જે દિવસે અમે તેમને 2018 માં મળ્યા હતા - તે સમયે તે 97 વર્ષના હતાં. - તેઓ અમારી શોધમાં 30 કિલોમીટર જેટલી સાઇકલ ચલાવીને આવ્યા હતા. ‘અમારી’ એટલે કે મોડી પહોંચેલ એ PARI ટીમ કે જે તેઓની રસપ્રદ કથાની અભિવ્યક્તિ સાંભળવા આતુર હતી. આ મે મહિનાની અધવચ્ચેનો સમયગાળો હતો અને તેમાં તેઓ કલાકો સુધી રસ્તા પર સાઇકલ ચલાવીને આવ્યા હતા, તેમની સાઇકલ કોઇ મ્યુઝિયમના ટુકડા જેવી દેખાતી હતી,પરંતુ તેની તેમને કોઇ ચિંતા ન હતી. આવી વ્યક્તિ જતી રહી છે,પરંતુ તેમની કથા હજી પણ રહી ગઇ છેઃ ગણપતિ યાદવનું મનને જકડી લેતુ જીવનચક્ર
1920 માં જન્મેલા, ગણપતિ બાલ યાદવ, તૂફાન સેના (વંટોળ સેના) ના સૈન્યમાં સ્વાતંત્ર્ય સેનાની હતા, જે સત્તરની પ્રતીક અથવા કામચલાઉ, ભૂગર્ભ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જેણે હથિયારોમાં વધારો કર્યો હતો અને 1943 માં બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા જાહેર કરી હતી. તેમણે બ્રિટિશ રાજ સામેની તેમની દરેક કાર્યવાહીઓમાં ભાગ લીધો હતો. જી.ડી.બાપુ લાડ અને ‘કેપ્ટન ભાઉ’ ની આગેવાની હેઠળ જૂન 1943માં સતારા જિલ્લાના શેનોલી ખાતે સ્વપ્નસમાન ટ્રેનની લૂંટ ચલાવનારી ક્રાંતિકારી ટીમનો એક ભાગ ‘ગણપા દાદા’ પણ હતા.
“મોટેભાગે, કેટલાય વર્ષો સુધી”તેમણે અમને જણાવ્યા પ્રમાણે: “મેં અમારા નેતાઓને (જંગલમાં સંતાઈને) ખોરાક પહોંચાડ્યો. હું રાત્રે તેમને મળવા જતો. નેતાની સાથે લગભગ 10-20 લોકો હશે. " જો કોઇને આની જરાપણ ખબર પડી હોત - તો તે બધા 20 – લોકો બ્રિટિશરો દ્વારા દેહાંતદંડ પામ્યા હોત. યાદવ તે સમયે તેમની સાઇકલ પર પેડલ મારી મારીને તેમને ગુપ્ત રીતે ભોજન પહોંચાડવાની સેવા આપતા હતા. તેમણે ક્રાંતિકારીઓના જૂથો વચ્ચે આલોચનાત્મક મહત્વપૂર્ણ સંદેશાઓ પણ પહોંચાડ્યા હતાં.
હું તેમની સાઇકલ વિશે ક્યારેય કંઇ પણ નહીં ભૂલીશ. હું એ જૂના મશીન તરફ તાકતો જ રહ્યો , જે હજી પણ ઇંડા વેચનારા, પાંવવાલા, ધોબી અને અન્ય લોકો દ્વારા ગામડામાં, અને શહેરોમાં પણ ઘર સુધી સેવાઓ પહોંચાડતુ રહ્યુ છે. વાતચીત વખતે તે એક જ વાર અકળાયા હતા. તેમણે કહ્યું, આ બાઇક એક સદીના “માત્ર” એક પા ભાગ જેટલી જ જૂની હતી. કોઈએ આના પહેલા હતી તે સાઇકલની ચોરી કરી હતી, જેને તે ખૂબ જ ચાહતા હતા અને લગભગ 55 વર્ષથી તેનો ઉપયોગ કરતા હતા. મને આશ્ચર્ય થયું ચોરી કરનાર કોઈ સંદિગ્ધ પ્રાચીન વસ્તુઓનો વેપારી હોવો જોઇએ.
અમે અમારા મિત્ર, પત્રકાર સંપત મોરે દ્વારા ગણપતિ યાદવ સાથે પરિચય કેળવ્યો હતો, જેમના દાદાના ઘરે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરગાંવ ગામમાં અમે તેમને પહેલીવાર મળ્યા હતા. પછી અમે 5 કિલોમીટર દૂર આવેલા તેમના પોતાના ગામ, રામપુર ગયા, અને ઘણા કલાકો સુધી વાતચીત કરી. તેમનું 97 વર્ષની વયે સાઇકલ ચલાવવું અમારે માટે આટલુ મોટું આશ્ચર્ય કેમ હતું તે તેમની સમજમાં ન આવ્યું, પરંતુ પારિના સાથી સંકેત જૈન અને અમારા વિડિયો સંપાદક સિંચિતા માજી સાથે તેમનું રોજીંદુ જીવન સારી રીતે રેકોર્ડ કરવા અમારી વિનંતી પર લગભગ અડધો કલાક સાઇકલ ચલાવી. તેમનો રોજિંદો ઘટનાક્રમ સારી રીતે રેકોર્ડ કરવા માટે, સંકેત ખરેખર રસ્તા પર આડો પડ્યો હતો - જે રસ્તો ખૂબ જ ગંદો હતો , – જેના પર તેઓ દરરોજ સાઇકલ ચલાવતા હતા, સિંચિતાએ સ્કૂટરની પાછલી સીટ પર ઉંધી બેસીને સવારી કરી, એટલે કે સ્કૂટર તેની આગળ આગળ વધે, તેઓ દરરોજ, જે રસ્તા પર ગણપા દાદા સાયકલ ચલાવતા હતા તે રેકોર્ડ કરી શકે.
પારીના ભરત પાટીલ અને નમિતા વાઇકરે તે મુલાકાતમાં દુભાષિયા તરીકે ઉત્સાહપૂર્વક સેવા આપી હતી, જેની દરેક ક્ષણ મારા માટે અવિસ્મરણીય રહી છે.
સંપતે જણાવ્યુ કે બે વર્ષ સુધી દરેક વખતે જ્યારે તે વૃદ્ધ સજ્જનને મળવા જતા ત્યારે તે કહેતા કે મેં અને PARI ટીમે “મને પ્રખ્યાત બનાવ્યાં છે. આઝાદીની લડતમાં હું કંઇ જ નહોતો, ફક્ત એક દૂત હતો. પરંતુ તેઓએ મારી ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી અને મારી સાથે આટલા આદરથી વર્ત્યા. " તેઓ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા - અને આ તેમના માટે એટલું મહત્વપૂર્ણ હતું - આ વાર્તા દ્વારા તેમને તેમના પોતાના ગામ અને પ્રદેશમાં ઓળખ મળી.
નમ્રતા એ એક એવો ગુણ છે જે મને ભારતના ઘણા છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જોવા મળ્યો છે: એક સ્તરે જોઈએ તો તેઓ સારી રીતે જાણે છે કે તેઓ, તેમનો સમય અને તેમનું વિશ્વ ખૂબ જ વિશેષ હતું. છતાં બીજે એક એવી ભાવના પણ છે જ્યાં તેઓ ખાલી કહે છે કે તેઓએ જે કરવાનું હતું, તેમની ફરજ – તે તેમણે કોઇ પુરસ્કારની અપેક્ષા વિના કરી છે.
ગણપાદાદા જેવા ઘણા લોકોએ 1972 માં ભારતના રાજ્ય દ્વારા તેમને જે પેન્શન આપવામાં આવ્યુ તે ક્યારેય સ્વીકાર્યું નહીં.
હું ખરેખર ઈચ્છું છું કે અમારા બધા વાચકો અને અન્ય લોકો ભારતના છેલ્લા જીવંત સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે અમારી વિશેષ જગ્યાની વારંવાર મુલાકાત કરે. પાંચ વર્ષમાં, આમાંથી કોઈ જીવંત રહેશે નહીં. ભારતને બ્રિટીશ સામ્રાજ્યવાદના ચુંગલમાંથી મુક્ત કરીને આ રાષ્ટ્રને આઝાદી અપાવનારાઓને જોવાની, બોલવાની કે સાંભળવાની તક આવનારી પેઢીને ક્યારેય મળશે નહીં.
હવે તે ચાલ્યા ગયા છે, ભારતની ઝડપથી અદૃશ્ય થઈ રહેલી સોનેરી પેઢીમાંથી વધુ એક પ્રસ્થાન. અમે પારી ખાતે - જેમને ખરેખર ગર્વ છે કે તેમણે અમને તેની વાર્તા કહેવાનું પસંદ કર્યું - તેમના નિધન પર શોક કરવો પરંતુ તેના જીવનની ઉજવણી કરવી. એક ખેડૂત જેણે 100 વર્ષ સુધી સક્રિય રીતે ખેતી કરવાનું ચાલુ રાખ્યું. એક માણસ જેમણે મને જતા જોઈને કહ્યું કે તેઓ મને પોતાના હાથથી કશુંક આપવા માંગે છે, મોટા કુટુંબના કમ્પાઉન્ડ પરના પોતાના એક ઓરડાના મકાનમાં. તે તાજા દૂધનો કપ હતો. તે સમયે, અમે બંને ખરેખર ખૂબ જ ભાવુક બની ગયા હતા.
આ ક્ષણને સંપત મોરે કરતાં કોઇ વધુ સારી રીતે ચિત્રિત ન કરી શકે, જેમણે પાછળથી લખ્યું: “સાઇનાથ સર અંગ્રેજીમાં બોલતા હતા જ્યારે ગણપાદાદા મરાઠીમાં બોલતા હતા. પરંતુ જ્યારે જવાનો સમય થયો, ત્યારે અંગ્રેજી ન સમજી શકતા દાદાને ફક્ત શરીરના હાવભાવથી જ ખબર પડી ગઇ કે આ માણસ હવે જઇ રહ્યો છે. દાદાએ પોતાની ભાવના પર કાબુ મેળવ્યો. તેમણે ઊભા થઇને સરનો હાથ જાતે પકડ્યો અને તેને ઉષ્માપૂર્વક દબાવીને પકડ્યો.દાદાની આંખો ઉમટતી હતી. સરે પણ લાંબા સમય સુધી દાદા નો હાથ પકડી રાખ્યો હતો અને અમે અનુભવ્યુ કે બંને માણસો કોઈ પણ ભાષા ની જરૂરિયાત વિના બોલે છે. "
અનુવાદક: છાયા વ્યાસ