જેઠાભાઈ રબારી કહે છે, “મહેરબાની કરીને તેમની બહુ નજીક ન જતા. તેઓ કદાચ ડરી જશે અને ભાગી જશે. પછી આ વિશાળ વિસ્તારમાં તેમની હિલચાલને કાબુમાં કરવાની તો વાત જ જવા દો પણ અહીં તેમને શોધવાનું કામ પણ મારા માટે ખૂબ કંટાળાજનક થઈ પડશે.”
અહીં આ વિચરતી જાતિના પશુપાલક જે ‘તેઓ’ અને ‘તેમને’ની વાત કરી રહ્યા છે તે કિંમતી ઊંટો છે. જે ખોરાકની શોધમાં આસપાસ તરે છે.
ઊંટો? તરે છે? ખરેખર?
હા, ભાઈ હા. જેઠાભાઈ જે ‘વિશાળ વિસ્તાર’ ની વાત કરી રહ્યા છે, તે દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય [મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરી – એમ.એન.પી. & એસ.] છે જે કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલું છે. અને અહીં, વિચરતા પશુપાલકોના સમુદાય દ્વારા ઉછેરવામાં આવતા ઊંટોના ટોળાઓ એક ટાપુથી બીજા ટાપુ સુધી તરીને તેમના આહાર માટે જરૂરી એવી ટાપૂઓ પરની દરીયાઈ વનસ્પતિની (એવિસેનિયા મરીના) શોધમાં નીકળે છે.
કારુ મેરુ જાટ કહે છે, “જો આ પ્રજાતિઓ લાંબા સમય સુધી દરિયાઈ વનસ્પતિ ન ખાય, તો તેઓ બીમાર થઈ શકે છે, નબળાં પડી શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. તેથી મરીન પાર્કની અંદર, અમારા ઊંટોનું ટોળું દરિયાઈ વનસ્પતિની શોધમાં ફરે છે.”
મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરીમાં ૪૨ ટાપુઓનો સમાવેશ થાય છે , જેમાંથી ૩૭ મરીન નેશનલ પાર્ક હેઠળ આવે છે અને ૫ અભયારણ્ય વિસ્તાર હેઠળ આવે છે. આ આખો પટો ગુજરાત રાજ્યમાં જામનગર, દેવભૂમિ દ્વારકા (જામનગરમાંથી ૨૦૧૩માં જુદું પડેલ) અને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા સુધી ફેલાયેલો છે.
મુસા જાટ કહે છે, “અમે બધા અહીં ઘણી પેઢીઓથી રહીએ છીએ.” કારુ મેરુની જેમ, તેઓ મરીન નેશનલ પાર્કમાં રહેતા ફકીરાણી જાટના સમુદાયના સભ્ય છે. મરીન નેશનલ પાર્કમાં તેમના જેવો એક વધુ એક સમુદાય રહે છે - ભોપા રબારીનો કે જેમની સાથે જેઠાભાઈ સંબંધ ધરાવે છે. બંને જૂથો પરંપરાગત રીતે પશુપાલકો છે, જેમને અહીં ‘માલધારી’ કહેવાય છે. ગુજરાતી ભાષામાં ‘માલ’ એટલે પ્રાણીઓ, અને ‘ધારી’ એટલે રક્ષક અથવા માલિક. સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, ઘેટા અને બકરા પાળે છે.
હું આ બન્ને જૂથોના સભ્યોને મળી રહ્યો છું જેઓ મરીન પાર્કની આસપાસના ગામડાઓમાં રહે છે જ્યાં લગભગ ૧,૨૦૦ લોકો વસવાટ કરે છે.
મુસા જાટ કહે છે, “અમે આ જમીનનું મૂલ્ય સમજીએ છીએ. આ જગ્યાને ૧૯૮૨માં મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી એના ઘણા સમય પહેલાં જામનગરના રાજાએ વર્ષો પહેલા અમને અહીં સ્થાયી થવા આમંત્રણ આપ્યું હતું.
ભુજમાં પશુપાલન કેન્દ્રનું સંચાલન કરતી બિનસરકારી સંસ્થા સહજીવનનાં ઋતુજા મિત્રા આ દાવાને સમર્થન આપતાં કહે છે, “એવું કહેવાય છે કે તે પ્રદેશના એક રાજકુમાર બંને કુળના જૂથોને તેમના નવા રચાયેલા રાજ્ય નવાનગરમાં લઈ ગયા હતા, જેને પાછળથી ‘જામનગર’ તરીકે ઓળખવામાં આવ્યું. અને ત્યારથી, તે પશુપાલકોના વંશજો આ જમીનો પર વસવાટ કરી રહ્યા છે.”
સહજીવનમાં વન અધિકાર અધિનિયમનાં રાજ્ય સંયોજક ઋતુજા કહે છે, “આ પ્રદેશોના કેટલાક ગામોના નામ પણ સૂચવે છે કે તેઓ લાંબા સમયથી અહીં છે. આવા જ એક ગામનું નામ ઊંટબેટ શામપર છે – જેનો અનુવાદ ‘ઊંટોનો ટાપુ’ થાય છે.”
આ ઉપરાંત, ઊંટો તરવાનું શીખ્યા છે તે માટે તેઓ અહીં ઘણા લાંબા સમયથી રહેતા હોવા જોઈએ. સસેક્સ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝનાં સંશોધક લૈલા મહેતા કહે છે : “જો ઊંટો દરિયાઈ વનસ્પતિ સાથે પરંપરાગત રીતે સહઅસ્તિત્વ ધરાવતા ન હોય, તો તેઓ તરતા શી રીતે હોય?”
ઋતુજા અમને જણાવે છે કે, મરીન નેશનલ પાર્કમાં લગભગ ૧,૧૮૪ ઊંટો ચરતા હશે. અને આ ઊંટો કુલ ૭૪ માલધારી પરિવારોની માલિકીના છે.
જામનગરની સ્થાપના ઇસવી સન ૧૫૪૦માં તત્કાલીન નવાનગર રજવાડાની રાજધાની તરીકે કરવામાં આવી હતી. માલધારીઓ કહે છે કે તેઓ ૧૭મી સદીમાં કોઈક સમયે અહીં આવ્યા હતા અને ત્યારથી અહીં જ છે.
તેઓ શા માટે “આ જમીનનું મૂલ્ય સમજે છે” તે સમજવું મુશ્કેલ નથી. ખાસ કરીને જો તમે વિચરતી જાતિના પશુપાલક હો, અહીંની નવાઈ પમાડે તેવી દરિયાઈ વિવિધતાને સમજતા હો, અને તેની સાથે જીવતા હો. ઉદ્યાનમાં પરવાળાના ખડકો, દરિયાઈ વનસ્પતિના જંગલો, રેતાળ દરિયાકિનારા, કાદવ, ખાડીઓ, ખડકાળ દરિયાકિનારો, દરિયાઈ ઘાસ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઈન્ડો-જર્મન બાયોડાયવર્સિટી પ્રોગ્રામ, (જી.આઇ.ઝેડ.) દ્વારા ૨૦૧૬માં પ્રકાશિત એક સંશોધન પેપરમાં જૈવવિસ્તારની વિશિષ્ટતા સારી પેઠે દર્શાવવામાં આવી છે. આ વિસ્તાર શેવાળની ૧૦૦થી વધુ પ્રજાતિઓ, જળચરોની ૭૦ પ્રજાતિઓ અને ૭૦થી વધુ જાતના સખત અને નરમ પરવાળાઓનું ઘર છે. તે ઉપરાંત ૨૦૦ જાતની માછલીઓ, ૨૭ જાતના ઝિંગા, ૩૦ જાતના કરચલા અને ચાર પ્રકારનું દરિયાઈ ઘાસ અહીં મળે છે.
અને તે અહીં સમાપ્ત નથી થતું. પેપરમાં નોંધ્યું છે તેમ: તમને અહીં દરિયાઈ કાચબા અને દરિયાઈ સસ્તન પ્રાણીઓની ત્રણ પ્રજાતિઓ, ૨૦૦થી વધુ પ્રકારનાં છીપલાં, ૯૦થી વધુ પ્રકારની ગોકળગાય, ૫૫ પ્રકારના ગેસ્ટ્રોપોડ્સ (ગોકળગાયની એક જાતિ) – અને પક્ષીઓની ૭૮ પ્રજાતિઓ પણ મળશે.
અહીં, ફકીરાણી જાટ અને રબારીઓ પેઢીઓથી ખારાઈ ઊંટ ચરાવતા આવ્યા છે. ગુજરાતીમાં ‘ખારાઈ’ નો અર્થ થાય છે ‘ખારું’. ખારાઈ ઊંટ એ એક એવી ખાસ જાતિ છે જેમણે તમે સામાન્ય રીતે ઊંટ સાથે સાંકળતા હો તેના કરતા ખૂબ જ અલગ વાતાવરણમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધ્યું છે. તેમના આહારમાં વિવિધ છોડ, ઝાડીઓનો તેમજ જેમ કારુ મેરુ જાટ આપણને કહે છે તેમ, ખૂબ જ અગત્યતા ધરાવતી દરિયાઈ વનસ્પતિનો સમાવેશ થાય છે.
આ પ્રાણીઓ, તરી શકે તેવી ઊંટોની એકમાત્ર પ્રજાતિ છે. તેમની સાથે એક ચોક્કસ માલધારી પરિવારમાંથી તેમના માલિકો પણ હોય છે. તેમાં સામાન્ય રીતે બે માલધારી માણસો હોય છે જેઓ ઊંટની સાથે તરતા હોય છે. કેટલીકવાર, તેમાંથી કોઇ એક પશુપાલક નાની હોડીનો ઉપયોગ ખોરાક અને પીવાનું પાણી લાવવા માટે અને ગામમાં પાછા ફરવા માટે પણ કરે છે. જ્યારે બીજો પશુપાલક પ્રાણીઓ સાથે ટાપુ પર રહે છે, જ્યાં તે હળવા ભોજનને ઊંટનું દૂધ મેળવે છે, જે તેમના સમુદાયના આહારનો આવશ્યક ભાગ છે.
માલધારીઓ માટે, જોકે, પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે. જેઠાભાઈ રબારી કહે છે, “અમારે પોતાને અને અમારા વ્યવસાયને ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. આ વિસ્તારમાંથી વધુને વધુ ભાગ વન વિભાગના નિયંત્રણ હેઠળ આવવાથી અમારું ચરવાનું મેદાન સંકોચાઈ ગયું છે. અગાઉ, અમે દરિયાઈ વનસ્પતિઓને સરળતથી મેળવી શકતા હતા. ૧૯૯૫થી, ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પછી ત્યાં મીઠાના ઢગલાઓ છે જેનાથી અમને તકલીફ પડે છે. આ ઉપરાંત, અહીં સ્થળાંતર માટે ભાગ્યે જ કોઈ અવકાશ બાકી છે. આ બધું જાણે કે ઓછું હોય તેમ – હવે અમે વધુ પડતી ચરાઈના આરોપોનો સામનો કરી રહ્યા છીએ. પણ તે કેવી રીતે શક્ય છે?”
ઋતુજા મિત્રા, જેમણે લાંબા સમયથી આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ પર કામ કર્યું છે, તેઓ પશુપાલકોના દાવાને સમર્થન આપતા કહે છે, “જો કોઈ ઊંટની ચરાઈ [અથવા તેના ફરવાની] ભાત જુએ, તો જાણવા મળશે કે તેઓ છોડને ઉપરથી કાપવાનું વલણ ધરાવે છે, જે વાસ્તવમાં તેના પુનર્જીવનમાં મદદ કરે છે! મરીન નેશનલ પાર્કના ટાપુઓ હંમેશા લુપ્તતાને આરે રહેલા ખારાઈ ઊંટો માટે એક પસંદગીની જગ્યા રહ્યા છે, જેઓ ખોરાક માટે દરિયાઈ વનસ્પતિ અને તેમની સહયોગી પ્રજાતિઓ પર આધારિત છે.”
વન વિભાગની માન્યતાઓ આનાથી વિપરિત છે. તેમણે પ્રકાશિત કરેલા કેટલાક પેપરો અને કેટલાક વિદ્વાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પેપરોમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ઊંટની ફરવાની ભાત પરથી ‘વધુ પડતી ચરાઈ’ ને સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.
૨૦૧૬ના એક સંશોધન પેપરમાં દર્શાવવામાં આવ્યું છે તેમ, દરિયાઈ વનસ્પતિમાં થયેલ ઘટાડા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. તેમાં ધોવાણને ઔદ્યોગિકીકરણ અને અન્ય પરિબળો સાથે જોડવામાં આવ્યું છે. તે ક્યાંય પણ માલધારીઓ અને તેમના ઊંટો પર તે આવરણના ધોવાણનો દોષનો ટોપલો ઢોળતું નથી.
તે બહુવિધ પરિબળો નોંધપાત્ર છે.
આ પ્રાણીઓ, તરી શકે તેવી ઊંટોની એકમાત્ર પ્રજાતિ છે. તેમની સાથે એક ચોક્કસ માલધારી પરિવારમાંથી તેમના માલિકો પણ હોય છે
જામનગર અને આજુબાજુના વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકાથી ઘણું ઔદ્યોગિકીકરણ જોવા મળ્યું છે. ઋતુજા જણાવે છે, “આ વિસ્તારોમાં મીઠાના ઉદ્યોગો, તેલ માટેના બંધ, અને અન્ય ઔદ્યોગિકીકરણની અસર જોવા મળી રહી છે. તેમને તેમ લાભ માટે જમીન આંચક્વામાં ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે – પરંતુ પશુપાલકોના નિર્વાહ માટે કરવામાં આવતા જમીનના ઉપયોગની વાત આવે ત્યારે તે વિભાગ સંરક્ષણવાદી બની જાય છે. જે, આકસ્મિક રીતે, બંધારણના અનુચ્છેદ ૧૯(જી) ની વિરુદ્ધમાં છે, જે ‘કોઈપણ વ્યવસાય, અથવા કોઈપણ ધંધો, વેપાર અથવા વ્યવસાય કરવાના’ અધિકારની ખાતરી આપે છે.”
મરીન નેશનલ પાર્કમાં પશુપાલકોને ચારવા દેવા પર પ્રતિબંધ હોઈ, ઊંટોના પશુપાલકોને વારંવાર વન વિભાગ તરફથી હેરાનગતિનો સામનો કરવો પડે છે. આદમ જાટ એવા પીડિત માલધારીઓમાંના એક છે. “થોડા વર્ષો પહેલાં, અહીં ઊંટો ચરાવવા બદલ વન અધિકારીઓએ મારી અટકાયત કરી હતી, અને ૨૦,૦૦૦ રૂ. નો દંડ કર્યો હતો.” અહીંના અન્ય પશુપાલકો પણ અમને આવા જ અનુભવો જણાવે છે.
ઋતુજા મિત્રા કહે છે, “કેન્દ્ર સરકારના ૨૦૦૬ના કાયદાથી હજુ પણ મદદ મળી નથી. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત હેઠળ, કલમ ૩(૧)(ડી) વિચરતી જાતિ કે પશુપાલક સમુદાયોને પરંપરાગત મોસમી સંસાધનોના ઉપયોગ અને ચરાઈ (સ્થાયી અને મોસમી સ્થળાંતર બન્ને માટે) માટે વન સુધી પહોંચવાનો હક પ્રદાન કરે છે.
ઋતુજા કહે છે કે વન અધિકાર અધિનિયમ હેઠળ કાગળ પર કંડારેલી વિવિધ જોગવાઈઓ બિન–કાર્યકારી રહી છે, “તેમ છતાં, આ માલધારીઓને ચરાવવા બદલ વનરક્ષકો દ્વારા નિયમિતપણે દંડ કરવામાં આવે છે, અને ઘણીવાર તેમણે ૨૦,૦૦૦ રૂ. થી લઈને ૬૦,૦૦૦ રૂ. આપવા પડે છે.”
પેઢીઓથી અહીં રહેતા અને આ જટિલ પટાને અન્ય કોઈ કરતાં વધુ સારી રીતે જાણતા પશુપાલકોના વિચારોનો સમાવેશ કર્યા વિના મેન્ગ્રોવના વિસ્તારને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવો નિરર્થક લાગે છે. જગાભાઈ રબારી કહે છે, “અમે આ જમીનને સમજીએ છીએ, જૈવવિવિધતા કેવી રીતે કામ કરે છે તે સમજીએ છીએ અને પ્રજાતિઓ, દરિયાઈ વનસ્પતિને બચાવવા માટે તેઓ જે સરકારી નીતિઓ બનાવે છે તેનો અમે વિરોધ પણ નથી કરતા.” અમે ફક્ત આટલું જ કહીએ છીએ: “મહેરબાની કરીને કોઈપણ નીતિઓ બનાવતા પહેલા અમને સાંભળો. અન્યથા આ વિસ્તારમાં રહેતા લગભગ ૧,૨૦૦ લોકોના જીવ જોખમમાં મુકાઈ જશે અને તે જ રીતે તે તમામ ઊંટોના જીવ પણ જોખમમાં મુકાઈ જશે.”
આ વાર્તાના અહેવાલ દરમિયાન તેમની જ્ઞાન અને મદદ માટે પત્રકાર સહજીવનના ઊંટ કાર્યક્રમના ભૂતપૂર્વ સંયોજક મહેન્દ્ર ભાનાનીનો આભાર માને છે.
રિટાયન મુખર્જી પશુપાલક અને વિચરતા સમુદાયો પર પશુપાલન કેન્દ્ર તરફથી મળેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન અન્વયે અહેવાલ આપે છે. આ કેન્દ્રએ આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ