ડૉ. બી.આર. આંબેડકર ભારતીય રાજકારણની ક્ષિતિજ પર ઉભરી આવ્યા એ પછી, શાહીરો, અને કવિ-ગાયકોએ મહારાષ્ટ્રના ખૂણેખૂણામાં તેમની ચળવળનો પ્રચાર અને પ્રસાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તેમણે તેમનું જીવન, તેમનો સંદેશ અને દલિત સંઘર્ષોમાં તેમની ભૂમિકા એવી ભાષામાં સમજાવી કે જેને બધા લોકો સમજી શકે. તેમણે જે ગીતો ગાયાં તે ગામડાઓમાં દલિતો માટે એકમાત્ર યુનિવર્સિટી બની ગયાં અને તેમના દ્વારા જ આગામી પેઢી બુદ્ધ અને આંબેડકરને જાણી શકી.
આત્મારામ સાલ્વે (૧૯૫૩-૧૯૯૧) શાહીરોના એ સમૂહમાંથી હતા કે જેમણે ૭૦ના દાયકામાં અશાંતીવાળા સમયમાં બાબાસાહેબના મિશન વિષે પુસ્તકોમાં વાંચ્યું હતું. સાલ્વેએ તેમનું જીવન ડૉ. આંબેડકર અને તેમના આઝાદીના સંદેશ માટે સમર્પિત કરી દીધું. તેમની જ્વલંત કવિતાએ બે દાયકા સુધી ચાલેલા નામાંતર આંદોલનને આકાર આપ્યો. નામાંતર આંદોલનનો ધ્યેય મરાઠવાડા યુનિવર્સિટીનું નામ ડૉ. આંબેડકરના નામ પર બદલવાનો હતો, જેનાથી મરાઠવાડા પ્રદેશ જાતિ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના ગામડાઓમાં કોઈ પણ સાધન વગર પગપાળા ચાલીને તેમના અવાજ, તેમના શબ્દો, અને તેમની શાહીરી દ્વારા સાલ્વેએ જુલ્મ સામે જ્ઞાનની મશાલ ઉઠાવી હતી. આત્મારામને ગાતા સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા હતા. તેઓ કહેતા, “જ્યારે યુનિવર્સિટીનું નામ સત્તાવાર રીતે બદલવામાં આવશે, ત્યારે હું યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની કમાન પર આંબેડકરનું નામ સુવર્ણ અક્ષરોમાં લખીશ.”
શાહીર આત્મારામ સાલ્વેના જ્વલંત શબ્દો મરાઠવાડાના દલિત યુવાનોને જાતિના અત્યાચાર સામેના તેમના સંઘર્ષમાં આજ સુધી પ્રેરણા આપે છે. બીડ જિલ્લાના ફૂલે પિંપલગાંવ ગામના ૨૭ વર્ષીય વિદ્યાર્થી સુમિત સાલ્વે કહે છે કે આત્મારામ તેમના માટે કેટલું મહત્વ ધરાવે છે તેનું વર્ણન કરવા માટે “એક આખી રાત અને આખો દિવસ પણ ઓછો પડે.” ડૉ. આંબેડકર અને આત્મારામ સાલ્વેને શ્રદ્ધાંજલિ આપતાં, સુમિત આત્મારામનું એક ઉત્તેજક ગીત રજૂ કરે છે, જે શ્રોતાઓને આંબેડકરના રસ્તાને અનુસરવા અને જૂની રીતિરિવાજ છોડી દેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમના શ્રોતાઓને “તમે ક્યાં સુધી તમારી જાતને વર્ષો જૂના ધાબળામાં લપેટી રાખશો?” પ્રશ્ન પૂછીને શાહીર આપણને યાદ અપાવે છે કે, "બંધારણને તેમનો સિદ્ધાંત બનાવીને, તમારા તારણહાર ભીમે ગુલામીની બેડીઓ તોડી નાખી હતી.” સુમિતને આ ગીત ગાતા સાંભળો.
બંધારણને તેમનો સિદ્ધાંત બનાવી
તમારા તારણહાર ભીમે
ગુલામીની બેડીઓ તોડી નાખી હતી
ક્યાં સુધી તારી જાતને વર્ષો
જૂના ધાબળામાં લપેટી રાખીશ?
તારું જીવન અસ્તવ્યસ્ત હતું
ભીમજીએ તને માણસ બનાવ્યો
મને સાંભળ,
ઓ
ભાઈ
તારી દાઢી અને વાળ વધારવાનું
બંધ કર
રાનોબાના [એક
દેવીના]
અંધભક્ત
ક્યાં સુધી તારી જાતને વર્ષો
જૂના ધાબળામાં લપેટી રાખીશ?
ધાબળામાં ચાર વર્ણોના રંગો હતા
ભીમે તેને બાળી નાખીને તેને
લાચાર બનાવી દીધો
તું બુધ્ધા નગરીમાં રહે છે
પણ બીજે ક્યાંક રહેવા માગે છે
ભીમવાડી [દલિત
લોકો]
સારા
દિવસો ક્યારે જોશે?
ક્યાં સુધી તારી જાતને વર્ષો
જૂના ધાબળામાં લપેટી રાખીશ?
તારા ધાબળામાંની જૂએ તારા અણઘડ
વાળને ચેપ લગાડ્યો છે
તું તારા ઘર અને મઠમાં
રાનોબાની પૂજા કરતો રહે છે
અજ્ઞાનતાનો માર્ગ છોડી દે
સાલ્વેને તારા ગુરુ માની લે
લોકોને છેતરવાનું છોડી દે
ક્યાં સુધી તારી જાતને વર્ષો
જૂના ધાબળામાં લપેટી રાખીશ?
આ વિડિયો પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયાના સહયોગથી ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ પ્રોગ્રામ હેઠળ અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટ ‘ઈન્ફ્લુએન્શીયલ શાહીર્સ, નરેટીવ્સ ફ્રોમ મરાઠવાડા’ નામના સંગ્રહનો એક ભાગ છે. નવી દિલ્હીના ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવનના આંશિક સમર્થનથી આ શક્ય બન્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ