તે રાત્રે જ્યારે વિક્રમ ઘેર પાછો ન આવ્યો ત્યારે તેની માતા પ્રિયાને ચિંતા નહોતી થઈ. તે કામઠીપુરાની બીજી ગલીમાં ઘરવાળીના મકાનમાં કામ કરતો હતો અને સામાન્ય રીતે રાત્રે 2 વાગ્યે અથવા ક્યારેક જો તેના કામના સ્થળે સૂઈ ગયો હોય તો બીજે દિવસે સવારે ઘેર પાછો જતો.
તેણે (પ્રિયાએ) તેને (વિક્રમને) ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે બીજે દિવસે, 8 મી ઓગસ્ટે, સાંજ સુધી તે પાછો ન ફર્યો ત્યારે તે ચિંતિત થઈ ગઈ. તેણે મધ્ય મુંબઈના નજીકના નાગપડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યક્તિની ફરિયાદ નોંધાવી. બીજે દિવસે સવારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. પ્રિયા કહે છે, "તે મુંબઈ સેન્ટ્રલના એક મોલ પાસે એક ફૂટબ્રિજ નજીક જોવા મળ્યો હતો."
તેની ચિંતા વધતી ગઈ. તે વિચારતી, “કોઈ તેને ઊઠાવી ગયું હશે તો? તેને આ નવી બીમારી [કોવિડ] થઈ હશે? " તે કહે છે, "આ વિસ્તારમાં કોઈને શું થાય છે તેની કોઈને કંઈ પડી નથી."
જો કે વિક્રમ તો તેની પોતાની મુસાફરીએ ચાલી નીકળ્યો હતો, જેનું તેણે અગાઉથી આયોજન કર્યુ હતું. દેહ વિક્રયનો વ્યવસાય કરતી 30 વર્ષની તેની માતા લોકડાઉન દરમિયાન કામ કરી શકતી નહોતી, અને વિક્રમ તેની કથળતી જતી આર્થિક સ્થિતિ અને વધતી જતી ઉધારીનો સાક્ષી હતો. તેની નવ વર્ષની બહેન રિદ્ધિ નજીકની મદનપુરા સ્થિત છાત્રાલયમાંથી ઘેર પાછી આવી હતી, અને પરિવાર એનજીઓ દ્વારા વિતરણ કરાયેલી રેશન કીટ પર નભતો હતો. (આ અહેવાલના બધા નામો બદલ્યા છે.)
અને માર્ચમાં લોકડાઉનની સાથોસાથ વિક્રમની ભાયખલ્લાની મ્યુનિસિપલ શાળા પણ બંધ થઈ ગઈ. તેથી 15 વર્ષના વિક્રમે નાના મોટા છૂટક કામ કરવાનું શરૂ કર્યું.
પરિવારને રાંધવા માટે રોજેરોજ 60-80 રુપિયાના કેરોસીનની જરૂર રહેતી. કામઠીપુરામાં નાનકડી ઓરડીનું ભાડુ ચૂકવવાના તેમને ફાંફા પડતા હતા. તેમને દવાઓ માટે, અને પહેલાના ઉછીના લીધેલા પૈસા ચૂકવવા માટે પૈસાની જરૂર હતી. પ્રિયા તેના ગ્રાહકો અથવા સ્થાનિક લોકો પાસેથી વધુ ને વધુ પૈસા ઉછીના લેતી રહી. એક શાહુકાર પાસેથી ઉછીની લીધેલી રકમ કેટલાક વર્ષોમાં વ્યાજ સાથે વધતા વધતા 62000 રૂપિયા થઈ ગઈ હતી. અને તે તેમાંની અડધી રકમ જ ચૂકવી શકી છે, છેલ્લા છથી ય વધુ મહિનાથી તે ઘરવાળી (મકાનમાલિક અને કોઠાવાળી મેડમ) ને 6000 રુપિયાના માસિક ભાડામાંથી ય અડધી રકમ જ ચૂકવી શકી છે , ઉપરાંત આશરે 7000 તેની પાસેથી ઉછીના લીધા છે.દેહ વિક્રયથી થતી આવકનો આધાર તે કેટલા દિવસ કામ કરે છે તેની ઉપર છે અને લોકડાઉન પહેલા તે દિવસના 500 થી 1000 રુપિયા કમાતી. પ્રિયા કહે છે, “એ આવક ક્યારેય નિયમિત નહોતી. જો રિદ્ધિ છાત્રાલયમાંથી પાછી આવી હોય, અથવા હું બિમાર હોઉં, તો હું રજા લેતી.” આ ઉપરાંત અવારનવાર થતી પીડાદાયક પેટની બીમારીને લીધે તે ઘણી વાર કામ કરી શકતી નથી.
લોકડાઉન શરૂ થયાના થોડા સમય પછી, કોઈ કોન્ટ્રાક્ટર તેને બાંધકામના સ્થળોએ દાડિયા કામ માટે લઈ જશે એ આશાએ વિક્રમ કામઠીપુરાની તેમની ગલીના વેરાન ખૂણે ઊભો રહેતો. ક્યારેક તે ટાઇલ્સ ફીટ કરતો, ક્યારેક વાંસના પાલખ બાંધતો અથવા ટ્રકમાં માલસામાન ભરતો. અને સામાન્ય રીતે દિવસના 200 રુપિયા કમાતો. એક વાર તેને બેવડી પાળી માટે વધારેમાં વધારે 900 રુપિયા મળ્યા હતા. પરંતુ આ કામ માંડ એક-બે દિવસ ટકતા.
તેણે નજીકના લત્તામાં રસ્તાઓ પર છત્રીઓ અને માસ્ક વેચવાનો પણ પ્રયત્ન કર્યો. તે લગભગ એકાદ કિલોમીટર દૂર નળ બજાર સુધી ચાલતો જઈને અગાઉની કમાણીમાંથી જથ્થાબંધ ભાવે વસ્તુઓ ખરીદતો. જો પૈસા ખૂટે તો તે સ્થાનિક ધીરધાર કરનાર પાસેથી અથવા તેની માતા પાસેથી પૈસા લેતો. એક દુકાનદારે તેને કમિશન પર ઇયરફોન વેચવાનું કહ્યું. વિક્રમ કહે છે, “પણ હું કમાણી ન કરી શક્યો."
તેણે રસ્તા પર બેસી રહેલા ટેક્સી ડ્રાઇવરો અને બીજા લોકોને ચા વેચવાનો પ્રયત્ન કર્યો. “જ્યારે બીજું કંઈ ચાલ્યું નહિ ત્યાર મારા મિત્રને આ વિચાર સૂઝ્યો. તે ચા બનાવતો અને હું મિલ્ટન થર્મોસ બોટલમાં ચા ભરીને આજુબાજુ વેચવા જતો. ” એક કપના 5 રુપિયા જેમાંથી તેને 2 રુપિયા મળતા, અને તેને દિવસના 60 થી 100 રુપિયા કમાણી થતી.
તેણે કામઠીપુરાના રહેવાસીઓ અને મુલાકાતીઓને સ્થાનિક દારૂની દુકાનમાંથી બિયરની બોટલો, અને ગુટખા (તમાકુનું મિશ્રણ) ના પેકેટો પણ વેચ્યા હતા - જ્યારે લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હતી ત્યારે તેની માગ રહેતી, અને ખાસ્સો નફો કમાઈ શકાતો. પરંતુ, ઘણાં નાના છોકરાઓ એ વેચવાનો પ્રયત્ન કરતા હતા એટલે , સ્પર્ધા મુશ્કેલ હતી અને સ્થિર આવક નહોતી, અને વિક્રમને ડર હતો કે તેની માતાને તે શું કરતો હતો એની ખબર પડી જશે.
આખરે, વિક્રમે ઘરવાળી માટે કામ કરવાનું શરુ કર્યું, મકાનમાં રહેતી મહિલાઓને સફાઇ કરી આપવાનું અને કરિયાણું લાવી આપવાનું શરુ કર્યું. તે દર બે દિવસે 300 રૂપિયા કમાતો પરંતુ આ કામ પણ સતત નહોતું રહેતું.આ બધું કરવાથી વિક્રમ મહામારીને કારણે મજૂરીમાં ધકેલાઈ ગયેલા બાળ કામદારોની સેનામાં જોડાયો હતો. કોવિડ -19 અને બાળ મજૂરી: ઘેરા સંકટનો ઓછાયો, આઈએલઓ અને યુનિસેફ એ કામે લાગવાનો સમય શીર્ષક હેઠળનો જૂન 2020 નો એક અભ્યાસ-લેખ ભારતને એવા દેશોની યાદીમાં મૂકે છે જ્યાં મહામારીમાં માતાપિતાની બેરોજગારીના આર્થિક આંચકાને કારણે બાળકો મદદ માટે આગળ આવ્યા છે. અભ્યાસ-લેખ નોંધે છે કે, "લઘુતમ કાનૂની વયથી નીચેના બાળકો અનૌપચારિક અને ઘરેલુ નોકરીમાં રોજગાર મેળવી શકે છે, જ્યાં તેઓ બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો સહિત જોખમી અને શોષણકારક કામના ગંભીર જોખમોનો સામનો કરે છે."
લોકડાઉન પછી પ્રિયાએ પણ નોકરી શોધવાની કોશિશ કરી અને ઓગસ્ટમાં તેને કામઠીપુરામાં ઘરેલુ નોકર તરીકેનું કામ મળ્યું. તેને દિવસના 50 રુપિયા મળતા. પરંતુ તે કામ માત્ર એક મહિનો જ ચાલ્યું.
એ પછી 7 મી ઓગસ્ટે વિક્રમને તેની સાથે ઝગડો થયો. તેમની વચ્ચે બોલાચાલી થઈ કારણ કે વિક્રમ કામ પછી ઘરવાળીના ઓરડાઓ પર સૂઈ રહે એવું પ્રિયા ઈચ્છતી નહોતી. નજીકમાં જ એક સગીર પર થયેલા તાજેતરના જાતીય હુમલા પછી તે પહેલેથી ચિંતિત હતી, અને રિદ્ધિને છાત્રાલયમાં પાછી મોકલવા માગતી હતી (જુઓ, ‘Everyone knows what happens here to girls’ ).
તે બપોરે વિક્રમે ઘર છોડીને જતા રહેવાનું નક્કી કર્યું. તે કેટલાક સમયથી તેનું આયોજન કરતો જ હતો, પરંતુ તેની માતા સાથે તે વિશે વાત કર્યા પછી જવાનો હતો. તે કહે છે, તે દિવસે, "હું ગુસ્સામાં હતો અને મેં જતા રહેવાનું નક્કી કર્યું." તેણે એક મિત્ર પાસેથી સાંભળ્યું હતું કે અમદાવાદમાં ખૂબ પૈસા મળી રહે એવા કામના વિકલ્પો છે.
એટલે તેના નાના જિઓ ફોન અને ખિસ્સામાં 100 રુપિયા સાથે 7 મી ઓગસ્ટ સાંજે લગભગ 7 વાગ્યે તે ગુજરાત જવા નીકળ્યો.
તેણે પોતાના માટે ગુટખાના પાંચ પેકેટ, અને હાજીઅલી પાસે એક ગ્લાસ ફ્રૂટ જ્યુસ અને થોડી ખાવાની વસ્તુઓ ખરીદવા તેમાંના અડધાથી વધુ પૈસા વાપરી નાખ્યા. ત્યાંથી વિક્રમ ચાલ્યો. તેણે રસ્તે જતા વાહનવાળાને હાથ બતાવીને રોકીને તેમના વાહનમાં સવારી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ રોકાયું નહીં. વચ્ચે, તે હજી બાકી રહેલા થોડા પૈસા, 30-40 રુપિયામાંથી, ટિકિટ લઈ ટૂંકા અંતર માટે બીઈએસટીની બસમાં ચઢી ગયો. 8 મી ઓગસ્ટે બપોરે 2 વાગ્યા સુધીમાં થાકેલોપાકેલો 15 વર્ષનો છોકરો વિરાર નજીક એક ધાબા પર પહોંચ્યો અને ત્યાં રાત ગાળી. તેણે લગભગ 78 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
ધાબાના માલિકે તે ઘેરથી ભાગી ગયો છે કે કેમ તે પૂછ્યું. વિક્રમ જુઠ્ઠું બોલ્યો કે તે અનાથ હતો અને નોકરી માટે અમદાવાદ જતો હતો. “ધાબાવાળા ભૈયાએ મને ઘેર પાછા ફરવાની સલાહ આપી, તેમણે કહ્યું કે મને કોઈ નોકરી નહિ આપે, અને કોરોના દરમિયાન અમદાવાદ પહોંચવું મુશ્કેલ હતું.” તેમણે વિક્રમને થોડી ચા અને પૌંઆ અને 70 રુપિયા આપ્યા. વિક્રમ કહે છે, "મને ઘેર પાછા જતા રહેવાનો વિચાર તો આવ્યો પણ મારે થોડુંઘણું કમાઈને પાછા જવું હતું."તે આગળ ચાલ્યો અને એક પેટ્રોલ પંપ પાસે તેણે થોડી ટ્રક જોઈ. તેણે પોતાને ટ્રકમાં બેસાડીને લઈ જવાની માગણી કરી, પરંતુ કોઈ તેને મફતમાં લઈ જવા માટે તૈયાર થયું નહીં. "એવી ઘણી બસો હતી જેમાં થોડા પરિવારો બેઠા હતા, પરંતુ હું મુંબઈ [જ્યાં ઘણા કોવિડ કેસ નોંધાયા હતા ત્યાં] થી આવું છું એ જાણ્યા પછી કોઈએ મને અંદર પેસવા ન દીધો." વિક્રમે ઘણાને વિનંતી કરી જોઈ. આખરે એક ટેમ્પો ચાલાક તૈયાર થયો. "તે એકલો હતો, તેણે હું બીમાર છું કે કેમ એ પૂછ્યું અને મેં ના કહ્યા પછી એ મને અંદર લઈ ગયો." ડ્રાઇવરે પણ કિશોરને સાવધ કર્યો કે તેને કામ મળવાની શક્યતા નથી. "તે વાપીથી આગળ જતો હતો એટલે મને ત્યાં છોડી દેવા તૈયાર થયો."
9 મી ઓગસ્ટ સવારે 7 વાગ્યાની આસપાસ તે - મુંબઇ સેન્ટ્રલથી લગભગ 185 કિલોમીટર દૂર - ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી પહોંચ્યો. ત્યાંથી વિક્રમને અમદાવાદ જવું હતું. તે બપોરે તેણે કોઈકના ફોન પરથી તેની માતાને કોલ કર્યો. તેના પોતાના ફોનની બેટરી ખલાસ થઈ ગઈ હતી અને કોઈ કોલ-ટાઇમ પણ બાકી નહોતો. તેણે પ્રિયાને કહ્યું કે તે ઠીક છે અને વાપીમાં છે, અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
દરમિયાન મુંબઇમાં પ્રિયા નિયમિતપણે નાગપડા પોલીસ સ્ટેશન જતી હતી. તે યાદ કરે છે , "પોલીસે મને બેદરકારી માટે દોષી ઠેરવી, મારા કામ અંગે ટિપ્પણી કરી, અને કહ્યું કે તે પોતે જ ચાલ્યો ગયો છે અને થોડા વખતમાં પાછો ફરશે."
વિક્રમના ટૂંકા કોલ પછી તેણે ચિંતાથી વળતો કોલ કર્યો. પરંતુ ફોનના માલિકે જવાબ આપ્યો. “તેણે કહ્યું કે તે વિક્રમ સાથે નથી અને તેને ખબર નથી કે તે ક્યાં હતો. તે વિક્રમને હાઈવે પર ચાના ગલ્લે મળ્યો હતો અને કોલ કરવા પોતાનો ફોન તેને આપ્યો હતો. ”
9 મી ઓગસ્ટે રાત્રે વિક્રમ વાપી રોકાયો. “મારાથી મોટો એક છોકરો એક નાનકડી હોટલની ચોકી કરતો હતો. મેં તેને કહ્યું કે હું કામ માટે અમદાવાદ જાઉં છું અને મારે ક્યાંક સૂઈ જવું છે. તેણે કહ્યું કે અહીં આ હોટલમાં રોકાઈ જા અને કામ કર, તે મલિક સાથે વાત કરશે.”
માતાને પહેલો કોલ કર્યાના ચાર દિવસ પછી 13 મી ઓગસ્ટે સવારે 3:00 વાગ્યે વિક્રમે બીજો કોલ કર્યો. તેણે (વિક્રમે) તેને (પ્રિયાને) કહ્યું કે તેને વાપીમાં એક વીશીમાં ડીશો ધોવાની અને ખાવાના ઓર્ડર લેવાની નોકરી મળી છે. પ્રિયા એ સવારે તરત નાગપડા પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરવા ગઈ, પરંતુ તેને જાતે જઈને તેના દીકરાને લઈ આવવાનું કહેવામાં આવ્યું.
તે સાંજે પ્રિયા અને રિદ્ધિએ વિક્રમને પાછો લાવવા માટે મુંબઈ સેન્ટ્રલથી વાપી સુધીની ટ્રેન લીધી. આ માટે પ્રિયાએ ઘરવાળી અને સ્થાનિક ધીરધાર કરનાર પાસેથી 2000 રૂપિયા ઉછીના લીધા. ટ્રેનની ટિકિટની કિંમત વ્યક્તિદીઠ 400 રુપિયા હતી.
પ્રિયા પોતાના દીકરાને પાછો લાવવા સંકલ્પબદ્ધ હતી. તે (પ્રિયા) કહે છે કે તે ઈચ્છતી નહોતી કે પોતાની જેમ વિક્રમ પણ લક્ષ્યહીન જીવન જીવે. વિક્રમ હાલ જે ઉંમરનો છે, લગભગ એ જ ઉંમરે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલા પોતાને ઘેરથી ભાગી ગયેલી પ્રિયા કહે છે કે, “હું પણ ભાગી હતી અને હવે હું આ કીચડમાં છું. હું ઈચ્છું છું કે તે ભણે.''
દારૂડિયા પિતા, જે કારખાના કામદાર હતા અને જેમને તેને (પ્રિયાને) માટે કોઈ ખાસ પ્રેમ કે લાગણી નહોતા (તે બે વર્ષની હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી), સંબંધીઓ જે તેને માર મારતા હતા અને તે 12 વર્ષની હતી ત્યારે તેના લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, અને એક પુરુષ સંબંધી જેણે તેની છેડતી કરવાનું શરૂ કર્યું હતું એ બધાથી તે ભાગી છૂટી હતી. તે કહે છે, “મેં સાંભળ્યું હતું કે મને મુંબઈમાં કામ મળી શકશે".
એક ટ્રેનમાંથી છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ઉતર્યા પછી આખરે પ્રિયાને મદનપુરામાં ઘરેલુ નોકર તરીકે કામ મળ્યું. તેને મહિને 400 રુપિયા અને એ પરિવાર સાથે રહેવાનું મળતું . સમય જતાં, તે કેટલાક મહિનાઓ સુધી દક્ષિણ મુંબઈના રે રોડ પર ભાડાના રૂમમાં કરિયાણાની દુકાનના એક કામદાર સાથે રહેતી હતી. તે (પ્રિયા) કહે છે કે પછીથી તે ગાયબ થઈ ગયો હતો. તેણે (પ્રિયાએ) રસ્તા પર રહેવાનું શરૂ કર્યું અને તેને ખ્યાલ આવ્યો કે તે ગર્ભવતી છે. "હું ભીખ માગીને નિભાવતી હતી." (2005 માં જેજે હોસ્પિટલમાં) વિક્રમનો જન્મ થયા પછી પણ તે ફૂટપાથ પર રહેતી હતી. “એક રાત્રે હું એક ધંધાવાળીને મળી જેણે મને ખાવાનું આપ્યું. તેણે સમજાવ્યું કે મારે એક બાળકને પોષવાનું છે, અને મારે આ ધંધામાં જોડાવું જોઈએ. ” ઘણી બધી શંકા-કુશંકા સાથે પ્રિયા સંમત થઈ.
ક્યારેક તે કામઠીપુરામાં રહેતી કર્ણાટકના બીજાપુરની કેટલીક મહિલાઓ સાથે તે બીજાપુરમાં દેહવિક્રય માટે જતી. આવી જ એક સફરમાં, તેમણે એક પુરુષ સાથે તેનો પરિચય કરાવ્યો. "તેમણે કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે અને મારી ને મારા દીકરાની જિંદગી સુધરી જશે." તેઓએ ગુપ્ત ‘લગ્ન’ કર્યા અને 6-7 મહિના સુધી તે તેની સાથે રહી, પરંતુ તે પછી તેના(તે માણસના) પરિવારે તેને (પ્રિયાને) કાઢી મૂકી. પ્રિયા કહે છે, “તે સમયે રિદ્ધિનો જન્મ થવાનો હતો તેને (પ્રિયાને) પછીથી સમજાયું કે તે માણસ ખોટું નામ વાપરે છે અને તે પરણેલો છે, અને એ મહિલાઓએ તેને તે માણસને 'વેચી' દીધી હતી.
2011 માં રિદ્ધિનો જન્મ થયા પછી, પ્રિયાએ વિક્રમને અમરાવતી સ્થિત એક સંબંધીના ઘેર મોકલી દીધો. "તે મોટો થઈ રહ્યો હતો અને આ વિસ્તારમાં આજુબાજુ જે બનતું હતું તે જોતો હતો ..." પરંતુ તેઓ તેને ખરાબ વર્તણૂંક માટે મારે છે એમ કહી છોકરો ત્યાંથી પણ ભાગી ગયો. “અમે તે વખતે પણ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પછી, તે પાછો ફર્યો." વિક્રમ એક ટ્રેનમાં દાદર સ્ટેશન પહોંચ્યો હતો, અને ખાલી ટ્રેનના ડબ્બામાં રહ્યો હતો અને બીજા તેને ભિખારી માની જે કંઈ આપતા તે ખાતો હતો.
તે 8-9 વર્ષનો હતો ત્યારે તેને મધ્ય મુંબઈના ડોંગરી સ્થિત કિશોર ગૃહમાં એક અઠવાડિયા માટે ‘રખડુ’ તરીકે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. તે પછી, પ્રિયાએ તેને એક સખાવતી સંસ્થા દ્વારા સંચાલિત અંધેરીની છાત્રાલય-અને-શાળામાં મોકલ્યો, જ્યાં તે 6ઠ્ઠા ધોરણ સુધી ભણ્યો.
પ્રિયા કહે છે, “વિક્રમ હંમેશા મુશ્કેલીમાં મૂકાય છે. મારે તેનું વધારે ધ્યાન રાખવું પડશે." તે (પ્રિયા) ઈચ્છતી હતી કે તે (વિક્રમ) અંધેરીના છાત્રાલયમાં રહે (જ્યાં તેને કેટલીક વાર સલાહકાર પાસે પણ લઈ જવામાં આવ્યો હતો), પરંતુ એક સુરક્ષા કર્મચારીને મારીને તે ત્યાંથી પણ ભાગી ગયો હતો. 2018 માં, તેણે (પ્રિયાએ) તેને (વિક્રમને) ભાયખલ્લાની મ્યુનિસિપલ શાળામાં 7 મા ધોરણમાં પ્રવેશ અપાવ્યો અને તે કામઠીપુરા પાછો આવ્યો.
ગેરવર્તણૂંક બદલ અને બીજા છોકરાઓ સાથે ઝઘડા કરવા બદલ વિક્રમને ભાયખલ્લા શાળામાંથી પણ વચ્ચે વચ્ચે કાઢી મૂકવામાં આવ્યો છે. પ્રિયા કહે છે, “જ્યારે વિદ્યાર્થીઓ અને આસપાસના લોકો તેને મારા કામ વિશે ચીડવે છે ત્યારે તેને ગમતું નથી. તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.” તે સામાન્ય રીતે કોઈને પણ તેના પરિવાર વિશે કહેતો નથી, અને શાળામાં મિત્રો બનાવવાનું તેને માટે મુશ્કેલ છે. વિક્રમ કહે છે, "તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે અને જાણીકરીને એ વિષે [મારી માતાના વ્યવસાય વિષે] ની વાત શરુ કરે છે."
જો કે તે તેજસ્વી વિદ્યાર્થી છે, સામાન્ય રીતે તે 90 % જેવા ગુણાંક મેળવે છે. પરંતુ તેની 7 મા ધોરણની માર્કશીટ બતાવે છે કે ક્યારેક તે મહિનામાં માંડ ત્રણ દિવસ શાળાએ જતો હતો. તે કહે છે કે તે જાતે અભ્યાસ કરીને તેના સહાધ્યાયીઓ સાથે રહી શકે છે અને તેને ભણવું છે. નવેમ્બર 2020 ની શરૂઆતમાં, તેને તેની 8 મા ધોરણની (શૈક્ષણિક વર્ષ 2019-20 ની) માર્કશીટ મળી અને તેણે સાત વિષયોમાં એ ગ્રેડ મેળવ્યો છે, અને બાકીના બેમાં બી.
વિક્રમ કહે છે, “મારા [કામઠીપુરાના] ઘણા મિત્રો ભણવાનું છોડી દે છે અને કામ કરે છે. કેટલાકને ભણવામાં કોઈ રસ નથી, તેમને લાગે છે કમાવું વધારે સારું કારણ કે તેઓ બચત કરી શકે અને ધંધો શરૂ કરી શકે.” (કોલકતાના રેડ-લાઇટ વિસ્તારોમાં રહેતા બાળકો અંગેનો 2010 નો એક અભ્યાસ અધવચ્ચે ભણવાનું છોડી દેતા બાળકોની ટકાવારી આશરે 40 ટકા જેટલી નોંધે છે અને નિર્દેશ કરે છે કે "આ નોંધ શાળામાં ઓછી હાજરી રેડ-લાઇટ વિસ્તારોમાં રહેતા બાળકો માટે સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે એ કમનસીબ/કડવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે.")
અમે વાત કરીએ છીએ ત્યારે વિક્રમ ગુટખાની પડીકી ખોલે છે. તે કહે છે, “માને ના કહેશો.” પહેલાં તે ધૂમ્રપાન કરતો અને ક્યારેક ક્યારેક દારૂ પણ પીતો હતો, પણ તે કડવો લાગતા પીવાનું બંધ કર્યું, પરંતુ તે કહે છે, “હું ગુટખાની ટેવ છોડી શકતો નથી. મેં ચાખવા માટે એક વાર લીધું અને ખબરે ય ન પડી કે ક્યારે તેની ટેવ પડી ગઈ. ” ક્યારેક ક્યારેક પ્રિયાએ તેને (ગુટખા) ચાવતા પકડ્યો હતો અને માર માર્યો હતો.
પ્રિયા કહે છે, “અહીં બાળકો બધી ખોટી આદતોના શિકાર બને છે, તેથી જ હું તેમને છાત્રાલયમાં ભણાવવા માગું છું. રિદ્ધિ પણ લિપસ્ટિક લગાડવાનો પ્રયત્ન કરીને કે પછી અહીંની મહિલાઓની ચાલનું અનુકરણ કરીને તેમની નકલ કરે છે. અહીં તમને રોજેરોજ માત્ર મારવું, લડવું-ઝગડવું એ જ જોવા મળશે."
લોકડાઉન પહેલા વિક્રમ બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી શાળામાં હોય, અને સાંજે 7 વાગતા સુધીમાં એક રાત્રિ-કેન્દ્રમાં અને આ વિસ્તારમાં એક એનજીઓ દ્વારા જ્યારે બાળકોની માતા કામ પર હોય ત્યારે ચલાવવામાં આવતા વર્ગોમાં હોય. તે પછી તે કાં તો ઘરે પાછો ફરતો - તેની માતાની ઘરાકને મળતી તે ઓરડીની બાજુમાં લાંબા સાંકડા પેસેજમાં ઊંઘી જતો - અથવા ક્યારેક રાત્રિ આશ્રયસ્થાનમાં રોકાઈ જતો.
લોકડાઉન શરુ થતાં તેની બહેન પણ ઘેર આવી ગઈ એટલે તેમની ઓરડી, જેને તે “ટ્રેન કા ડબ્બા” તરીકે વર્ણવે છે, ત્યાં સંકડાશ વધી. તેથી તે રાતના સમયે ક્યારેક રસ્તા પર રખડતો અથવા જ્યાં કામ મળે ત્યાં રોકાતો. માંડ 10x10 ફુટનો લિવિંગ રૂમ 4x6 ફુટના ત્રણ લંબચોરસ બોક્સમાં વહેંચાયેલો છે, દરેકમાં એક ભાડૂત - દેહ વિક્રયનો વ્યવસાય કરતી મહિલા એકલી અથવા તેના કુટુંબ સાથે - રહે છે. મહિલાઓની કામ કરવાની જગ્યા પણ સામાન્ય રીતે આ ઓરડીઓ જ હોય છે.
પ્રિયા અને તેની બહેન સાથે 14 મી ઓગસ્ટે વાપીથી ટ્રેનમાં પાછા આવ્યા બાદ બીજા જ દિવસે વિક્રમ કામ શોધતો નજીકના નાકા ઊભો હતો. ત્યાર પછી તેણે શાકભાજી વેચવાનો પ્રયત્ન કર્યો છે, બાંધકામના સ્થળોએ કામ કર્યું છે, બોરીઓ ઊંચકી છે.
તેની માતા વિક્રમની શાળામાંથી ફોન કે કાગળ આવે તેની રાહ જોતી હતી, અને ઓનલાઇન વર્ગો ક્યારે શરૂ થયા તે જાણતી નહોતી. તેની (વિક્રમની) પાસે સ્માર્ટફોન નથી અને જો કદાચ હોત તો પણ , હાલ તો તેનો સમય કામ કરવામાં જાય છે, અને વર્ગો માટે ઇન્ટરનેટ જોડાણ માટે પરિવારને પૈસાની જરૂર પડશે. વળી પ્રિયા કહે છે તેની લાંબી ગેરહાજરીને કારણે શાળાએ તેના પત્રકમાંથી તેનું નામ કાઢી નાખ્યું છે.
જો વિક્રમ કામ કરવાનું ચાલુ રાખે તો કદાચ તે ભણવાનું છોડી દેશે એ ડરથી તેને (વિક્રમને) છાત્રાલય-શાળામાં મોકલવામાં મદદ કરવા તેણે (પ્રિયાએ) ડોંગરીની બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક સાધ્યો છે. અરજી પર કામ ચાલુ છે. જો અરજી મંજૂર થાય તો પણ તે એક શૈક્ષણિક વર્ષ (2020-21) ગુમાવશે. “હું ઇચ્છું છું કે તે ભણે અને એકવાર શાળા શરૂ થાય પછી કામ ન કરે. પ્રિયા કહે છે કે તેણે રખડુ ન બનવું જોઈએ.રિદ્ધિને દાદરની એક છાત્રાલય-શાળામાં પ્રવેશ મળ્યો, અને નવેમ્બરના મધ્યમાં તેને ત્યાં લઈ જવામાં આવી. દીકરીના ગયા પછી ક્યારેક કયારેક અને પેટનો દુખાવો ઓછો હોય, કામ થઈ શકે તેમ હોય ત્યારે પ્રિયાએ દેહ વિક્રયનું કામ ફરી શરુ કર્યું છે.
વિક્રમને રસોઈ કરવી ગમે છે, તે વીશીનો વડો રસોઈયો બનવાનું કામ અજમાવવા માગે છે. તે કહે છે, "મેં કોઈને કહ્યું નથી, તેઓ કહેશે "ક્યા લડકિયોં કા કામ હૈ." તેની મોટી યોજના દેહ વિક્રયનો વ્યવસાય કરતી જે મહિલાઓ કામઠીપુરાથી બહાર જવા માગતી હોય તેમને તેમાં મદદ કરવાની છે. તે કહે છે, “હું તેમને ખવડાવી શકું અને પછીથી દરેકને માટે તેઓ ખરેખર કરવા માગતા હોય એવું કામ શોધી શકું એ માટે મારે ઘણું કમાવું પડશે. ઘણા લોકો કહે છે કે તેઓ અહીંની મહિલાઓને મદદ કરશે, પરંતુ તમે ઘણી નવી દીદીઓને આ વિસ્તારમાં આવતા જોશો, બળજબરીનો અને ખરાબ બાબતો [જાતીય શોષણ] નો શિકાર બનેલ ઘણાને અહીં ફેંકી દેવાય છે. કોણ અહીં પોતાની મરજીથી આવે છે? અને કોણ તેમને રક્ષણ આપે છે. ”
ઓક્ટોબરમાં વિક્રમ ફરીથી વાપીની એ જ વીશીમાં ગયો. તેણે બે અઠવાડિયા બપોરથી મધરાત સુધી ડીશો, જમીન, ટેબલો વિગેરે સાફ કરવાનું કામ કર્યું. તેને દિવસમાં બે ટંક ભોજન અને સાંજે એક વારની ચા મળી. નવમા દિવસે તેને એક સહકાર્યકર સાથે ઝઘડો થયો, બંનેએ એકબીજાને માર માર્યો . બે અઠવાડિયા માટે નક્કી કરાયેલ 3000 રુપિયાને બદલે તેને 2000 રુપિયા મળ્યા અને ઓક્ટોબરના અંતમાં તે ઘેર પાછો ફર્યો.
હવે તે ઉછીની લીધેલી સાયકલ પર મુંબઈ સેન્ટ્રલની આસપાસની સ્થાનિક વીશીમાંથી પાર્સલ પહોંચાડે છે. ક્યારેક તે કામઠીપુરામાં ફોટો સ્ટુડિયોમાં પણ કામ કરે છે અને પેન ડ્રાઇવ્સ અને એસડી કાર્ડ પહોંચાડે છે. તેની નજીવી કમાણી કરે છે.
પ્રિયા ટૂંક સમયમાં છાત્રાલયમાંથી ફોન કે કાગળ આવશે એવું માને છે, અને તેનો તોફાની અને પરેશાન દીકરો ત્યાંથી પણ ભાગી ન જાય એવું ઈચ્છે છે. વિક્રમ ફરીથી શાળાએ જવા સંમત થઈ ગયો છે, પરંતુ તે પોતાની માતાને મદદ કરવા કામ કરવાનું પણ ચાલુ રાખવા માગે છે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક