આવશ્યક પ્રવુત્તિઓ સિવાય, સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

- ગૃહ મંત્રાલયનો પરિપત્ર (૧૭ મીમે એ ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ)

આ પરિપત્રમાં યાત્રી વાહનો અને બસોની આંતર-રાજ્ય ગતિવિધિઓને (જો બે પાડોશી રાજ્યો તેના પર સંમત થાય તો) મંજુરી આપીને સ્થળાંતરિત શ્રમિકોને રાહત આપવામાં આવી હતી. પરંતુ, લાખો લોકો શહેર છોડીને વતન પરત જવા ધોરીમાર્ગો પર પગપાળા ચાલી નીકળ્યા હતા  તેમના વિષે આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નહોતો.

કર્ફ્યુના આ કલાકોની પસંદગીએ તેમને ઉનાળાના સૌથી ગરમ તબક્કામાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીના સમયમાં ૪૭ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં ચાલવા મજબૂર કર્યા છે.

એક મહિના પહેલા તેલંગાણાના મરચાના ખેતરોમાં કામ કરતી ૧૨ વર્ષીય આદિવાસી છોકરી જમલો મદ્કમ લોકડાઉનના કારણે કામ અને પગાર બંધ થઇ જતા છત્તીસગઢ સ્થિત પોતાને ઘેર જવા પગપાળા ચાલી નીકળી હતી. આ બાળકી ત્રણ દિવસમાં ૧૪૦ કિલોમીટર ચાલી, પછી તેના ઘરથી ૬૦ કિલોમીટર દૂર, થાક, ડીહાઇડ્રેશન અને સ્નાયુઓના થાકને લીધે મૃત્યુ પામી. આવા કર્ફ્યુ ઓર્ડર કેટલા વધારે જમલો બનાવશે?

પ્રથમ તો પ્રધાનમંત્રીની ૨૪ માર્ચની ૧૩૦ કરોડ લોકોની વસ્તીવાળા દેશને  ૪ કલાકમાં સંપૂર્ણપણે બંધ કરી દેવાની જાહેરાતે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો. દરેક જગ્યાએ સ્થળાંતરિત શ્રમિકોએ તેમની ઘર તરફની લાંબી પગપાળા મુસાફરી શરૂ કરી દીધી. પછી, પોલીસ જેમને તેમની શહેરી વસાહતોમાં બળજબરી પાછા ન ધકેલી શકી તેમને રાજ્યની સરહદો પર અટકાવવામાં આવ્યા. આપણે લોકો પર જતુંનાશકોનો છંટકાવ કર્યો. ઘણા લોકો ‘સહાય શિબિરો’માં રોકાયા, હવે એ સહાય કોના માટે હતી એ કહેવું અઘરું છે.

મુંબઈ-નાસિક હાઇવે સામાન્ય સમય કરતા લોકડાઉનમાં વધુ વ્યસ્ત લાગતો હતો. લોકો જે રીતે જઈ શકતા હતા તે રીતે જવા લાગ્યા. બિમલેશ જૈસ્વાલ , કે જેમણે વર્ષો પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો તેઓ એ તેમની પત્ની અને ૩ વર્ષીય બાળકી સાથે મહારાષ્ટ્રના પનવેલથી મધ્યપ્રદેશના રેવા સુધી ૧૨૦૦ કિમી મુસાફરી ગિયર વગરના સ્કુટર પર કરી. તે પૂછે છે કે, “આખા દેશને ૪ કલાકની સુચના આપીને કોણ બંધ કરી દે છે?” ચાલ હવે બિમલેશ, આનો જવાબ તો તમને ખબર છે.

Left: How many more Jamlos will such curfew orders create? Right: Bimlesh Jaiswal rode a scooter (he has only one leg) across 1,200 kms
PHOTO • Kamlesh Painkra
Left: How many more Jamlos will such curfew orders create? Right: Bimlesh Jaiswal rode a scooter (he has only one leg) across 1,200 kms
PHOTO • Parth M.N.

ડાબે: આવા કર્ફ્યુ ઓર્ડર કેટલા વધારે જમલો બનાવશે? જમણે: બિમલેશ જૈસ્વાલ (તેમને એક જ પગ છે) તેઓ એ ૧૨૦૦ કિમી મુસાફરી સ્કુટર પર કરી.

આ દરમિયાન આપણે કહ્યું કે, “જુઓ અમે દરેક જગ્યાએ ટ્રેનોની સુવિધા કરીશું અને તમને લોકોને ઘેર પાછા મોકલીશું.” આપણે આવું કર્યું તો ખરું, પણ  ભૂખ્યા, બેકરાર લોકો પાસેથી પૂરેપૂરું ભાડું વસુલ્યું. પછી આપણે તેમાંની કેટલીક  ટ્રેનો રદ્દ કરી કારણ કે બિલ્ડરો અને અન્ય વગદાર લોકો તેમના બંદી બનાવેલ શ્રમિકોને જવા દેવા માંગતા નહોતા. તે અને અન્ય વિવાદોએ મોટા પાયે ટ્રેન સેવાઓ શરૂ કરવામાં જોખમકારક વિલંબ કર્યો. ૨૮મી  મેએ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલી મેથી ચાલુ થયેલ ખાસ શ્રમિક ટ્રેનો દ્વારા ૯૧ લાખ શ્રમિકોને તેમના વતન પરત લઈ  જવાયા  છે. અને સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ કહ્યું કે અમુક કિસ્સાઓમાં ભાડું મૂળ રાજ્ય ભોગવશે અને અમુક કિસ્સાઓમાં જ્યાં ટ્રેન જઈ રહી છે તે રાજ્ય ભોગવશે. (અહીં કેન્દ્ર તરફથી કોઈ યોગદાન આપવામાં આવ્યું નથી.)

આ તમને મોટા પાયે શું થઇ રહ્યું છે એની એક ઝલક માત્ર આપશે. આપણને ખબર નથી કે હજુ કેટલા લાખ લોકો ટ્રેનોમાં જવા માટે નોંધણી કરાવી રહ્યાં છે. આપણે નથી જાણતા કે કેટલા લાખ લોકો ધોરીમાર્ગો પર છે. પરંતુ, આપણે જાણીએ છીએ કે તેમને ગમે તે ભોગે ઘેર જવું છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઘણા વગદાર લોકો આવું થવા દેવા ઈચ્છતા નથી. હકીકતમાં તેમને લાગે છે કે આ શ્રમિકોને અંકુશમાં રાખવા જોઈએ અને તેમને સીધા કરી દેવા જોઈએ. ઘણા રાજ્યોએ કામના કલાકો વધારીને ૧૨ કલાક કરી દીધાં, જેમાં ૩ બીજેપી શાસિત રાજ્યો પણ હતા જેમણે વધારાના કલાકો માટે ઓવરટાઈમ  આપવું પણ ફરજીયાત કર્યું નહોતું. કેટલાક રાજ્યો દ્વારા  મજૂરોના ઘણા બધા હક્કોને ત્રણ વર્ષ સુધી બિનઅમલી કરાયા.

૧૨મી  એપ્રિલે સરકારે આપણને જણાવ્યું કે લગભગ ૧૪ લાખ લોકો દેશવ્યાપી સહાય શિબિરોમાં છે. 31મી માર્ચે આવી શિબિરોમાં જેટલા લોકો હતા તેના કરતા આ સંખ્યા કરતા બમણી હતી. ભીડભાડવાળી  ‘ખોરાક શિબિરો’, સામુદાયિક રસોડાઓ, એનજીઓના પ્રયત્નો અને આવા બીજા બધું મળીને ૧૨ મી એપ્રિલે આ આંકડો ૧ કરોડ ત્રીસ લાખ હતો  જે ૩૧ માર્ચના આંકડાઓથી ૫ ગણા કરતા પણ વધારે છે. અને આ બધા  આંકડાઓ આખી ય  મુસીબતનો એક ભાગ જ દર્શાવે છે. આજના તબક્કે હજી  એવું લાગે છે કે સામાન્ય નાગરિકો, વ્યક્તિઓ, સમુદાયો, પડોશીઓ, કાર્યકર જૂથો, બિનનફાકારક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ અને સ્થળાંતરિત શ્રમિકો  જાતે આ મુસીબત સામે લડવા માટે કેન્દ્ર સરકાર કરતા વધુ પૈસા ખર્ચી રહ્યાં છે. તેમની ચિંતા ચોક્કસપણે વધુ વાસ્તવિક છે.


૧૯ મી માર્ચ અને ૧૨ મી મે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝન પર દેશને પાંચ વખત સંબોધ્યો હતો. તેમણે આપણને થાળીઓ અને વાસણો વગાડવા કહ્યું, દીવા પ્રગટાવવા  કહ્યું, કોવિડ-૧૯ સામેનાં ‘આગલી હરોળના  યોદ્ધાઓ’ના માનમાં ફૂલની પાંદડીઓ વરસાવવા કહ્યું. ફક્ત છેલ્લે પાંચમાં ભાષણમાં એમણે મજૂરોનો ઉલ્લેખ કર્યો.  ‘સ્થળાંતરિત શ્રમિકો’ બસ આટલું જ, એ પણ એક જ વખત. બાકીનું જાતે સમજી જાઓ.

Corona refugees returning from Raipur in Chhattisgarh to different villages in Garhwa district of Jharkhand state
PHOTO • Satyaprakash Pandey

છત્તીસગઢના રાયપુરથી ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના વિવિધ ગામોમાં પાછા ફરતા કોરોના શરણાર્થીઓ

શું સ્થળાંતરિત શ્રમિકો  પાછા  ફરશે?

વિકલ્પોની અછતના લીધે સમય જતાં ઘણા પાછા ફરશે. આશરે ત્રણ દાયકામાં આપણે પસંદ કરેલા વિકાસના માર્ગે આપણે લાખોની આજીવિકા છીનવી લીધી છે, હજી આજે ય ચાલી રહેલા કૃષિ સંકટને  નોતર્યું છે  અને જેને કારણે 315000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

‘ઉલટા સ્થળાંતર’ વિષે ચર્ચા જરૂર કરો. પરંતુ, પહેલા તેમને તેમનું ગામ છોડવું કેમ પડ્યું એની ચર્ચા કરો.

1993માં મેહબૂબનગર એટલે હાલના તેલંગાણા રાજ્યથી મુંબઈ માટે અઠવાડિયામાં એક બસની સુવિધા હતી. મેં ૨૦૦૩માં, જયારે હું ઠસોઠસ ભરેલી બસમાં ચડ્યો ત્યારે એ રસ્તે અઠવાડિયાની ૩૪ બસો ચાલતી હતી અને મહિનાના અંત સુધીમાં તેમની સંખ્યા ૪૫ની થઈ ગઈ હતી. મારા સાથી મુસાફરો કૃષિ અર્થવ્યવસ્થા ભાંગી પડવાને કારણે  મુસાફરી કરતા હતા. તેમાં એક ૧૫ એકર જમીનના માલિક હતા. તેમણે મને કહ્યું હતું કે તેમના ખેતરોમાં હવે કંઈ રહ્યું નથી અને હવે તેમને મુંબઈમાં કામ કરવું પડશે. તેમની બાજુમાં તેમનો ભૂતપૂર્વ બંધક મજુર હતો તે પણ મુંબઈ જઈ રહ્યો હતો.

ત્યારે મને જ ખ્યાલ આવ્યો: આપણે બધા એકસરખી જ તકલીફમાં છીએ.

૧૯૯૪માં વાયનાડ જીલ્લાના મનન્તવાડી અને કર્ણાટકના કુટ્ટા શહેર વચ્ચે  કેરલ રાજ્ય પરિવહન નિગમની ખૂબ જ ઓછી બસો દોડતી હતી. કૃષિ સંકટ પહેલા સ્થળાંતરિતો રોકડિયા પાકથી  સમૃદ્ધ વાયનાડમાં આવતા. ૨૦૦૪ સુધીમાં તો KSRTCની રોજની ૨૪ બસો  કુટ્ટા આવતી. વાયનાડમાં ખેતી ઓછી થતા સાથોસાથ કામ પણ ઓછું થઈ ગયું.

આવું દેશભરમાં થઈ રહ્યું હતું. પરંતુ, આપણે તો ફક્ત આપણા વિકાસના આંકડાઓમાં રાચતા હતા, જે મને એડવર્ડ એબેના પ્રખ્યાત વાક્ય ‘ફક્ત વિકાસ ખાતર વિકાસ એ કેન્સર સેલની વિચારધારા છે’ ની યાદ અપાવે છે. આપણે તો જશન મનાવી રહ્યા હતા, અને વધતી જતી ગ્રામીણ તકલીફો તરફ ધ્યાન દોરનારાઓની હાંસી  ઉડાવવામાં આવતી હતી.

મોટા ભાગના તંત્રીઓ અને સૂત્રધારો હજુ પણ સમજતા નથી (જોકે યુવાન પત્રકારો ઘણીવાર સમજતા હોય એવું લાગે છે): કૃષિ સંકટ એ ફક્ત ખેતી પૂરતું સીમિત નથી. જયારે  ખેતી સાથે જોડાયેલા ધંધા કરતા લાખો બિન-ખેડુતો - જેવા કે વણકરો, કુંભારો, સુથારો, અંતરિયાળ માછીમારો અને ખેતીની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ અન્ય ઘણા લોકો - ની આજીવિકા પણ પડી ભાંગી ત્યારે આખો કૃષિ પ્રધાન સમાજ સંકટમાં આવી પડ્યો.

આજે લોકો આપણે પાછલા ૩૦ વર્ષમાં હતી ન હતી કરી  દીધેલી આજીવિકા તરફ પાછા ફરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જયારે ૨૦૧૧ની વસ્તી ગણતરીએ આપણને બતાવ્યું કે અગાઉના ૧૦ વર્ષોમાં અસાધારણ સ્તરે સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે પ્રસારમાધ્યમોએ એ વાતમાં ખાસ રસ ન દાખવ્યો. આપણે જાણ્યું કે, ૧૯૨૧ પછી પહેલી વાર ભારતમાં ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં વધુ લોકો જોડાયા હતા. આપણે એ પણ જાણ્યું કે ૧૯૯૧માં દેશમાં જેટલા ખેડૂતો (પોતાની જમીન ધરાવતા ખેડૂતો - 'મુખ્ય ખેડૂતો') હતા તેના કરતા ૧ કરોડ ૫૦ લાખ ઓછા ખેડૂતો હતા.  ૧૯૯૧થી દરરોજ સરેરાશ ૨૦૦૦ ખેડૂતોએ મુખ્ય ખેડૂતનો દરજ્જો ગુમાવ્યો છે.

સરળ શબ્દોમાં કહીએ તો ભારે તકલીફોને લીધે સ્થળાંતર શરુ થઈ ગયા હતા અને તેમાં વધારો થઈ રહ્યો હતો. ખેતી છોડનાર મોટાભાગના ખેડૂતો  મોટા શહેરોમાં નહોતા ગયા, તેઓ કૃષિના નિમ્ન સ્તરોમાં જોડાઈ ગયા.  વસ્તી ગણતરીએ ખેતમજૂરોની સંખ્યામાં મોટો વધારો દર્શાવ્યો. હવે તે બધા સાથે લાખો સ્થળાંતરિતો પણ જોડાઈ રહ્યાં છે. હવે ખેતી પરના આ નવા દબાણનું શું પરિણામ આવશે? જવાબ તમે જાણો જ છો.

Many labourers from Udaipur district, who migrate to different parts of the country, are stranded because of the lockdown (file photo)
PHOTO • Manish Shukla

ઉદેપુર જીલ્લાના ઘણા મજદૂરો કે જેઓ દેશના વિવિધ ભાગોમાં જાય છે તેઓ લોકડાઉનના લીધે ફસાઈ ગયા છે. (ફાઈલ ફોટો )

આમ પણ તેઓ કોણ છે?

દરેક જણ મોટા શહેરમાં જવા માટે નાનું ગામ નથી છોડી રહ્યું. ચોક્કસપણે ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર તરફ ઘણા સ્થળાંતર થયા છે. પરંતુ, એક ગામથી બીજે ગામના સ્થળાંતર પણ ઘણા છે. જેઓ રવિ પાકની લણણી માટે બીજા ગામો, જીલ્લાઓ કે રાજ્યોમાં જતા હતા તે તેઓ આ માર્ચ-એપ્રિલમાં જઈ શક્યા નથી. તેઓ ખૂબ જ  તણાવમાં છે.

એક શહેરથી બીજા શહેરનું સ્થળાંતર પણ ખુબ મોટી સંખ્યામાં છે. અને તેની સાપેક્ષમાં ઓછી સંખ્યામાં શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારમાં થતું સ્થળાંતર છે.

આપણે એ બધાની ગણતરી કરવી રહી, એમાંય ખાસ તો નિરંતર  સ્થળાંતરિતોની (ફૂટલૂસ માઈગ્રન્ટની). કોઈ સ્પષ્ટ, અંતિમ મંઝિલ વિના મરણિયા થઈને કરાતી કામની શોધ ગરીબ લોકોને  ઘણી દિશામાં દોરે છે તે પ્રક્રિયાને વસ્તી ગણતરી સમજાવી શકતી નથી. કદાચ તેઓ રાયપુરમાં થોડાક દિવસ રીક્ષા ચલાવવા માટે કલહાંડી છોડતાં હશે. કદાચ તેઓને મુંબઈમાં કોઈ એક બાંધકામ સ્થળ પર ૪૦ દિવસનું કામ મળી રહે. કદાચ તેમની આજુબાજુના જીલ્લામાં થોડાક દિવસ પૂરતું કોઈ લણણીનું કામ મળી રહે. કદાચ.

૨૦૧૧ની વસ્તી ગણતરી દર્શાવે છે કે દેશમાં ૫ કરોડ ૪૦ લાખ સ્થાળંતરિત  મજૂરો છે કે જેઓ રાજ્યની સરહદો ઓળંગે છે. પણ આ ખૂબ ઓછો અંદાજ હોઈ શકે છે. વસ્તી ગણતરી સ્થળાંતરને એક જ મંઝિલ હોય તેવી ગતિવિધિ ગણે છે. સ્થળાંતરિત એ છે કે જે A જગ્યાથી B જગ્યાએ  ગયો હોય અને જયારે વસ્તી ગણતરી થઈ ત્યારે ત્યાં ઓછામાં ઓછું છ મહિના રોકાયો હોય. ઉદાહરણ તરીકે કોઈ માણસ  મુંબઈ પહોંચતા પહેલાં વર્ષોથી સ્થળાંતર કરી રહ્યો હોય એમ બની શકે. વસતી ગણતરીમાં આ મુસાફરી દર્શાવી શકાતી નથી. ન તો વસ્તી ગણતરી કે ન તો સરળ દેશવ્યાપી સર્વે ટૂંકી મુદતની કે સ્ટેપ-બાય-સ્ટેપ ગતિવિધિને દર્શાવી શકે છે.

જો પ્રસારમાધ્યમો સ્થાળંતરિતો  કે જેમના વિષે તેમને છેક ૨૬ મી માર્ચે જ જાણ થઈ તેમને આવરી લેવામાં અસર્મથ હોય તો તેનું કારણ છે કે તેઓ અસમર્થ જ છે. તેમને આ ક્ષેત્રમાં કંઈ ખબર નથી પડતી અને તેઓ લાંબા ગાળાના, મોસમી, ટૂંકા ગાળાના, વૃત્તીય  કે ફૂટલુઝ સ્થળાંતર વચ્ચેના તફાવતને સમજી શકતા નથી. જ્યાંથી પૈસા ન મળતા હોય એવા સમાચારોને શા માટે આવરવા?

*****

એકથી વધુ હિતેચ્છુ વ્યક્તિઓએ મને કહ્યું છે કે આ સ્થળાંતરિત શ્રમિકોની હાલત કફોડી છે, આપણે તેમની મદદ કરવી જોઈએ. આ તનતોડ મહેનત કરનારા લોકો ભારે તકલીફમાં છે. આ લોકો, ફેકટરીમાં કામ કરનારા કારીગરો અને તેમના સમૂહો કે જેઓ હંમેશા મુશ્કેલીઓ ઊભી કરે છે એમાંના નથી. આ લોકોને આપણી સહાનુભૂતિના હકદાર છે.

જો ક્યારેક સગવડ હોય તો આપણે તેમની દયા ખાઈએ એ તો ઠીક છે. પરંતુ સ્થળાંતરિત શ્રમિકોને આપણી સહાનુભૂતિ, કાળજી કે દયાની જરૂર નથી. તેમને જરૂર છે ન્યાયની. તેમને તેમના હક્કો અસ્તિત્વમાં હોય, તેનું માન જળવાય અને તેનું પાલન થાય એની જરૂર છે. જો પેલા  ફેક્ટરી કામદારોના કોઈ હક છે તો તે એટલા માટે છે કે તે શોરબકોર કરતા તોફાની સંઘોના લીધે તેમની પાસે  સામૂહિક તાકાત અને સોદો કરવાની શક્તિ છે. જો ‘સ્થળાંતરિત શ્રમિકો’ પ્રત્યેની તમારી સહાનુભૂતિ અને કરુણા માત્ર સારા દેખાવા માટેની કે પછી શરતી સહાયથી આગળ વધી શકે તો ભારતના તમામ કામદારોની ન્યાય માટેની અને તેમના હક માટેની લડતને ટેકો આપો.
Census 2011 indicates there were 54 million migrants who cross state borders. But that’s got to be a huge underestimate
PHOTO • Rahul M.
Census 2011 indicates there were 54 million migrants who cross state borders. But that’s got to be a huge underestimate
PHOTO • Parth M.N.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સરહદ ઓળંગીને સ્થળાંતર કરનારાઓની સંખ્યા ૫ કરોડ ૪૦ લાખ હતી. પણ આ ખૂબ ઓછો અંદાજ હોઈ શકે છે.

સ્થળાંતરિત શ્રમિકો અને અન્ય કામદારો વચ્ચેનો તે તફાવત એકદમ વિશિષ્ટ  છે. ‘સ્થળાંતરિત શ્રમિકો’ માં મુખ્ય શબ્દ ‘શ્રમિક’ છે. જો ઈન્ફોસિસના સીઈઓ તેમની બેંગલુરુ ખાતે  મુખ્ય મથક ધરાવતી  કંપની છોડી દે અને સારી તક માટે દિલ્હી જાય છે, તો તે સ્થળાંતરિત ગણાશે, પરંતુ શ્રમિક નહીં. અહીં અલગ અલગ જાતિ, વર્ગ, સામાજિક મૂડી અને નેટવર્ક તેમને સ્થળાંતરિત શ્રમિક, કે જેના ઉપર આપણે હવે દયા વરસાવીએ છીએ એના કરતા ઘણા  અલગ બનાવે છે. બીજા ખરાબ કામદારો કે જેમને આપણે ધિક્કારીએ છીએ, કે જેઓ આપણને વળતા જવાબ આપે છે અને શરમ વગર તેમના હક્કોની માંગણી કરે છે, ઘણીવાર તેઓ આગલી પેઢીના સ્થળાંતરિત જ છે.

મુંબઈની મિલોના કામદારો પણ શરૂઆતના દિવસોમાં કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી અને પછી દેશના અન્ય ભાગો માંથી આવેલા સ્થળાંતરિતો  જ હતા.   ડૉ. રવિ દુગ્ગલ તેમના ઇકોનોમિક એન્ડ પોલીટીકલ વીકલીના અસાધારણ સમજપૂર્વકના લેખમાં દર્શાવે છે કે જયારે ૧૮૯૬-૯૭માં બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તે બધા કામદારોએ પણ મુંબઈ છોડી દીધું હતું. પહેલા છ મહિનામાં મુંબઈમાં ૧૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ૧૯૧૪ સુધીમાં પ્લેગના લીધે દેશભરમાં ૮૦ લાખ લોકો મોતને ભેટ્યા હતા.

દુગ્ગલ લખે છે કે, “શહેરની કુલ ૮,૫૦,૦૦૦ વસ્તીમાં મિલના કામદારોની વસ્તી ૮૦,૦૦૦ હતી.  પ્લેગ નિયંત્રણના પગલા અંતર્ગત તેમને સેનીટાઈઝેશન, ક્વોરનટાઇન, ખરાબ હાલતમાં બીમાર કુટુંબીઓને અલગ રાખવા અને તેમના રહેઠાણોની તોડફોડ જેવી હેરાનગતિનો  સામનો કરવો પડ્યો હતો અને આ કારણે તેઓ ૧૮૯૭ના શરૂઆતના ભાગમાં ઘણી વાર હડતાલ પર ઉતરી આવ્યા હતા. પ્લેગની શરૂઆતના ૩ થી ૪ મહિનામાં ૪ લાખ લોકો કે જેમાં મિલ કામદારોનો પણ સમાવેશ થતો હતો તેઓ મુંબઈ છોડીને તેમના ગામડાઓમાં ચાલ્યા ગયા અને શહેરને ગંભીર આર્થિક સંકટ તરફ ધકેલી દીધું.”

તેઓ શેને લીધે પાછા ખેંચાયા ? “ઘણા મિલ માલિકોએ નવરોસજી વાડિયાએ  સૂચવેલ - મકાનની જોગવાઈ,  કામ કરવાની અને રહેવાની વધુ સ્થિતિ પૂરી પાડીને તે દ્વારા - નોકરો અને માલિકો વચ્ચે સુદ્રઢ સંબંધ વિકસાવવાની  વ્યૂહરચના અપનાવી (સરકાર ૨૦૧૪). પ્લેગ સ્થાનિક બની ગયો હતો અને છેક પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તે ગાયબ થયો હતો છતાંય આ કારણે  કામદારો મુંબઈ પાછા ફર્યા.”

બ્રિટીશ સરકારે પણ સંસદમાં બોમ્બે વિકાસ ટ્રસ્ટ કાયદો બનાવીને દરમ્યાનગીરી  કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારે બધી ખાલી જમીન આ ટ્રસ્ટને હવાલે કરી દીધી અને પછી આ ટ્રસ્ટે પોતાની  વિવેકબુદ્ધિ મુજબ શહેરની સ્વચ્છતા અને રહેવાની સ્થિતિમાં સુધારણા કરી. જો કે તેમની વિવેકબુદ્ધિમાં એટલું શાણપણ નહોતું: તેમણે થોડાક રહેઠાણો બનાવ્યા, પણ જેટલા બનાવ્યા તેનાં કરતા વધારે તો એમણે તોડી પાડ્યા. પરંતુ, બીજું કંઈ નહિ તો શહેરમાં વિકાસનો એક વિચાર વહેતો થઇ ગયો. જો કે એ વખતે પણ, અત્યારની જેમ જ, એ વિચાર ‘શહેર’ અને તેની છબી  સુધારવાનો હતો નહિ કે તેમાં રહેતાં લોકો - ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાં લોકો - ની સ્થિતિ સુધારવાનો જેમની મજુરી પર શહેરનું અસ્તિત્વ ટકેલું હતું.

Left: Migrant workers from Odisha stranded at Telangana's brick kilns during the lockdown. Right: The long road home from Nagpur
PHOTO • Varsha Bhargavi
Left: Migrant workers from Odisha stranded at Telangana's brick kilns during the lockdown. Right: The long road home from Nagpur
PHOTO • Sudarshan Sakharkar

ડાબે: ઓડીશાના સ્થળાંતરિત શ્રમિકો  તેલંગાણાની ઈંટોની ભઠ્ઠીમાં લોકડાઉન દરમિયાન ફસાયેલા છે. જમણે: નાગપુરથી ઘર તરફનો લાંબો રસ્તો.

જેમ જેમ પ્લેગ અને તેની યાદો ભૂલાતી ગઈ તેમ તેમ ગરીબો પ્રત્યેની કરુણામાં પણ ઓટ આવી . જે આજકાલની પરિસ્થિતિ જેવું જ લાગે છે/ આ વાત જાણે આજની અને આવતીકાલની હોય એવું લાગે છે. જયારે ખૂબ સરળતાથી મળી રહેતી ઘણી સેવાઓ જેની આપણે યોગ્ય કદર કરી નહોતી એ આપણે અચાનક ગુમાવી દીધી ત્યારે જ, આ માર્ચમાં આપણને સ્થળાંતરિત શ્રમિકોની દયનીય પરિસ્થિતિની જાણ થઈ. સુખસગવડો પાછી મળી જાય છે ત્યારે કરુણા અદ્રશ્ય થઈ જાય છે આ ત્રાસદાયક વલણ હંમેશા રહ્યું છે.

૧૯૯૪માં સુરતમાં પ્લેગને લીધે ૫૪ લોકોનાં મોત થયા. અતિસાર (ડાએરિયા)ને લીધે ભારતમાં  દર વર્ષે ૧૫ લાખ નવજાત શિશુઓના મોત થઇ રહ્યા હતા અને ક્ષય (ટીબી) ને લીધે એ સમયે વર્ષે ૪૫૦૦૦૦ મોત થઇ રહ્યા હતા. પરંતુ જેની સારવાર અને ઉપચાર શક્ય હતા અને છતાં જેણે એ જ વર્ષે પ્લેગ કરતા ૩૦૦૦૦ ગણા વધુ જીવ લીધા હતા એવા પેલા બે ઉપદ્રવ  કરતા સુરતના પ્લેગને પ્રસાર માધ્યમમાં  ઘણું વધારે પ્રાધાન્ય મળ્યું.

પ્લેગ ઝડપથી નાબૂદ થતાં આપણે ફરી એક વાર આપણે, મુખ્યત્વે ગરીબોને મારનારા રોગો અને ગરીબોની જીવનધોરણની પરિસ્થિતિ જેને કારણે  તેઓ આપણા કરતાં ઘણી વધુ સહેલાઈથી રોગોથી સંક્રમિત થઈ શકે  છે, તેની ઉપેક્ષા કરવા તરફ પાછા વળ્યા.

આપણા સમયમાં, કોવિડ-૧૯ થી પણ પહેલાં, ‘સમાવેશક’ વિકાસ અંગેના  આપણા કાલ્પનિક  ખ્યાલે  ‘સ્માર્ટ શહેરો’ ને જન્મ આપ્યો કે જે તે શહેરની હાલની વસ્તીના માત્ર ૩ થી ૫% લોકોને જ ઉપયોગી થશે, અને બાકીનાને અતિશય ગરીબી અને બીમારીને હવાલે કરશે/ દારુણ ગરીબી અને બીમારીમાં સબડતા કરી દેશે.

ગામડામાંથી સ્થળાંતર કરનારાઓને શહેરમાં વધુ સારું વેતન મળી શકે છે, પરંતુ તેમના જીવનધોરણ અને આરોગ્યની સ્થિતિ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની શકે છે.

શું આપણે આ અંગે કંઈ કરી શકીએ? ઘણું બધું. પરંતુ સૌથી પહેલા તો આપણે મહામારી પછી અગાઉ જેવા જ સામાન્ય તરફ પાછા વળવાનો વિચાર ત્યજી દેવો પડશે. આપણે ૩૦ વર્ષના બજાર જ્ઞાનની અંધશ્રદ્ધાઓ અને જૂનવાણી સિદ્ધાંતો છોડવા પડશે. અને ભારતીય સંવિધાનના આદેશ પ્રમાણેના, જ્યાં બધા નાગરિકોને “સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય” મળી રહે એવા, રાષ્ટ્રનું નિર્માણ કરવું  પડશે.

કવર છબી: સુદર્શન સાખરકર

આર્ટીકલ પ્રથમ વખત ૩૦મે ૨૦૨૦ ના રોજ ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયો હતો.

અનુવાદક: ફૈઝ મોહંમદ

P. Sainath
psainath@gmail.com

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Other stories by P. Sainath
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad