આસામી તહેવાર રંગોલી બિહુ આવવાની તૈયારી છે તેવા દિવસોમાં, લૂમની લાકડાની ફ્રેમ સાથે અથડાતા ટ્રેડલ અને શટલના ઘોંઘાટના અવાજો આ આખા પડોશમાં ગુંજી ઉઠે છે.
ભેલાપાડા પડોશમાં એક શાંત ગલીમાં વણકર પટની દેઉરી પોતાના હાથસાળના કામમાં વ્યસ્ત છે. તેઓ બૉજરાઝાર ગામમાં તેમના ઘરે એન્ડી ગમછા વણી રહ્યાં છે. એપ્રિલ મહિનાની આસપાસ યોજાતા આસામી નવા વર્ષ અને લણણીના તહેવાર માટે તેઓએ સમયસર તૈયાર રહેવું પડે છે.
પરંતુ આ કૈં જેવા તેવા ગમછા નથી. 58 વર્ષીય આ કારીગર જટિલ ફૂલોની ડિઝાઇન કરવા માટે જાણીતાં છે. તેઓ કહે છે, “મને બિહુ પહેલાં 30 ગમછા બનાવવાનો ઓર્ડર મળ્યો છે, કારણ કે લોકો તે મહેમાનોને ભેટ આપવા માગે છે.” ગમછા — આશરે દોઢ મીટર લંબાઈના કપડાના વણેલા ટુકડાઓ — આસામી સંસ્કૃતિમાં આગવું મહત્તવ ધરાવે છે. સ્થાનિક લોકો ખાસ કરીને તહેવારો દરમિયાન તેની ખૂબ માંગ હોય છે, તેમાં વપરાતા લાલ દોરા તહેવારનો માહોલ ઊભો કરે છે.
દેઉરી ગર્વથી સ્મિત કરતાં કહે છે, “કાપડમાં ફૂલો વણવાનું મને બહુ ગમે છે. જ્યારે પણ હું કોઈ ફૂલ જોઉં છું, ત્યારે હું જે કપડાં વણાટ કરું, તેના પર તે જ ફૂલની ભાત કરી શકું છું. મારે તેને માત્ર એક જ વાર જોવું પડે છે.” આસામમાં દેઉરી સમુદાય અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
આસામના માઝબાટ પેટા વિભાગના આ ગામમાં વણકરો રાજ્યના 12.69 લાખ હેન્ડલૂમ પરિવારોનો ભાગ છે, જેમાં 12 લાખથી વધુ વણકરો છે — જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. આસામ દેશના હેન્ડલૂમ ઉત્પાદનો, ખાસ કરીને ચાર રેશમની ચાર જાતો — ઈરી, મુગા, શેતૂર અને તસારનું ઉત્પાદન કરતા ટોચના રાજ્યોમાંનું એક છે.
દેઉરી એરી (કપાસ અને રેશમ બંને) નો ઉપયોગ કરે છે, જેને સ્થાનિક બોડો ભાષામાં ‘એન્ડી’ પણ કહેવાય છે. આ પીઢ વણકરે ઉમેરે છે, “હું નાની હતી ત્યારે મારી માતા પાસેથી વણાટ શીખી હતી. એક વાર મેં જાતે જ લૂમ સંભાળવાની શીખી લીધા પછી, મેં વણાટ કરવાનું શરૂ કર્યું. ત્યારથી હું આ કામ કરી રહી છું.” તેઓ ગમછા અને ફુલમ ગમછા (બન્ને બાજુ ફૂલોની ડિઝાઇનવાળા આસામી ટુવાલ), મેખલા ચાદર — મહિલાઓ માટે બે ટુકડાનો પરંપરાગત આસામી પોશાક) અને એન્ડી ચાદર (એક મોટી શાલ) વણી શકે છે.
વેચાણમાં મદદ કરવા માટે, તેમણે 1996માં સ્વ-સહાય જૂથ (એસએચજી) ની સ્થાપના કરી હતી. તેમની ઉદ્યોગસાહસિકતા પર ગર્વ કરતાં તેઓ કહે છે, “જ્યારે અમે ભેલાપર ખુદ્રાસંચોય [નાની બચત] સ્વ-સહાય જૂથની સ્થાપના કરી, ત્યારે હું જાતે જ વણીને વેચવા લાગી.”
દેઉરી જેવા વણકરોને લાગે છે કે, કમાણીમાં સુધારો થવામાં જે પરિબળ સૌથી નડતરરૂપ થતું હોય તે છે સૂતરની ખરીદી. તેઓ કહે છે કે સૂતર ખરીદવા માટે તેમને પોસાય પણ નહીં તેટલી મૂડીની જરૂર પડે છે, તેથી તેઓ કમિશન પર કામ કરવાનું પસંદ કરે છે, જેમાં તેઓ દુકાનદારો અથવા વિક્રેતાઓ પાસેથી સૂતર મેળવે છે અને તેમને શું બનાવવું તેનો ઓર્ડર આપવામાં આવે છે. “ ગમછા બનાવવા માટે, મારે લંબાઈ અને વણાટ માટે ઓછામાં ઓછું ત્રણ કિલો સૂતર ખરીદવું પડશે. એક કિલો એન્ડીની કિંમત 700 રૂપિયા હોય છે, એટલે મને તેમાં 2,100 રૂપિયા ખર્ચ કરવા ન પોસાય.” વેપારીઓ તેમને 10 ગમછા અથવા ત્રણ સાડીઓ માટે એકસામટું સૂતર આપે છે.. તેઓ ઉમેરે છે, “હું તેના પર કામ કરું છું અને તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરું છું.”
માધોબી ચાહરિયા કહે છે કે તેઓને સૂતરનો સંગ્રહ કરવો પોસાતો ન હોવાથી, તેઓ પોતાનું કામ ધીમું કરી દે છે. તેઓ દેઉરીનાં પાડોશી છે, અને તેઓ વણેલા ગમછા માટે સૂતર ખરીદવા માટે અન્ય લોકો પર નિર્ભર છે. તેઓ પારીને કહે છે, “મારા પતિ દૈનિક મજૂર તરીકે કામ કરે છે. ક્યારેક તેમને કામ મળે છે, તો ક્યારેક નથી મળતું. આવી પરિસ્થિતિમાં, હું સૂતર ખરીદી શકતી નથી,”
આસામમાં 12.69 લાખ હેન્ડલૂમ પરિવારો છે અને તે હાથથી વણેલા ઉત્પાદનોના ઉત્પાદનમાં દેશના ટોચના રાજ્યોમાં સ્થાન ધરાવે છે
માધોબી અને દેઉરીની પરિસ્થિતિ કૈં અસામાન્ય નથી. દિબ્રુગઢ યુનિવર્સિટીનો આ 2020નો અહેવાલ કહે છે કે, રાજ્ય ભરના ઘરેલું વણકરોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ અહેવાલ વ્યાજમુક્ત લોન અને વધુ સારી ક્રેડિટ સુવિધાઓની હિમાયત કરે છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે મહિલા વણકરોમાં મજબૂત કાર્યકારી સંગઠનના અભાવે તેમને મોટાભાગે સરકારી યોજનાઓ, આરોગ્ય વીમો, ક્રેડિટ અને બજાર જોડાણોથી દૂર રાખ્યાં છે.
દેઉરી ઉમેરે છે, “હું એક ચાદર ત્રણ દિવસમાં પૂર્ણ કરી શકું છું.” મધ્યમ કદના ગમછા બનાવવા માટે તેમણે આખો દિવસ વણાટ કરવું પડે છે, જે માટે તેમને 400 રૂપિયા કમાણી થાય છે. બજારમાં આસામી મેઘેલા ચાદરની કિંમત 5,000 રૂપીયાથી થોડા લાખ સુધીની હોય છે, પરંતુ દેઉરી જેવા કારીગરો મહિને માત્ર 6,000 થી 8,000 રૂપિયા જ કમાઈ શકે છે.
વણાટમાંથી તેમને જે કમાણી થાય છે તે તેમના સાત લોકોના પરિવાર માટે પૂરતી નથી. તેમના પરિવારમાં તેમના 66 વર્ષીય પતિ નબીન દેઉરી, અને બે બાળકો: 34 વર્ષીય રાજોની, અને 26 વર્ષીય રૂમી, અને તેમના દિવંગત મોટા પુત્રના કુટુંબનો સમાવેશ થાય છે. પરિવારને પોષવા તેઓ સ્થાનિક પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે પણ કામ કરે છે.
ચોથું ઓલ ઈન્ડિયા હેન્ડલૂમ સેન્સસ (2019-2020) જણાવે છે કે આસામમાં લગભગ તમામ (11.79 લાખ) વણકરો મહિલાઓ જ છે, અને તેઓ ઘરકામ અને વણાટકામ બન્ને કરે છે, અને દેઉરીની જેમ કેટલાંક અન્ય કામ પણ કરે છે.
એક દિવસમાં બહુવિધ કામો પૂરા કરવાના હોવાથી, દેઉરીનો દિવસ વહેલો શરૂ થાય છે. તેઓ સવારે 4 વાગ્યે લૂમની સામેની પાટલી પર બેસી જાય છે, જેના કાટ લાગેલા પાયા સંતુલન માટે ઇંટો પર મૂકવામાં આવે છે. તેઓ કહે છે, “સવારે 7:30 થી 8 વાગ્યા સુધી કામ કર્યા પછી, હું [રસોઈ કરવા] શાળાએ જાઉં છું. લગભગ 2-3 વાગ્યે પરત ફર્યા પછી, હું આરામ કરું છું. સાંજે 4 વાગ્યા સુધીમાં ફરી કામે લાગી જાઉં છું અને રાત્રે 10-11 વાગ્યા સુધી કામ ચાલુ રાખું છું.”
પરંતુ વાત માત્ર વણાટની જ નથી. દેઉરીએ સૂતર પણ તૈયાર કરવાનું હોય છે, જેમાં તનતોડ મહેનત લાગે છે. તેઓ સમજાવતાં કહે છે, “તમારે સૂતરને પલાળીને, તેને સ્ટાર્ચમાં નાખવું પડશે અને પછી તેને સુકવવું પડશે જેથી કરીને તેને મજબૂત કરી શકાય. મેં દોરા ફેલાવવા માટે બે છેડે વાંસના બે થાંભલા મૂક્યા છે. એક વાર દોરા તૈયાર થઈ જાય, હું તેને રા [વૉર્પ બીમ] માં લપેટીશ. પછી વૉર્પ બીમને લૂમના છેડે ધકેલવું પડે છે. અને પછી જ વણાટ કરવા માટે હાથ અને પગ ચલાવવામાં આવે છે.”
દેઉરી દ્વારા ઉપયોગમાં લેવાતી બંને લૂમ્સ પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી આવી છે, જેને, તેઓ કહે છે કે, તેમણે ત્રણ દાયકા પહેલાં તેમણે ખરીદ્યાં હતાં. તેઓ સોપારીના ઝાડના બે થાંભલા પર લાકડાની ફ્રેમ લગાવેલી છે, પેડલ્સ વાંસનાં બનેલાં છે. જટિલ ડિઝાઇન માટે, પરંપરાગત લૂમ્સનો ઉપયોગ કરતા જૂના વણકરો નાળિયેરના તાડપત્રના મધ્યભાગ સાથે પાતળી વાંસની પટ્ટીઓનો ઉપયોગ કરે છે. તેઓ કોઈપણ ડિઝાઇન બનાવવા માટે પસંદ કરેલા લાંબા દોરામાંથી કોઈ દોરાને પસંદ કરે છે. રંગીન દોરાઓને કાપડમાં વણવા માટે, તેમણે ટ્રેડલને દબાવ્યા પછી દર વખતે ઊભી દોરીઓમાંથી સેરી (વાંસની પાતળી પટ્ટી) વણવી પડે છે. આ એક સમય માંગી લેતી પ્રક્રિયા છે, જેનાથી તેમના કામની ઝડપ ઓછી થઈ જાય છે.
2017-2018માં અપનાવવામાં આવેલી આસામ સરકારની હેન્ડલૂમ પોલિસી સ્વીકારે છે કે લૂમને અપગ્રેડ કરવાની અને સૂતરને વધુ સુલભ બનાવવાની જરૂર છે. દેઉરી કહે છે કે આ કામમાં આગળ વધવા માટે તેમની પાસે કોઈ નાણાકીય સહાય નથી. “મારો હેન્ડલૂમ વિભાગ સાથે કોઈ સંબંધ નથી. આ લૂમ્સ જૂના છે અને મને હેન્ડલૂમ વિભાગ તરફથી કોઈ સહાય નથી મળી.”
આજીવિકા તરીકે વણાટને ટકાવી રાખવામાં અસમર્થ, ઉદલગુરી જિલ્લાના હાટીગઢ ગામનાં તરુ બરુઆહે આ હસ્તકલા છોડી દીધી છે. 51 વર્ષીય તરુ કહે છે, “વણાટમાં મારું નામ હતું. લોકો મારી પાસે મેઘેલા ચાદર અને ગમછા માટે આવતા. પરંતુ પાવર લૂમ્સ અને સસ્તા ઉત્પાદનોની ઓનલાઈન સ્પર્ધાના દોરમાં, હું હવે વણાટ નથી કરતી.” તેઓ તેમના ત્યજી દેવાયેલા એરીના વાવેતરની બાજુમાં ઊભાં છે, જેમાં હવે રેશમના એકેય કીડા નથી.
કુશળતાપૂર્વક આસામી ટુવાલ પર ફૂલોની ડિઝાઇન બનાવવા માટે માકુ (શટલ)ને ખસેડવા માટે પેડલને દબાવતાં દેઉરી કહે છે, “હું હવે લોકોને હાથથી બનાવેલા કપડાં પહેરતાં નથી જોતી. લોકો મોટે ભાગે પાવરલૂમમાંથી બનાવેલાં સસ્તાં કપડાં પહેરે છે. પરંતુ હું માત્ર ઘરે બનાવેલા કુદરતી ફેબ્રિકનાં કપડાં જ પહેરું છું અને જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું વણાટકામ ચાલુ રાખીશ.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ