલ્લાના અલી કદલ વિસ્તારમાં લગભગ એક ડઝન લુહારની દુકાનો આવેલી છે, જેમાં અલીની દુકાન સૌથી જૂની દુકાનો પૈકીની એક છે. અલી સહિત કોઈ પણ લુહાર વુચ બનાવવા માટે તૈયાર નથી. તેઓ કહે છે કે તેના પાછળ તેઓ જે સમય અને શ્રમ ખર્ચે છે, તે પ્રમાણે તેનું વળતર પૂરતું નથી હોતું.
એક કરવતને આકારમાં ઢાળવા માટે તેના પર હથોડી મારતાં મારતાં 50 વર્ષીય અલી કહે છે, “વુચ બનાવવામાં ઘણી કારીગરી લાગે છે. વુચ એટલો ધારદાર અને એવો ઘડાયેલો હોવો જરૂરી છે કે પશ્મિના અટકી ગયેલા નાનામાં નાના દોરા પણ બહાર કાઢી શકે. મને ખાતરી છે કે જો હું વુચ બનાવવાની કોશિશ કરીશ, તો પણ હું તેમાં સફળ નહીં થાઉં.” તેઓ નિરપેક્ષ ભાવથી ઉમેરે છે, “વુચ બનાવવામાં ફક્ત નૂર જ નિષ્ણાત હતા.”
15 વર્ષ પહેલાં અવસાન પામેલા નૂર મોહંમદ વુચ બનાવવાના નિષ્ણાત તરીકે શ્રીનગરમાં લાંબા સમયથી ખ્યાતિ ધરાવે છે. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારમાં અત્યારે જેટલા વુચ ચલણમાં છે તેમાંથી મોટાભાગના તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે. પરંતુ મિરજાનપુરામાં એક વર્કશોપમાં કામ કરતા યુવાન પુર્ઝગર ફિરોઝ અહમદ કહે છે કે પુર્ઝગરો ચિંતામાં છે કારણ કે, “નૂરે વુચ બનાવવાની કળા ફક્ત તેમના દીકરાને જ શીખવી હતી. તેમના દીકરાને વુચ બનાવવામાં કોઈ રસ નથી. તેઓ એક ખાનગી બેંકમાં નોકરી કરે છે, જ્યાં તેઓ આના કરતાં ઘણી સારી કમાણી કરે છે.”
વર્કશોપમાં અન્ય બાર પુર્ઝગરો સાથે કામ કરતા 30 વર્ષીય ફિરોઝ એક એવા વુચનો ઉપયોગ કરી રહ્યા છે જેની પાછલા બે વર્ષથી બરાબર ધાર કાઢવામાં આવી નથી. તેઓ કહે છે, “પુર્ઝગરીમાં કોઈ વિકાસ નથી થયો. હું 10 વર્ષ પહેલા જેટલું કમાતો હતો હાલ પણ તેટલું જ કમાઈ રહ્યો છું.”
નઝીર અહમદ ભટ્ટ કહે છે, “હું છેલ્લા 40 વર્ષોથી પુર્ઝગર તરીકે કામ કરી રહ્યો છું, પરંતુ મેં આ વેપારમાં આટલો મુશ્કેલ સમય જોયો નથી. વીસ વર્ષ પહેલાં, મને એક શૉલ દીઠ 30 રૂપિયા મળતા હતા. હવે મને એ જ કામ બદલ 50 રૂપિયા મળે છે.” નઝીરની કલાકારીમાં વાર્ષિક ફક્ત એક રૂપિયાનો જ વધારો થયો છે.
પુર્ઝગરોની મુશ્કેલીઓ છેલ્લા એક દાયકામાં કાશ્મીરી શૉલના નિકાસના આંકડામાં થયેલા તીવ્ર ઘટાડામાં પ્રતિબિંબિત થાય છે. શ્રીનગર ખાતે રાજ્ય સરકારના હસ્તકળા અને હાથવણાટ વિભાગના અધિકારીઓએ પારી સાથે શેર કરેલા આંકડાઓ મુજબ, તેનું નિકાસ બજાર 2012-13માં 620 કરોડથી ઘટીને 2021-22માં 165.98 કરોડ થઈ ગયું છે.
બે મહિના સુધી નિયમિતપણે ઉપયોગ કર્યા પછી વુચને તેજ કરવાની જરૂર પડે છે. ધંધામાં આવી મંદીના સમયે, અમુક જ લુહારો આ કળા શીખવાની તૈયારી બતાવે છે.
ત્રણ પેઢીઓથી પુર્ઝગરી કરતા પરિવારમાંથી આવતા નઝીર કહે છે, “પુર્ઝગરોને પોતે વુચ કઈ રીતે બનાવવી કે કઈ રીતે તેની ધાર કાઢવી તે ખબર નથી.” જો કે, કેટલાક પુર્ઝગરો ધારદાર કિનારી વાળા સપાટ ઓજારોની મદદથી વુચને ધાર આપવાની કોશિશ કરે છે. પરંતુ, નઝીર ઉમેરે છે કે તેનાથી સંતોષકારક પરિણામ નથી આવતું.
તેઓ કહે છે, “અમે ગમે કામ ચલાવી લઈએ છીએ.”
વર્કશોપમાં નઝીરની બાજુમાં બેઠેલા આશિક અહમદ તેમણે પકડેલા વુચની ધાર તરફ ઈશારો કરતાં કહે છે, “જુઓ, આ વુચ પણ તેજ નથી.” તેઓ ઉમેરે છે, “હું એક દિવસમાં ભાગ્યે જ 2-3 શૉલ પર કામ કરી શકું છું. હું એક દિવસમાં વધુમાં વધુ 200 રૂપિયા કમાઈ શકું છું.” બુઠ્ઠા વુચથી કામ કરવાથી શૉલ સાફ કરવામાં વધારે સમય લાગે છે. આશિક સમજાવે છે કે, ધારદાર વુચ હોય તો તેમના કામની ઝડપ અને ચોકસાઈ વધશે, જેનાથી તેઓ વધુ કમાણી કરી શકશે – લગભગ 500 રૂપિયા જેટલી.
આશરે 40 x 80 ઇંચની સાદી પશ્મિના શૉલ માટે, પુર્ઝગરો પ્રતિ નંગ 50 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એક નકશીકામ કરેલ શૉલ, જેને સ્થાનિક રીતે ‘કાની’ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં તેમને લગભગ 200 રૂપિયા કમાણી થાય છે.
આમાંની કેટલીક સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે તેમના હસ્તકલા અને હાથવણાટ વિભાગ હેઠળ પુર્ઝગરોની નોંધણી કરવાની પહેલ શરૂ કરી હતી. આ વિભાગના નિયામક મહમૂદ અહમદ શાહ કહે છે કે આ વર્ષે માર્ચ-એપ્રિલ દરમિયાન થનાર “નોંધણીથી પુર્ઝગરોને સરળતાથી નાણાકીય સહાય મેળવવામાં મદદ મળશે.”
આ નોંધણી વધુ સારા દિવસોનું વચન આપે છે, ત્યારે પુર્ઝગારો હાલમાં ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ઘણા યુવાન પુર્ઝગારોને ચિંતા છે કે તેઓ તેમની હસ્તકલાથી ગુજારો કરી શકાય તેવી સ્થિર આવક મેળવી શકશે નહીં. ફિરોઝ કહે છે, “તક મળે તો હું કોઈ બીજો વ્યવસાય અપનાવી લઈશ.” તેમના એક સહકર્મી ઉમેરે છે, “શું તમે માની શકો છો કે હું 45 વર્ષની ઉંમરે લગ્ન કરી રહ્યો છું? આટલી ઓછી કમાણી કરનાર પુર્ઝગર સાથે કોઈ લગ્ન કરવાય માંગતું નથી. વેપાર બદલવો જ હિતાવહ છે.”
62 વર્ષીય ફયાઝ અહમદ શાલા વાતમાં જોડાઈને કહે છે, “તે એટલું સરળ નથી.” તેઓ બે યુવાન પુર્ઝગરોની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. તેઓ 12 વર્ષની વયના હતા ત્યારથી પુર્ઝગારીનું કામ કરતા ફયાઝ જ્યારે વાત કરે છે ત્યારે તેમની વાતોમાં ભૂતકાળની ઝંખના જોવા મળે છે. “મને આ કૌશલ્ય મારા પિતા હબીબુલ્લાહ શાલા પાસેથી વારસામાં મળ્યું છે. હકીકતમાં, શ્રીનગરના મોટાભાગના પુર્ઝગરોએ મારા પિતા પાસેથી જ આ કારીગરી શીખી છે.”
બધી અનિશ્ચિતતાઓ હોવા છતાંય, ફયાઝ પુર્ઝગરી છોડવા માગતા નથી. તેઓ કોઈ બીજો વ્યવસાય અપનાવવાની વાતોને ફગાવતાં કહે છે, “મને બીજા કામકાજ વિષે કંઈ વધારે જાણકારી નથી.” તેઓ એક નાજુક પશ્મિના શૉલ પરથી ગાંઠો દૂર કરતી વખતે હસીને કહે છે, “પુર્ઝગરી જ એક એવું કામ છે જે મને આવડે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ