લક્ષીમા દેવીને યાદ નથી એ કઈ તારીખે બન્યું હતું, પરંતુ શિયાળાની એ રાત તેમને બરોબર યાદ છે. તેઓ કહે છે તેમની પાણીની કોથળી ફાટી ગઈ અને તેમને વેણ ઉપડ્યું ત્યારે, "ઘઉંનો પાક (પગની) ઘૂંટીની ઉપર સુધી ઊગ્યો હતો. તે ડિસેમ્બર અથવા જાન્યુઆરી [2018/19] મહિનો હોવો જોઈએ."
તેમના પરિવારે તેમને બારાગાંવ બ્લોકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રાયમરી હેલ્થ સેન્ટર - પીએચસી) માં લઈ જવા માટે ટેમ્પો ભાડે રાખ્યો હતો. આ પીએચસી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં આવેલા તેમના ગામ અશ્વરીથી લગભગ છ કિલોમીટર દૂર છે. 30 વર્ષના લક્ષીમા યાદ કરે છે, “અમે પીએચસી પહોંચ્યા ત્યારે મને સખત દુખાવો થતો હતો." હાલ 5 થી 11 વર્ષની વચ્ચેના તેમના ત્રણ મોટા બાળકો, રેણુ, રાજુ અને રેશમ ઘેર હતા. “હોસ્પિટલના માણસે [કર્મચારીએ] મને દાખલ કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું સગર્ભા નથી, અને મારું વધેલું પેટ એ કોઈ બીમારીને કારણે હતું."
લક્ષીમાના સાસુ હીરામણીએ તેમને દાખલ કરવા કર્મચારીઓને કાલાવાલા કર્યા. છેવટે હીરામણીએ તેમને કહ્યું કે બાળકને ત્યાં જ જન્મ આપવામાં તેઓ લક્ષીમાને મદદ કરશે. લક્ષીમા કહે છે, "મારા પતિ મને બીજે શિફ્ટ કરવા માટે રીક્ષા શોધી રહ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો બીજે લઈ જવા માટે હું ખૂબ જ નબળી થઈ ચૂકી હતી. હું પીએચસીની બહાર એક ઝાડ નીચે બેસી ગઈ.”
લગભગ 60 વર્ષના હીરામણી લક્ષીમાનો હાથ પકડીને તેમની બાજુમાં બેસી ગયા, અને તેમને ઊંડા શ્વાસ લેવાની સલાહ આપતા રહ્યા. લગભગ એક કલાક પછી, લગભગ મધરાતે, લક્ષીમાએ તેમના બાળકને જન્મ આપ્યો. લક્ષીમાને યાદ છે ઘોર અંધારું હતું અને ઠરી જવાય એવી ઠંડી હતી.
બાળક બચ્યું નહીં. લક્ષીમા એટલા બધા થાકી ગયા હતા કે શું બની ગયું છે તે સમજી શકે તેમ નહોતા. એ રાત્રે તેઓ કેટલા નબળા અને થાકેલા હતા એ યાદ કરતા તેઓ કહે છે, "તે પછી પીએચસીનો સ્ટાફ મને અંદર લઈ ગયો, અને બીજા દિવસે મને રજા આપી. મારે જ્યારે ખરી જરૂર હતી ત્યારે તેઓએ ધ્યાન આપ્યું હોત, તો મારું બાળક જીવતું રહ્યું હોત."
લક્ષીમા મુસાહર સમુદાયના છે. ઉત્તર પ્રદેશમાં સૌથી છેવાડાના અને સૌથી ગરીબ દલિત જૂથોમાંના એક મુસહરોને ગંભીર સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. લક્ષીમા કહે છે, "અમારા જેવા લોકો હોસ્પિટલોમાં જાય તો ક્યારેય બરોબર દરકાર લેવામાં આવતી નથી’
તે રાત્રે જે રીતે તેમની દરકાર લેવાઈ, અથવા ન લેવાઈ, એમાં તેમને માટે કશું નવું નહોતું કે આ પરિસ્થતિમાં મૂકનાર તેઓ એકલા પણ ન હતા.
અશ્વરીથી થોડાક કિલોમીટર દૂર દલ્લીપુરની મુસાહર બસ્તીમાં 36 વર્ષના નિર્મલા આ ભેદભાવ કેવી રીતે કામ કરે છે સમજાવે છે કે. તેઓ કહે છે, "અમે હોસ્પિટલ જઈએ ત્યારે તેઓ અમને દાખલ કરવામાં અચકાતા હોય છે. કોઈ જ જરૂર ન હોય તો ય સ્ટાફ અચૂક પૈસા માગે જ. અમને [સુવિધામાં] દાખલ ન થવા સમજાવવા માટે તેઓ બનતું બધું જ કરી છૂટે. જો અમને અંદર લે તો અમને ભોંય પર બેસવાનું કહેવામાં આવે. બીજા લોકો માટે તેઓ ખુરશીઓ લાવે અને તેમની સાથે માનથી વાત કરે."
વારાણસી સ્થિત પીપલ્સ વિજિલન્સ કમિટી ઓન હ્યુમન રાઈટ્સ સાથે સંકળાયેલા 42 વર્ષના કાર્યકર્તા મંગ્લા રાજભર કહે છે કે આ કારણસર મુસાહર મહિલાઓ હોસ્પિટલમાં જતા અચકાય છે. તેઓ કહે છે, “અમારે તેમને હોસ્પિટલમાં જવા માટે સમજાવવા પડે છે. મોટાભાગના બાળકોને ઘેર જ જન્મ આપવાનું પસંદ કરે છે."
એનએફએચએસ-5 મુજબ યુપીમાં અનુસૂચિત જાતિની લગભગ 81 ટકા મહિલાઓ આરોગ્ય સુવિધામાં બાળકને જન્મ આપવાનું પસંદ કરે છે - જે રાજ્યના આંકડા કરતા 2.4 ટકા ઓછા છે. નવજાત મૃત્યુદર માટેનું કદાચ આ એક કારણ છે, અનુસૂચિત જાતિઓમાં નવજાત મૃત્યુદર વધારે ઊંચો છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર, યુપીમાં અનુસૂચિત જાતિની લગભગ 81 ટકા મહિલાઓ સ્વાસ્થ્ય સુવિધામાં જન્મ આપવાનું પસંદ કરે છે - જે રાજ્યના આંકડા કરતા 2.4 ટકા ઓછા છે. નવજાત મૃત્યુદર - (બાળકની) જિંદગીના પહેલા 28 દિવસો પૂરા થાય તે દરમિયાન થતા મૃત્યુની સંખ્યા - માટેનું કદાચ આ એક કારણ છે - જે સમગ્ર રાજ્ય (ના 35.7) ની સરખામણીમાં અનુસૂચિત જાતિમાં ઊંચો (41.6) છે.
રાજભરે જાન્યુઆરી 2022 માં હાથ ધરેલા એક સર્વેક્ષણમાં બારાગાંવ બ્લોકની સાત મુસાહર બસ્તીમાં તાજેતરમાં થયેલા 64 બાળજન્મોમાંથી 35 બાળકોના જન્મ ઘેર થયા હતા.
2020 માં લક્ષીમાએ તેમના દીકરા કિરણને જન્મ આપ્યો ત્યારે તેમણે એ (ઘેર જન્મ આપવાનું) જ પસંદ કર્યું. તેઓ કહે છે, "અગાઉ જે બન્યું હતું તે હું ભૂલી નહોતી. ત્યાં [પીએચસી] પાછા જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તેથી મેં આશા કાર્યકરને 500 રુપિયા ચૂકવ્યા. તેમણે ઘેર આવીને મારા બાળકને જન્મ અપાવવામાં મદદ કરી. તેઓ (આશા કાર્યકર) પણ દલિત હતા.
તેમની જેમ જ રાજ્યમાં ઘણા લોકોને હોસ્પિટલમાં અથવા હેલ્થકેર પ્રોફેશનલ (આરોગ્યસંભાળ વ્યાવસાયિકો) તરફથી ભેદભાવભર્યા વર્તાવનો અનુભવ થાય છે. નવેમ્બર 2021 માં ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા દર્દીઓના અધિકારો અંગે કરવામાં આવેલા ઝડપી સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે યુપીમાં પ્રતિભાવ આપનાર 472 લોકોમાંથી 52.44 ટકાએ આર્થિક સ્થિતિના આધારે ભેદભાવ કરાતો હોવાનું અનુભવ્યું હતું. લગભગ 14.34 ટકાએ તેમના ધર્મના કારણે અને 18.68 ટકાએ જાતિના આધારે ભેદભાવ કરાતો હોવાનું અનુભવ્યું હતું.
આરોગ્ય ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ પૂર્વગ્રહોના દૂરગામી પરિણામો જોવા મળે છે; ખાસ કરીને એવા રાજ્યમાં જ્યાં 20.7 ટકા લોકો અનુસૂચિત જાતિના અને 19.3 ટકા મુસ્લિમ ધર્મમાં આસ્થા ધરાવનારા (જનગણતરી 2011) છે ત્યાં.
તેથી જ જ્યારે યુપીમાં કોવિડ -19 ફેલાઈ રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ કોરોનાવાયરસ માટેનું પરીક્ષણ કરાવ્યું ન હતું. 2021 માં મહામારીની બીજી લહેરને યાદ કરતાં નિર્મલા કહે છે, “ગામમાં અમારામાંના ઘણા લોકો ગયા વર્ષે બીમાર પડ્યા હતા પરંતુ અમે ઘેર જ રહ્યા હતા. તમે પહેલેથી જ વાયરસથી ડરેલા હો ત્યારે અપમાનિત થવાની કોની તૈયારી હોય?”
પરંતુ ચંદૌલી જિલ્લાના અમ્ધ્હા ચરણપુર ગામમાં 55 વર્ષના સલીમુન માર્ચ 2021 માં બીમાર પડ્યા ત્યારે તેમની પાસે ઘેર રહેવાનો વિકલ્પ નહોતો. તેઓ કહે છે, "એ ટાઈફોઈડ હતો. પરંતુ જ્યારે હું [પેથોલોજી] લેબમાં ગઈ ત્યારે લોહી લેવા માટે સોય ભોંકતી વખતે એ વ્યક્તિએ શક્ય તેટલા આઘા રહેવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમના હાથ (જેટલા થઈ શકે તેટલા) લાંબા કર્યા હતા. મેં તેમને કહ્યું કે મેં તમારા જેવા ઘણા પહેલા જોયા છે.”
સલીમુન લેબ આસિસ્ટન્ટના વર્તનથી પરિચિત હતા. માર્ચ 2020 ની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "હું મુસ્લિમ છું એટલે તબલીગી જમાતની ઘટનાને કારણે આવું થયું." તે સમયે એ ધાર્મિક જૂથના સભ્યો જમાવડા માટે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ ખાતે ભેગા થયા હતા. પછીથી તેમાંથી સેંકડોનું કોવિડ -19 સંક્રમણ માટેનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું અને એ મકાનને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું. આ પછી (કોરોના) વાયરસના ફેલાવા માટે મુસ્લિમોને દોષી ઠેરવતું દ્વેષીલું અભિયાન ચાલ્યું. તેના કારણે યુપીમાં અને સમગ્ર દેશમાં મુસ્લિમોને ઘણા અપમાનજનક અનુભવોનો સામનો કરવો પડ્યો.
43 વર્ષના કાર્યકર નીતુ સિંઘ સમજાવે છે કે આવા પૂર્વગ્રહયુક્ત વર્તાવને રોકવા તેઓ જે આરોગ્યસંભાળ કેન્દ્રોની દેખરેખ રાખે છે તેની જાત-મુલાકાત લઈ ત્યાં તપાસ કરે છે. "જેથી સ્ટાફને ખબર પડે કે હું આસપાસ છું અને તેઓ દર્દીઓના વર્ગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના તેમની દરકાર રાખે." એનજીઓ સહયોગ સાથે સંકળાયેલા સિંઘ કહે છે, " નહીં તો (હોસ્પિટલોમાં) ખૂબ ભેદભાવભર્યો વર્તાવ થાય છે." તેઓ નૌગઢ બ્લોકમાં, અમ્ધ્હા ચરણપુર આવેલું છે એ જ બ્લોકમાં મહિલા સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કામ કરે છે.
સલીમુન વધુ અનુભવો ટાંકે છે. તેમની પુત્રવધૂ 22 વર્ષના શમસુનિસાને ફેબ્રુઆરી 2021 માં બાળજન્મ દરમિયાન ગૂંચવણભરી સ્થિતિ ઊભી થઈ હતી. સલીમુન કહે છે, “રક્તસ્ત્રાવ બંધ થતો નહોતો. તે અશક્ત થઈ ગઈ હતી. તેથી પીએચસી ખાતેની સ્ટાફ નર્સે અમને તેને નૌગઢ નગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા કહ્યું."
નૌગઢ સીએચસીમાં શમસુનિસાને તપાસતી સહાયક નર્સ મિડવાઇફને તેમના એક ટાંકાને નુકસાન પહોંચાડ્યું. શમસુનિસા કહે છે, “હું પીડાથી ચીસ પાડી ઊઠી. તેણે મને થપ્પડ મારવા હાથ ઊંચો કર્યો, પણ મારા સાસુએ તેનો હાથ પકડી લઈને તેને રોકી."
સીએચસી સ્ટાફે શમસુનિસાની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો અને પરિવારને બીજી હોસ્પિટલ શોઘી લેવાનું કહ્યું. સલીમુન કહે છે, “અમે નૌગઢની એક ખાનગી હોસ્પિટલમાં ગયા જ્યાંથી અમને વારાણસી જવાનું કહેવામાં આવ્યું. “મને શમસુનિસાની ચિંતા થતી હતી. તેનું લોહી વહેતું રહ્યું અને પ્રસૂતિ પછી એક આખો દિવસ અમે તેની સારવાર કરાવી ન શક્યા.
(સલીમુનના) પરિવારે એક જ દિવસે દાળ અને શાકભાજી બંને રાંધવાનું બંધ કરી દીધું છે. સલીમુન કહે છે, 'ભાત અને રોટલીનું પણ એવું જ છે. કાં તો એક હોય કે પછી બીજું (બંને સાથે ન હોય). અહીં દરેકની આ જ સ્થિતિ છે. મોટાભાગના લોકોએ માત્ર જીવતા રહેવા ખાતર પૈસા ઉધાર લેવા પડ્યા છે'
છેવટે બીજા દિવસે નૌગઢની બીજી ખાનગી હોસ્પિટલે શમસુનિસાને દાખલ કરી. સલીમુન કહે છે, “ત્યાં સ્ટાફના કેટલાક સભ્યો મુસ્લિમ હતા. તેઓએ અમારી ચિંતા દૂર કરવા અમને આશ્વાસન આપ્યું, અને ડોકટરોએ આગામી થોડા દિવસો સુધી તેની સારવાર કરી.”
એક અઠવાડિયા પછી શમસુનિસાને રજા આપવામાં આવી ત્યારે તેનો તબીબી ખર્ચ 35000 રુપિયા થઈ ગયો હતો. સલીમુન કહે છે, “અમે અમારી થોડી બકરીઓ 16000 રુપિયામાં વેચી દીધી. જો અમે ઉતાવળમાં બકરીઓ વેચી ન હોત તો અમને બકરીઓના ઓછામાં ઓછા 30000 રુપિયા મળત. મારા દીકરા ફારૂક પાસે થોડી રોકડ બચત હતી, તેમાંથી બાકીનો ખર્ચો કાઢ્યો.
શમસુનિસાના પતિ 25 વર્ષનો ફારૂક પંજાબમાં મજૂર તરીકે કામ કરે છે. તેમના ત્રણ નાના ભાઈઓ પણ આવું જ કામ કરે છે. તેઓ તાણીતૂસીને બે છેડા માંડ ભેગા કરી અને ઘેર પૈસા મોકલવા સંઘર્ષ કરે છે. શમસુનિસા કહે છે, "તે [ફારૂક] [બાળક] ગુફ્રાન સાથે પૂરતો સમય પણ વિતાવી શકતો નથી. પણ શું કરીએ? અહીં કોઈ કામ નથી.”
સલીમુન કહે છે, “મારા દીકરાઓને પૈસા કમાવવા સ્થળાંતર કરવું પડે છે. નૌગઢમાં, જ્યાં ટામેટાં અને મરચાંની ખેતી કરવામાં આવે છે ત્યાં, ફારુક અને તેમના ભાઈઓ જેવા ભૂમિહીન કામદારોને આખા દિવસના કામ માટે માત્ર 100 રુપિયા જ મળે. સલીમુન કહે છે, “ને સાથે અઠવાડિયામાં બે વાર અડધો કિલો ટામેટાં કે મરચાં, તે તો કંઈ નકહેવાય.” પંજાબમાં ફારૂકને એક દિવસની મજૂરી માટે 400 રૂપિયા મળે પરંતુ તેને અઠવાડિયામાં માત્ર 3-4 વાર જ કામ મળે. “કોવિડ -19 ફાટી નીકળ્યા પછી અમે કેવી રીતે જીવતા રહ્યા એ અમે જ જાણીએ છીએ. પૂરતું ખાવા માટે ય નહોતું.”
(સલીમુનના) પરિવારે એક જ દિવસે દાળ અને શાકભાજી બંને રાંધવાનું બંધ કરી દીધું છે. સલીમુન કહે છે, “ભાત અને રોટલીનું પણ એવું જ છે. કાં તો એક હોય કે પછી બીજું (બંને સાથે ન હોય). અહીં દરેકની આ જ સ્થિતિ છે. મોટાભાગના લોકોએ માત્ર જીવતા રહેવા ખાતર પૈસા ઉધાર લેવા પડ્યા છે”
યુપીના નવ જિલ્લાના ઘણા ગામોમાં મહામારીના પહેલા ત્રણ મહિનામાં (એપ્રિલથી જૂન 2020) જ લોકોનું દેવું 83 ટકા વધી ગયું છે. છેવાડાના લોકો માટે કામ કરતી સંસ્થાઓના સમૂહ કલેક્ટ દ્વારા કરાયેલા સર્વેક્ષણ દ્વારા આ માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેમાં નોંધવામાં આવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બર અને ઑક્ટોબર-ડિસેમ્બર 2020માં દેવાદારીમાં અનુક્રમે 87 અને 80 ટકાનો વધારો થયો હતો.
આ નિરાશાજનક પરિસ્થિતિએ ડિસેમ્બર 2021 ના છેલ્લા અઠવાડિયામાં પોતાના સૌથી નાના બાળકને જન્મ આપ્યાના માત્ર 15 દિવસ પછી જ લક્ષીમાને ઈંટના ભઠ્ઠામાં કાળી મજૂરી કરવાનું શરૂ કરવા મજબૂર કરી. નવજાત શિશુને ઝૂલાવતા તેઓ કહે છે, "હું આશા રાખું છું કે શેઠ અમારી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને અમને ખાવા માટે થોડા વધારાના પૈસા આપશે." તેઓ અને તેમના પતિ 32 વર્ષના સંજય બંને તેમના ગામથી લગભગ છ કિલોમીટર દૂર દેવચંદપુરમાં આવેલા ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરીને દિવસના 350 રુપિયા કમાય છે.
આ વખતે લક્ષીમાની ગર્ભાવસ્થા દરમિયાન મંગ્લા રાજભરે તેમને બાળકને ઘેર જન્મ ન આપવા સમજાવ્યા હતા. રાજભર કહે છે, "એ માટે તેમને સંમત કરવાનું સહેલું ન હતું. હું તેના માટે તેમને દોષ પણ નથી આપતો. પરંતુ આખરે તેઓ સંમત થઈ ગયા."
આ વખતે તો લક્ષીમા અને હીરામણી બરોબર તૈયાર હતા. લક્ષીમાને દાખલ કરવાની સ્ટાફની મરજી નથી એવું સહેજ તેમને લાગ્યું કે તરત જ તેઓએ રાજભરને બોલાવવાની ધમકી આપી. સ્ટાફ (લક્ષીમાને દાખલ કરવા) કબૂલ થયો. લક્ષીમાએ તે જ પીએચસીની અંદર તેમના બાળકને જન્મ આપ્યો, જેનાથી થોડેક જ દૂર ત્રણ વર્ષ પહેલાં તેમણે તેમનું બાળક ગુમાવ્યું હતું. આખરે એ થોડા જ મીટરનું અંતર હતું જેને કારણે આ મોટો ફરક પડી ગયો.
પાર્થ એમ.એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક