સિંગધુઈ ગામના રહેવાસી રવીન્દ્ર ભુઇયા કહે છે, “દારૂ પીને ભૂખ જેવા ઘણા દુ:ખોને સરળતાથી ભૂલી શકાય છે.”
પચાસ વર્ષીય ભુઈયા એક સાબર આદિવાસી (પશ્ચિમ બંગાળમાં સાવર તરીકે સૂચિબદ્ધ) છે. મુંડા આદિવાસી સમુદાય સાથે સંબંધિત સાબર લોકો ભારતના પૂર્વીય ભાગોમાં રહે છે અને સાઉડા, શોરા, શબોર અને શુરી તરીકે પણ ઓળખાય છે. લોધા શબોર પશ્ચિમ મેદિનીપુર (અવિભાજિત)માં મોટી સંખ્યામાં છે, અને ખાડિયા શબોર મોટાભાગે પુરુલિયા, વા કુડા અને પશ્ચિમ મેદિનીપુર (અવિભાજિત)માં વસે છે.
મહાશ્વેતા દેવીનું ‘ધ બુક ઓફ ધ હન્ટર’ (પ્રથમ વખત 1994માં બંગાળીમાં ‘બૈધખંડો’ તરીકે પ્રકાશિત થયેલ) પુસ્તક આ સમુદાયની અતિશય ગરીબી અને હાંસિયામાં ધકેલાઈ જવાની પરિસ્થિતિનું વર્ણન કરે છે. દાયકાઓ પછી, પરિસ્થિતિમાં કંઈ મોટો ફેર નથી આવ્યો અને 2020નો અહેવાલ લિવિંગ વર્લ્ડ ઓફ ધ આદિવાસીઝ ઓફ વેસ્ટ બેંગાલ દર્શાવે છે કે, “સર્વેક્ષણ કરાયેલા 67 ટકા ગામડાઓમાં લોકો ભૂખમરાથી પીડાતા હોવાનું નોંધાયું હતું.”
આ સમુદાયને અંગ્રેજો દ્વારા 18મી સદીના ઉત્તરાર્ધથી 1952 સુધી, જ્યારે તેમને બિન-સૂચિત કરવામાં આવ્યા હતા, ત્યાં સુધી ‘ગુનાહિત જનજાતિઓ’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંપરાગત રીતે શિકારીઓ તરીકે રહેતા આ લોકો ફળો, પાંદડાં અને મૂળ એકઠા કરવામાં અને જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવામાં પણ પારંગત છે. આઝાદી પછી, કેટલાકને ખેતી કરવા માટે જમીન આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગની જમીન પથરાળ અને ઉજ્જડ હતી, તેથી તેઓ સ્થળાંતરિત મજૂરો તરીકે કામ કરવા લાગ્યા છે. બિન-સૂચિત કરાયા હોવા છતાં તેઓ હજુ પણ કલંકિત ગણાય છે, અને તેથી તેઓ સ્થાનિક પોલીસ અને વન સેવા અધિકારીઓની દયા પર જીવી રહ્યા છે, જેમણે તેમની અવરજવર પર અંકુશ મૂક્યો છે.
કમાણીની તકો ઓછી હોવાથી પશ્ચિમ મેદિનીપુર અને જાડગ્રામ જિલ્લાના સાબર સમુદાયમાં ભૂખમરો સ્પષ્ટપણે દેખાય છે. ભુઇયા જેવા ઘણા લોકો તેમની ભૂખને વેઠવા માટે દારૂનો સહારો લે છે, અથવા બોંકિમ મોલ્લિક કહે છે તેમ, “અમે દિવસમાં ત્રણ વાર પાંતાભાત [આથવેલા ચોખા] ખાઈએ છીએ. અમે તેના આધારે જીવીએ છીએ.” તોપોબોન ગામના 55 વર્ષીય રહેવાસી મોલ્લિક જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)નો ઉલ્લેખ કરી રહ્યા છે, જે અંતર્ગત ઘરના દરેક સભ્યને દર મહિને પાંચ કિલોગ્રામ ચોખા આપવામાં આવે છે. તેઓ તેમના જર્જરિત ઘરની બહાર પાંતાભાત ખાતાં ખાતાં કહે છે, “મીઠું કે તેલ એક વૈભવી વસ્તુ છે.”
સમગ્ર વર્ષ દરમિયાન સાબરો તેમના નજીવા રાશનને પૂરક બનાવવા માટે જંગલોની પેદાશ પર આધાર રાખે છે. ઉનાળા દરમિયાન – વૈશાખ, જેઠ, અને પછી અષાઢમાં ચોમાસા દરમિયાન – આ સમુદાય જંગલના ફળો અને મૂળિયા ભેગાં કરે છે અને નાના પક્ષીઓ, સાપ, ગોષાપ (બંગાળી મોનિટર ગરોળી), દેડકા અને ગોકળગાયનો શિકાર કરે છે. તેમજ ખેતરમાં જોવા મળતાં દેડકાં, મોટી ગોકળગાય, નાની માછલીઓ અને કરચલા પણ એકઠા કરે છે.
પછીથી શ્રાવણ, ભાદ્ર અને અશ્વિનમાં, તેઓ નદીના પટની માછલીઓ ભેગી કરે છે; કારતક, અગ્રોહાયોન અને પોષ દરમિયાન અને તે પછીના મહિનાઓમાં આ સમુદાય ઉંદરોને ખેતરોમાં પકડીને તેમના દ્વારા તેમના દરોમાં સંગ્રહ કરેલ ડાંગરને બહાર કાઢે છે. માઘના શિયાળાના મહિનાઓ અને પછીના વસંત–ફાલ્ગુન અને ચૈત્ર દરમિયાન, તેઓ નાના પ્રાણીઓનો શિકાર કરે છે અને જંગલમાં ઉગતા ફળો અને ચક (મધપૂડા) એકઠા કરે છે.
પરંતુ અન્ય આદિવાસી સમુદાયોની જેમ, તેમના માટે જંગલોમાં પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે તેઓ કહે છે કે જંગલી પ્રાણીઓ ખોરાક માટે આક્રમક રીતે ધાડ પાડે છે અને તેથી જ્યારે પ્રાણીઓ ઘુસણખોરી કરે છે ત્યારે તેઓ તેમનો જીવ બચાવવાની ફિકર થઈ પડે છે.
52 વર્ષીય જોગા મોલ્લિક મજાક મજાકમાં કહે છે, “જો કોઈ બીમાર પડે તો પણ અમે સાંજ પછી ગામની બહાર નથી જતા. કેટલાક હાથીઓનું ટોળું અહીંથી સહેજ પણ હલતું નથી. એવું લાગે છે કે જાણે તેમની પાસે અહીંનું (રહેઠાણ માટેનું) આધાર કાર્ડ છે.”
તોપોબોન ગામના સાઠ વર્ષીય શુક્રા નાયક સાબર સમુદાયના છે. તેઓ કહે છે કે હાથીઓની હાજરીએ આ જગ્યાને “ખૂબ જ ડરામણી” બનાવી દીધી છે. હાથીઓ દરેક જગ્યાએ હોય છે અને તેઓ ખૂબ જ આક્રમક પણ બની જાય છે. તેઓ માત્ર લોકો પર જ હુમલો નથી કરી રહ્યા, પરંતુ તેઓ ડાંગરના ખેતરો, કેળાના ઝાડ અને અમારા ઘરોને પણ નષ્ટ કરી રહ્યા છે.
પરંતુ બેનાશુલી ગામના તેમના પડોશી જોતિન ભુક્તા કહે છે, “જો અમે જંગલમાં નહીં જઈએ, તો અમે ખાઈશું શું? અમે એવા ઘણા દિવસો વિતાવ્યા છે કે જેમાં અમે ફક્ત પંતાભાત ખાઈને પેટનો ખાડો ભર્યો હોય.”
સાબરોનો નબળો આહાર તેમને ક્ષય રોગ જેવા રોગો માટે સંવેદનશીલ બનાવે છે. શારુથી મોલ્લિક ક્ષય રોગનાં દર્દી છે અને તબીબી શિબિરોમાં પણ ગયાં છે પરંતુ હવે તેઓ ત્યાં જવા ઇચ્છતાં નથી. બેનાશુલી ગામનાં 30 વર્ષીય રહેવાસી શારુથી તેનું કારણ સમજાવતાં કહે છે, “હું મારા પરિવારમાં એકમાત્ર મહિલા છું. જો હું હોસ્પિટલમાં દાખલ થઈશ તો ઘરનું કામ કોણ કરશે? મારા પતિ સાથે જંગલમાં પાંદડાં વીણવા કોણ જશે?” અને પાછું તપાસ માટે હોસ્પિટલમાં જવું પણ પોસાય તેમ નથી હોતું, “એકતરફી મુસાફરી પાછળ 50થી 80 રૂપિયા ખર્ચ થઈ શકે છે, જે અમને પરવડે તેમ નથી.”
સાબર પરિવારોની મુખ્ય કમાણી સાલ (શોરિયા રોબસ્ટા) વૃક્ષનાં પાંદડાં એકત્ર કરીને અને તેમને વેચીને થાય છે, જે એક મુશ્કેલ કાર્ય છે. સાલ લાકડાનું મજબૂત વૃક્ષ છે અને ભારતમાં લાકડાનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે. ઓડિશા સ્થિત સાલના પાનના ખરીદદાર દિલીપ મોહંતી, જેઓ નિયમિતપણે બજારની મુલાકાત લે છે, કહે છે, “આ વર્ષે પાનના પુરવઠામાં ભારે ઘટાડો નોંધાયો છે. સાબર સમુદાય હવે હાથીઓના ડરથી જંગલમાં જવાથી ડરે છે.”
જતિનના પાડોશી કોંદા ભુક્તા આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે આ કામ જોખમથી ભરેલું છે. “અમે સામાન્ય રીતે એક જૂથ બનાવીએ છીએ અને એક સાથે જઈએ છીએ. તે ખૂબ જ જોખમી કામ છે, કેમ કે ત્યાં સાપ અને હાથીઓ હોય છે. અમે સવારે લગભગ 6 વાગ્યે જઈએ છીએ અને બપોર સુધીમાં પાછા આવી જઈએ છીએ.”
પાંદડાઓ એકત્રિત કરવામાં આવે છે અને તેમને સૂકવવામાં આવે છે અને પછી, “અમે તેમને સાયકલ પર નજીકના હાટમાં લઈ જઈએ છીએ, જે શનિવારે યોજાતું સાપ્તાહિક બજાર છે. ઓડિશાના ખરીદદારો ત્યાં આવે છે અને તેઓ અમને 1, 000 પાંદડાંના બંડલ માટે 60 રૂપિયા આપે છે.” જતિન ભુક્તા કહે છે, “જો હું એક અઠવાડિયામાં ચાર બંડલ વેચું, તો હું 240 રૂપિયા કમાણી કરીશ. અહીંના મોટાભાગના પરિવારોની સરેરાશ કમાણી આટલી જ છે.”
સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (પી.એમ.એ.વાય.) યોજના હેઠળ આ સમુદાય માટે આવાસ યોજનાની શરૂઆત કરી છે. પરંતુ 40 વર્ષીય સાવિત્રી મોલ્લિક કહે છે, “અમે ત્યાં રહી શકતાં નથી.” જ્યારે ઉનાળામાં સામાન્ય તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે એસ્બેસ્ટોસની છતવાળા કોંક્રિટના તે ઘરો અસહ્ય બની જાય છે. “માર્ચથી જૂન સુધી જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે અમે અહીં કેવી રીતે રહી શકીએ?”
આ સમુદાયનું જીવનધોરણ સુધારવા માટે કામ કરતા એનજીઓ, કાજલા જનકલ્યાણ સમિતિ (કેજેકેએસ) દ્વારા સ્થાપિત બેનાશુલી અને તોપોબોન જેવા ગામડાઓમાં કેટલીક ખાનગી પ્રાથમિક શાળાઓ બનવવામાં આવી છે. 2020નો આ અહેવાલ જણાવે છે કે, અહીં સાક્ષરતા 40 ટકા છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી છે; આ પ્રદેશના લગભગ ત્રીજા ભાગના યુવાન આદિવાસીઓ [મધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક] શાળાઓમાં પ્રવેશ મેળવતા નથી. તે અહેવાલ એ પણ નોંધે છે કે જાતિ આધારિત હુમલાઓ, શાળાથી અંતર, શૈક્ષણિક ખર્ચ ઉઠાવવામાં અસમર્થતા અને નોકરી મેળવવાની જવાબદારી જેવા પરિબળોને કારણે વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે.
કેજેએસના વડા શપુન જાના કહે છે, “જ્યારે સમુદાયના લોકો યોગ્ય કમાણી નથી કરી શકતા, ત્યારે બાળકોને શાળામાં મોકલવા એ તો બહુ દૂરની વાત છે.”
પલ્લવી સેનગુપ્તા ઉમેરે છે કે આરોગ્યસંભાળની પહોંચની પણ આવી જ હાલત છે. આ વિસ્તારમાં આદિવાસીઓને તબીબી સેવાઓ પૂરી પાડતી એક સખાવતી સંસ્થા જર્મન ડૉક્ટર્સ સાથે કામ કરતાં સેનગુપ્તા કહે છે, “તેમના માટે એક્સ-રે લેવા જેવી બાબત પણ મુશ્કેલ હોય છે, કારણ કે નજીકમાં કોઈ પ્રાથમિક આરોગ્ય સંભાળ શિબિરો નથી. તેથી, તેઓ પરંપરાગત ચિકિત્સકો પર આધાર રાખે છે.” આ વિસ્તારમાં સાપનું કરડવું પણ સામાન્ય છે અને અહીં પણ અપૂરતી તબીબી સુવિધાઓ હોવાથી પરંપરાગત ચિકિત્સકો પર જ આધાર રાખવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં માત્ર 40,000થી વધુની સંખ્યા હોવા છતાં ( ભારતમાં અનુસૂચિત જનજાતિઓની આંકડાકીય રૂપરેખા, 2013 ), સાબરો ભૂખમરાની ધાર પર જીવી રહ્યા છે.
વર્ષ 2004માં, મેદિનીપુર જિલ્લાના સાબર ગામમાં, જે હવે જાડગ્રામ જિલ્લો કહેવાય છે, પાંચ વ્યક્તિઓનું ઘણા મહિનાઓની ભૂખમરાના કારણે મોત નિપજ્યું હતું, જેના કારણે રાષ્ટ્રીય મીડિયામાં હોબાળો થયો હતો. વીસ વર્ષ પછી, કોઈ મોટો બદલાવ નથી આવ્યો. અમૂક કિસ્સામાં તો ભૂખમરો વધી રહ્યો છે, અને શિક્ષણ અને આરોગ્યસંભાળની પહોંચનો અભાવ યથાવત છે. માનવો અને જાનવરો વચ્ચે અવારનવાર સંઘર્ષો થાય છે, કારણ કે આ ગામડાં ગાઢ જંગલોમાં આવેલાં છે.
તેમની વિકટ સ્થિતિને જોતાં, જ્યારે રહેવાસીઓ દારૂને ખોરાકનો વિકલ્પ હોવા અંગે કટાક્ષ કરે છે, ત્યારે તે હળવાશથી કહેવામાં નથી આવતું. રવીન્દ્ર ભુઇયા આ પત્રકારને પૂછે છે, “જો મારા શ્વાસમાં દારૂની ગંધ આવે, તો શું તમે મને ઠપકો આપશો?”
અનુવાદક: ફૈઝ મોહંમદ