કૂતરું ભસે છે. વાઘ ગરજે છે. લોકોની બૂમાબૂમના અવાજો સંભળાવા લાગે છે.

ચંદ્રપુરમાં તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ (ટીએટીઆર) થી આપણે માંડ 100 કિલોમીટર દૂર હોઈએ ત્યારે આવા અવાજો સંભળાય એમાં કંઈ નવાઈની વાત નથી.

નવાઈની વાત એ છે કે પ્રાણીઓ અને માનવીઓના આ અવાજો - આ કોલાહલ મંગી ગામમાં લાઉડસ્પીકરમાંથી આવતા રેકોર્ડેડ અવાજો છે. અહીં ગ્રામીણ વિદર્ભમાં કપાસ અને તુવેરના ખેતરની વચ્ચે વાંસના ડંડા પર મેગાફોન બાંધેલું છે અને તેને બેટરીથી ચાલતા જંતુનાશક સ્પ્રે-પંપ સાથે વાયરની મદદથી જોડેલું છે.

48 વર્ષના ખેડૂત સુરેશ રેંઘે જંગલી પ્રાણીઓને ડરાવવાના પ્રયાસરૂપે પોતે અજમાવેલી નવીનતમ યુક્તિ વિશે વાત કરતા કહે છે, "જો હું રાત્રે આ અલાર્મ ન વગાડું તો [નિશાચર પ્રાણીઓ] જંગલી ડુક્કર અથવા નીલગાય મારો પાક ખાઈ જાય. તેમને ખાસ કરીને તુર [તુવેર] અને ચણા ખૂબ ભાવે છે." અને પરિણામે આ પ્રાણીઓ ખેતરમાં ઘૂસીને પાક ખાઈ જાય તો ઉપજની દ્રષ્ટિએ ભારે નુકસાન પહોંચે છે.

જંગલી પ્રાણીઓને ખેતરમાં ઘૂસી જઈ પાકને બરબાદ કરતા અટકાવવામાં સૌર-ઊર્જા સંચાલિત વાડ કે ઈલેક્ટ્રિક વાડ બેમાંથી એકેય કામ ન લાગતા તેઓ આ ઉપકરણના ટુ-પિન પ્લગને બેટરી સંચાલિત સ્પ્રેઇંગ પંપના સોકેટમાં લગાવે છે. તરત જ જંગલી પ્રાણીઓના અવાજો અને લોકોની બૂમાબૂમના અવાજો હવામાં પડઘાવા લાગે છે.

Suresh Renghe, a farmer in Mangi village of Yavatmal district demonstrates the working of a farm alarm device used to frighten wild animals, mainly wild boar and blue bulls that enter fields and devour crops
PHOTO • Sudarshan Sakharkar
Suresh Renghe, a farmer in Mangi village of Yavatmal district demonstrates the working of a farm alarm device used to frighten wild animals, mainly wild boar and blue bulls that enter fields and devour crops
PHOTO • Sudarshan Sakharkar

યવતમાલ જિલ્લાના માંગી ગામના ખેડૂત સુરેશ રેંઘે, ખેતરોમાં ઘૂસી જઈને પાક ખાઈ જતા જંગલી પ્રાણીઓ, મુખ્યત્વે જંગલી ડુક્કર અને નીલ ગાયને ડરાવવા માટે ઉપયોગમાં લેવાતું ફાર્મ અલાર્મ ઉપકરણ કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે

Renghe uses a mobile-operated solar-powered device that rings noises all through the night to deter the marauding wild animals
PHOTO • Sudarshan Sakharkar

રેંઘે મોબાઇલથી ચાલતા સૌર-ઊર્જા સંચાલિત ઉપકરણનો ઉપયોગ કરે છે, આ ઉપકરણ ખેતરોમાં ઘૂસી જઈને પાકને બરબાદ કરનારા જંગલી પ્રાણીઓને રોકવા માટે આખી રાત અવાજ કરે છે

રેંઘેને ચિંતા છે તેમની 17 એકર ખેતીની જમીનની, તેમાં તેઓ કપાસ, ચણા, તુવેર, મરચાં, લીલા ચણા, સોયાબીન અને મગફળી ઉપરાંત બીજા વિવિધ પાક ઉગાડે છે.

ખેતરોમાં ઘૂસી જઈ પાકને બરબાદ કરતા જંગલી પ્રાણીઓના જોખમનો સામનો કરવા માટે સમગ્ર ગ્રામીણ વિદર્ભના સેંકડો ગામોમાં આ નવતર ફાર્મ અલાર્મ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

પરંતુ આ ફાર્મ અલાર્મ્સ માત્ર જંગલી પ્રાણીઓને જ ડરાવી દે છે એવું નથી, રેંઘે મશ્કરી કરતા કહે છે, "નિર્જન રસ્તાઓ પરથી પસાર થતા સાઈકલ-સવારો અને રાહદારીઓ ગભરાઈ ગયાના કિસ્સાઓ પણ છે," અને રેંઘેની આસપાસ ભેગા થયેલા ખેડૂતો ખડખડાટ હસી પડે છે.

માંગી ગામ ઝાડવા અને સાગના જંગલોથી ઘેરાયેલું છે. તે યવતમાલના રાલેગાંવ તાલુકામાં નાગપુર-પાંઢરકવડા હાઈવે નજીક આવેલું છે. તેની પૂર્વ સરહદે ટીએટીઆર આવેલું છે, મહારાષ્ટ્રના 315 વાઘમાંથી 82 વાઘ અહીં છે અને તેની પશ્ચિમે યવતમાલ જિલ્લામાં ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય છે. વાઘ પ્રકલ્પ માત્ર વાઘ જ નહીં, પરંતુ ચિત્તા, સ્લોથ બેર, જંગલી કૂતરા, ગૌર, ચિતલ અને સાંબર એ બધાનું ઘર છે - આ તમામ પ્ર્રાણીઓ પાક માટે સંભવિત જોખમો છે.

લગભગ 850 લોકોની વસ્તી ધરાવતું આ ગામ ટીએટીઆર અને ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય બંને વચ્ચેના સાંકડા રસ્તા જેવું છે. મંગી ગામની સમસ્યા એ ઝાડવાં જંગલોથી ઘેરાયેલા અને વચ્ચેવચ્ચે ખેતીલાયક જમીનો ધરાવતા ગામોની લાક્ષણિક સમસ્યાઓ જેવી જ છે. જંગલો ગાઢ હતા ત્યારે જંગલી પ્રાણીઓને જરૂરી પાણી અને ખોરાક જંગલની અંદર જ મળી રહેતા. હવે રેંઘે જેવા ખેડૂતોના ઊભા પાકો તેમને માટે શિકારનું મેદાન બન્યા છે.

અહીંના ખેડૂતો તેમની સમસ્યા માટે વન વિભાગને દોષી ઠેરવે છે, તેઓ કહે છે, "કાં તો વનવિભાગે આ જંગલી પ્રાણીઓને અહીંથી દૂર હટાવવા જોઈએ અથવા અમને તેમને મારી નાખવાની પરવાનગી આપવી જોઈએ.આ તેમના [વન વિભાગના] પ્રાણીઓ છે." સામાન્ય રીતે બધે આ જ સૂર સંભળાય છે.

A blue bull, also called neelguy , spotted at a close proximity to Mangi’s farms.
PHOTO • Sudarshan Sakharkar
The groundnut crop is about to be harvested in Mangi. Farmers say groundnuts are loved by wild boars and blue bulls
PHOTO • Sudarshan Sakharkar

ડાબે: મંગીના ખેતરોની નજીક નજરે ચડેલ એક બ્લુ બુલ, જેને નીલગાય પણ કહેવામાં આવે છે. જમણે: મંગીમાં મગફળીનો પાક લણણી માટે લગભગ તૈયાર છે. ખેડૂતોનું કહેવું છે કે જંગલી ડુક્કર અને નીલગાયને મગફળી બહુ ભાવે છે

વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ), 1972 દ્વારા સંરક્ષિત આ પ્રાણીઓને મારવા અથવા જાળમાં ફસાવવાના ગુન્હાસર "ઓછામાં ઓછા એક વર્ષથી માંડીને વધુમાં વધુ સાત વર્ષ સુધીની મુદતની જેલ ઉપરાંત ઓછામાં ઓછા પાંચ હજાર રુપિયાના દંડની સજા થઈ શકે છે." અધિનિયમમાં જંગલી પ્રાણીઓના કારણે થયેલા પાકના નુકસાનની જાણ કરવાની જોગવાઈઓ છે પરંતુ આ પ્રક્રિયા કષ્ટદાય અને મુશ્કેલ છે અને આપવામાં આવતું નાણાકીય વળતર સાવ નજીવું છે. વાંચો: 'આ એક નવા જ પ્રકારનો દુકાળ છે'

સામાન્ય રીતે જંગલી ડુક્કર, હરણ અને નીલગાય ડઝન, બે ડઝન અથવા ક્યારેક એથીય વધુ મોટા ઝૂંડમાં આવે છે. રેંઘે કહે છે, "એકવાર તમારી ગેરહાજરીમાં એ ખેતરમાં ઘૂસી જાય તો પછી ખલાસ, પછી એ ભારે નુકસાન પહોંચાડે છે."

માણસોની હાજરીમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં ઘૂસતા નથી, પરંતુ માંગીના ખેડૂતો હવે રાતભર જાગીને ખેતરોની ચોકી કરતા નથી. તેઓ કહે છે કે રાતોની રાતોનું જાગરણ તેમના સ્વાસ્થ્યને માટે જોખમી છે, અને તેમાં જીવનું જોખમ પણ છે. તેના બદલે ગ્રામ્ય વિસ્તારોમાં આ નાના ઉપકરણનો ઉપયોગ ખૂબ સફળ રહ્યો છે.

રેંઘે કહે છે, "તબિયતના કારણોને લઈને હું રોજ રાત્રે ખેતરમાં રહી શકતો નથી. એટલે આ ઉપકરણ એ એક જ વિકલ્પ છે." એ ચલાવવાનું સરળ છે, અને સસ્તું પણ છે. આ અલાર્મના અવાજો માણસોની હાજરીનો ભ્રમ ઉભો કરે છે, પરંતુ રેંઘે જણાવે છે, “આ ઉપકરણ હોય તો જંગલી પ્રાણીઓ ખેતરમાં નહીં જ ઘૂસી આવે એની કોઈ ખાતરી નથી, એના પર પૂરેપૂરો ભરોસો રાખી શકાય નહીં; આ ઉપકરણ લગાવ્યું હોય તો પણ એની પરવા કર્યા વિના જંગલી પ્રાણીઓ ગમે તે રીતે ખેતરમાં ઘૂસી જાય છે અને પાક ખાઈ જાય છે.”

પરંતુ કોઈ જ નક્કર ઉપાય ન કરીએ એના કરતા તો આ યુક્તિ કંઈ ખોટી નથી.

*****

માત્ર યવતમાલ જ નહીં પરંતુ કપાસના દેશ તરીકે ઓળખાતા વિદર્ભ પ્રદેશના આ પૂર્વી મહારાષ્ટ્ર પટ્ટાના મોટા ભાગોમાં ખેતી મોટાભાગે વરસાદ આધારિત છે. જો કે, માંગી ગામની નજીક બાભુલગાંવ ખાતે લગભગ બંધાઈ રહેવા આવેલ એક મુખ્ય સિંચાઈ યોજના બેમ્બલા ડેમથી પરિસ્થિતિ બદાલાઈ જશે - નહેરો દ્વારા પાણી આ ગામ સુધી પહોંચશે, પરિણામે બેવડા પાક લઈ શકાતા સ્થાનિક ખેડૂતોની આવકમાં વધારો થવાની આશા રહે છે.

રેંઘે કહે છે, "એકથી વધુ પાકોનો અર્થ આ જંગલી પ્રાણીઓ માટે વધારે ખોરાક. પ્રાણીઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ જાણે છે કે તેઓ આ ખેતરોમાં વારંવાર પાછા આવી શકે છે."

Suresh Renghe’s 17-acre farm where he grows a variety of crops
PHOTO • Sudarshan Sakharkar
Signs that a herd of wild boars have furrowed through a crop of standing cotton, eating green bolls on a farm in Mangi village
PHOTO • Jaideep Hardikar

ડાબે: સુરેશ રેંઘેનું 17 એકરનું ખેતર જ્યાં તેઓ વિવિધ પ્રકારના પાક ઉગાડે છે. જમણે: મંગી ગામના ખેતરમાં જંગલી ડુક્કરનું ઝૂંડ કપાસના ઊભા પાકમાં ઘૂસી ગયું છે તેના ચિન્હો, ડુક્કરો કપાસના લીલા જિંડવા ખાઈ ગયા છે

યવતમાલમાં આ મુખ્યત્વે કપાસ અને સોયાબીન ઉગાડતો પટ્ટો છે, આ વિસ્તાર મોટી સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓને કારણે ચર્ચામાં છે. વધુમાં, બે દાયકાથી વધુ સમયથીઆ વિસ્તાર ઘેરા કૃષિ સંકટનો સામનો કરી રહ્યો છે. ઔપચારિક (સરકારી) ધિરાણની પહોંચનો અભાવ, વધતા જતા દેવા, વરસાદ આધારિત ખેતી, (ખેતપેદાશોના) ભાવની અસ્થિરતા, આવકમાં ઘટાડો, ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો એ બધી ગંભીર ચિંતાઓ છે. એવામાં પાકને બરબાદ કરી દેતી આ જોખમી જંગલી પ્રાણીઓની ઘૂસણખોરી. ખેડૂતો માટે આ ઘૂસણખોરીની સમસ્યા "વિનાશક જીવાત" ના હુમલાની સમસ્યાથી જરાય કમ નથી.

જાન્યુઆરી 2021 માં જ્યારે આ પત્રકાર માંગી ગામની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કપાસ ચૂંટવાનો પહેલો તબક્કો- લીલા જિંડવામાંથી સફેદ કાલા ચૂંટવાનો તબક્કો - પૂરો થઈ ગયો છે; તુવેરની લાંબી લાંબી શીંગો છોડ પર લટકી રહી છે. રેંઘેના ખેતરના એક ભાગમાં વાવેલા મરચાં એક મહિનામાં લણણી માટે તૈયાર થઈ જશે.

તેઓ કહે છે કે લણણીનો માટે પાક તૈયાર હોય ત્યારે જંગલી પ્રાણીઓના હુમલાને કારણે તેમણે મોટા પ્રમાણમાં પાક ગુમાવ્યો છે. જાન્યુઆરી 2021 અને ફેબ્રુઆરી 2023 ની વચ્ચે - બે વર્ષના સમયગાળામાં - પારીએ અનેક વાર રેંઘેની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન જંગલી પ્રાણીઓને કારણે તેમના પાકોને અનેક વાર નુકસાન પહોંચ્યું હતું.

હારી થાકીને, કંટાળીને છેવટના ઉપાય તરીકે તેમણે લાઉડસ્પીકર સાથેના નાના ઇલેક્ટ્રોનિક બોક્સમાં રોકાણ કર્યું. સૌર ઉર્જાથી ચાલતું સ્થાનિક રીતે ઉત્પાદિત આ ઉપકરણ આજકાલ બજારમાં નવું આવ્યું છે, ચીનમાં બનેલા સસ્તા ઉપકરણો પણ બજારમાં મળે છે. સ્થાનિક દુકાનોમાં સરળતાથી ઉપલબ્ધ આ લોકપ્રિય ઉપકરણની કિંમત તેની ગુણવત્તા, સામગ્રી અને બેટરી-લાઈફ (બેટરીની ક્ષમતા) ને આધારે 200 રુપિયાથી લઈને 1000 રુપિયા સુધીની હોય છે. આ ઉપકરણ સામાન્ય ડોરબેલના કદનું છે અને તેની બેટરી 6-7 કલાક ચાલે છે અને સૌર-ઊર્જા સંચાલિત સ્પ્રેઇંગ પંપ દ્વારા પણ તેને રિચાર્જ કરી શકાય છે. સામાન્ય રીતે ખેડૂતો દિવસના સમયે તેને રિચાર્જ કરે છે અને રાત્રે તેમના ખેતરોની વચ્ચે થાંભલા પર લગાવીને વગાડે છે.

યવતમાલ મોટી સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ અને ઘેરા કૃષિ-સંકટને કારણે ચર્ચામાં છે. અહીંના ખેડૂતો માટે જંગલી પ્રાણીઓની ઘૂસણખોરીની સમસ્યા 'વિનાશક જીવાત' ના હુમલાની સમસ્યાથી જરાય કમ નથી

વીડિયો જુઓ: અસહાયતાના અલાર્મ વગાડતા વિદર્ભના ખેડૂતો

છેલ્લા એકાદ વર્ષમાં આ પત્રકારે વિદર્ભના વિશાળ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં રાત્રે મોટા અવાજો કરતા નવાઈ પમાડે એવા જાતભાતના ફાર્મ-એલાર્મ ઉપકરણો જોયા હતા.

મંગીમાં ચાર એકર ખેતીલાયક જમીન ધરાવનાર ખેડૂત રમેશ સરોદે કહે છે, “અમે થોડા વર્ષો પહેલા આ એલાર્મનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના પાકને બચાવવા માટે તેના ખેતરમાં અનેક ચાડિયા મૂકવા ઉપરાંત આ ઉપકરણ પણ લગાવ્યું હતું. તેઓ કહે છે, “અમે દિવસભર ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ તે ખૂબ ખર્ચાળ અને અવ્યવહારુ છે. આ એલાર્મ મોટાભાગની સ્થાનિક ઇલેક્ટ્રોનિક દુકાનોમાં મળી રહે છે."

બધા ખેડૂતો સાંજે ઘેર જતા પહેલા આ ઉપકરણો ચાલુ કરી દે છે. ખેતરોમાં બેસાડેલા આ ઉપકારણમાંથી આવતા પ્રાણીઓનો ઈલેક્ટ્રોનિક અવાજ થોડા કિલોમીટર દૂર ગામમાં આવેલ તેમને ઘેરથી પણ સંભળાય છે. પરંતુ લુચ્ચા પ્રાણીઓ આ અવાજથી પણ ડરતા ન હોવાથી રેંઘેએ પવનથી ચાલતા રોટેટર પંખાની શોધ કરી છે, આ પંખો આડી રાખેલી સ્ટીલની પ્લેટને અથડાઈને અવાજ કરે છે. તેમણે આ પંખાને બીજા ખૂણામાં લાકડાના થાંભલા સાથે બાંધી દીધો છે જેથી આખું ખેતર આવરી લીધાનું મનને સમાધાન રહે.

આ મજાક તેમના ઉપર થઈ હોય એમ હળવું હસીને રેંઘે કહે છે, “મનાચ્યા તસલ્લીસાઠી કરતો જી હે [અમે અમારા પોતાના સંતોષ માટે કરીએ છીએ આ બધું], કા કરતા [કોઈ બીજું કરે પણ શું]!"

અહીં તકલીફ એ છે કે ફાર્મ એલાર્મમાં અવાજ હોય છે પણ માણસો અથવા રક્ષક કૂતરાઓની "કોઈ ગંધ નથી", તેથી આ ઉપકરણ હંમેશા જંગલી પ્રાણીઓના હુમલા ખાળી શકતું નથી.

Ramesh Sarode (white sweater), Suresh Renghe (yellow shirt) and other farmers in Mangi have found a novel way to keep out wild animals. They switch on a gadget connected to a loudspeaker and wired to a solar-powered spray-pump’s batteries through night. The gadget emits animal sounds – dogs barking, tiger roaring, birds chirping, in a bid to frighten the raiding herbivores.
PHOTO • Jaideep Hardikar
Ganesh Sarode and his friend demonstrate a small device they’ve built to make noise – a small rotator beats a steel plate through the day as a substitute to a scarecrow
PHOTO • Sudarshan Sakharkar

ડાબે: રમેશ સરોદે (સફેદ સ્વેટરમાં), સુરેશ રેંઘે (પીળા શર્ટમાં) અને માંગીના બીજા ખેડૂતોએ જંગલી પ્રાણીઓને તેમના ખેતરોથી દૂર રાખવા માટે એક નવી રીત શોધી કાઢી છે. તેઓ લાઉડસ્પીકર સાથે જોડાયેલ ઉપકરણ ચાલુ કરી દે છે અને રાત દરમિયાન આ ઉપકરણને સૌર-ઊર્જા સંચાલિત સ્પ્રે-પંપની બેટરી સાથે વાયર વડે જોડી દે છે. ખેતરો પર હુમલા કરી પાક ખાઈ જતા વનસ્પતિજીવી પ્રાણીઓને ડરાવવા માટે આ ઉપકરણમાંથી જાતજાતના અવાજો આવતા રહે છે - કૂતરાના ભસવાના, વાઘના ગરજવાના, પક્ષીઓના કલરવના. જમણે: ગણેશ સરોદે અને તેમના મિત્ર અવાજ કરવા માટે પોતે બનાવેલ એક નાનકડું ઉપકરણ કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે – ચાડિયાના વિકલ્પરૂપે એક નાનકડું રોટેટર સ્ટીલની પ્લેટને અથડાઈને અવાજ કરતું રહે છે

*****

રેંઘે કહે છે, “લણણીનો સમય હોય ત્યારે સતર્ક ન રહીએ તો 50 થી 100 ટકા પાક બરબાદ થયો સમજો."

તેમની સ્થાનિક વર્હાડીમાં, મરાઠી ભાષાની એક બોલીમાં, રેંઘે ઉમેરે છે, "અજી તે સપ્પ સાફ કરતે [પ્રાણીઓ આખું ખેતર સફાચટ કરી જાય છે]."

ફેબ્રુઆરી 2023, અડધો મહિનો વીતી ચૂક્યો છે, અને અમે રેંઘેના ઘરની નજીક તેમના ખેતરમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તેઓ જમીન પર પડેલ ગોબર બતાવે છે – (આગલી રાતે) જંગલી ડુક્કરોએ તેમના ખેતરમાં ઘૂસીને એક નાના ભાગમાં ઉગાડેલ રાબિ (રવિ - શિયાળાના) ઘઉંનો પાક બરબાદ કરી નાખ્યો હોવાના આ સ્પષ્ટ સંકેતો હતા.

એટલે સુધી કે મરચાંના છોડ પણ સલામત નથી. અમે મરચાંના પૂરેપૂરા વિકસિત છોડની હરોળ વચ્ચેથી પસાર થઈએ છીએ, છોડ પરથી લાલ-લીલા મરચાં લટકે છે, ત્યારે રેંઘે કહે છે, “મોર મરચાં ખાઈ જાય છે." તેઓ ઉમેરે છે, "તેમની [મોરની] સુંદરતાથી અંજાઈ ન જશો, એ પણ એટલી જ બરબાદી કરે છે." રેંઘે એક-બે એકરમાં મગફળીનું વાવેતર પણ કરે છે અને એપ્રિલના મધ્ય સુધીમાં એ કાપણી માટે તૈયાર થઈ જાય છે; જંગલી ડુક્કરને મગફળી ભાવે છે.

પાકના ભારે નુકસાન ઉપરાંત આ અલાર્મ અને બેટરીનો વધારાનો ખર્ચ અલગ, ખેતરોની આસપાસની વાડની ફરતે વીંટેલી નાયલોનની સાડીઓના ખર્ચની જેમ જ.  રેંઘે અમને છોડના નીચેના ભાગમાં (મૂળની નજીક શાખાઓ પર) કપડાની નાની પોટલીમાં બાંધેલા નેપ્થાલિન બોલ બતાવે છે - કોઈએ તેમને કહ્યું કે તેની તીવ્ર વાસ જંગલી પ્રાણીઓને દૂર રાખે છે. તેઓ કંઈપણ અજમાવવા માટે તૈયાર છે, છેવટે આમાંની કેટલીક વિચિત્ર યુક્તિઓ આખરે નિરર્થક નીવડે તો પણ, કોણ જાણે કદાચ ક્યારેક કોઈક યુક્તિ કારગત નીવડી જાય.

Suresh Renghe points to fresh dropping of a wild boar on his farm
PHOTO • Jaideep Hardikar
Ramesh Sarode, a veteran farmer and social leaders in Mangi village, is vexed by the animal raids that seem to have no solution
PHOTO • Jaideep Hardikar

ડાબે: સુરેશ રેંઘે તેમના ખેતરમાં જમીન પર પડેલા જંગલી ડુક્કરનું તાજું ગોબર બતાવે છે. જમણે: મંગી ગામના એક પીઢ ખેડૂત અને સામાજિક આગેવાન રમેશ સરોદે પ્રાણીઓના હુમલાઓથી પરેશાન છે, આ સમસ્યાનો કોઈ હલ દેખાતો નથી

Farmers are trying various ideas to keep wild animals out. Some farmers tie naphthalin balls tied to the plant (left) and believed to repulse animals with the smell. A cost-effective way solution is using synthetic sarees (right) as fences
PHOTO • Jaideep Hardikar
Farmers are trying various ideas to keep wild animals out. Some farmers tie naphthalin balls tied to the plant (left) and believed to repulse animals with the smell. A cost-effective way solution is using synthetic sarees (right) as fences
PHOTO • Jaideep Hardikar

ખેડૂતો જંગલી પ્રાણીઓને દૂર રાખવા માટે વિવિધ યુક્તિઓ અજમાવી રહ્યા છે. કેટલાક ખેડૂતો છોડ સાથે નેપ્થાલિનના બોલ બાંધે છે (ડાબે) અને પ્રાણીઓ ગંધથી દૂર રહેશે એવું તેઓ માનતા હતા. ખેતરની ચારે બાજુ વાડ તરીકે સિન્થેટીક સાડીઓ (જમણે) બાંધવી એ ઓછા ખર્ચે પરવડી શકે એવો ઉપાય છે

સરોદે કહે છે, "આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી," તેઓ તેમની જમીનનો એક ભાગ પડતર છોડી દે છે - એવો નાનો ભાગ જે તેમની જમીનના મોટા ભાગ સાથે જોડાયેલ નથી. “ફસલની રખવાળી કરવા આખી રાત જાગતા રહીએ તો આપણે બીમાર પડી જઈએ અને જો ઊંઘી જઈએ તો આપણો પાક ગુમાવીએ - સમજાતું નથી કરવું શું!

આ સમસ્યા એટલી ગંભીર છે કે વિદર્ભના ઘણા ભાગોમાં જ્યાં ખેતરો જંગલોને અડીને આવેલા છે ત્યાં કેટલાક નાના અથવા સીમાંત ખેડૂતોને તેમની જમીનો પડતર છોડી દેવી પડે છે.  પાક ઊગાડવા માટે શ્રમ, શક્તિ, સમય અને પૈસા ખર્ચ્યા પછી પાકનું અચાનક નુકસાન સહન કરવાની તેમની તૈયારી નથી કે નથી તેમની તૈયારી પોતાના સ્વાસ્થ્યના ભોગે ચોવીસ કલાક પાકની રખવાળી કરવાની.

ખેડૂતો કહે છે, જંગલી પ્રાણીઓ સામે શી રીતે જીતવાના? તેમની ઊપજનો કેટલોક ભાગ આ જોખમને નામે જતો કરવો રહ્યો એ વાત તેમણે નછૂટકે સ્વીકારી લીધી છે.

રેંઘે રોજ સવારે ચાલીને તેમના ખેતરે જાય છે ત્યારે - સારામાં સારી પરિસ્થિતિ માટે પ્રાર્થના કરે છે, ખરાબમાં ખરાબ પરિસ્થિતિની (માનસિક) તૈયારી રાખે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jaideep Hardikar

جے دیپ ہرڈیکر ناگپور میں مقیم صحافی اور قلم کار، اور پاری کے کور ٹیم ممبر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز جے دیپ ہرڈیکر
Photographs : Sudarshan Sakharkar

سدرشن سکھرکر ناگپور میں مقیم ایک آزاد فوٹو جرنلسٹ ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sudarshan Sakharkar
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

کے ذریعہ دیگر اسٹوریز Maitreyi Yajnik