જનુ વાઘે અને 15 બીજાં કાટકારી આદિવાસીઓ – જે મહારાષ્ટ્રમાં એક વિશેષ રૂપે વિલુપ્ત થતા આદિવાસી સમૂહ તરીકે નોંધાયેલ છે – સમૃદ્ધિ દ્વારા કચડાઈ જવામાં છે. માત્ર એ તેમની પોતાની નહીં હોય. થાણે જિલ્લાનું તેમનું નાનકડું ગામ થોડાજ વખતમાં સરકારના સમૃદ્ધિ મહામાર્ગ હેઠળ દબાઈ જશે.
“આ મારું ઘર છે. મેં આખી જિંદગી અહીંજ કાઢી છે. મારા બાપ-દાદા અહીં જ રહ્યા છે. હવે તેઓ [મહારાષ્ટ્રની સરકાર] અમને અહીંથી જવાનું કહે છે. અમને કોઈ [લેખિત] નોટિસ પણ આપવામાં નથી આવી,” 42-વર્ષના જનુ કહે છે. “અમે અહીંથી ક્યાં જઈશું? અમે અમારું ઘર ક્યાં બનાવીશું?”
તેમની ઝૂંપડી ભિવંડી તાલુકાના ચિરાડપાડા ગામથી આશરે અડધો કિલોમીટર દૂર આવેલી છે. એ વાંસની દિવાલથી વિભાજિત કરેલ એક નાનકડો ઓરડો છે, જેની બીજી બાજુ રસોઈ કરવા માટે માટીના ચૂલાવાળો એક ભાગ છે. ફરસ પર છાણ લીપેલું છે, અને ઘાસથી ઢાંકેલ છત લાકડાના વાંસ પર ટેકવાયેલી છે.
જનુ દર બીજા દિવસે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્ય સુધી માછલાં પકડે છે. તેની પત્ની વાસંતી એક સાંકડી અસમતલ કેડી પર છ કિલોમીટર ચાલીને પાડાઘા ગામના બજારમાં પોતાના માથે 5-6 કિલો વજન ભરેલ ટોપલી લઈને જાય છે. તેઓ મહિનાના 15 દિવસ તેમના ચાર લોકોના પરિવાર માટે દિવસના આશરે 400 રૂપિયા કમાય છે. વચ્ચે, જ્યારે કામ મળે ત્યારે જનુ અને વાસંતી બંને ચિરાડપાડાની આજુ-બાજુના ગામોમાં દાડી કરે છે, અને કાકડી, રિંગણ, મરચાં અને બીજાં શાકભાજી વિણવા માટે દિવસના 250 રૂપિયા કમાય છે.
સાર્વજનિક નિર્માણ વિભાગએ આ ગામની ચાર ઝૂંપડીઓ સર્વે નંબર 210/85 પર હોવાનું નોંધ્યું છે. પણ આ નાનકડા મકાનો જે જમીન પર ઉભા છે તેને ટૂંક સમયમાં એક 60 મીટર પહોળો માર્ગસેતુ બનાવવા માટે મેળવી લેવામાં આવશે. આટલું જૂન 2018માં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) દ્વારા કેન્દ્ર સરકાર આગળ પ્રસ્તુત કરાયેલ પર્યાવરણ પર પ્રભાવના મૂલ્યાંકન (EIA) રિપોર્ટ પરથી સ્પષ્ટ છે.
400 મીટર લાંબો માર્ગસેતુ ચિરાડપાડાને ઓળંગીને ભત્સા નદીની પૂર્વમાં આગળ વધશે. એ માત્ર જનુ અને તેના પાડોશીઓના ઘર જ નહીં, પણ માછલા પકડવાની તેમની પરંપરાગત જીવિકા પણ છીનવી લેશે.
જ્યારે 2018માં કલેક્ટરની કચેરીના અધિકારીઓ અહીં સર્વેક્ષણ કરવા આવ્યા હતાં ત્યારે ચાર કુટુંબોને મૌખિક રૂપે જાણ કરવામાં આવી હતી કે તેમણે 700 કિલોમીટર લાંબા મહામાર્ગ માટે જગ્યા કરવા માટે ખસવું પડશે. પરિવારોને હજુ કોઈ લેખિત નોટિસ મળી નથી. મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગની
વેબસાઇટ
જણાવે છે કે ‘સમૃદ્ધિ’ હાઈવે 26 તાલુકાઓના 392 ગામોને જોડશે અને લગભગ 25,000 એકર જમીન મેળવશે.
સમૃદ્ધિ પ્રોજેક્ટનો ઑક્ટોબર 2018નો ‘સંયુક્ત માપન સર્વેક્ષણ/જમીનની અધિપ્રાપ્તિ’ દસ્તાવેજ જણાવે છે કે આમાં 778 હેક્ટરમાં ફેલાયેલ થાણે જિલ્લાના 41 ગામોની જમીનનો સમાવેશ થાય છે, જે 3,706 ખેડૂતોને પ્રભાવિત કરશે.
જમીનની અધિપ્રાપ્તિની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે રાજ્ય એ 1955ના મહારાષ્ટ્ર હાઈવે કાયદામાં સુધારા કર્યાં છે અને જમીનના અધિગ્રહણમાં વાજબી વળતર અને જમીન અધિગ્રહણ, પુનરુત્થાન તેમજ પુનર્વસવાટના 2013 ના કાયદામાં પારદર્શકતા રાજ્ય સંબંધી માટે ખાસ સુધારો કર્યાં છે. અગત્યના ફેરફારોમાંનો એક છે સામાજિક અસરના મૂલ્યાંકનની બાદબાકી
ડિસેમ્બર 2018માં કાશીનાથે થાણેના કલેક્ટરની કચેરીની બહાર થાણે જિલ્લાના શાહાપુર તાલુકાના દાલખાન ગામના અને કલ્યાણ તાલુકાના ઉશીદ અને ફાલેગાઁવ ગામોના 15 ખેડૂતો સાથે એક દિવસની ભૂખ હડતાલમાં ભાગ લીધો. “કલેક્ટરે 15 દિવસમાં આ મુદ્દાનું સમાધાન કરવાનો વાયદો કર્યો. પણ કશું થયું નહીં,” કાશીનાથ કહે છે. તેઓ હજુ લેખિત નોટિસ અને તેમને વળતરરૂપે કેટલી રકમ મળશે તેનો અંદાજો મેળવવાની રાહ જોઈ રહ્યાં છે.
કાશીનાથ અને તેમની પત્ની ધ્રુપદા પણ માછીમારી પર અવલંબે છે. તેમનાં ત્રણ બાળકો પરણી ગયાં છે – બે દીકરીઓ બીજા ગામોમાં રહે છે, તેમનો દીકરો તેના પરિવાર સાથે ચિરાડપાડા ગામમાં રહે છે. તેની તૂટલી-ફૂટલી ઝૂંપડી સામે જોતા ધ્રુપદા કહે છે, “અમે ક્યારેય તેનું સમારકામ કરાવવા જેટલું કમાયા જ નહીં, બસ પેટ ભરાય એટલું મળી રહેતું હતું. નદી નજીક છે, એટલે ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જાય છે. પણ જે હોય તે, કઈ નહિ તો અમારા માથે છત તો છે.” તે મને રસીદો બતાવે છે – અહીં રહેતા પરિવારો વાર્ષિક સંપત્તિ વેરો ભરે છે – રૂપિયા 258 અને રૂપિયા 350ની વચ્ચે - ગ્રામ પંચાયતને (ગામની સંચાલક સમિતિ). “આ ઘર પટ્ટી, આ વીજળીનું બિલ … અમે આ બધું નિયમિતપણે ચૂકવીએ છીએ. તેમ છતાં શું અમે બીજું ઘર મેળવવાને પાત્ર નથી?”
આશરે 1,235 લોકોની વસ્તી ધરાવતા ચિરાડપાડાએ એપ્રિલ 2017માં એક ગ્રામસભાના ઠરાવમાં મહામાર્ગનો વિરોધ કર્યો હતો. પણ તે વર્ષે, મહારાષ્ટ્રના રાજ્યપાલે કથિતરૂપે એક જાહેરનામુ બહાર પાડ્યુ હતું જેમાં એવી કહેવાયું હતું કે મહત્ત્વના પ્રોજેક્ટ માટે જમીન મેળવવા માટે ગ્રામસભાનાઠરાવની જરૂર નથી.
ખેડૂતો અને કાર્યકર્તાઓએ આ પગલાને વ્યાપક રીતે વખોડ્યું છે. “ગ્રામ સભાઓએ થાણે જિલ્લાના 41 ગામમાં આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. સરકારે જમીન અધિપ્રાપ્તિ કાયદામાં ફેરફાર કરીને ગ્રામ સભાની પરવાનગીની જરૂરિયાતને જતી કરી, જે ખેડૂતો અને આદિવાસીઓના અધિકારોની વિરુદ્ધ છે,” થાણે સ્થિત કાર્યકર્તા અને સમૃદ્ધિ મહામાર્ગ શેતકારી સંઘર્ષ સમિતિના સંયોજક બબન હર્ણે કહે છે. “રાજ્યએ પુનર્વસન પ્રક્રિયાને પડતી મૂકી છે અને ‘આ પૈસા લો અને ચાલતા થાવ’ અભિગમ અપનાવ્યો છે.”
EIA ના રિપોર્ટમાં જણાવાયું છે કે હાઇવે માટે ચિરાડપાડા ગામમાં 14 હેક્ટર જમીન મેળવાશે. બદલામાં જમીનના માલિકોને એક હેક્ટર માટે રૂપિયા 1.98 કરોડ (1 હેક્ટર એટલે 2.47 એકર) આપવામાં આવશે. MSRDCના રેવતી ગાઇકર કહે છે કે વળતરની આ ફૉર્મ્યુલા બજારભાવ કરતા પાંચગણી કિંમતે છે. પણ જે ખેડૂતો તેમનો જમીન આપવાની ના પાડશે તેમને ખેતરની જમીન માટે 25 ટકા ઓછી કિંમત મળશે, તેઓ ઉમેરે છે.
“સરકારે વચન આપ્યું હતું કે તેઓ ખેડૂતોને તેમની જમીન જતી કરવા માટે ફરજ નહીં પાડે. પણ કેટલાંક કિસ્સાઓમાં જો તેઓ વિરોધ કરે તો તેમણે તેમને ઓછું વળતર આપવાની ધમકી આપી છે, બીજા કિસ્સાઓમાં તેમને વધુ રકમની લાલચ આપવામાં આવી છે,” કપિલ ધામણે જેનું બે એકરનું ખેતર અને બે માળનું મકાન જશે, તે કહે છે. “મારા કિસ્સામાં, જમીન અધિગ્રહણ અધિકારીએ કહ્યું તારી ખેતરની જમીન આપી દે પછી જ તારા મકાન માટે તને પૈસા મળશે. મેં મારી જમીન આપવાની ના પાડી અને હવે તેઓ જબરજસ્તીથી [એટલે કે સંમતિ વિના] તે લઈ રહ્યા છે.” જાન્યુઆરી 2019માં, કલેક્ટરની કચેરીના બે વર્ષ સુધી ધક્કા ખાધા અને અનેક અરજીઓ કર્યાં પછી, ધામણેને તેના ઘર માટે વળતર રૂપે રુપિયા 90 લાખ મળ્યા. તેને ખાતરી નથી કે તેને પોતાના ખેતર માટે કેટલું વળતર મળશે.
ચિરાડપાડાના એક બીજા ખેડૂત હરિભાઉ ધામણે, જેમણે કલેક્ટરની કચેરીમાં વાંધો દાખલ કર્યો છે અને પોતાનું ખેતર આપવાની ના પાડી કહે છે “અમારા 7/12માં 10થી વધુ નામ છે [સાત/બારનો ઉતારો મહેસૂલ ખાતાની જમીનની વહીનો એક અંશ હોય છે]. પણ અધિપ્રાપ્તી અધિકારીએ બે-ત્રણ સભ્યોની સંમતિ લઈને [MSRDCને] વેચાણ ખત કરી નાખ્યો . આ ખેડૂતો સાથે છેતરપિંડી છે.”
દરમ્યાનમાં, ચિરાડપાડાના માછીમારોના ગામમાં 45 વર્ષના અંકુશ વાઘે, તેમની ઝૂંપડીની બાજુના એક ઢાળ પરથી નદી પર જાય છે, પોતાની હોડીને માછલાં પકડવા માટે તૈયાર કરવા. “આ એજ રસ્તો છે જેના પરથી મારા બાપુજી નદી સુધી ચાલતા હતા. એક વાર રસ્તો [હાઈવે] આવી જશે પછી આ બંધ થઈ જશે. અને એ બધો સિમેન્ટ, મશીનો નદીને પ્રદૂષિત કરી નાખશે. તેનાથી ઘોંઘાટ થશે. માછલીઓ કેવી રીતે બચશે? નદી અમારી માતા છે. તેણે અમારું પોષણ કર્યું છે.”
અંકુશનો ભય પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન રિપોર્ટમાં પ્રતિબિંબિત થાય છે. તે કહે છે કે માર્ગસેતુના નિર્માણ માટે “જળના સ્થાન પર પાયા નાખવા પડશે, જેના માટે ખોદકામ, ડ્રિલિંગ અને પાઇલિંગ કરવું પડશે … સેતુના પાયાનું કામ કરવામાં કેટલોક કચરો ઉત્પન્ન થશે … [જેના કારણે] થોડા સમય માટે ડહોળ વધી જશે અને પાણી દૂષિત થઈ જશે … ભત્સા તળાવ, જે પ્રસ્તાવિત સંરેખણના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે, તેના પર પણ કચરા અને કાંપનો ભરાવો થવાથી અસર થશે.”
“અમે શું કરીશું?” અંકુશની પત્ની હીરાબાઈ વિચારે છે. તેમનો 27 વર્ષનો મોટો દીકરો વિઠ્ઠલ પણ પોતાની ઝૂંપડી– તે ચારના સમૂહમાંની એક છે – હાઈવેને ખોઈ બેસશે. તે 6-7 કિલોમીટર દૂર આવેલ સવાદ ગામની નજીક એક પથરાની ખાણમાં કામ કરે છે અને પથ્થર તોડી અને ટ્રકમાં ભરીને તે દિવસના 100 રૂપિયા કમાય છે. “અમે બધાં ભીવંડીના સાર્વજનિક નિર્માણ વિભાગમાં ગયાં હતાં [નવેમ્બર 2018માં].” વિઠ્ઠલ કહે છે. “એમણે પૂછ્યું કે શું અમને ખાલી કરવાની નોટિસ મળી છે [જે તેમને હજુ સુધી મળી નથી]. અમારામાંથી કોઈપણ સુશિક્ષત નથી. અમને કશી ખબર નથી. અમને બદલામાં જમીન મળવી જોઇએ. જો કાલે તેઓ અમને જવાનું કહે, તો અમે ક્યાં જઇશું?”
નદીનો વિનાશ, સમુદાયોનું વિસ્થાપન, પુનર્વસન – આ અને બીજી ચિંતાઓ થાણે જિલ્લાના વાશાલા ખ ગામમાં મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડિસેમ્બર 2017માં યોજાયેલ સાર્વજનિક સુનાવણીમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.
બપોરે 4 વાગ્યા સુધીમાં ધ્રુપદાનો દીકરો તિલાપિયા માછલી ભરેલી એક પ્લાસ્ટિકની ટોપલી લઈને પાછો ફરે છે. ધ્રુપદા બજારે જવા તૈયાર થાય છે. “મારી આખી જિંદગી માછલાં વેચીને વીતી ગઈ. તેઓ અમારા મોઢામાંથી આ કોળિયો પણ કેમ છીનવી રહ્યા છે? પહેલા આ કાચી સડકની મરામત કરો. અમારે બજાર સુધી ખૂબ લાંબે ચાલવાનું હોય છે,” તે ટોપલીમાં ફડફડાટ કરતી માછલી પર પાણી છાંટતા કહે છે.
ભાષાંતર: ધરા જોષી