"મિર્ચી, લેહસુન, અદ્રક... દૂધીના પાન, કરેલા...ગોળ."

આ મરચાં, લસણ, આદુ, કારેલામાંથી બનાવવાની ખાવાની વાનગીની રેસીપી નથી…પરંતુ જૈવિક ખેતી કરતા ખેડૂત ગુલાબરાનીના અસરકારક ખાતર અને જંતુનાશકની રેસિપી છે જે તેઓ અહીં પન્ના ટાઈગર રિઝર્વ (વાઘ અભ્યારણ્ય) ની ખૂબ નજીક આવેલા ચુંગુના ગામમાં બનાવે છે.

આ યાદી પહેલી વખત સાંભળી હતી ત્યારે તેઓ મોટેથી હસી પડ્યા હતા એ વાત આ 53 વર્ષના મહિલા યાદ કરે છે. તેઓ ઉમેરે છે, “મેં વિચાર્યું હતું, આ બધું મને મળશે ક્યાંથી? પરંતુ મારી પાસે જંગલમાં ઉગતી દૂધી તો   હતી...” ગોળ જેવી બીજી સામગ્રી તેમણે બજારમાં ખરીદવી પડી હતી.

તેઓ શું ઉકાળી રહ્યા છે એ જાણવા ઉત્સુક વહેમી પડોશીઓએ મદદ કરી નહોતી. પરંતુ બીજા લોકો શું વિચારશે એવું વિચારીને ગુલાબરાની ક્યારેય પરેશાન નથી થયા - અને તેથી જ તેમના લગભગ 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં જૈવિક ખેતી તરફ આગળ વધનાર તેઓ સૌથી પહેલા હતા એ વાત નવાઈ પમાડે એવી નથી.

ઘરમાં ચાર વર્ષ પહેલાં થયેલી વાતચીત યાદ કરતાં તેઓ કહે છે, "આપણે બજારમાંથી જે ખાદ્યપદાર્થો ખરીદીએ છીએ તેમાં દવાઓ હોય છે અને તેમાં જાતજાતના રસાયણોના ઈંજેક્શન આપવામાં આવે છે, તેથી અમે વિચાર્યું કે એવું શા માટે ખાવું."

તેઓ ઉમેરે છે, “મારા પરિવારે વિચાર્યું કે જૈવિક ખેતી એ એક સારો વિચાર હતો. અમે બધાએ વિચાર્યું કે જો અમે જૈવિક [પદ્ધતિથી ઉગાડવામાં આવેલો] ખોરાક ખાઈશું તો અમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે." તેઓ મજાક કરતા કહે છે, "જૈવિક ખાતરોથી જીવાતોનું સ્વાસ્થ્ય બગડે છે, આપણું સ્વાસ્થ્ય સુધરે છે!”

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: ગુલાબરાની પન્ના જિલ્લાના ચુંગુના ગામમાં પોતાને ઘેર તેમના કોઠારના ઓરડા આગળ. જમણે: પતિ ઉજિયાન સિંહ અને કારેલાના પાંદડા, ગૌમૂત્ર અને બીજી સામગ્રીનો ઉપયોગ કરીને તેઓએ બનાવેલા કુદરતી ખાતરના ઘડા સાથે ગુલાબરાની

PHOTO • Priti David
PHOTO • Priti David

'મારા પરિવારે વિચાર્યું કે જૈવિક ખેતી એ એક સારો વિચાર હતો. અમે બધાએ વિચાર્યું કે જો અમે જૈવિક [પદ્ધતિથી ઉગાડવામાં આવેલો] ખોરાક ખાઈશું તો અમારી સ્વાસ્થ્યને પણ ફાયદો થશે .'

હવે તેમની 2.5 એકર જમીન પર જૈવિક ખેતીના ત્રીજા વાર્ષિક ચક્રમાં ગુલાબરાની અને તેમના પતિ ઉજિયાન સિંહ ડાંગર, મકાઈ, તુવેર, તલ જેવા ખરીફ પાક અને ઘઉં, ચણા, સરસવ જેવા રવિ પાકો ઉગાડે છે; ટામેટા, રીંગણ, મરચાં, ગાજર, મૂળા, બીટ, ભીંડા, જાત જાતની ભાજી, દૂધી, કારેલા, કરમદાં, ફણસી, ચોળી વિગેરે - શાકભાજી આખું વર્ષ ઉગાડે છે. તેઓ ખુશીથી કહે છે, "અમારે બજારમાંથી ખાસ કંઈ ખરીદવું પડતું નથી."

ચુંગુના ગામ પૂર્વ મધ્ય પ્રદેશમાં પન્ના ટાઈગર રિઝર્વની ખૂબ નજીક આવેલું છે. ગામના મોટાભાગના પરિવારો રાજગોંડ આદિવાસી સમુદાયના છે, તેઓ વાર્ષિક વરસાદ અને નજીકની નહેર પર આધારિત તેમની જમીનના નાના-નાના પ્લોટ પર ખેતી કરે છે. ઘણા લોકો મોસમી કામ માટે કટની જેવા નજીકના શહેરોમાં અને ઉત્તર તરફ આવેલ નજીકના ઉત્તર પ્રદેશમાં પણ સ્થળાંતર કરે છે.

ગુલાબરાની કહે છે, “શરૂઆતમાં જૈવિક ખેતી કરવાનું શરૂ કરનાર અમે માત્ર એક કે બે ખેડૂતો હતા. પછી 8-9 લોકો જોડાયા હતા."  તેમના અંદાજ પ્રમાણે તેમના સમુદાયના સભ્યો દ્વારા ખેડવામાં આવતી લગભગ 200 એકર ખેતીની જમીન પર હવે જૈવિક ખેતી થાય છે.

સામાજિક કાર્યકર શરદ યાદવ કહે છે, "[ચુંગુનામાં] સ્થળાંતર ઘટ્યું છે, અને જંગલની પેદાશો પર નિર્ભરતા માત્ર બળતણ માટે લાકડા માટે છે." શરદ પીપલ્સ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ (પીએસઆઈ) ખાતે ક્લસ્ટર કોઓર્ડિનેટર છે અને તેઓ પોતે ખેડૂત પણ છે.

પીએસઆઈના કર્મચારીગણનું કહેવું છે કે ગુલાબરાનીની સ્પષ્ટ રીત અને તેમના સવાલ ઉઠાવવાના વલણને કારણે તેઓ પ્રભાવક (ઈન્ફ્લુઅન્સર) તરીકે અલગ તારી આવે છે. પીએસઆઈના કર્મચારીઓએ સૂચવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મકાઈનો પાક ઉગાડવાનો પ્રયાસ કરનાર તેઓ પહેલા જ હતા, અને તેમણે સારી ઉપજ મેળવી હતી. તેમની સફળતાએ બીજા લોકોને જૈવિક ખેતી અપનાવાનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: ગુલાબરાની તેમના 2.5 એકરના ખેતરમાં, અહીં તેઓ જૈવિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને પાક ઉગાડે છે. જમણે: આ પરિવાર તેમની ખાદ્ય જરૂરિયાતો તેમની જમીનમાંથી પૂરી કરે છે

*****

ઉજિયાન સિંહ કહે છે, "અમે ખાતર અને જંતુનાશકો - યુરિયા અને ડીએપી પર મહિને 5000 રુપિયા સુધીનો ખર્ચ કરતા હતા." શરદ કહે છે કે તેમની જમીન સંપૂર્ણપણે રસાયણો આધારિત અથવા જેને સ્થાનિક રીતે 'છિડકા ખેતી' (સ્પ્રે એન્ડ ફાર્મ) કહેવામાં આવે છે એવી થઈ ગઈ હતી.

ગુલાબરાની ઘરની પાછળના ભાગમાં પડેલા માટીના મોટા વાસણ તરફ ઈશારો કરતા કહે છે, “હવે અમે અમારું પોતાનું મટકા ખાદ [માટીના ઘડામાં ખાતર] બનાવીએ છીએ." તેઓ ઉમેરે છે, "મારે ઘરના કામમાંથી સમય કાઢવો પડે છે." જમીન ઉપરાંત આ પરિવાર પાસે 10 ઢોર છે; તેઓ દૂધ વેચતા નથી, પરંતુ તેનો ઉપયોગ તેમના નાના પરિવાર માટે કરે છે, તેમના પરિવારમાં બે દીકરીઓ અને એક પરિણીત દીકરો છે.

મરચાં, આદુ અને ગૌમૂત્રની સાથે કારેલા, ગોળ અને લીમડાના પાનની જરૂર પડે છે. “અમારે એ બધાને એક કલાક સુધી ઉકાળવા પડે છે. પછી તેનો ઉપયોગ કરતા પહેલા અમે તેને 2.5 થી 3 દિવસ સુધી રહેવા દઈએ છીએ. પરંતુ જ્યાં સુધી તેની જરૂર ન પડે ત્યાં સુધી તે ઘડામાં રાખી શકાય છે. જૈવિક ખેતી કરતા આ ખેડૂત કહે છે."કેટલાક તેને 15 દિવસ સુધી રાખે છે જેથી તે અચ્છે સે ગલ જાતા હૈ [તેને સારી રીતે આથો આવે છે]."

તેઓ એક સમયે પાંચથી 10 લિટર બનાવે છે. તેઓ ઉમેરે છે, “એક એકર માટે એક લિટર પૂરતું છે. તેને 10 લિટર પાણીમાં ઓગળવું જરૂરી છે. જો તમે વધુ પડતું ખાતર નાખો તો તેનાથી ફૂલો મરી જાય છે અને પાક બાબાદ થઈ જાય છે." શરૂઆતમાં પડોશીઓ અજમાવવા માટે એક-એક બોટલ માગતા હતા.

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: ગુલાબરાની તેમની પૌત્રી અનામિકા સાથે પોતાના રસોડામાં. જમણે: ઉજિયાન સિંહ અને થોડે દૂર દેખાતી પંપ ચલાવવા માટેની સોલર પેનલ

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: રાજિન્દર સિંહ ટેક્નોલોજી રિસોર્સ સેન્ટર (ટીઆરસી) સંભાળે છે જે ખેતીના ઓજારો વાપરવા માટે આપે છે. જમણે: સિહાવન ગામમાં એક ખેતર જ્યાં ચોખાની ચાર અલગ અલગ પરંપરાગત જાતોનું બાજુ-બાજુમાં વાવેતર કરવામાં આવ્યું છે

ઉજિયાન સિંહ કહે છે, “અમને આખું વર્ષ ખાવા પૂરતું મળી રહે છે. અમે વર્ષેદહાડે આશરે 15000 રુપિયાની ઉપજ વેચી શકીએ છીએ." મધ્ય ભારતના બીજા લોકોની જેમ આ ખેડૂતોને પણ જંગલી પ્રાણીઓ દ્વારા પાક બરબાદ થવાની સમસ્યાનો સતત સામનો કરવો પડે છે. ગુલાબરાની પારીને કહે છે, “સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો હોવાથી હવે અમે જંગલી પ્રાણીઓને પકડી શકતા નથી કે મારી શકતા નથી. નીલગાય ઘઉં અને મકાઈ ખાઈ જાય છે, પાક સંપૂર્ણપણે બરબાદ કરી નાખે છે." વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 જંગલી ભૂંડને મારવા પર પ્રતિબંધ મૂકે છે.

પોતાના ખેતરના છેડે આવેલી સોલર પેનલ તરફ ઈશારો કરતા ઉજિયાન સિંહ કહે છે, "સિંચાઈ માટે નજીકના પ્રવાહમાંથી પાણી ખેંચવા માટે સૌર ઊર્જાથી ચાલતા પંપનો ઉપયોગ થાય છે.  ઘણા ખેડૂતો વર્ષમાં ત્રણ પાક વાવી શકે છે."

પીપલ્સ સાયન્સ ઈન્સ્ટિટ્યુટ (પીએસઆઈ) એ ટેક્નોલોજી સેવા કેન્દ્ર (ટીઆરસી) પણ સ્થાપ્યું છે જે બિલપુરા પંચાયતની આસપાસના 40 ગામોને સેવા આપે છે. ટીઆરસીનું વ્યવસ્થાપન સંભાળતા રાજીન્દર સિંઘ કહે છે, "ટીઆરસીમાં તેઓ ચોખાની 15 જાતો અને ઘઉંની 11 જાતોનો સંગ્રહ કરે છે, આ મોટાભાગે પરંપરાગત બિયારણ છે જે ઓછા વરસાદમાં અને તીવ્ર ઠંડીમાં પણ ઊગી શકે છે અને તેમાં જીવાત અને નીંદણની માત્રા પણ ઓછી હોય છે."

PHOTO • Priti David
PHOTO • Priti David

બિલપુરા પંચાયતના ચુંગુના સહિતના 40 ગામોને સેવા આપતા ટેકનોલોજી સેવા કેન્દ્રમાં રાખવામાં આવેલી ચોખા (ડાબે) અને દાળ (જમણે)ની પરંપરાગત જાતો

PHOTO • Priti David
PHOTO • Priti David

ચુંગુનાની મહિલાઓ આજે મોડેથી યોજાનારી હલછઠ પૂજા માટે તૈયાર થઈને નદીએ નહાવા જઈ રહી છે

તેઓ ઉમેરે છે, "અમે અમારા ખેડૂત સભ્યોને બે કિલો બિયારણ આપીએ છીએ અને જ્યારે તેઓ લણણી કરે છે ત્યારે તેમણે બમણું બિયારણ પાછું આપવું પડે છે." તેઓ અમને થોડે દૂર એક એકરમાં વાવેલ ડાંગર બતાવે છે - અહીં ચાર અલગ અલગ જાતોનું બાજુ-બાજુમાં વાવેતર કરવામાં આવ્યું છે અને તેઓ ઝડપભેર લણણીની સંભવિત તારીખો જણાવે છે.

આ વિસ્તારના ખેડૂતો હવે પછી શાકભાજીના માર્કેટિંગ માટે એક સમૂહ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. જૈવિક શાકભાજીની માંગ વધવાને કારણે તેઓ સારી કિંમતો મેળવવાની આશા રાખી રહ્યા છે.

અમે પાછા જવા નીકળીએ છીએ ત્યારે ગુલાબરાની ઉપવાસના પારણા કરતા પહેલા નહેર પર નહાવા અને હલછઠ પૂજા કરવા જઈ રહેલ ગામની બીજી મહિલાઓ સાથે જોડાય છે. આ પૂજા હિંદુ કેલેન્ડરના પાંચમા મહિના - ભાદરવા મહિના - માં તેમના બાળકો માટે કરવામાં આવે છે. ગુલાબરાની કહે છે, “અમે મહુઆને રાંધીશું – તેને છાશમાં ઉકાળીશું – અને ઉપવાસના પારણા કરવા એ ખાઈશું.” તેઓ તેમને ઘેર ઉગાડવામાં આવેલા જૈવિક ચણા શેકીને ખાશે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Editor : Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik