મોહમ્મદ અસ્લમ સાંચા (ઢાંચાના બીબા) માં ગરમ પીગળેલા પિત્તળને રેડે છે, ત્યારે હવામાં તેના નાના બિંદુઓ ઊડે છે. તેઓ આ પિત્તળને આકાર આપીને ચંદન પ્યાલી (પ્રાર્થના માટે વપરાતો એક નાનો વાટકો) બનાવશે.
પિત્તળના કામમાં નિષ્ણાત કારીગર, અસ્લામના હાથ નિશ્ચિતપણે અને સાવધાનીપૂર્વક આગળ વધે છે. તેઓ પિત્તળ રેડતી વખતે કન્ટેનર પર માપસરનું દબાણ આપે છે, અને ખાતરી કરે છે કે અંદરની રેતી – જે વસ્તુઓને તેનો આકાર આપે છે – ફેલાઈ ન જાય.
55 વર્ષીય અસ્લમ કહે છે, “તમારે તમારા હાથ દૃઢ રાખવા જોઈએ, નહીં તો ઢાંચાની અંદરનું માળખું બગડી જશે. અદ્દત [આકાર આપેલું ઉત્પાદન] બગડી જશે.” જો કે, રેતીના ફેલાવા અંગે તેમને પિત્તળ બિંદુ બનીને હવામાં પ્રસરી જવા જેટલી ચિંતા નથી. તેઓ નિસાસો નાખતાં કહે છે, “શું તમને તે દેખાય છે? આ પિત્તળ છે અને તેનો બગાડ થઈ રહ્યો છે. તેનો ખર્ચ અમારે જ વેઠવો પડશે.” દરેક 100 કિલોગ્રામ પિત્તળમાંથી લગભગ 3 કિલોગ્રામ પિત્તળ હવામાં આ રીતે નાશ પામે છે. તેનાથી આશરે 50 રૂપિયા પાતળી હવામાં ભસ્મ થઈ રહ્યા છે.
અસ્લમ મુરાદાબાદના પીરઝાદા વિસ્તારમાં આવેલી પિત્તળના કામ માટે પ્રખ્યાત ઘણી ભઠ્ઠીઓમાંથી એકમાં કામ કરતા મુઠ્ઠીભર કારીગરોમાંના એક છે. આ કળાને સ્થાનિક રીતે ‘ઢલાઈ કા કામ’ અથવા કાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કારીગરો પિત્તળના સિલ્લી (ધાતુના ઢાળિયા)ના ટુકડાઓ ઓગાળે છે અને તેમને વિવિધ આકારોમાં ઢાળે છે.
તેમની કામ કરવાની સામગ્રી – કોલસો, રેતી, લાકડાનાં પાટિયાં, લોખંડના સળિયા, વિવિધ કદની સાણસી અને ચીપિયા આસપાસ વિખેરાયેલા છે, જ્યાં અસ્લમ અને તેમના સહાયક રઈસ જાન દિવસના 12 કલાક વિતાવે છે. અસ્લમ આ ગીચ પાંચ ચોરસ ફૂટ જગ્યા માટે દર મહિને 1,500 રૂપિયા ભાડું ચૂકવે છે.
ઉત્તર પ્રદેશના આ શહેરમાં, જે લોકપ્રિય રીતે પિત્તલ નગરી (પિત્તળનું શહેર) તરીકે ઓળખાય છે, મોટાભાગનું શ્રમબળ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. અસ્લમનો અંદાજ છે કે લગભગ 90 ટકા લોકો પીરઝાદા વિસ્તારમાં અથવા તેની આસપાસ રહે છે. મુરાદાબાદની મુસ્લિમ વસ્તી શહેરની કુલ વસ્તી (વસ્તી ગણતરી 2011 અનુસાર) ના 47.12 ટકા છે.
અસ્લમ અને જાન છેલ્લા પાંચ વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. તેઓ સવારે 5:30 વાગ્યે ભઠ્ઠીએ પહોંચી જાય છે અને વહેલી સવારથી જ કામ કરવાનું શરૂ કરી દે છે. તેઓ ભોજન માટે બપોરે ઘરે જાય છે. બંને ભઠ્ઠીની નજીક રહે છે. સાંજે જ્યારે ચાનો સમય આવે છે, ત્યારે પરિવારનો એક સભ્ય તેને કાર્યસ્થળ પર આપી જાય છે.
અસ્લમ કહે છે, “અમે સખત મહેનત કરીએ છીએ પણ અમે ક્યારેય ભોજનને છોડતા નથી. આખરે અમે કામ પણ એના માટે જ તો કરીએ છીએ.”
જાન અસ્લમના સહાયક છે અને તેમને દૈનિક વેતન પેટે 400 રૂપિયા મળે છે. સાથે મળીને, તેઓ પિત્તળને પીગાળે છે, તેને ઠંડુ કરે છે અને ફરીથી ઉપયોગમાં લેવા માટે તેમની આસપાસ વેરવિખેર થયેલી રેતીને એકઠી કરે છે.
જાન મોટે ભાગે ભઠ્ઠી સંભાળે છે, જેમાં કોલસો ભરવા માટે ઊભા રહેવાની જરૂર પડે છે. 60 વર્ષીય જાન કહે છે, “આ કામ એક માણસ ન કરી શકે. તમારે ઓછામાં ઓછા બે લોકોની જરૂર હોય છે. તેથી, જો અસ્લમ ભાઈ રજા પર હોય, તો હું પણ તે દિવસે કામ નથી કરી શકતો.” અસ્લમ હસતાં હસતાં કહે છે, “રઈસ ભાઈ કાલે તેમના સસુરાલ [સાસરીપક્ષ] માં જઈ રહ્યા છે, એટલે મારે પણ 500 રૂપિયા ગુમાવવા પડશે.”
અસ્લમ અમને કહે છે, “તે કોલસો જ છે જે ઢલૈયા [પિત્તળને આકાર આપનારની] કરોડરજ્જુને તોડી નાખે છે. જો અમને કોલસો ડધા ભાવે મળી જાય, તો તેનાથી અમને ઘણી રાહત થશે.” અસ્લમ દૈનિક ધોરણે પિત્તળને આકાર આપવાનો ઠેકો (કરાર) લે છે.
તેઓ સ્થાનિક કંપનીઓ પાસેથી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પિત્તળના ઢાળિયા લે છે, અને કાસ્ટિંગની પ્રક્રિયા પછી તેમને પરત કરી દે છે. પ્રમાણભૂત પિત્તળના સ્લેબનું વજન સામાન્ય રીતે સાતથી આઠ કિલોની વચ્ચે હોય છે.
અસ્લમ કહે છે, “અમે કામની ઉપલબ્ધતાના આધારે એક દિવસમાં ઓછામાં ઓછું 42 કિલો પિત્તળ ઢાળીએ છીએ. અમને દર એક કિલોગ્રામ પિત્તળ ઢાળવાથી 40 રૂપિયાની કમાણી થાય છે, જેમાંથી કોલસાની કિંમત અને અન્ય ખર્ચ કાઢવાનો હોય છે.”
એક કિલો કોલસાની કિંમત 55 રૂપિયા છે અને અસ્લમ કહે છે કે એક કિલોગ્રામ પિત્તળ ઓગળવા માટે આશરે 300 ગ્રામ કોલસો વપરાય છે. તેઓ ઉમેરે છે, “જો તમે તમામ ખર્ચા કાઢી લો, તો અમે અમારા શ્રમથી ધાતુને ઢાળવા માટે લગભગ છ થી સાત રૂપિયા પ્રતિ કિલોગ્રામ કમાઈએ છીએ.”
રઈસ જાને 10 વર્ષની ઉંમરે આ કામ કરવાનું શરૂ કર્યું હતું અને આ કળા શીખવામાં એક વર્ષનો સમય લીધો. તેઓ કહે છે, “તે જોવામાં એક સરળ કામ જેવું લાગે છે, પરંતુ અસલમાં એવું નથી. સૌથી મુશ્કેલ ભાગ એ સમજવાનો છે કે એક વાર પિત્તળ ઓગળી જાય પછી તે કેવી રીતે વર્તે છે.”
જાન સમજાવે છે કે પિત્તળ ઉતારતી વખતે તમારે તમારા હાથ મજબૂત રાખવા પડશે અને સ્થિર મુદ્રામાં રહેવું પડશે. જાન કહે છે, “અસલ કારીગરી કન્ટેનરને ભરવામાં છે. એક નૌસિખિયા [શિખાઉ] ને ખબર નહીં પડે કે એક વાર કન્ટેનર પીગળેલા પિત્તળથી ભરાઈ જાય પછી તેને કેટલું મારવાની જરૂર પડે છે. જો તે યોગ્ય રીતે કરવામાં નહીં આવે, તો અદ્દત [અંતિમ મોલ્ડેડ વાસણ] તૂટી જશે. તેવી જ રીતે, જો આપણે અચાનક કન્ટેનરને ઉપાડીશું તોય તે તૂટી જશે. આવી પરિસ્થિતિઓમાં એક નિષ્ણાતના હાથ સહજતાથી આગળ વધે છે.”
જાન પિત્તળને ઢાળનારા લોકોની લાંબી હરોળમાંથી આવે છે. તેઓ કહે છે, “આ કામ મારા પૂર્વજો પણ કરતા હતા. અમે તે લગભગ 200 વર્ષથી કરી રહ્યા છીએ.” પણ જાન ઘણી વાર આ વેપારને આગળ વધારવાના તેમના નિર્ણય વિશે વિચારતા રહે છે. તેઓ વિલાપ કરતાં કહે છે, “મારા પિતાનો પોતાનો કાસ્ટિંગનો વ્યવસાય હતો, પણ હું માત્ર એક દૈનિક મજૂર છું.”
અસ્લમે 40 વર્ષ પહેલાં પિત્તળ ઉતારવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં, પરિવારની આજીવિકા તેમના પિતાની ફળ અને શાકભાજીની લારીમાંથી ચાલતી હતી. તેમણે પોતાના પરિવારને મદદ કરવા માટે આ નોકરીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ કહે છે, “અહીં દરેક દિવસ એકસરખો જ છે; કંઈ જ બદલાતું નથી.” કિંમતોમાં થયેલા વધારા પર પ્રકાશ પાડતાં તેઓ ઉમેરે છે, “આજે અમે જે 500 રૂપિયાની કમાણી કરીએ છીએ તે 10 વર્ષ અગાઉની 250 રૂપિયાની કમાણી જેટલી જ છે.”
અસ્લમને બે દીકરીઓ અને એક દીકરો છે. તેમની દીકરીઓ પરણેલી છે. તેઓ કહે છે, “મારા પુત્રના લગ્ન કરવા અને પરિવારમાં બીજા સભ્યને લાવવા માટે ઘરમાં પૂરતી જગ્યા નથી.”
*****
પીરઝાદામાં કામ કરતા કારીગરો માટે શુક્રવાર સાપ્તાહિક રજા છે. જુમ્માબાર પર આવેલી બધી ભઠ્ઠીઓ તે દિવસે બંધ રહે છે અને સામાન્ય રીતે હથોડા અને ચીપિયાના અવાજથી થદબદતો આ વિસ્તાર શાંત થઈ જાય છે.
તેમના રજા દિવસે, મોહમ્મદ નઈમ તેમના પૌત્રો સાથે પતંગ ઉડાવવા માટે તેમના ઘરની છત પર ચઢે છે. તેઓ કહે છે, “તે મને તણાવથી મુક્ત રહેવામાં મદદ કરે છે.”
તેઓ બાકીનું અઠવાડિયું એક સાંકડી ગલીમાં આવેલા કાર્યસ્થળમાં વિતાવે છે, જે અસ્લમ અને જાનની ભઠ્ઠીથી લગભગ પાંચ મિનિટની દૂરી પર છે. તેઓ 36 વર્ષથી આ કળામાં પરોવાયેલા છે. તેઓ કહે છે, “મને સમજાતું નથી કે લોકો આ પિત્તળના ઉત્પાદનોને કેમ પસંદ કરે છે. મેં ક્યારેય મારા માટે તેને બનાવ્યું નથી.” અસ્લમ અને જાનથી વિપરીત, તેમણે કામ પર જવા માટે 20 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે, અને જ્યારે અંધારું હોય ત્યારે તે રવાના થઈ જાય છે. તેમણે પરિવહન પાછળ દિવસના અંદાજે 80 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
55 વર્ષીય નઈમ મોટાભાગે ભઠ્ઠી સંભાળે છે, જ્યારે તેમના ત્રણ સાથીદારો મોલ્ડિંગ અને બ્લેન્ડિંગનું કામ કરે છે.
નઈમ કહે છે કે, તેઓ પૂજા કા સમાનની મૂર્તિઓ બનાવી રહ્યા છે, જેમાં દીવા, ઓમ આકારના પ્રતીકો અને દીવાના પાયા સામેલ છે. તેમાંના મોટા ભાગના મંદિરોમાં વપરાય છે.
“તે કહેવું ઉચિત રહેશે કે અમે દેશના દરેક મંદિર માટે પિત્તળનાં ઉત્પાદનો બનાવ્યાં છે,” તેઓ પોતાની આંગળીઓ પર સ્થાનોના નામ ગણાવતાં કહે છે, “કેરળ, બનારસ, ગુજરાત અને અન્ય.”
તાપમાન લગભગ 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, પરંતુ ગરમી હોવા છતાં નઈમ દરેકને માટે થોડી ચા બનાવવાનો આગ્રહ રાખે છે. આંખોમાં ચમક સાથે તેઓ કહે છે, “મારા જેવી ચા કોઈ નથી બનાવતું.” તેઓ પારીના પત્રકારોને પૂછે છે, “શું તમે ક્યારેય ભઠ્ઠીવાળી ચા પીધી છે?” તેઓ કહે છે કે તેમની ચામાં જે ખાસિયત છે, તે એ છે કે ભઠ્ઠીની ગરમીમાં દૂધ અને ચા વધુ સારી રીતે ઉકાળે છે.
નઈમે તેમના ભાઈ અને પિતરાઈ ભાઈના પગલે ચાલીને અહીં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના પરિવારનો પરંપરાગત વ્યવસાય કપડાં વેચવાનો હતો. તેઓ કહે છે, “વો નિકલ ગએ, પર મૈં યહી રહે ગયા [તેઓ આ કામમાંથી નીકળી ગયા, પણ હું અહીંને અહીં રહી ગયો].”
નઈમને એમ પણ લાગે છે કે તેમને દૈનિક જે 450-500 રૂપિયાની કમાણી થાય છે, તે પૂરતી નથી અને ઘણી વાર આ કામ છોડવાનું વિચારે છે. તેઓ કહે છે, “જો મારી પાસે પૈસા હોત, તો હું કપડાં વેચવામાં પાછો લાગી જતો. મને એ કામ ગમતું હતું. તમારે આખો દિવસ માત્ર આરામદાયક ખુરશીમાં બેસીને કપડાં વેચવાનાં હોય છે.”
*****
પિત્તળનો આ પ્રખ્યાત ઉદ્યોગ સંઘ અને ઉત્તર પ્રદેશ સરકારની મુખ્ય ‘ એક જિલ્લો એક ઉત્પાદન ’ યોજનાનો એક ભાગ છે અને મુરાદાબાદની ધાતુની કળાને 2014માં ભૌગોલિક સૂચકાંક (GI) ટેગ મળ્યો હતો. પરંતુ ઢાળિયાઓની સ્થિતિમાં સુધારો થયો નથી.
પિત્તળના વાસણોના ઉત્પાદનમાં કાસ્ટિંગને સૌથી કપરું કામ માનવામાં આવે છે. કામદારોએ લાંબા કલાકો સુધી જમીન પર બેસીને કામ કરવું પડે છે, સતત તેમના હાથ હલાવીને ભારે કન્ટેનર, સપાટ રેતી ઉપાડવાની હોય છે અને ભઠ્ઠીમાં કોલસો નાખવાનો હોય છે, સાથે સાથે આગની જ્વાળાઓથી સાવચેત પણ રહેવાનું હોય છે.
તનતોડ મહેનત ને નજીવા વળતરને લીધે યુવા પેઢી કાસ્ટિંગની કળાથી દૂર થઈ ગઈ છે.
યુવાન પુરુષો મોટાભાગે મીના કા કામ અથવા ધાતુની સપાટીઓના રંગકામમાં પ્રવૃત્ત થઈ ગયા છે. તેઓ કહે છે કે આ વધુ આદરણીય કામ છે, જ્યાં તમારાં કપડાંય મેલાં નથી થતાં. રોજગારના અન્ય રસ્તાઓમાં ઉત્પાદનોને પેક કરવાનું, સીવણ અને તેમને ખોખામાં ભરવાનો સમાવેશ થાય છે.
24 વર્ષીય મોહમ્મદ સુબ્હાન પોતાના પરિવારને ટેકો આપવા માટે બે નોકરીઓ કરે છે. દિવસ દરમિયાન, તેઓ પિત્તળનાં વાસણ બનાવે છે અને 300 રૂપિયા કમાય છે. અને જ્યારે લગ્નની મોસમ શરૂ થાય છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. દરેક લગ્ન દીઠ તેમને 200 રૂપિયાની કમાણી થાય છે. તેઓ કહે છે, “જ્યારે પૈસાની તંગી હોય ત્યારે આ કામ (કાસ્ટિંગ) છોડવું એ કોઈ વિકલ્પ નથી.”
રિક્ષાચાલકના પુત્ર સુબ્હાને 12 વર્ષની ઉંમરથી જ આ કામ કરવાનું શરૂ કર્યું હતું. સુબ્હાન કહે છે, “હું આઠ બાળકોમાં બીજા ક્રમનો સૌથી મોટો છું, તેથી મારે મારા પરિવારની સંભાળ રાખવાની હોય છે. કોવિડ-19 લૉકડાઉન દરમિયાન, મેં મારી બધી બચત ગુમાવી દીધી હતી અને હવે આ કામમાંથી બહાર આવવું વધુ મુશ્કેલ લાગે છે.”
સુબ્હાન જાણે છે કે તેઓ એકલા નથી. તેઓ કહે છે, “અહીં મારા જેવા ઘણા યુવાનો છે, જેઓ બે નોકરીઓ કરી રહ્યા છે. અગર પરેશાની આતી હૈ, તો કુછ તો કરના પડેગા [જો મુશ્કેલીમાં ઘરકાવ થઈ ગયા હોઈએ, તો કંઈ તો કરવું પડશેને].”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ