તેમના ઘરની બહાર કેરીના ઝાડ નીચે બેસેલાં સરુના ચહેરા પર ઉદાસી છે. તેમના ખોળામાં, તેમનો નાનો બેચેન દીકરો બડબડ કરી રહ્યો છે. તેઓ કહે છે, “મને હવે કોઈ પણ દિવસે માસિક સ્રાવ આવશે. તે વખતે મારે કુરમા ઘરમાં જવું પડશે.” કુરમા ઘરનો શાબ્દિક અર્થ ‘પીરિયડ્સ હટ’ થાય છે, જ્યાં તેમણે માસિક સ્રાવ સમયે 4-5 દિવસ માટે રહેવું પડશે.
તેનાથી જે અગવડ પેદા થાય છે તેનાથી સરુ (નામ બદલેલ) ને બહું તકલીફ થાય છે. તેઓ તેમના નવ મહિનાના દીકરાને શાંત કરવાનો પ્રયાસ કરતાં કહે છે, “કુરમા ઘરમાં શ્વાસ રૂંધાય છે અને મને મારાં બાળકોથી દૂર રહેવાનું થાય ત્યારે જરાય ઊંઘ નથી આવતી.” તેમને કોમલ (નામ બદલેલ) નામની એક પુત્રી પણ છે, જે સાડા ત્રણ વર્ષની છે અને નર્સરી શાળામાં ભણે છે. તેમની દીકરીએ તેમની મડિયા આદિજાતિની પરંપરાગત પ્રથામાંથી પસાર થવું પડશે તે ચિંતામાં 30 વર્ષીય સરુ કહે છે, “તેનું પાલી [માસિક ચક્ર] કોઈને કોઈ દિવસે તો શરૂ થશે જ; તેનાથી મને બીક લાગે છે.”
સરુના ગામમાં ચાર કુરમા ઝૂંપડીઓ છે, જે તેમના ઘરથી 100 મીટરથી પણ ઓછા અંતરે આવેલી છે. તેમના ગામમાં માસિક સ્રાવ આવે તે વયની 27 કિશોર છોકરીઓ અને સ્ત્રીઓ દ્વારા તેને ઉપયોગમાં લેવાય છે. સરુ કહે છે, “હું મારી માતા અને નાનીને કુરમા ઘરે જતાં જોઈને મોટી થઈ છું. હવે એ પ્રથામાંથી હું પસાર થઈ રહી છું. હું નથી ઇચ્છતી કે કોમલે આ પ્રથાનો ભોગ બનવું પડે.”
મડિયા એક આદિવાસી જનજાતિ છે, જે માસિક સ્રાવવાળી સ્ત્રીઓને અશુદ્ધ અને અસ્પૃશ્ય માને છે, અને જ્યારે તેમને માસિક સ્રાવ થાય ત્યારે તેમને દૂર મોકલી દે છે. સરુ કહે છે, “હું 13 વર્ષની હતી ત્યારથી કુરમા ઘરે જઈ રહી છું.” તે સમયે તેઓ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પૂર્વ ભાગમાં તેમના હાલના ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા તેમના પિયરમાં રહેતાં હતાં.
છેલ્લા 18 વર્ષોમાં, સરુએ તેમની જીંદગીના લગભગ 1,000 દિવસે − દર મહિને લગભગ પાંચ દિવસ − એક ઝૂંપડીમાં વિતાવ્યા છે, જેમાં ન તો બાથરૂમ છે, ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો વીજળી છે કે ન તો પથારી કે પંખો છે. તેઓ કહે છે, “ત્યાં અંધારું હોય છે, અને રાત ડરામણી હોય છે. ત્યાં હોઉં ત્યારે મને એવું લાગે છે જાણે અંધારું મને કોરી ખાઈ જશે. એ વખતે હું ઈચ્છું છું કે હું ઝડપથી મારા ઘરે દોડી જાઉં અને મારા બાળકોને મારી છાતી સરસા ચાંપી દઉં. પણ હું તેવું કરી શકતી નથી.”
કુરમા ઘરનો ઉપયોગ આ ગામની અન્ય મહિલાઓ પણ કરે છે, તેમાં સરુને વધુ નહીં ફક્ત એક સ્વચ્છ ઓરડો, તેમના પીડાતા શરીરને આરામ આપવા માટે નરમ પથારી અને પ્રિયજનોની ઉષ્મા ફેલાવતા ધાબળાની જ ઝંખના છે. વાંસના સહારે ઊભેલું એ લીપણ કરેલું ઘર એક ગમગીન જગ્યા છે. જે લાદી પર તેણે સૂવું જ પડે છે તે પણ ઉબડ-ખાબડ છે. તેઓ કહે છે, “હું મારા પતિ અથવા સાસુ જે ચાદર મોકલે છે તેના પર સૂઈ જાઉં છું. મને ત્યાં પીઠનો દુખાવો અને માથાનો દુખાવો થાય છે અને મારું શરીર પણ જકડાઈ જાય છે. પાતળી ચાદર પર સૂવું બિલકુલ આરામદાયક નથી હોતું.”
સરુ માટે, એકલતા અને તેમના બાળકોથી દૂર રહેવાની તકલીફથી અગવડતા અને પીડા વધી જાય છે. તેઓ કહે છે, “મને એ વાતનું ખૂબ દુઃખ થાય છે કે મારા નજીકના લોકો પણ મારી વેદના સમજી શકતા નથી.”
મુંબઈનાં મનોચિકિત્સક ડૉ. સ્વાતિ દીપક કહે છે કે સ્ત્રીઓમાં માસિક સ્રાવ શરૂઆતના તબક્કાઓમાં અને માસિક સ્રાવ સમયે ચિંતા, તણાવ અને હતાશા જેવા લક્ષણોમાં વધારો સામાન્ય બાબત છે. “તેની તીવ્રતા દરેક સ્ત્રીઓમાં અલગ અલગ હોય છે. જો તેની યોગ્ય કાળજી લેવામાં ન આવે, તો તે વધુ ખરાબ થઈ શકે છે.” ડૉ. દીપક કહે છે કે તે સમયે મહિલાઓને તેમના પરિવાર તરફથી સ્નેહ અને સંભાળ મળે તે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભેદભાવ અને અલગતા તેમના માટે આઘાતજનક હોઈ શકે છે.
મડિયા મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન કપડાના બનાવેલા પેડ ઘરે રાખવાની પણ મંજૂરી નથી. સરુ કહે છે, “અમે બધા તેમને ઝૂંપડીમાં મૂકીએ છીએ.” વપરાયેલા પેટીકોટમાંથી બનાવેલા કાપડના ટુકડાઓથી ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ કુરમા ઘરમાં છોડી દેવામાં આવે છે – જે કાં તો દિવાલની તિરાડોમાં મૂકવામાં આવે છે કાં તો વાંસના બીમથી લટકાવી દેવામાં આવે છે. “ત્યાં ગરોળીઓ અને ઉંદર ફરતા હોય છે, અને તેઓ આ પેડ પર બેસે છે.” દૂષિત પેડ બળતરા અને ચેપનું કારણ બને છે.
તે ઝૂંપડીમાં એકેય બારી નથી અને હવાઉજાસના અભાવને કારણે કપડાના પેડમાંથી દુર્ગંધ આવે છે. સરુ કહે છે, “વરસાદની મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હું ચોમાસા દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કરું છું, કારણ કે તે વખતે કાપડ બરાબર સૂકાતું નથી.” સરુ 20 પેડના પેક પાછળ 90 રૂપિયા ખર્ચે છે, જે તેમને બે મહિના સુધી ચાલે છે.
તેઓ જે કુરમા ઘરે જાય છે તે ઓછામાં ઓછું 20 વર્ષ જૂનું છે. અને તેની સંભાળ પણ કોઈ લેતું નથી. જે વાંસના સહારે તેની છત ઊભી છે તે તૂટી રહી છે અને લીપણ કરેલી દિવાલો પણ હવે તૂટી રહી છે. સરુ કહે છે, “તો તમે કલ્પના કરી શકો છો કે આ ઝૂંપડી કેટલી જૂની હશે. કોઈ પણ પુરુષ આને સુધારવા તૈયાર નથી, કારણ કે તે માસિક સ્રાવવાળી સ્ત્રીઓ દ્વારા દૂષિત થયેલ છે.” અહીં કોઈ પણ સમારકામ કરવાનું થાય, તો તે મહિલાઓએ જાતે જ કરવું પડશે.
*****
સરુ છેલ્લા ચાર વર્ષથી જાહેર આરોગ્ય કાર્યકર (આશા કાર્યકત) છે, જે એક માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા છે. તેમ છતાં તેઓ આ માસિક સ્રાવ દરમિયાન કરાતા ભેદભાવથી બાકાત નથી. સરુ કહે છે, “હું એક આશા કાર્યકર છું, પરંતુ વર્ષોથી હું અહીંની મહિલાઓ અને પુરુષોની માનસિકતા બદલી શકી નથી.” સરુ સમજાવતાં કહે છે કે, લોકો આ પ્રથામાં માને છે તે પાછળનું પ્રાથમિક કારણ માસિક સ્રાવ વિશેની અંધશ્રદ્ધા છે. “વૃદ્ધ લોકો કહે છે કે તે [ઘરે માસિક સ્રાવ કરતી સ્ત્રીઓ] ગ્રામદેવીને કોપાયમાન કરશે, અને આખું ગામ અમારા ભગવાનના શ્રાપનો ભોગ બનશે.” તેમના પતિ કોલેજ ગ્રેજ્યુએટ છે, “તો પણ તેઓ કુરમા પ્રથાનું સમર્થન કરે છે.”
કુરમા પ્રથાની અવગણના કરવા બદલ સજા તરીકે ગ્રામદેવીને મરઘા અથવા બકરીની બલિ ચઢાવવામાં આવે છે. સારુના જણાવ્યા અનુસાર, એક બકરીની કિંમત તેના કદના આધારે ચારથી પાંચ હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
વિડંબના એ છે કે જ્યારે સારુને માસિક સ્રાવ હો ત્યારે તેઓ ઘરે રહી શકતાં નથી, તેમ છતાં, તે દિવસોમાં તેમની પાસેથી પારિવારિક ખેતરમાં કામ કરવાની અને પશુધન ચરાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ પરિવાર પાસે બે એકર વરસાદ આધારિત ખેતીની જમીન છે, જ્યાં તેઓ ડાંગરની ખેતી કરે છે, જે જિલ્લાનો મુખ્ય પાક છે. તેઓ કહે છે, “એવું નથી કે મને આરામ મળે. હું ઘરની બહાર કામ કરું છું; તેનાથી દુઃખ થાય છે.” તેઓ આ દંભને ઊઘાડો પાડતાં કહે છે, “પણ તેને રોકવા માટે શું કરી શકાય? તેની મને ખબર નથી.”
આશા કાર્યકર્તા તરીકે કામ કરીને સારુ મહિને 2,000 થી 2,500 રૂપિયાની કમાણી કરે છે. પરંતુ, દેશના અન્ય ઘણા આશા કાર્યકર્તાઓની જેમ, તેમને પણ સમયસર પગાર મળતો નથી. વાંચોઃ બીમારી અને સ્વાસ્થ્યમાં ગામડાઓની સંભાળ . તેઓ કહે છે, “મને 3-4 મહિના પછી મારા બેંક ખાતામાં પૈસા મળે છે.”
આ પ્રથા સારુ અને અન્ય સ્ત્રીઓ પર સખત યાતનાઓ ગુજારી રહી છે. સદીઓ જૂની કુરમા પ્રથા ગઢચિરોલીના મોટાભાગના ગામોમાં ચાલુ છે, જે દેશના સૌથી અવિકસિત જિલ્લાઓમાંનો એક છે. મડિયા સહિત અન્ય આદિવાસી સમુદાયો વસ્તીના 39 ટકા હિસ્સો બનાવે છે. જિલ્લાનો લગભગ 76 ટકા જમીન વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે અને વહીવટી રીતે જિલ્લાને “પછાત” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત માઓવાદી જૂથોના કેડર ત્યાં સક્રિય હોવાથી સુરક્ષા દળો પર્વતીય વિસ્તારમાં ભારે પેટ્રોલિંગ કરે છે.
ગઢચિરોલીનો કોઈ ઉપલબ્ધ અભ્યાસ જિલ્લામાં કુરમા પ્રથાનું પાલન કરતા ગામડાઓની સંખ્યાને દસ્તાવેજીકૃત કરતો નથી. 2016થી ગઢચિરોલીના ભામરગઢ તાલુકામાં કાર્યરત પૂણેની એનજીઓ સમાજબંધના સ્થાપક સચિન આશા સુભાષ કહે છે, “અમે એવા 20 ગામોને આવરી લેવામાં સફળ રહ્યા છીએ, જ્યાં આ પ્રથાનું પાલન કરવામાં આવે છે.” સમાજબંધના સ્વયંસેવકો આદિવાસી મહિલાઓમાં માસિક સ્રાવના વિજ્ઞાન તથા સ્વચ્છતા સંભાળ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓને કુરમા ઘરોમાં મહિલાઓના સ્વાસ્થ્યના જોખમો વિશે શિક્ષિત પણ કરી રહ્યા છે.
સચિન સ્વીકારે છે કે તે પડકારજનક રહ્યું છે. તેમના જાગૃતિ અભિયાનો અને વર્કશોપ્સને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. “તેમને તેમની આ કુરમા પ્રથાને અચાનક રોકવા માટે કહેવું સરળ નથી. તેઓ કહે છે, તે તેમની સંસ્કૃતિનો એક ભાગ છે અને બહારના લોકોએ તેમાં દખલ ન કરવી જોઈએ.” આ ટીમને ગામડાઓમાં પ્રભાવશાળી પુરુષો, જેમ કે ભૂમિયા અને પરમા, વડા અને મુખ્ય પૂજારી વગેરે દ્વારા ચેતવણી અને ધમકી આપવામાં આવી છે. સચિન સમજાવે છે, “અમે તેમને સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે કોઈ પણ નિર્ણયમાં મહિલાઓની કોઈ ભૂમિકા હોતી નથી.”
સમય જતાં, સચિન અને તેમના સાથી સ્વયંસેવકોએ કેટલાક ભૂમિયાઓને કુરમા ઘરોમાં વીજળી, પાણી, ટેબલ પંખા અને પથારી પૂરી પાડવા માટે મનાવી લીધા. તેઓએ મહિલાઓ માટે તેમના કપડાના પેડ ઘરે, સીલબંધ પેટીમાં રાખવાની સંમતિ પણ મેળવી હતી. તેઓ કહે છે, “કેટલાક ભૂમિયાઓ લેખિતમાં આ માટે સંમત થયા હતા. પરંતુ કુરમા ઘર ન જવા માંગતી સ્ત્રીઓને અલગ ન કરવા માટે સંમત થવામાં લાંબો સમય લાગશે.”
*****
બેજુરમાં, પાર્વતી 10*10 ફૂટની કુરમા ઝૂંપડીમાં પોતાનો પલંગ તૈયાર કરી રહ્યાં છે. 17 વર્ષીય પાર્વતી ગભરાતા અવાજે કહે છે, “મને અહીં રહેવું ગમતું નથી.” 35 ઘરો અને 200થી ઓછા લોકોની વસ્તીવાળું બેજુર ભામરાગઢ તાલુકાનું એક નાનું ગામ છે. જો કે, ત્યાંની મહિલાઓના જણાવ્યા અનુસાર, ગામમાં નવ કુરમા ઝૂંપડીઓ છે.
રાત્રે, જ્યારે પાર્વતી કુરમા ઘરમાં રહે છે ત્યારે દિવાલની તિરાડોમાંથી ચંદ્રપ્રકાશનો એક ધૂંધળો પ્રવાહ પ્રવેશે છે, જે તેમને આરામ આપે છે. તેઓ કહે છે, “હું અડધી રાત્રે અચાનક જાગી જાઉં છું. જંગલમાંથી આવતા પ્રાણીઓના અવાજોથી મને બીક લાગે છે.”
વીજળીની સુવિધાવાળુ અને સારી રીતે બાંધવામાં આવેલું એક માળનું તેમનું ઘર કુરમા ઘરથી માંડ 200 મીટર દૂર હશે. પાર્વતી લાંબો નિસાસો નાખતાં કહે છે, “હું મારા ઘરમાં સુરક્ષિત અનુભવું છું, અહીં નહીં. પણ મારા માતા-પિતાને આ કલંકને અવગણતાં ડર લાગે છે. આનો કોઈ વિકલ્પ નથી. ગામના પુરુષોનું વલણ આ નિયમોને લઈને કડક છે.”
પાર્વતી બેજુરથી 50 કિલોમીટર દૂર ગઢચિરોલીના એટાપલ્લી તાલુકામાં ભગવંતરાવ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અગિયારમા ધોરણનાં વિદ્યાર્થીની છે. તેઓ ત્યાં હોસ્ટેલમાં રહે છે અને રજાઓ પર ઘરે આવે છે. તેઓ કહે છે, “મને ઘરે પાછા આવવાનું મન નથી થતું. ઉનાળામાં ત્યાં અસહ્ય ગરમી પડે છે અને હું આ નાનકડી ઝૂંપડીમાં આખી રાત પરસેવે રેબઝેબ થઈ જાઉં છું.”
કુરમા ઘરમાં મહિલાઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમાં શૌચાલયની ગેરહાજરી અને પાણીનો અભાવ સૌથી કઠીન છે. પાર્વતીએ કુદરતી હાજત સંતોષવા માટે ઝૂંપડીની પાછળના ઝાડમાં જવું પડે છે. તેઓ કહે છે, “રાત્રે સંપૂર્ણપણે અંધારું હોય છે, અને એકલાં જવું સલામત નથી લાગતું. દિવસ દરમિયાન, અમારે ત્યાંથી પસાર થતા લોકો પર નજર રાખવી પડે છે” પાર્વતીના ઘરમાંથી કોઈક સફાઈ કરવા અને ધોવા માટે પાણીની ડોલ મોકલાવે છે. અને પીવાનું પાણી સ્ટીલની કળશીમાં રાખવામાં આવે છે. તેઓ કહે છે, “પણ હું સ્નાન કરી શકતી નથી.”
તેઓ ઝૂંપડીની બહાર માટીના ચૂલા પર ભોજન રાંધે છે. તેઓ કહે છે કે અંધારામાં રસોઈ કરવી સરળ નથી. “ઘરે, અમે મોટે ભાગે લાલ મરચાના ભૂકા અને મીઠા સાથે સ્વાદીષ્ટ ચોખા ખાઈએ છીએ, અથવા તો બકરીનું માંસ, ચિકન, કે પછી માછલી ખાઈએ છીએ.” પાર્વતી મુખ્ય ભોજનની યાદી આપે છે, જે તેમના માસિક સ્રાવ દરમિયાન પણ એવું જ રહે છે, ફરક એટલો કે આ બધું તેમણે જાતે જ રાંધવું પડશે. પાર્વતી કહે છે, “તે દિવસોમાં ઘરેથી મોકલવામાં આવતા અલગ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.”
જ્યારે કોઈ સ્ત્રી કુરમા ઘર હોય ત્યારે મિત્રો, પડોશીઓ અથવા પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાની મંજૂરી નથી હોતી. પ્રતિબંધોની યાદી વર્ણવતાં પાર્વતી કહે છે, “હું દિવસના સમયે ઝૂંપડીમાંથી બહાર નીકળી શકતી નથી, ગામમાં ફરી શકતી નથી અથવા કોઈની સાથે વાત કરી શકતી નથી.”
*****
માસિક સ્રાવવાળી સ્ત્રીઓને અશુદ્ધ ગણવાની અને તેમને અલગ રાખવાની પ્રથા ભામરગઢમાં અકસ્માતો અને મૃત્યુ તરફ દોરી ગઈ છે. ભામરાગઢના બાળ વિકાસ પરિયોજના અધિકારી (સી.ડી.પી.ઓ.), આર. એસ. ચૌહાણ કહે છે, “છેલ્લા પાંચ વર્ષમાં, કુરમા ઘરમાં રહેતી વખતે ચાર મહિલાઓનું સાપ અને વીંછીના કરડવાથી મૃત્યુ થયું છે.” તેઓ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે.
ચૌહાણ કહે છે કે ભાંગી પડેલા કુર્મા માળખાના વિકલ્પ તરીકે, 2019માં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત ‘મકાનો’ બાંધવામાં આવ્યા હતા. દરેક મકાનમાં એક સમયે 10 માસિક સ્રાવવાળી મહિલાઓને રહેવાની વ્યવસ્થા છે. ગોળાકાર આકારની આ ઇમારતોમાં હવાઉજાસ માટે બારીઓ હોય છે; તેમાં બાથરૂમ અને પથારી હોય છે, અને પાણી તથા વીજળી પણ હોય છે.
જૂન 2022માં, એક સરકારી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ગઢચિરોલીમાં કુરમા ઘરોના સ્થાને 23 મહિલા વિશ્રામ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રની સહાય અને યુનિસેફના મહારાષ્ટ્ર એકમની તકનીકી સહાયથી બાંધવામાં આવેલા તે કેન્દ્રો વિશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી બે વર્ષમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 400 કેન્દ્રોના નિર્માણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પરંતુ જ્યારે પારીએ મે 2023માં ભામરાગઢમાં સરકાર દ્વારા બાંધવામાં આવેલા ત્રણ કુરમા ઘરોની મુલાકાત લીધી − કૃષ્ણાર, કિયાર અને કુમારગુઢા ગામોમાં − ત્યારે તે ફક્ત અડધા જ તૈયાર થયેલા હતા અને રહેવાલાયક ન હોવાનું જણાયું હતું. સી.ડી.પી.ઓ. ચૌહાણ સાત કુર્મા ઘરોમાંથી એકેય કાર્યરત છે કે નહીં તેની પુષ્ટિ કરી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, “ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. હા, તેની જાળવણી નબળી છે એ વાત સાચી છે. મેં તેમાંથી કેટલાક કેન્દ્રોને ખરાબ સ્થિતિમાં જોયા છે. કેટલીક જગ્યાએ ભંડોળના અભાવે તે અધૂરું છે.”
સવાલ એ છે કે, આવા વૈકલ્પિક કેન્દ્રો કુરમા પ્રથાને નાબૂદ કરવામાં કેવી રીતે મદદ કરશે? સમાજબંધના સચિન આશા સુભાષ કહે છે, “તેને જડમૂળમાંથી જ નાબૂદ કરવાની જરૂર છે. સરકાર દ્વારા નિર્મિત કુરમા ઘર કોઈ ઉકેલ નથી. એક રીતે તે આ પ્રથાને પ્રોત્સાહન જ છે.”
માસિક સ્રાવ સમયે મહિલાઓને અલાગ રાખવી એ ભારતીય બંધારણની કલમ 17નું ઉલ્લંઘન કરે છે, જે કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધ મૂકે છે. ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન વર્સિસ ધ સ્ટેટ ઓફ કેરળના કેસમાં તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે 2018માં કહ્યું હતું કેઃ “માસિક સ્રાવ છે કે કેમ તેના આધારે મહિલાઓનો સામાજિક બહિષ્કાર એ અસ્પૃશ્યતાનું જ એક સ્વરૂપ છે જે બંધારણીય મૂલ્યો માટે અભિશાપ છે. મહિલાઓને કલંકિત કરતી ‘શુદ્ધતા અને પ્રદૂષણ’ની કલ્પનાઓને બંધારણીય વિભાવનાઓમાં કોઈ સ્થાન નથી.
જો કે, આ ભેદભાવપૂર્ણ પ્રથા પિતૃસત્તાક વ્યવસ્થા હેઠળ ટકી રહે છે.
ભામરાગઢ તાલુકાના ગોલાગુડા ગામના વંશપરંપરાગત મુખ્ય પૂજારી લક્ષ્મણ હોયામી કહે છે, “આ ભગવાનની વાત છે. અમારા ભગવાન ઇચ્છે છે કે અમે આ પ્રથાનું પાલન કરીએ, અને જો અમે તેમની આજ્ઞા ન માનીએ, તો અમારે તેમના શાપનો ભોગ બનવું પડશે. અમે તકલીફોથી ગેરાઈ જઈશું, અને લોકોને નુકસાન થશે. બીમારીઓ વધશે. અમારાં ઘેટાં અને મરઘાં મરી જશે. આ અમારી પરંપરા છે. અમે તેને અનુસરવાનું બંધ કરી શકીએ નહીં. અમે દુષ્કાળ, પૂર અથવા અન્ય કોઈ કુદરતી આપત્તિનો સામનો કરવાનું જોખમ લઈ શકતા નથી. તેથી આ પરંપરા હંમેશાં ચાલુ રહેશે.”
હોયામી જેવા ઘણા લોકો કુરમા પ્રણાલી ચાલુ રાખવા માટે મક્કમ હોવા છતાં, કેટલીક યુવતીઓ તે પ્રથાનું પાલન ન કરવા માટે મક્કમ છે. જેમ કે કૃષ્ણાર ગામનાં 20 વર્ષીય અશ્વિની વેલાન્જે. 2021માં બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરનારાં અશ્વિની કહે છે, “મેં આ શરત પર લગ્ન કર્યાં હતાં કે હું કુરમા પ્રથાનું પાલન નહીં કરું. તે બંધ થવું જોઈએ.” આ વર્ષે માર્ચમાં તેમણે 22 વર્ષીય અશોક સાથે લગ્ન ત્યારે જ કર્યાં, જ્યારે તેમણે આ શરત સ્વીકારી હતી.
અશ્વિનીએ 14 વર્ષની ઉંમરથી જ કુરમા પ્રથાનું પાલન કર્યું હતું. તેઓ કહે છે, “હું મારા માતા-પિતા સાથે દલીલબાજી કરતી હતી, પરંતુ તેઓ સામાજિક દબાણને કારણે લાચાર હતાં.” તેમના લગ્ન પછી, અશ્વિની તેમના માસિક સ્રાવ દરમિયાન ઘરના વરંડામાં રહે છે. તેઓ તેમના પરિવાર પર નિર્દેશિત તમામ અવરોધોને અવગણીને આ પ્રથા સામે લડવાનું ચાલુ રાખે છે. અશ્વિની કહે છે, “મેં કુરમા ઘરથી વરંડાનું અંતર કાપ્યું છે; ટૂંક સમયમાં હું માસિક સ્રાવ દરમિયાન ઘરની અંદર આવી જઈશ. હું ચોક્કસપણે મારા ઘરમાં પરિવર્તન લાવીશ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ