પૂરને કારણે મોહેશ્વર સમુઆહને સૌથી પહેલી વખત સ્થળાંતર કરવું પડ્યું હતું એ તેમને બરોબર યાદ છે. તેઓ માત્ર પાંચ વર્ષના હતા. હાલ ઉંમરના સાઠના દાયકામાં પહોંચેલા સમુઆહ કહે છે, “પહેલાં પાણી અમારું એક ઘર તાણી ગયું. અમે અમારી બોટમાં બેસીને આશ્રય શોધવા ત્યાંથી ભાગી છૂટ્યા; અને ટાપુની સૌથી નજીકની જમીન પર સ્થાનાંતરિત થયા."

વારંવાર આવતા પૂર અને જમીનના ધોવાણને કારણે સમુઆહની જેમ, આસામના નદી-ટાપુ - માજુલીના 1.6 લાખ રહેવાસીઓના જીવનને અસર પહોંચી છે .  ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના આ અહેવાલમાં જણાવાયું છે કે આ ટાપુની જમીનનો વિસ્તાર, 1956 માં આશરે 1245 ચોરસ કિલોમીટરથી ઘટીને, 2017 માં 703 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.

સમુઆહ કહે છે, "આ ખરેખર સાલમોરા નથી." અને ઉમેરે છે, "લગભગ 43 વર્ષ પહેલાં બ્રહ્મપુત્રા [નદી] ને કારણે સાલમોરા ધોવાઈ ગયું હતું." ત્યારબાદ બ્રહ્મપુત્રા અને તેની ઉપનદી સુબાનસિરી દ્વારા નવું સાલમોરા રચાયું હતું, સમુઆહ તેમની પત્ની, દીકરી અને તેમના દીકરાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ત્યાં રહે છે.

સિમેન્ટ અને માટીથી બનેલું અર્ધ-કાયમી માળખું એ તેમનું નવું ઘર છે. ઘરની બહાર બાંધવામાં આવેલા શૌચાલયમાં ફક્ત સીડીની મદદથી જ જઈ શકાય છે. તેઓ કહે છે, "દર વર્ષે બ્રહ્મપુત્રાને કારણે અમારી જમીનનું ધોવાણ થાય છે."

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ડાબે: એક ચાપોરી (નાના સેન્ડબર ટાપુ) તરફ ઈશારો કરતા મોહેશ્વર સમુઆહ કહે છે, 'એ મારું ઘર હતું.' જ્યારે બ્રહ્મપુત્રાએ આ ટાપુને ઘેરી લીધો ત્યારે તેમને હાલના સાલમોરામાં સ્થાનાંતરિત થવું પડ્યું હતું. આ જ કારણોસર મોહેશ્વરને અનેક વખત સ્થળાંતર કરવું પડ્યું છે. જમણે: સાલમોરા ગાંવના સરપંચ જીસ્વર હઝારિકા કહે છે કે અવારનવાર આવતા પૂરને કારણે જમીનનું ધોવાણ થાય છે, પરિણામે ગામમાં કૃષિ ઉત્પાદનને અસર પહોંચી છે

અવારનવાર આવતા પૂરના કારણે ગામમાં ખેતીને અસર પહોંચી છે. સલમોરાના સરપંચ જીસ્વાર કહે છે, “અમે ચોખા, માટી દાળ [કાળા મસૂર] અને બૈંગન [રીંગણાં] અથવા પત્તાગોબી [કોબી] જેવા શાકભાજી ઉગાડી શકતા નથી; હવે કોઈની પાસે જમીન જ નથી." ઘણા રહેવાસીઓએ હોડી બનાવવા, કુંભારકામ અને માછીમારી જેવા બીજા કામો કરી રહ્યા છે.

સમુઆહ હોડીઓ બનાવે છે, તેઓ કહે છે, "સાલમોરામાં બનાવેલી હોડીઓની સમગ્ર ટાપુમાં માંગ છે," કારણ કે ચાપોરી (નાના ટાપુઓ) ના ઘણા લોકોને નદી પાર કરવા, બાળકોને શાળાએ લઈ જવા અને ત્યાંથી પાછા લાવવા, માછીમારી કરવા અને પૂર દરમિયાન હોડીઓનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.

સમુઆહ હોડી બનાવવાની કળા પોતાની જાતે શીખ્યા છે; (હોડી બનાવવા માટે) તેઓ ત્રણના જૂથમાં કામ કરે છે. હોડીઓ હઝાલ ગુરી લાકડામાંથી બનાવવામાં આવે છે, હઝાલ ગુરી એક મોંઘું લાકડું છે જે સરળતાથી ઉપલબ્ધ નથી પણ સમુઆહના કહેવા પ્રમાણે, તે "મજબૂત અને ટકાઉ" હોવાથી હોડીઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તેઓ સાલમોરા અને નજીકના ગામોના વિક્રેતાઓ પાસેથી આ લાકડું ખરીદે છે.

મોટી હોડી બનાવવામાં એક અઠવાડિયું લાગે છે, નાની હોડીને પાંચ દિવસ લાગે છે. ઘણા લોકો સાથે મળીને કામ કરે તો તેઓ એક મહિનામાં 5-8 હોડી બનાવી શકે છે. (10-12 લોકો અને ત્રણ મોટરસાઇકલ વહન કરી શકે એવી) એક મોટી હોડીની કિંમત 70000 રુપિયા થાય છે અને એક નાની હોડીના 50000  રુપિયા; આ કમાણી (જૂથમાં કામ કરતા) બે કે ત્રણ જણ વચ્ચે વહેંચાય છે.

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ડાબે: સાલમોરામાં હોડીની ખૂબ માંગ છે અને મોહેશ્વર હોડી બનાવવાની કળા પોતાની જાતે શીખ્યા છે. સામાન્ય રીતે તેઓ બીજા બે કે ત્રણ લોકો સાથે મળીને હોડી બનાવવાનું કામ કરે છે જેમની સાથે તેઓ તેમની કમાણી પણ વહેંચે છે. જમણે: સાલમોરાના રહેવાસીઓમાં માછીમારી લોકપ્રિય છે. મોહેશ્વર હોરુ માચ અથવા નાની માછલીઓ પકડવા માટે વાંસમાંથી બનેલી માછીમારીની જાળ, અટવા જાલનો ઉપયોગ કરે છે. તેમની બાજુમાં સાલમોરાના બીજા એક રહેવાસી મોની હઝારિકા ઊભા છે

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ડાબે: રૂમી હઝારિકા નદીમાં બોટ હંકારીને લાકડાં ભેગા કરવા જાય છે, પછીથી તેઓ એ લાકડાં વેચશે. જમણે: તેઓ સત્રિયા શૈલીમાં નાના વાસણો બનાવવા માટે કાળી માટીનો ઉપયોગ કરે છે અને પછીથી તેને સ્થાનિક બજારમાં વેચે છે

હોડી બનાવવામાંથી થતી આવક અસ્થિર છે કારણ કે માત્ર ચોમાસામાં (અને પૂરની મોસમમાં) જ હોડી માટેના ઓર્ડર આવે છે. તેથી ઘણા મહિનાઓ દરમિયાન સમુઆહ પાસે કોઈ કામ હોતું નથી અને તેઓ નિશ્ચિત માસિક આવકની આશા રાખતા નથી.

જ્યારે પૂર આવે છે ત્યારે, હાલ ઉંમરના 50 મા દાયકામાં પહોંચેલા, હોડી હંકારવામાં નિષ્ણાત રૂમી હઝારિકા નદીમાં હોડી હંકારીને ગામડાના બજારમાં વેચવા માટે લાકડાં ભેગા કરવા જાય છે; આમાંથી તેમને ક્વિન્ટલ દીઠ કેટલાક સો રૂપિયા મળે છે. તેઓ ટાપુની વચમાં આવેલા ગરામુર અને કમલાબારી ખાતે કોલોહ માટી (કાળી માટી) માંથી બનાવેલા ઘડા પણ વેચે છે, તેઓ માટીનો એક ઘડો 15 રુપિયામાં અને માટીનો એક દીવા 5 રુપિયામાં વેચે છે.

તેઓ કહે છે, "અમારી જમીનની સાથેસાથે અમે અમારી પરંપરાગત પ્રથાઓ પણ ગુમાવી રહ્યા છીએ. અમારી કોલોહ માટી હવે બ્રહ્મપુત્રા દ્વારા ધોવાઈ રહી છે."

આ વાર્તા તૈયાર કરવામાં મદદ કરવા બદલ આ પત્રકાર કૃષ્ણા પેગુના આભારી છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Nikita Chatterjee

నికిత ఛటర్జీ డెవలప్‌మెంట్ ప్రాక్టీషనర్, అంతగా ప్రాతినిధ్యం లేని సముదాయాల కథనాలను విస్తరించడంపై దృష్టి సారించిన రచయిత.

Other stories by Nikita Chatterjee
Editor : PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Other stories by PARI Desk
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik