પહેલા વરસાદનો અભાવ અને પછી કમોસમી વરસાદે ચતરા દેવીના પાકને બરબાદ કરી દીધો હતો. રાજસ્થાનના કરૌલી જિલ્લાના ખિરખીરી ગામના 45 વર્ષીય ખેડૂત કહે છે, “અમે બાજરી વાવી હતી અને તે સારી રીતે વધી રહી હતી. પરંતુ જ્યારે અમારે અમારા ખેતરોમાં પાણી આપવાનો સમય થયો ત્યારે વરસાદ નહોતો પડ્યો. પછી લણણી દરમિયાન વરસાદ પડ્યો અને બધો પાક બરબાદ થઈ ગયો.”
કરૌલીનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને મોટાભાગના રહેવાસીઓ કાં તો ખેડૂતો છે કાં ખેતમજૂરો છે (વસ્તી ગણતરી 2011). આ રાજ્ય ઐતિહાસિક રીતે પાણીની અછતથી પીડાતું રહ્યું છે અને ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત છે.
મીના સમુદાયનાં (રાજ્યમાં ઓ.બી.સી. તરીકે સૂચિબદ્ધ) ચતરા દેવી કહે છે કે તેમણે છેલ્લા 10 વર્ષમાં વરસાદની ભાતમાં ફેરફાર જોયો છે. રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય (ક્ષેત્રફળની દૃષ્ટિએ) છે અને 70 ટકા વસ્તી તેમની આજીવિકા માટે કૃષિ અને પશુપાલન પર નિર્ભર છે.
વરસાદની બદલાતી ભાતને કારણે ખિરખિરીના ખેડૂતોને રોજીરોટી માટે દૂધના વેચાણ પર આધાર રાખવાની ફરજ પડી છે. પરંતુ હવામાનમાં થતા ફેરફારો પશુધનના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે જે વિવિધ રોગોનો શિકાર બને છે. ચતરા દેવી કહે છે, “મારી ગાય છેલ્લા 5-10 દિવસોમાં બરાબર ખાઈ નથી રહી.”
ખિરખિરીની મહાત્મા ગાંધી સિનિયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક 48 વર્ષીય અનૂપ સિંહ મીના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેઓ કહે છે, “જ્યારે હું મારા ગામના ભવિષ્યની કલ્પના કરું છું, ત્યારે ચોમાસા પર નિર્ભર કૃષિમાં ઘણા ફેરફારો જોવા મળશે. મને ભવિષ્ય ખૂબ જ અંધકારમય લાગે છે.”
ખિરખીરી પર આધારિત આ ફિલ્મ જમીન પર નિર્ભર લોકોની અને હવામાનની ભાતબે વધુને વધુ અનિયમિત બનતાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તેની વાર્તા કહે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ