34 વર્ષીય જુનાલી રિસોંગ, અપોંગ ગાળવામાં નિષ્ણાંત છે. તેઓ કહે છે, “કેટલાક દિવસોમાં હું 30 લિટરથી વધુ અપોંગ બનાવી શકું છું.” મોટાભાગના અપોંગ ગાળનારા એક અઠવાડિયામાં ફક્ત અમુક લિટર અપોંગ જ બનાવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે જાતમહેનતથી જ થાય છે.

આસામમાં બ્રહ્મપુત્રા નદી પર આવેલા માજુલી ટાપુના ગરામુર નગર પાસે આવેલી જુનાલીની શરાબની ભઠ્ઠી એ તેમનું ત્રણ ઓરડાનું મકાન અને વાડો છે. એક મોટી નદી જેમાં અવારનવાર પૂર આવે છે એના છલકાવાથી બનેલા એક નાના તળાવ પાસે તેમનું ઘર છે.

અમે એમને મળીએ છીએ ત્યારે ભારતના આ પૂર્વ ભાગમાં આકાશમાં સૂર્ય બહાર આવી ગયો છે, સવારના છ થયા છે પણ એમનું કામ શરુ થઇ ચૂક્યું છે. જુનાલી ઉકાળવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના વાડામાં લાકડા સળગાવી રહ્યાં છે. તેમનો સાધન સરંજામ તેમના ઘરની અંદર મૂકેલો છે.

અપોંગ તરીકે ઓળખાતું આ આથવેલું પીણું, આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ મિસિંગ સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે. તેને ભોજન સાથે લેવામાં આવે છે, અને મિસિંગ ભરત ચંડી કહે છે તેમ, “અમે મિસિંગ લોકો, અપોંગ  વગર કોઈપણ પૂજા કે તહેવાર કરતા નથી.” ચંડી ગરમુર બજારમાં એક ઘર જેવા ભોજનાલય માજુલી કિચનના માલિક છે.

ચોખા અને જડીબુટ્ટીઓથી બનેલું આછા સફેદ રંગનું આ પીણું મોટેભાગે જુનાલી જેવી મિસિંગ સ્ત્રીઓ દ્વારા જ બનાવવામાં આવે છે, જેને તેઓ ગરમુરની દુકાનો અને હોટલોમાં વેચે છે. જુનાલી હસતાં હસતાં કહે છે, “પુરુષોને આ કામ કરવું ગમતું નથી. તેમને આ કામમાં ખૂબ મહેનત પડે છે, અને જડીબુટ્ટીઓ અને પાંદડા ભેગા કરવાથી થાક લાગે છે.”

PHOTO • Priti David

જુનાલી રિસોંગ એક મોટી મોટા ઘડામાં પાણી ગરમ કરે છે, જેમાં અપોંગ બનાવવા માટે ચોખા ઉમેરવામાં આવશે અને તેને રાંધવામાં આવશે

PHOTO • Priti David

જુનાલી તેમના ઘરની નજીક જમીન પર રાખેલા એક પતરા પર પોરો (ડાંગરના સાંઠા) સળગાવી રહ્યાં છે. તેને સવારે 6 વાગે સળગાવવામાં આવે છે અને 3-4 કલાક સુધી સળગાવ્યા બાદ, રાંધેલા ભાતમાં રાખને ભેળવવામાં આવશે

જુનાલીના પતિ, ઉર્બોર રિસોંગ, તેમના ઘરથી પાંચ મિનિટના અંતરે બજાર વિસ્તારમાં એક દુકાન ચલાવે છે. તેમનો 19 વર્ષનો પુત્ર, મૃદુ પાબોંગ રિસોંગ, જોરહાટમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે, જે બ્રહ્મપુત્રામાં ફેરી દ્વારા જઈએ તો એક કલાક દૂર છે.

જુનાલીને આ કામ તેમનાં સાસુ દીપ્તિ રિસોંગે શીખવ્યું હતું. અપોંગ બે પ્રકારનાં હોય છે: નોંગઝીન અપોંગ, કે જેમાં મુખ્ય ઘટક તરીકે માત્ર ચોખા હોય છે; અને પોરો અપોંગ, કે જેમાં બળી ગયેલા ડાંગરના સાંઠાનો સ્વાદ ઉમેરવામાં આવે છે. એક લિટર અપોંગ 100 રૂપિયામાં વેચાય છે, અને તેને બનાવનારને આમાંથી લગભગ અડધી રકમ મળે છે.

એક દાયકા કરતાં વધુ સમયથી આ કામ કરતાં હોવાથી, જુનાલી હવે આના નિત્યક્રમથી વાકેફ છે. જ્યારે પારી ટીમ તેમને માજુલી જિલ્લાના કમલાબારી બ્લોકમાં તેમના ગામમાં મળી, ત્યારે તેઓ પોરો અપોંગ બનાવી રહ્યાં હતાં. તેઓ વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ, 10-15 કિલો ડાંગરના સાંઠાને આગ ચાંપીને તેને તેના ઘરના પાછળના ભાગમાં ટિન શીટ પર હળવેથી સળગાવવાની શરૂઆત કરી હતી. તેઓ ચોખા રાંધવા માટે આગ પ્રગટાવતી વખતે અમને કહે છે, “તેને બળવામાં 3-4 કલાક લાગે છે.” કેટલીકવાર તેઓ આ પ્રક્રિયા પહેલાંથી જ શરૂ કરી દે છે, અને સાંઠાને રાતભર ધીમે ધીમે બળવા દે છે.

ધુમાડે બળતા સાંઠાઓ પાસે, જુનાલી લાકડા સળગાવી એના પર પાણીનો મોટો દેગડો મૂકી દે છે. જ્યારે તેમાં પરપોટા થવા લાગે છે, ત્યારે તેઓ તેને ઉપાડે છે અને તેમાં થોડા થોડા કરીને 25 કિલો ચોખા નાખે છે. તેઓ કબૂલે છે, “આ કામ કરવાથી મને મારી પીઠમાં થોડો દુ:ખાવો થાય છે.”

માઘ બિહુ, બોહાગ બિહુ અને કાટી બિહુ જેવા આસામી તહેવારો દરમિયાન, જ્યારે મોટી માત્રામાં બીયરની માંગ હોય છે, ત્યારે જુનાલી પાસે સમય નથી રહેતો, અને તેઓ ક્યારેક દિવસમાં બે વાર અપોંગ બનાવે છે

વિડિયો જુઓ: મિસિંગ સમુદાયની સમુદાયની પરંપરાગત ચોખાની બીયર: પોરો અપોંગ ગાળતાં

બે અગ્નિ જીવંત છે અને જુનાલી ઝડપથી આગળ વધે છે, તેઓ એક તરફ ઉકળતા ચોખાનું ધ્યાન રાખે છે અને બીજી તરફ લાકડાના લાંબા સળિયા વડે સળગતા સાંઠાને પણ હલાવી રહ્યાં છે કે જેથી ગરમી સમાનરૂપે ફેલાય. 25 કિલો ઉકળતા ચોખાને હલાવવું સહેલું નથી અને જુનાલી તે કામ કરતી વખતે ઊંહકારા કરે  છે. આ ચોખા રાશનની દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓ કહે છે, “અમે ચોખા પણ ઉગાડીએ છીએ, પરંતુ અમે તેને ખાવા માટે રાખીએ છીએ.”

ચોખા રાંધવામાં લગભગ 30 મિનિટનો સમય લાગશે, અને જ્યારે તે સહેજ ઠંડા પડે છે, ત્યારે જુનાલી તેને બળી ગયેલી સાંઠાની રાખ સાથે ભેળવી દેશે. આ પ્રક્રિયા સાંભળવામાં સરળ લાગે છે પરંતુ તેમાં ગરમ રાખમાં બાફેલા ચોખાને ભેળવવાનો અને તેનો લગદો બનાવવાનો સમાવેશ થાય છે. તેઓ આ કામ પોતાના હાથે કરે છે, અને મિશ્રણને વાંસની ટોપલીમાં ફેલાવે છે. જુનાલી કહે છે, “તે આ ટોપલીમાં ઝડપથી ઠંડુ થાય છે. અમારે રાખ અને ચોખાને જ્યારે તે ગરમ હોય ત્યારે ભેળવવા પડશે, નહીંતર તો તે ભળશે નહીં.”

ગુંદતી  વખતે, જુનાલી અપોંગ માટે તૈયાર કરેલી જડીબુટ્ટીઓ ઉમેરે છે. તેઓ કહે છે, “આ બનાવવામાં સો ઔષધિઓ અને પાંદડાની જરૂર પડે છે.” તેઓ તેમના રહસ્યો જાહેર કરવા ઇચ્છતાં નથી, પણ ઉમેરે છે કે કેટલાક પાંદડા બ્લડ પ્રેશર ઘટાડવા અને પાચન ક્રિયા સુધારવા માટે મિસિંગ લોકોમાં જાણીતા છે. પરંતુ તેઓ આનાથી વધારે કશું જાહેર નથી કરતાં.

દિવસના સમયે, જુનાલી ગરમુરની આસપાસ ફરે છે અને તેમને જરૂરી પાંદડા અને જડીબુટ્ટીઓ વીણી લે છે. તેઓ કહે છે, “હું તેમને સૂકવીને પાવડર બનાવવા માટે મારા મિક્સી [મિક્સર ગ્રાઇન્ડર] માં ફેરવું છું, જેમાંથી હું નાના [મુઠ્ઠીના કદના] દડા બનાવું છું. હું અપોંગ બનાવવામાં જડીબુટ્ટીઓ લગભગ 15-16 સૂકવણ કરેલા અને પાઉડર કરેલા દડા વાપરું છું.” તેમના પિયરથી માંડ એક કિલોમીટર દૂર આવેલા ફુટુકી ગામમાં જન્મેલાં જુનાલી આ વિસ્તારને સારી રીતે જાણે છે.

PHOTO • Priti David
PHOTO • Riya Behl

પાણીની ઉકળતી દેગમાં કાચા ચોખા (ડાબે) રેડતાં જુનાલી. તેઓ ચોખાને રાંધવા માટે તેને લાકડાના સળિયાથી હલાવે છે (જમણે)

PHOTO • Riya Behl

ગરમી સમાનરૂપે ફેલાય અને તે રાખમાં ફેરવાઈ ન જાય તે માટે જુનાલીએ ધૂમાડે બળતા ડાંગરના સાંઠાને સતત હલાવતા રહેવું પડશે

વાંસની ટોપલીમાંનું મિશ્રણ ઠંડું થયા પછી, તેને જુનાલીના ઘરમાં લગભગ 20 દિવસ સુધી પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવે છે. તેઓ કહે છે, “જ્યારે તે તૈયાર થશે ત્યારે મને તેની [આથવણની] ગંધ પરથી ખબર પડી જશે.” તે પછી અંતિમ પ્રક્રિયાનો સમય છે: રાખ, રાંધેલા ચોખા અને જડીબુટ્ટીઓના આથવણ કરેલા મિશ્રણને કેળાના પાનથી બનાવેલી શંકુ આકારની ટોપલીમાં મૂકીને એક વાસણ પર લટકાવવામાં આવે છે. ટોપલીમાં પાણી રેડવામાં આવે છે, અને મિશ્રણમાંથી તૈયાર થયેલી બીયર તેની નીચે મૂકેલા વાસણમાં ટપકશે. 25 કિલો ચોખામાંથી લગભગ 30-34 લિટર અપોંગ બને છે.

જાન્યુઆરીમાં માઘ બિહુ, એપ્રિલમાં બોહાગ બિહુ અને ઓક્ટોબરમાં કાટી બિહુ જેવા આસામી તહેવારો દરમિયાન, અને અલી-આયે-લિગાંગ જેવા મિસિંગ તહેવાર દરમિયાન પણ જ્યારે મોટી માત્રામાં બીયરની માંગ હોય છે, ત્યારે જુનાલી પાસે સમય નથી રહેતો, અને તેઓ ક્યારેક દિવસમાં બે વાર અપોંગ બનાવે છે.

જુનાલી ફકત અપોંગ બનાવવા અને વેચવાથી જ નથી કમાતાં. તેઓ નજીકની હોટેલ માટે કપડાં ધોવાનું કામ પણ કરે છે, મિસિંગ ભોજન રાંધે છે અને પિરસે છે, ઈંડા માટે 200 મરઘીઓનું સંવર્ધન કરે છે અને નજીકના નાના મહેમાનગૃહમાં ડોલથી ગરમ પાણી પણ પૂરૂં પાડે છે. તેઓ કહે છે કે અપોંગ બનાવવાથી સારી એવી આવક મળી રહે છે. તેઓ ઉમેરે છે, “જો હું 1,000 રૂપિયા ખર્ચ કરું તો, મને તેમાંથી 3,000 રૂપિયા કમાણી થાય છે. તેથી મને આ કામ કરવું ગમે છે.”

PHOTO • Riya Behl

ડાંગરના સાંઠાઓ સાથે ભેળવેલા રાંધેલા ચોખા હવે આગળની પ્રક્રિયાના ભાગરૂપે મોટી વાંસની ટોપલીમાં ખસેડવા માટે તૈયાર છે

PHOTO • Priti David

જુનાલી રાંધેલા ભાતને કઢાઈમાંથી ધાતુના ઢાંકણની મદદથી બહાર કાઢે છે અને તેને ઠંડું કરવા માટે વાંસની મોટી પ્લેટમાં ખસેડે છે

PHOTO • Priti David

ચોખા અને દાળેલા ડાંગરનું બાફેલું મિશ્રણ તેમના પાઉડર કરેલા ઔષધિઓના વિશિષ્ટ સંગ્રહ સાથે મિશ્રિત કરવા માટે તૈયાર છે

PHOTO • Riya Behl

ફક્ત તેમના હાથનો ઉપયોગ કરીને જુનાલી ચોખાના જે ગઠ્ઠાઓ હોય તેને તોડે છે અને જડીબુટ્ટીઓમાં તેને ભેળવે છે

PHOTO • Riya Behl

જુનાલી તેમની વ્યસ્ત સવારમાં શાંત પળ માણી રહ્યાં છે

PHOTO • Riya Behl

જુનાલી કહે છે, ‘આમાં સો જડીબુટ્ટીઓ અને પાંદડા જાય છે.’ તે તે બધાનું નામ લેવા તૈયાર નથી

PHOTO • Riya Behl

કેટલાક પાંદડા બ્લડ પ્રેશર ઘટાડવા અને પાચનક્રિયા સુધારવા માટે મિસિંગ લોકોમાં જાણીતા છે

PHOTO • Priti David

તે ઓ કહે છે, ‘ હું તેમને સૂકવીને પાવડર બનાવવા માટે મારા મિક્સી [મિક્સર ગ્રાઇન્ડર] માં ફેરવું છું, જેમાંથી હું નાના [મુઠ્ઠીના કદના] દડા બનાવું છું. હું અપોંગ બનાવવામાં જડીબુટ્ટીઓ લગભગ 15-16 સૂકવણ કરેલા અને પાઉડર કરેલા દડા વાપરું છું’

PHOTO • Priti David

જડીબુટ્ટીઓ અને પાંદડાને સૂકવવામાં આવે છે અને તેનો ભૂકો બનાવવામાં આવે છે, જે અપોંગમાં સ્વાદ અને તીવ્રતા ઉમેરે છે

PHOTO • Priti David

આથવણ કરેલા ચોખાને પીળી પ્લાસ્ટિકની શીટમાં મુકવામાં આવે છે અને 15-20 દિવસ માટે અલગ રાખવામાં આવે છે

PHOTO • Priti David

તેમના રસોડાના એક ખૂણામાં, જુનાલી પાસે શંકુ આકારની વાંસની એક ટોપલી છે, જે ધાતુની ત્રિપાઈ પર મૂકેલી છે. આ તે ઉપકરણ છે જેનો ઉપયોગ તે અપોંગ બનાવવા માટે કરે છે

PHOTO • Priti David
PHOTO • Priti David

ઉકાળવાનું ઉપકરણ નજીકથી (ડાબે) અને એક તપેલીમાં (જમણે) ભેગી થતી બીયર

PHOTO • Priti David

ભરત ચંડી ગરમુરમાં તેમની રેસ્ટોરન્ટ, માજુલી કિચનમાં મિસિંગ ભોજન પીરસે છે

PHOTO • Priti David

આસામના માજુલી ટાપુ પરના ગરમુરમાં તેમના ઘરની બહાર ઊભેલાં જુનાલી


અનુવાદક: ફૈઝ મોહંમદ

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Photographs : Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Other stories by Riya Behl
Editor : Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Other stories by Vinutha Mallya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad