ઔચિત મ્હાત્રે તેના વર્ગખંડમાં એકમાત્ર વિદ્યાર્થી તરીકે રહેવાની ટેવાયેલો હતો. પરંતુ આખી શાળામાં બાકી રહેલા છેલ્લા વિદ્યાર્થી તરીકે રહેવાનું તેના માટે ચોક્કસપણે નવું હતું.
મહામારીને કારણે લગભગ 18 મહિના શાળા બંધ રહ્યા પછી ગયા વર્ષે 4 થી ઑક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ 12-વર્ષનો ઔચિત વર્ગખંડમાં પ્રવેશ્યો ત્યારે આવું જ બન્યું હતું. શાળાના ત્રણેય ઓરડા સાવ ખાલી હતા. ખુરશી પર મૂકેલા મહાત્મા ગાંધીના ફ્રેમ કરેલા ફોટોગ્રાફની બાજુમાં બેસીને માત્ર તેના એક શિક્ષક જ તેની રાહ જોતા હતા.
2015 માં ઔચિત જ્યારે લગભગ છ વર્ષનો હતો અને તેણે 1 લા ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ તેની સાથે બીજા કોઈ સહાધ્યાયી નહોતા. તે કહે છે, "ફક્ત મીચ હોતો [હું એકલો જ હતો]." તે તેની શાળામાં પ્રવેશ મેળવનાર છેલ્લો વિદ્યાર્થી પણ હતો - જેમાં તે વખતે હજી પણ લગભગ 25 બીજા વિદ્યાર્થીઓ હતા. તેઓ ઘારાપુરી ગામના ત્રણ કસ્બાઓ - મોરાબંદર, રાજબંદર અને શેતબંદર - માંથી હતા - જ્યાં લગભગ 1100 લોકો રહે છે. ઘારાપુરી ટાપુ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે એલિફન્ટાની ગુફાઓ માટે જાણીતું છે. દક્ષિણ મુંબઈના ગેટવે વે ઑફ ઈન્ડિયાથી બોટ દ્વારા અહીં પહોંચવામાં લગભગ એક કલાક લાગે છે
ઔચિતની 1 થી 7 ધોરણ સુધીના વર્ગો સાથેની જિલ્લા પરિષદ (ઝેડપી) શાળામાં દસ વર્ષ કરતાં વધુ સમય પહેલા 55-60 જેટલા વિદ્યાર્થીઓ હતા. વર્ષો જતા (વિદ્યાર્થીઓની) સંખ્યા ઘટવા લાગી, અને 2019 સુધીમાં માત્ર 13 વિદ્યાર્થીઓ બાકી રહ્યા. માર્ચ 2020 સુધીમાં આ સંખ્યા ઘટીને સાત થઈ ગઈ. અને 2020-21 ના શૈક્ષણિક વર્ષ સુધીમાં, ત્રણ વિદ્યાર્થીઓએ 7 મું ધોરણ પૂરું કર્યું અને બે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી ત્યારે, (શાળામાં) ફક્ત બે જ (વિદ્યાર્થીઓ) રહ્યા - ઔચિત 6 ઠ્ઠા ધોરણમાં અને ગૌરી મ્હાત્રે 7 મા ધોરણમાં . ગૌરી કહે છે, "અહીં બરોબર ભણાવતા નહોતા. એટલે જ બધા છોડીને જવા લાગ્યા."
વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા તેના ઘણા કારણો છે - શાળાના ભૌગોલિક સ્થાન અને અંતરને કારણે અહીં આવવા ન ઈચ્છતા શિક્ષકોને લીધે શિક્ષકોની અનિશ્ચિત સંખ્યા, ટાપુ પરની નબળી માળખાકીય સુવિધાઓ, ઓછી આવક અને મર્યાદિત કામના વિકલ્પો સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારો, અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવાની તેમની જરૂરિયાત અને વિદ્યાર્થીઓ તેમની મરાઠી-માધ્યમની ઘારાપુરી શાળા છોડીને (બીજી શાળામાં) જાય ત્યારે આગળના અભ્યાસ સાથે જોડાયેલા (માધ્યમ-સંબંધિત) સંઘર્ષો.
પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે પણ આ ઝેડપી શાળામાં વીજળીનું કે પાણીનું જોડાણ નહોતું. ગ્રામજનો ભૂતકાળની વાત યાદ કરે છે - લગભગ વર્ષ 2000 ની આસપાસથી ઘારાપુરીમાં જનરેટરની મદદથી સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વીજળી પૂરી પાડવામાં આવતી હતી, અને છેક 2018 માં સ્થિર વીજ પુરવઠો મળ્યો, (અને 2019 સુધીમાં પાણીના જોડાણની લાઈનોમાં પણ સુધારો થયો.)
તેમ છતાં લાંબા સમય સુધી શાળાએ ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. 2014-15 ની આસપાસ એક કોમ્પ્યુટર અને લેપટોપ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા (જે માત્ર સાંજના વીજળીના કલાકો દરમિયાન જ ચાર્જ થઈ શકતા). આ કોમ્પ્યુટર અને લેપટોપ હવે વર્ગખંડમાં વાપર્યા વિનાના પડી રહ્યા છે. શિક્ષક રાણ્યા કુવાર કહે છે, "[અમારા ફોનના ઈન્ટરનેટનો ઉપયોગ કરીને] અમે યૂટ્યૂબ (YouTube) દ્વારા ગીતો, ગણિત શીખવવા માટે થોડા સમય માટે આનો ઉપયોગ કર્યો." શિક્ષક રાણ્યા કુવાર એ વર્ગખંડમાં બેઠા છે જ્યાં ઔચિત એક માત્ર વિદ્યાર્થી છે.
જ્યારે (આ શાળામાં) ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ત્યારે પણ ફક્ત ત્રણ શિક્ષકો જ 1 થી 7 ધોરણ સુધીના તમામ વિષયો ભણાવવાનું કામ કરતા, ક્યારેક (તમામ બાળકો માટે) સત્રો એક જ વર્ગખંડમાં લેવાતા, કેટલાક (વિદ્યાર્થીઓ) વર્ગખંડની બહાર કે બહારના નાના ખુલ્લા મેદાનમાં બેસતા.
વર્ષોથી ઘણા ઓછા શિક્ષકો એવા છે જે ટાપુ પર રોજેરોજ મુસાફરી કરવા તૈયાર હોય. તેઓને દરરોજ બોટ દ્વારા ઘારાપુરી જવું પડે, જે માટે ઉરણ તાલુકાના બીજા ગામોથી લગભગ 30 મિનિટનો સમય લાગે – ત્યાં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. વરસાદની મોસમ દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર સુધી) ભારે વરસાદ અને ભરતીને કારણે વર્ગો વધુ અનિયમિત થઈ જાય છે. ઘારાપુરીમાં નથી કોઈ રેશનની દુકાનો, બેંકો કે તબીબી કેન્દ્રો - આ સુવિધાઓનો અભાવ પણ શિક્ષકોની અનિચ્છામાં વધારો કરે છે, અને વારંવાર બદલીઓ થતી રહી છે.
14 વર્ષની ગૌરી કહે છે, “ભાગ્યે જ કોઈ શિક્ષકો એવા હશે જે અહીં થોડા મહિના કરતાં વધુ સમય માટે ટક્યા હોય. દરેકની શીખવવાની પદ્ધતિ અલગ-અલગ હતી અને તેમની પદ્ધતિઓથી ટેવાતા અમને સમય લાગતો હતો."
(પોતાની પત્ની સુરેખા સાથે) 52 વર્ષના રાણ્યાએ અને તેમના જેવા બીજા કેટલાક લોકોએ માસિક ભાડા પેટે 500 રુપિયા ચૂકવીને ગામમાં જ રહેવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના અને 2016 ની મધ્યમાં ઘારાપુરીમાં ભણાવવાનું શરૂ કરનાર રાણ્યા કહે છે, “અમે આટલા લાંબા સમય સુધી અહીં રહીશું એવું આયોજન નહોતું. મને કહેવામાં આવ્યું હતું કે મારી આ નિમણૂંક એક વર્ષ માટે છે." 2019 માં દિવાળીની આસપાસ તેમને લકવો થયો અને તબીબી સારવાર માટે જવું પડ્યું. ઑગસ્ટ 2020 માં તેઓ પાછા ફર્યા ત્યારે શાળામાં માત્ર ઔચિત અને ગૌરી જ રહ્યા હતા. તે મહિને ભણાવવા માટે માત્ર રાણ્યા જ રહ્યા હતા ત્યારે (ઝેડપી કાર્યાલય દ્વારા) અંશ-સમય માટે કામ કરવા બીજા શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી.
3 જી સપ્ટેમ્બર 2021ના રોજ રાયગઢ જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગ દ્વારા ઘારાપુરી ગામના સરપંચ બલિરામ ઠાકુરને નોટિસ મોકલીને જણાવવામાંઆવ્યું કે આ શાળાને બંધ કરી દેવામાં આવે (કારણ કે ત્યાં સુધીમાં તેમાં માત્ર એક જ વિદ્યાર્થી રહ્યો હતો, ઔચિત) અને સૂચના આપવામાં આવી કે બાકી રહેલા કોઈપણ વિદ્યાર્થીઓને (ઉરણમાં) નજીકની શાળાઓમાં ખસેડવામાં આવે.
બલિરામે શાળા ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો. તેઓ કહે છે, “એક પણ વિદ્યાર્થી હોય ત્યાં સુધી હું શાળા બંધ ન કરી શકું. અમારો મામલો અલગ છે... અમારું ગામ જ્યાં આવેલું છે અને નજીકમાં બીજી કોઈ શાળાઓ નથી." તેઓ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ , 2009 નો ઉલ્લેખ કરે છે, જે નોંધે છે કે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે એક કિલોમીટરના અંતરમાં અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ત્રણ કિલોમીટરની અંદર રાજ્ય-સંચાલિત શાળા ઉપલબ્ધ હોવી જોઈએ.
બલિરામ ઉમેરે છે, “શિક્ષણની જરૂરિયાતે અહીંના પરિવારોને (આ ગામમાંથી) સ્થળાંતર કરવાની ફરજ પાડી છે જેથી તેમના બાળકો [ઉરણમાં] બીજી શાળાઓમાં જઈ શકે. જો અમારા ગામમાં [શાળાની] ગુણવત્તા સુધારવા માટે મદદ મળી હોત તો ચોક્કસપણે માતાપિતાએ (આ ગામ) છોડ્યું ન હોત.”
ટાપુ પરના વિદ્યાર્થીઓ લાંબા સમયથી શિક્ષણ માટે ઉરણ તાલુકાના બીજા ગામોમાં અથવા નવી મુંબઈમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક (વિદ્યાર્થીઓ) ત્યાં સંબંધીઓ સાથે રહે છે, અથવા આખો પરિવાર સ્થળાંતર કરે છે અને ભાડાના રૂમમાં રહે છે. મુંબઈ પણ નજીકમાં છે, પરંતુ અહીંના વિકલ્પો ઘારાપુરીના પરિવારો માટે ખૂબ મોંઘા પડે તેમ છે. તેમાંના મોટા ભાગના પરિવારો (ઓબીસી - અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ) અગ્રી કોળી સમુદાયના છે, અને પ્રવાસીઓને ટોપીઓ, સનગ્લાસિસ, સંભારણાં અને બીજી વસ્તુઓ વેચતી ટાપુ પરની નાની હાટડીઓ પર અથવા ગુફાઓમાં પ્રવાસન-સંબંધિત બીજી નોકરીઓ પર આધાર રાખે છે.
ઔચિતના માતા 38 વર્ષના વિનંતિ મ્હાત્રે કહે છે, “સ્થળાંતરના ખર્ચમાં માત્ર શાળાની ફી જ નહીં પણ ડિપોઝિટ, ભાડું અને બીજી જરૂરિયાતોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત માતા-પિતાએ નોકરી શોધવી પડે છે. અમે સ્થળાંતર કરી શકતા નથી, અમે કમાઈએ શી રીતે? બની શકે તો હું ઔચિતને છાત્રાલયમાં મોકલવા માંગુ છું. અહીંની માધ્યમિક શાળા બંધ થઈ ગઈ છે અને લોકડાઉનને કારણે [મહિનાઓથી] અમારી આવક બંધ છે.”
વિનંતિ અને તેના પતિ 42 વર્ષના નીતિન જેટીથી એલિફન્ટાની ગુફાઓ તરફ જતા 120 પગથિયાં પર કામચલાઉ હાટડી ચલાવે છે. માર્ચ 2020 માં લોકડાઉન શરૂ થયું તે પહેલાં તેઓ દર મહિને 6000-7000 રુપિયા કમાઈ લેતા. મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડા સાથે વેચાણમાં ઘટાડો થયો અને હવે એટલી જ રકમ કમાતા તેઓને ઘણા મહિનાઓ લાગે છે. 2019 માં (ગુફાઓનું વ્યવસ્થાપન સાંભળતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ સાથે સંકળાયેલા) ઠેકેદારો દ્વારા સ્મારકની સફાઈ માટે 12000 રુપિયાના માસિક પગારે નીતિનની નિમણૂક કરવામાં આવી હતી. તે જ વર્ષે તેમના મોટા દીકરા 18 વર્ષના આદિત્યએ ગામની માધ્યમિક શાળામાં 10 મું ધોરણ પૂરું કર્યું, અને નીતિનના પગારથી તેને આગળ અભ્યાસ કરવા ઉરણ જવા માટે મદદ મળી. (નીતિન કહે છે કે માર્ચ 2022માં ચૂકવણીના વિવાદોને કારણે તેમણે (સ્મારકની) સફાઈની નોકરી ગુમાવી દીધી હતી.)
ઘારાપુરીમાં જ્યાં આદિત્ય અભ્યાસ કરે છે તે ધોરણ 8 થી 10 માટે મરાઠી માધ્યમની કેઈએસ માધ્યમિક શાળા નફાના હેતુ વિના કામ કરતી કોંકણ એજ્યુકેશન સોસાયટી દ્વારા 1995 માં શરૂ કરવામાં આવી હતી. ગામના એક આંગણવાડી કાર્યકર 40 વર્ષના સુવર્ણા કોળી (ગામમાં) માધ્યમિક શાળા શરુ થઈ ત્યારનો તેમનો ઉત્સાહ યાદ કરે છે:
તેઓ કહે છે, "[1992માં] મેં 7 મું ધોરણ પૂરું કર્યું એ પછી આગળ ભણવા માટે (ગામમાં) કોઈ શાળા નહોતી. અમારા માતાપિતા પાસે અમારા માટે બે જ વિકલ્પો હતા - કાં તો લગ્ન કરાવી દેવા અથવા દુકાનમાં કામ કરાવવું." સુવર્ણાના માતા ગામના ફૂડ સ્ટોલમાં રસોઈયા તરીકે કામ કરતા હતા અને તેમના પિતા ખેતી કરતા હતા અને સરપંચને મદદ કરતા હતા. સુવર્ણા નર્સ બનવા માંગતા હતા, અને તેઓ તે લક્ષ્ય હાંસલ કરી શક્યા ન હતા તેમ છતાં તેઓ હસીને કહે છે: "ઓછામાં ઓછું [1998 માં] મેં 10 મું ધોરણ તો પૂરું કર્યું," અને તે પણ ઉચ્ચ ગુણાંક સાથે.
એક સમયે કોઈ જ પ્રકારની ફી વિનાના કેઈએસ માધ્યમિક વિદ્યાલયમાં ચાર શિક્ષકોએ લગભગ 30 વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. તેમાંના એક (શિક્ષક) હતા નવનીત કાંબલે. તેમણે ઘારાપુરીમાં જે 12 વર્ષ ભણાવ્યું તેમાંથી છ વર્ષ તેઓ ગામમાં જ રહ્યા. લગ્ન કર્યા બાદ તેઓ ઉરણથી બોટમાં મુસાફરી કરતા. તેઓ કહે છે, "જે વિદ્યાર્થીઓ આઠમા ધોરણમાં પ્રવેશ લેતા હતા તેઓને [તેમના અનિયમિત ઝેડપી શાળા શિક્ષણને કારણે] અભ્યાસમાં ઘણી મુશ્કેલી પડતી હતી, અને ઘણાને (ભણવામાં) રસ નહોતો."
ધીમે ધીમે માધ્યમિક શાળામાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. શાળાને ભંડોળ માટે સંઘર્ષ કરવો પડ્યો, અને (શાળાએ) દર વર્ષે એક પછી એક વર્ગ બંધ કરવાનું શરૂ કર્યું - 2018 માં ધોરણ 8 થી શરૂ કરીને, 2019 માં ધોરણ 9 અને છેલ્લે 2020 માં ધોરણ 10.
માધ્યમિક શાળાનું બંધ થવું અને માંડ-માંડ ચાલતી ઝેડપી શાળા એ (ગ્રામીણ) શિક્ષણની વાર્ષિક સ્થિતિ અહેવાલ ( ઓક્ટોબર 2020) ની ભલામણથી વિપરીત દિશામાં થયેલા ફેરફાર છે: અહેવાલ સૂચવે છે કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વંચિત સમુદાયના બાળકોને લોકડાઉન પછી વધુ મદદની જરૂર છે.
આંગણવાડી કાર્યકર સુવર્ણા કોળી અને એક સહકર્મી 0-6 વર્ષની વય મર્યાદામાં આવતા 40 બાળકો માટે ઘારાપુરીમાં આંગણવાડી વર્ગો ચલાવવાનું ચાલુ રાખે છે ત્યારે 6-14 વર્ષની વય જૂથના 21 બાળકોમાંથી એક પણ બાળકનું નામ ટાપુની જિલ્લા પરિષદ શાળામાં નોંધાયેલ નથી. (કોળી અને રાણ્યા અને સુરેખા કુવાર દ્વારા હાથ ધરાયેલ અલગ-અલગ સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓના આ આંકડા સંકલિત કરવામાં આવ્યા હતા). ઝેડપી શાળાના કથળતા જતા સ્તરને જોતાં અને (વખત જતાં) તે (શાળાઓ) બંધ થઈ જશે એ ધારણાથી વર્ષોથી ઘારાપુરીના વાલીઓ તેમના બાળકોને ઉરણની બીજી શાળાઓમાં દાખલ કરી રહ્યા છે.
માધ્યમિક શાળા બંધ થઈ ગઈ ત્યારે હજી પણ ઝેડપી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા બંધ થવાનો અર્થ એ હતો કે 7 મા ધોરણ પછી તેમને કલ્પેશ મ્હાત્રે (ડાબે) ની જેમ ઘારાપુરી છોડવું પડશે, 16 વર્ષના કલ્પેશ મ્હાત્રેએ ન્હાવા ગામની એક શાળામાં પ્રવેશ લીધો હતો, અને પછી અધવચ્ચે જ શાળા છોડી દીધી હતી. તેઓ કહે છે, "બસ, નહીં હો રહા થા [મારાથી નહોતું પહોંચી વળાતું]." ત્યારબાદ કલ્પેશે ટાપુ પર કુર્સીવાલા તરીકે કામ કરવાનું શરૂ કર્યું - તેઓ અને બીજા ત્રણ લોકો મળીને પ્રવાસીઓને લાકડાની ખુરશી પર ગુફાઓ સુધી લઈ જાય છે. ચાર લોકોની ટીમ દિવસમાં આવી 3-4 ફેરી કરે છે, ફેરી દીઠ કુલ 300-500 રુપિયા કમાય છે.
જો કે ઘારાપુરીના કેટલાક વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવામાં સફળ થયા છે. ગૌરીની મોટી બહેન ભાવિકા મ્હાત્રેએ ગામની માધ્યમિક શાળામાં 2016માં 10 મું ધોરણ પૂરું કર્યું, પછી પનવેલમાં બીએની ડિગ્રી મેળવી. પરંતુ 2020 ની શરૂઆતમાં તેના માતા-પિતાનું અવસાન થયા પછી તે ઘારાપુરી પાછી ફરી, જ્યાં તે તેમની નાસ્તો અને ઘરેણાં વેચવાની હાટડી ચલાવે છે. ગૌરી હવે પનવેલમાં સગાં-સંબંધીઓ સાથે રહે છે, જ્યાં તે 8 મા ધોરણમાં ભણે છે.
20 વર્ષની ભાવિકા કહે છે, “આઈ અને બાબા [માતા અને પિતા] અમને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરતા. આઈએ 8 મા સુધી અભ્યાસ કર્યો હતો, તે આગળ ભણવા માગતી હતી પણ ન ભણી શકી, અને બાબા નૌકાદળમાં જોડાવા માગતા હતા પરંતુ તેમના પિતાનું અવસાન થયું તેથી તેમણે પરિવારની જવાબદારી ઉપાડી લીધી. તેઓ અમારી સાથે બેસીને અમને હિન્દી, ગણિત શીખવાડતા અને અમને બધું શીખવાનું કહેતા. તેઓ સ્વ-શિક્ષિત ચિત્રકાર હતા અને ગામડાના લગ્નોમાં ડીજેનું કામ કરતા હતા. તેમણે મને બીજા વર્ગોમાં પણ દાખલ કરાવી હતી... સીવણકામ, ટાઈપિંગ. તેઓ ઈચ્છતા હતા કે અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ અને IAS માટે અરજી કરીએ અથવા વકીલ બનીએ...”
પરંતુ ઘારાપુરીમાં શિક્ષણના માર્ગમાં આવતા અનેક અવરોધોને કારણે ભાવિકા જેવા થોડા લોકો જ આગળ અભ્યાસ કરી શકે છે. શિક્ષણ પર ઘરગથ્થુ સામાજિક વપરાશ (એનએસએસ 75 મું રાઉન્ડ, 2017-18) દર્શાવે છે કે ગ્રામીણ ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ વયના માત્ર 5.7 ટકા વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાનો અથવા તેનાથી આગળનો અભ્યાસ કર્યો હતો. ગ્રામીણ મહારાષ્ટ્રમાં આ આંકડા થોડા સારા હતા, પરંતુ હજી પણ માત્ર 12.5 ટકા જ સ્નાતક કક્ષા સુધીનો અથવા તેનાથી આગળનો અભ્યાસ કરે છે. મોજણી નોંધે છે કે શિક્ષણમાં રસનો અભાવ, અભ્યાસ અથવા શિક્ષણના માધ્યમને પહોંચી વળવામાં અસમર્થતા, શાળાનું અંતર, નાણાકીય મુશ્કેલીઓ અને ઘરેલુ અથવા આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે વિદ્યાર્થીઓ અધવચ્ચે અભ્યાસ છોડી દે છે.
તેમાંના એક ઘારાપુરીના સોનલ મ્હાત્રે છે, જેઓ હાલ 23 વર્ષના છે, જેમણે 2016 માં ઉરણમાં સગાં-સંબંધીઓ સાથે રહીને 12 મું ધોરણ પૂરું કર્યું હતું. પછી તેમના પરિવારની આછી-પાતળી આવકે તેમને ઘારાપુરી પાછા ફરવા મજબૂર કર્યા હતા - તેમની માતાની ચિપ્સ વેચવાની હાટડી છે અને તેમના પિતા ઉરણમાં બોટ પર કામ કરીને મહિને 5000 રુપિયા કમાય છે.
વિનય કોળીએ પણ 2019 માં ઉરણમાં 12 મા ધોરણ પછી તેનો અભ્યાસ છોડી દીધો હતો; તે અંશતઃ મરાઠી-માધ્યમ વાણિજ્ય પ્રવાહમાં હતો જ્યાં એકાઉન્ટ્સનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં ભણાવવામાં આવતો હતો. તે કહે છે, "શું લખ્યું છે તે સમજવામાં જ ઘણો સમય લાગતો હતો." જાન્યુઆરી 2020 માં તેણે એલિફન્ટાની ગુફાઓમાં 9000 રુપિયાના માસિક પગારે કરાર પર ટિકિટ કલેક્ટર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું હતું.
ઘારાપુરીના કેટલાક વિદ્યાર્થીઓ 12 મા ધોરણ પછી એક કે બે વર્ષ માટે ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, ટર્નર અને બીજા સમાન વ્યવસાયોની તાલીમ આપતા વ્યાવસાયિક અભ્યાસક્રમો પસંદ કરે છે. અહમદનગર સ્થિત શિક્ષણ કાર્યકર્તા અને શિક્ષક ભાઈસાહેબ ચાસ્કર નોંધે છે, "આવા અભ્યાસક્રમો [માત્ર] 'બ્લુ-કોલર' નોકરીઓ માટેની તકો પૂરી પાડે છે. જે લોકો ઉચ્ચ શિક્ષણના માર્ગ સુધી પહોંચી શકતા નથી તેઓ સામાન્ય રીતે વંચિત સમુદાયોમાંથી હોય છે.
ઘારાપુરી ટાપુ પર પ્રાથમિક શિક્ષણનો માર્ગ પણ હવે બંધ થઈ ગયો છે.
સપ્ટેમ્બર 2021 માં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે માળખાકીય સુવિધાઓ અને શિક્ષણનું સ્તર સુધારીને અને બીજા પગલાં લઈને રાજ્યની લગભગ 500 જિલ્લા પરિષદ શાળાઓને 'મોડલ શાળાઓ' માં પરિવર્તિત કરવામાં આવશે. આ માટેની પાત્રતાની આવશ્યકતાઓમાં સમાવેશ કરાયેલ બાબતો છે: "શાળાનું સ્થાન (ભૌગોલિક રીતે) કેન્દ્રિય હોવું જોઈએ અને સારી રોડ કનેક્ટિવિટી હોવી જોઈએ."
દેખીતી રીતે જ ઘારાપુરી આ માટે લાયકાત ઠરતું નથી. ઔચિતે આ વર્ષે 7 મું ધોરણ પૂરું કર્યું છે, અને શાળામાં બીજો કોઈ વિદ્યાર્થી રહ્યો નથી, ટાપુ પરની ઝેડપી શાળા એપ્રિલ મહિનાથી બંધ થઈ જશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક