ચેન્નાઈની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવી શાળામાં તેના પહેલા દિવસે,  આઠ વર્ષનો રઘુ તેની સામેના પાટિયા પર કે પાઠયપુસ્તકોમાં તમિલમાં લખેલો એક  પણ શબ્દ સમજી શકતો નથી. તેના વતન, ઉત્તર પ્રદેશના નાઓલી ગામની તેની શાળામાં તે હિન્દી અથવા ભોજપુરીમાં વાંચતો, લખતો અને વાતો કરતો હતો.

અત્યારે તે માત્ર ચિત્ર જોઈને જ પુસ્તકમાં શું છે તેની અટકળ કરે છે.  “એક પુસ્તકમાં સરવાળા-બાદબાકીનાં ચિહન હતાં, એટલે  તે ગણિતનું પુસ્તક હતું; બીજું પુસ્તક કદાચ વિજ્ઞાનનું હતું; અને ત્રીજા પુસ્તકમાં સ્ત્રીઓ, બાળકો, ઘરો અને પર્વત હતા,” તે કહે છે.

ચોથા ધોરણમાં બીજી હરોળની એક પાટલી પર તે ચૂપચાપ બેઠો હતો, ત્યારે બાજુમાં બેઠેલા  છોકરાએ રઘુને એક સવાલ પૂછ્યો. “પછી બધા મને ઘેરી વળ્યાં અને તમિલમાં મને કંઈક પૂછવા માંડ્યાં. મને સમજાયું નહીં કે તેઓ શું કહે છે. એટલે  મેં કહ્યું, ‘મેરા નામ રઘુ હૈ.’  તેઓ હસવા લાગ્યા. હું ડરી ગયો.”

મે ૨૦૧૫માં જ્યારે રઘુના પિતાએ જલૌન જિલ્લાના નાદિગાંવ  વિસ્તારમાં આવેલું  પોતાનું ગામ છોડવાનું નક્કી કર્યું  ત્યારે  ટ્રેનમાં ચેન્નાઈ જવા નીકળ્યા તે દિવસે રઘુ જમીન પર આળોટી ખૂબ રડ્યો હતો તે ઘણો રડ્યો હતો. તેનો પાંચ વર્ષનો ભાઈ સન્ની તેના પિતાનો હાથ પકડી રાખ્યો હતો. “તે (રઘુ) ને જવું નહોતું. તેની આવી દશા જોઈ મારો જીવ બળતો હતો,” તેની માતા ગાયત્રી પાલ કહે છે.

પણ કામ માટે ગામ છોડી બીજે જવાનું  રઘુના માતાપિતા માટે અનિવાર્ય હતું. “જો ખેતીમાંથી અમને કંઈ નહીં મળે, તો અમારે સ્થળાંતર કરવું જ પડશે. તે વર્ષે (૨૦૧૩-૧૪), અમને માંડ માંડ બે ક્વિન્ટલ બાજરી મળી હતી. પાક માટે પાણી નથી, ગામમાં પણ કોઈ કામ નથી. અમારા ગામડામાંથી અડધું ગામ તો પહેલેથી જ રાજ્યની બહાર, જ્યાં પણ તેમને કામ મળે છે ત્યાં સ્થળાંતર કરી ચૂક્યું છે, ” ૩૫ વર્ષની ગાયત્રી કહે છે. તે અને તેનો ૪૫ વર્ષનો પતિ મનીષ, ચેન્નાઈમાં એક બાંધકામના સ્થળે કામ કરે છે, તેમના ગામના કેટલાક લોકો ત્યાં પહેલેથી જ કામ કરતા હતા.

Left: When Raghu (standing behind his father Manish Pal) and his brother Sunny, moved with their parents from UP to Chennai to Maharashtra, at each stop, Raghu tried valiantly to go to school. Right: Manish and other migrant workers wait at labour nakas in Alibag every morning for contractors to hire them for daily wages
PHOTO • Jyoti
Left: When Raghu (standing behind his father Manish Pal) and his brother Sunny, moved with their parents from UP to Chennai to Maharashtra, at each stop, Raghu tried valiantly to go to school. Right: Manish and other migrant workers wait at labour nakas in Alibag every morning for contractors to hire them for daily wages
PHOTO • Jyoti

ડાબે: જ્યારે રઘુ (તેના પિતા મનીષ પાલની પાછળ ઊભેલા) અને તેના ભાઈ સનીએ તેના માતાપિતાની સાથે ઉત્તરપ્રદેશથી ચેન્નાઈ, અને ચેન્નાઈથી મહારાષ્ટ્ર સ્થળાંતર કર્યું  ત્યારે રઘુ દરેક જગ્યાએ હિંમતભેર શાળાએ જવાની કોશિશ કરી હતી. જમણે: મનીષ અને બીજા સ્થળાંતરિત  કામદારો અલીબાગના મજૂર નાકા પાસે દરરોજ સવારે તેમને છૂટક મજૂરીનું કામ મળી રહે તે માટે ઠેકેદારની રાહ જુએ છે

તેના માટે તદ્દન નવા શહેરમાં રઘુ ઘરથી દૂર હોવાને કારણે ઉદાસ રહેતો. “હું ગામમાં મારા મિત્રો સાથે  ક્રિકેટ, ગીલ્લીડંડો, કબ્બડી રમતો. અમે ઝાડ પર ચડતા અને કેરીઓ ખાતા,” તે યાદો વાગોળે છે. તેમના ખુલ્લા આંગણાવાળા બે માળાના મકાન  અને બે બળદોને બદલે અહીં ઉત્તર ચેન્નાઈના રોયાપુરમ વિસ્તારમાં, એક પતરાની ખોલી હતી. જે જગ્યાએ તેના માતાપિતા દિવસના 300 રુપિયા લેખે કામ કરતા હતા ત્યાં તો એક રહેણાકના  મકાનનું બાંધકામ કામ ચાલુ હતું એટલે બબુલ, જાંબુ અને આંબાના ઝાડની જગ્યાએ અહીં તો એક મોટી પાલખ બાંધેલી હતી , સિમેન્ટના ઢગલેઢગલા હતા અને જેસીબી મશીન પડેલાં હતાં.

આ બધા ફેરફારો સાથે અગાઉથી જ સંઘર્ષ કરી રહેલા રઘુ માટે સૌથી મોટો ફેરફાર કદાચ નવી શાળામાં જવાનો હતો. તે ભાષા સમજી શકતો ન હતો , અને તેના કોઈ મિત્રો પણ નહોતા. જોકે, શાળામાં તેણે બિહારના બીજા બે સ્થળાંતરિત છોકરાઓની સાથે બેસવાનો પ્રયત્ન કર્યો હતો. માત્ર ત્રણ અઠવાડિયા સુધી ચેન્નાઈની શાળામાં ગયા પછી, એક દિવસ તે રડતો રડતો ઘેર પાછો આવ્યો, યાદ કરતાં ગાયત્રી કહે છે, “તેણે કહ્યું કે તે હવે શાળાએ જવા માંગતો નથી. કારણ કે તેને ત્યાં કંઈ પણ સમજાતું નથી ને દરેક જણ તેની સાથે ગુસ્સે થઈને વાતચીત કરતા હોય એવું તેને લાગે છે. તેથી અમે તેને દબાણ કર્યું નહીં.”

અમુક વિદ્યાર્થીઓનાં માતાપિતાને ટ્યુશન વર્ગો પરવડી શકે છે અથવા તેઓ તેમના બાળકોને ઘરકામમાં મદદ કરી શકે છે પણ ગાયત્રી અને મનીષ રઘુને ભણાવી શકે તેવી સ્થિતિમાં નહોતા. મનીષ માત્ર ચોથા ધોરણ સુધી જ ભણ્યો છે, જ્યારે ગાયત્રી હજી  એક વર્ષ પહેલા જ હિન્દીમાં તેનું નામ કેવી રીતે લખવું તે શીખી છે - જે રઘુએ તેને શીખવાડ્યું હતું. તેનું  બાળપણ ભેંસો ચારવામાં અને ચાર નાની બહેનો સાથે ખેતરમાં કામ કરતાં વીત્યું છે.  “જ્યારે તેને શાળાએ મોકલવું જ અમને ભારે પડે છે, ત્યારે અમે વધારાના ટ્યુશન્સ માટે પૈસા કેવી રીતે એકઠા કરીશું?" તે પૂછે છે.

ચેન્નાઈની શાળા અધ્વચ્ચે જ છોડી દીધા પછી, તેના માતાપિતાને બાંધકામના સ્થળે કામ કરતા ત્યારે સન્નીની સંભાળ રાખતા રઘુએ ત્રણ વર્ષ પસાર કર્યા. સન્ની બાલમંદિરમાં પણ ગયો નથી. કેટલીકવાર, રઘુ તેની માતા સાથે રાંધવા માટે ચૂલો સળગાવવા લાકડીઓ, પ્લાસ્ટિક અને કાગળ વીણવા જતો.

અને જ્યારે  શાળામાં જવું મુશ્કેલ બન્યું, અને બાળકોના માતાપિતા કામમાં હતા, ત્યારે બાંધકામ સ્થળના માલિકોએ પણ બાળકોની સંભાળ, શાળા, સુરક્ષા, અને રઘુ અને સન્ની જેવા સ્થળાંતરિત બાળકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોગવાઈ કરી ન હતી. ‘યુનિસેફ-આઈસીએસએસઆર’ની ૨૦૧૧ની વર્કશોપના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે  ભારતમાં આવા બાંધકામના સ્થળોએ 4 કરોડ સ્થળાંતરિતો કામ કરે છે.

Left: The zilla parishad school in Vaishet that Raghu and Sunny attend, where half of the students are children of migrant parents. Right: At the government-aided Sudhagad Education Society in Kurul village, students learn Marathi by drawing pictures and describing what they see
PHOTO • Jyoti
Left: The zilla parishad school in Vaishet that Raghu and Sunny attend, where half of the students are children of migrant parents. Right: At the government-aided Sudhagad Education Society in Kurul village, students learn Marathi by drawing pictures and describing what they see
PHOTO • Jyoti

ડાબે: વૈશેતની જિલ્લા પરિષદ શાળા કે જ્યાં રઘુ અને સન્ની ભણતા હતા, ત્યાં અડધા વિદ્યાર્થીઓ સ્થળાંતરિત માતા-પિતાના બાળકો છે. જમણે: કુરુલ ગામની સરકાર સંચાલિત સુધાગડ એજ્યુકેશન સોસાયટીમાં  વિદ્યાર્થીઓ ચિત્રો દોરીને અને તેઓ જે જુએ છે તેનું વર્ણન કરીને મરાઠી ભાષા શીખે છે

આ અહેવાલમાં નોંધાયું છે કે આ બે ભાઈઓની જેમ, ભારતભરમાં ૧૫ લાખ બાળકો એવાં છે કે જેઓ કાં તો સ્વતંત્ર રીતે કાં તો પોતાના માબાપ સાથે સ્થળાંતર કરે છે અને એકધારું શિક્ષણ અથવા તો  શિક્ષણ જ મેળવી શકતા નથી. પેપરની નોંધ મુજબ “મોસમી, પુનરાવર્તી અને હંગામી સ્થળાંતરના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડે છે. બાળકોને શાળાનો અભ્યાસ છોડવાની ફરજ પડે છે, પરિણામે તેઓ શિક્ષણથી વંચિત રહે છે.....સ્થળાંતરિત કામદારોના લગભગ એક તૃતીયાંશ બાળકો [જેઓ તેમના માબાપ સાથે સ્થળાંતર કરે છે અને ગામમાં અન્ય પરિવારની સાથે રહેતા નથી] શાળામાં ભણી શકતા નથી.”

જ્યારે માબાપ કામની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે ત્યારે રઘુ જેવાં બાળકોના અભ્યાસમાં અડચણો વધે છે. જ્યારે માર્ચ ૨૦૧૮માં, ચેન્નાઇમાં બાંધકામ સ્થળ પર કામ પૂરું  થઈ ગયું, ત્યારે મનીષ અને ગાયત્રીએ, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકામાં  સ્થળાંતર કર્યું, ત્યાં તેમના એક સંબંધી બે વર્ષથી રહેતા હતા, ત્યાં ગયાં.

મનીષે બાંધકામના સ્થળે મજૂર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું, જ્યારે  ગાયત્રીએ સતત પીઠના દુખાવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધું છે , અને હવે તે ઘર તથા બાળકોની સંભાળ રાખે છે. દરરોજ સવારે આઠ વાગ્યે, મનીષ અલીબાગ શહેરના મહાવીર ચોક ખાતે મજૂર નાકા પાસે ઊભો રહે છે, અને ઠેકેદારોની રાહ જુએ છે. તે મહિનાના આશરે ૨૫ દિવસ કામ કરે છે અને એક દિવસના ૪૦૦ રુપિયા કમાય છે. “ઘણી વખત ૪-૫ દિવસ એવા પણ વીતે કે કોઈ મને કામ માટે ન લઈ જાય, ત્યારે તેટલા દિવસ આવક વગર રહેવું પડે છે,” તે કહે છે.

અલીબાગ સ્થળાંતર કરતાં રઘુ માટે એક નવો સંઘર્ષ શરૂ થયો – તેણે હવે મરાઠીમાં લખાયેલ પાઠ્યપુસ્તકો પ્રયત્ન કરીને સમજવાના હતા, બીજી એક નવી શાળામાં જવાનું હતું, અને નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરવાનો હતો. જ્યારે તેણે પડોશીના એક છોકરાનું  ભૂગોળનું  પાઠ્યપુસ્તક જોયું, ત્યારે તે તેની દેવનાગરી લિપિ વાંચી ન શક્યો. વળી, તેણે ત્રણ વર્ષ શાળાએ ન જવાના કારણે જે છૂટી ગયું હતું, તે પણ શીખવાનું હતું. છતાં તેણે ૨૦૧૮માં જુલાઈની મધ્યમાં શાળાએ જવાનું ફરીથી શરૂ કર્યું, તે ૧૧ વર્ષનો છે પણ હજી ચોથા ધોરણમાં છે, અને તેની સાથેના બાળકો તેના કરતાં નાનાં છે.

“હું ભૂલી ગયો હતો કે મરાઠીના અક્ષરો હિન્દી જેવા જ હોય છે, પણ તે અલગ રીતે  લખાય છે,” તે કહે છે. “સુરેશે [એક પડોશી મિત્રે] મને  કેવી રીતે વાંચવું તે વિશેની મૂળભૂત બાબતો અને કેટલાક શબ્દોના અર્થ શીખવાડ્યા. ધીમે ધીમે, હું સમજવા લાગ્યો.”

Students at the Sudhagad school draw pictures like these and write sentences in Bhojpuri or Hindi, as well as in Marathi. The exercise helps them memorise new words
PHOTO • Jyoti
Students at the Sudhagad school draw pictures like these and write sentences in Bhojpuri or Hindi, as well as in Marathi. The exercise helps them memorise new words
PHOTO • Jyoti

સુધાગઢ ની શાળાના વિદ્યાર્થીઓ આવા ચિત્રો દોરે છે, અને ભોજપુરી અથવા હિન્દીમાં તેમ જ મરાઠીમાં વાક્યો લખે છે. આ સ્વાધ્યાય તેમને નવા શબ્દો યાદ રાખવામાં મદદરૂપ થાય છે

રઘુ વૈશેત ગામની જીલ્લા  પરિષદ  (ઝેડપી) શાળામાં ભણે છે. પ્રાથમિક ધોરણની વર્ગશિક્ષિકા સ્વાતિ ગાવડે કહે છે કે ૧ થી ૧૦ ધોરણના ૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૨૦૦  જેટલા વિદ્યાર્થીઓ તો સ્થળાંતરિત માતાપિતાના બાળકો છે. અહીં, રઘુ બિહાર અને ઉત્તર પ્રદેશથી આવેલા બીજા બાળકોને મળ્યો. તે અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે અને મરાઠીમાં વાંચી, લખી અને  વાતચીત કરી શકે છે. સન્નીને પણ તેના માતાપિતાએ શાળામાં દાખલ કર્યો છે, અને તે અત્યારે ત્રીજા ધોરણમાં ભણે છે.

અલીબાગ  દરિયાકાંઠાનું એક વિકાસશીલ શહેર છે, જે મુંબઈ શહેરથી ૧૨૨ કિલોમીટર દૂર આવેલું છે. છેલ્લા બે દાયકાથી અહીંના સતત વધતો  જતો  સ્થાવર મિલકતનો  વ્યવસાય ઘણા પરપ્રાંતીય મજૂરોને  આ તરફ ખેંચીને લાવ્યો છે. આ મજૂરો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાંથી તેમના પરિવારની સાથે અહીં આવે છે. તેઓનાં બાળકો સામાન્ય રીતે તાલુકાની જિલ્લા પરિષદ અથવા સરકારી સહાયથી ચાલતી  મરાઠી શાળાઓમાં ભણે છે.

સંક્રાંતિને સરળ બનાવવા માટે, કેટલાક શિક્ષકો શરૂઆતમાં સ્થાળંતતિત બાળકો સાથે  હિન્દીમાં વાતચીત કરે છે, એમ ગાવડે કહે છે. “અલીબાગની જિલ્લા પરિષદ શાળાઓમાં સ્થળાંતરિત પરિવારોના ઘણા વિદ્યાર્થીઓ  છે, અને એક બાળકને તદ્દન નવા વાતાવરણમાં ગોઠવાવાનું ઘણું કપરું લાગે છે. એક શિક્ષક તરીકે, અમે આવા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો તો નથી બદલી શકતા, પરંતુ થોડાક દિવસો માટે અમારી વાતચીતની ભાષા બદલી શકીએ છીએ. બાળકો નવી વસ્તુ ઝડપથી સમજે છે, પણ પહેલ શિક્ષકોએ કરવાની હોય છે.”

વૈશેતથી લગભગ પાંચ કિલોમીટર દૂર, કુરુલ ગામની સુધાગઢ એજ્યુકેશન સોસાયટીમાં, સરકારી સહાયથી ચાલતી શાળામાં  પાંચમા ધોરણમાં મરાઠી ભાષાનો  વર્ગ ચાલી રહ્યો છે. શિક્ષક માનસી પાટીલ દરેક બાળકને  વર્ગની સામે થોડીક મિનિટો વાત કરવાનું કહે છે કે જેથી તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય. ૧૦ વર્ષના સત્યમ નિસાદનો વારો આવ્યો છે:  “અમારા ગામમાં લોકો ખેતરમાં કામ કરે છે. અમારી પાસે  પણ એક ખેતર છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે તેઓ બીજ વાવે છે, પછી થોડાક મહિના પછી પાકની લણણી કરે છે. તેઓ દાંડીને ઝૂડીને કણસલામાંથી દાણા છૂટા  પડે છે. પછી તેને ચાળણીથી સાફ કરે છે અને પછી ઘેર કોથળામાં ભરી સંગ્રહ કરે છે. તેઓ તેને દળીને તેમાંથી રોટલી બનાવી ખાય છે.” વર્ગખંડના ૨૨ વિદ્યાર્થીઓ તેના માટે તાળીઓ પડે છે.

“સત્યમ ઘણો ઉદાસ રહેતો હતો અને કોઈની સાથે  વાતચીત કરતો નહોતો,” પાટીલ કહે છે. "મૂળાક્ષરોની ઓળખથી શરૂ કરીને, બાળકને ખૂબ જ મૂળભૂત  બાબતો શીખવવાથી, તેમનામાં શિક્ષકો અને અન્ય બાળકો સાથે વાત કરવાનો થોડો આત્મવિશ્વાસ પેદા થાય છે. તેમણે ક્યારેય સાંભળી ન હોય તેવી ભાષામાં તમે તેમની ઉપર લાંબા લાંબા વાક્યોનો તોપમારો ન કરી શકો. તમારે તેમની સાથે સૌમ્ય રહેવાની જરૂર છે. ”

PHOTO • Jyoti

ઉપરની હરોળ: ૨૦૧૭માં સત્યમ નિસાદના પરિવારે ઉત્તર પ્રદેશથી સ્થળાંતર કર્યું, તે પછી સત્યમે સુધાગઢ શાળામાં દાખલો લીધો, જ્યાં ૨૭૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૮ વિદ્યાર્થીઓ સ્થળાંતર કરીને આવેલા છે. નીચેની હરોળ: સત્યમના માતાપિતા, આરતી નિસાદ અને બ્રિજમોહન નિસાદ, જેઓ બાંધકામના સ્થળોએ  કામ કરે છે. આ પહેલાં ઘેર તેઓ પરિવારની એક એકર જમીનમાં બાજરાની ખેતી કરતા હતા

સત્યમ (સૌથી ઉપર કવર ફોટોમાં આગળના ભાગમાં) ૨૦૧૭માં તેના માતાપિતા સાથે અલીબાગ આવ્યો હતો. તેને માટે  ઉત્તર પ્રદેશના દેઓરિયા જિલ્લાના તેના ગામ રામપુર દુલ્લાહથી આ ઘણો મોટો બદલાવ હતો. તે વખતે માંડ આઠ વર્ષના અને ત્રીજા ધોરણમાં ભણતા, ઘેર ભોજપુરીમાં વાતચીત કરતા સત્યમને હિન્દી માધ્યમની શાળામાં ભણ્યા પછી અહીં  મરાઠી ભાષાથી ટેવાવાનું હતું. “જ્યારે મેં પહેલીવાર મરાઠી ભાષા જોઈ, ત્યારે મેં મારા માતાપિતાને કહ્યું કે આ હિન્દી ખોટી રીતે લખેલી છે. વાક્યના અંતમાં કોઈ દાંડો નહોતો.....હું અક્ષરો વાંચી શકતો હતો, પણ આખા શબ્દનો અર્થ સમજી શકતો નહોતો,” સત્યમ કહે છે.

સત્યમની માતા ૩૫ વર્ષની આરતી કહે છે, “અમારા બાળકોને મરાઠી માધ્યમની શાળામાં જવું પડે છે. અંગ્રેજી મધ્યમની શાળાઓની ફી ઊંચી હોય છે અને અમને પરવડતી નથી.” તેઓ તેમના ૧૦૦ સ્ક્વેર ફીટના  ભાડાના રૂમમાં બેઠા છે. આરતી પોતે બીજા ધોરણ સુધી ભણેલાં છે; તે એક ગૃહિણી અને ખેડૂત પણ છે. તેઓ  રામપુર દુલ્લાહમાં પરિવારની એક એકર જમીનમાં બાજરાની ખેતી કરતાં હતાં. તેમના ૪૨ વર્ષના પતિ, બ્રિજમોહન નિસાદ પણ ખેતરમાં કામ કરતા હતા, પણ નબળી સિંચાઈ વ્યવસ્થાને કારણે ઉપરાઉપરી પાક નિષ્ફળ જતા તેમણે કામની શોધમાં ગામ છોડ્યું.

અત્યારે, બાંધકામ મજૂર તરીકે  તેમને રોજના ૫૦૦ રુપિયા લેખે મહિનાના પચીસ દિવસ મજૂરી મળી રહે છે. આ આવકમાંથી તેમણે પાંચ જણા (જેમાં બે દીકરીઓ  – ૭ વર્ષની સાધના અને ૬ વર્ષની સંજના પણ છે, બંને સત્યમ જે શાળામાં ભણે છે ત્યાં જ ભણવા જાય છે)નો પરિવાર નિભાવવાનો હોય છે. ઉપરાંત, તે દર મહિને પાંચ હજાર રૂપિયા ગામડે તેમના વૃદ્ધ માતાપિતાને મોકલાવે છે.

કુરુલમાં તેમના ઘરથી ૨૦ કિલોમીટર દૂર સસાવાણ ગામમાં, ભર તાપમાં  બાંધકામનું કામ કરતા  બ્રિજમોહન કહે છે, “હું નથી ઇચ્છતો કે મારાં બાળકો મારી જેમ સખત મજૂરી કરે. હું તેમને ભણાવવા માગું છું. આ બધી મહેનત હું તેમના માટે જ કરું છું.”

સત્યમની જેમ, ખુશી રાહીદાસને પણ ભાષાફેરના કારણે સંઘર્ષ કરવો પડ્યો. “હું મારા ગામમાં ભોજપુરીમાં ભણતી હતી,” સિંહગઢ શાળામાં ધોરણ ૬માં ભણતી વિદ્યાર્થીની  કહે છે. “હું મરાઠી સમજી શકતી નહોતી, અને મને શાળાએ જવાનું મન નહોતું થતું. અક્ષરો હિન્દી ભાષા જેવા જ હતા, ફક્ત તેના ઉચ્ચાર અલગ હતા. પણ આખરે હું શીખી ગઈ. હવે મારે  શિક્ષિકા બનવું છે.”

PHOTO • Jyoti

ઉપર ડાબે:  કુરુલની સુધાગઢ એજ્યુકેશન સોસાયટી જેવી કેટલીક શાળાઓમાં શિક્ષકો સ્થળાંતરિત વિદ્યાર્થીઓ માટે ભાષાને લગતી મુશ્કેલી સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે. ઉપર જમણે: શાળાની છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની ખુશી રામદાસ,, તે જ્યારે અહીં આવી ત્યારે માત્ર ભોજપુરી બોલતી હતી. નીચે ડાબે: સુધાગઢ શાળામાં મરાઠીમાં પુસ્તકો વાંચતા વિદ્યાર્થીઓ. નીચે જમણે: મધ્યાહ્ન ભોજન દરમિયાન, સામાન્ય રીતે વિદ્યાર્થીઓનું અહીં દાખલો લેવાનું આ એક મુખ્ય કારણ છે

ખુશીનો પરિવાર ઉત્તર પ્રદેશના ઉલારપર ગામથી અલીબાગ આવ્યો હતો. તેની માતા, ઇન્દ્રામતી કુરુલ ગામમાં તેમના ઘરની નજીક આવેલ એક નાનકડી વીશી  માટે ૫૦ સમોસા બનાવીને રોજના ૧૫૦ રુપિયા કમાય છે. તેના પિતા, રાજેન્દ્ર બાંધકામની જગ્યા પર કામ કરી રોજના ૫૦૦ રુપિયા કમાય છે. “અમારી પોતાની કોઈ જમીન નથી. અમે બીજાના ખેતરમાં કામ કરતા હતા. પણ ઘણા ખેડૂતોએ કામની શોધમાં ગામ છોડ્યું, અને વળી ગામમાં બીજું કંઈ કામ પણ નહોતું. અમે અલીબાગમાં એક નવી જીંદગી શરૂ કરી. આ બધી મહેનત તેમના માટે કરીએ છીએ,” ઈન્દ્રામતી તેમની બે દીકરીઓ અને એક દીકરા તરફ ઈશારો કરીને કહે છે.

સુધાગઢ  શાળામાં સત્યમ અને ખુશીની જેવા બિન-મરાઠી  વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે – બાલમંદિરથી લઈને દસમા ધોરણ સુધીના ૨૭૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૮ વિદ્યાર્થીઓ સ્થળાંતરિત  પરિવારોના  છે. આચાર્ય સુજાતા પાટિલ વિવિધ વિષયો - જેવા કે, તહેવારો, ગણતંત્ર દિવસ, રમતવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઋતુઓ - પર સાપ્તાહિક જૂથ-ચર્ચા ગોઠવે છે.  શિક્ષકો વિદ્યાર્થીઓને ચિત્રો બતાવે છે, પછી તેમની માતૃભાષામાં તેનું નામ બોલવાનું કહે છે, પછી તેમને તેનો મરાઠીમાં અનુરૂપ શબ્દ કહે છે. ચર્ચા પછી, વિદ્યાર્થીઓ પણ ચિત્રો દોરે છે, અને ભોજપુરી અથવા હિન્દીમાં તેમ જ મરાઠીમાં તેના વિષે એક વાક્ય પણ લખે છે. આ સ્વાધ્યાય તેમને શબ્દો યાદ રાખવામાં મદદરૂપ થાય છે.

શાળા તરફથી હિન્દી અથવા ભોજપુરી બોલતા એક નવા બાળક અને એક મરાઠી જાણતા એક બાળકની જોડી બનાવવામાં આવે છે.  ૧૧ વર્ષનો સુરજ પ્રસાદ એક પ્રાણીઓ પરની એક વાર્તાની ચોપડીમાંથી એક વાક્ય મોટેથી બોલે છે, અને તેનો નવો સાથી (જોડીદાર) દેવેન્દ્ર રાહીદાસ – તે પણ ૧૧ વર્ષનો છે – તે વાક્ય દોહરાવે છે. બંને છોકરાઓ ઉત્તર પ્રદેશથી તેમના માતાપિતાની સાથે અલીબાગ આવ્યા હતા – સુરજ ૨૦૧૫માં, અને દેવેન્દ્ર ૨૦૧૮માં.

“રાજ્યે રાજ્યે ભાષાઓ બદલાય છે, અને જુદા-જુદા પરિવારની માતૃભાષા પણ જુદી-જુદી હોય છે. તેથી અભ્યાસ ચાલુ રહે તે માટે, સ્થળાંતરિત બાળકો અભ્યાસના માધ્યમ તરીકે સ્થાનિક ભાષાથી ટેવાય તે ઘણું અગત્યનું છે,” આચાર્ય પાટિલ કહે છે. તેમનું માનવું છે કે આવા પ્રયત્નોથી બાળકોનો અધવચ્ચે શાળા છોડી દેવાનો દર ઘટાડી શકાય છે.

Left: Indramati Rahidas, Khushi’s mother, supplies 50 samosas a day to a small eatery. 'All these efforts are for them,” she says Indramati, pointing to her children. Right: Mothers of some of the migrant children enrolled in the Sudhagad Education Society
PHOTO • Jyoti
Left: Indramati Rahidas, Khushi’s mother, supplies 50 samosas a day to a small eatery. 'All these efforts are for them,” she says Indramati, pointing to her children. Right: Mothers of some of the migrant children enrolled in the Sudhagad Education Society
PHOTO • Jyoti

ડાબે: ખુશીની માતા, ઈન્દ્રામતી રહીદાસ, એક નાનકડી વીશી  માટે રોજના ૫૦ સમોસા તૈયાર કરીને મોકલાવે છે. “આ બધી મહેનત તેમના માટે જ કરીએ છીએ,” તેમના બાળકો તરફ ઈશારો કરી તેઓ કહે છે. જમણે: કેટલાક હિજરતી  બાળકોની માતાઓ સુધગડ એજ્યુકેશન સોસાઇટીમાં ભાગ લીધો. સુધાગઢ એજ્યુકેશન સોસાયટીમાં પ્રવેશ મેળવનારા કેટલાક બાળકોની માતાઓ

ભાષા અથવા સૂચનાનું અજાણ્યું માધ્યમ તે કારણો પૈકી એક કારણ છે જેને લીધે વિદ્યાર્થીઓ શાળા  છોડી દે છે, એવું નેશનલ સેમ્પલ સર્વે નોંધે છે. સર્વેની નોંધ પ્રમાણે આર્થિક ભીડ, ગુણવત્તા, અને શૈક્ષણિક માળખું પણ શાળા છડી દેવાના કેટલાક અન્ય કારણો છે. ૨૧૦૭-૧૮ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં શાળા છોડી દેવાનો દર પ્રાથમિક સ્તરે  ૧૦ ટકા, ઉચ્ચ પ્રાથમિક અથવા મિડલ સ્કુલ સ્તરે ૧૭.૫ ટકા અને માધ્યમિક સ્તરે  ૧૯.૮ ટકા છે.

યુનિસેફ-આઇસીએસએસઆર અહેવાલ એ પણ નોંધે છે કે: ભાષાના અવરોધ અને જુદી જુદી વહીવટી વ્યવસ્થાઓને કારણે બાળકોના આંતર-રાજ્ય સ્થળાંતરમાં વધારે મુશ્કેલી ઊભી થાય છે.  સંસદ દ્વારા શિક્ષણના હક (Right to Education) અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હોવા છતાં રાજ્ય સ્થળાંતરિત બાળકોને કોઈ પ્રકારની મદદ કરતું નથી - ન તો તેમની મૂળ જગ્યાએ કે ન તો તેઓ સ્થળાંતર કરીને ગયા છે તે નવી જગ્યાએ.

અહમદનગર સ્થિત શિક્ષણ કાર્યકર, હેરમ્બ કુલકર્ણી કહે છે, "આંતરરાજ્ય સ્થળાંતર કરીને આવેલા બાળકોની ભાષાની મુશ્કેલી દૂર કરી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે નીતિ ઘડવી, એ ઘણું અગત્યનું  છે. ખાસ કરીને એ કારણે કે એકવાર એક બાળક અધવચ્ચે શાળા છોડી દે છે પછી તે કોઈ સલામત ભવિષ્ય વિનાનો એક  બાળ મજૂર બની રહે છે." વૈશેત ઝેડપી શાળાની શિક્ષિકા સ્વાતિ ગાવડેનું સૂચન  છે કે રાજ્યના અધિકારીઓએ સ્થળાંતરિત બાળકોની માહિતી રાખવી જોઈએ અને આરટીઈ  હેઠળ તેમનું શિક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.

રાજ્યની નહીંવત સહાયતા સાથે, પરંતુ મિત્રો અને શિક્ષકોની થોડી ઘણી મદદથી, રઘુ, સત્યમ અને ખુશી હવે મરાઠીમાં લખી. બોલી અને સમજી શકે છે. પરંતુ સ્થળાંતરની તલવાર તેમના માથા પર લટકતી રહે છે. તેમના માતાપિતા ફરીથી કામની શોધમાં બીજા રાજ્યમાં સ્થળાંતર કરી શકે  છે - અને એ બીજા રાજ્યની ભાષા વળી બીજી હશે. રઘુના માતા-પિતાએ મે મહિનામાં ગુજરાતના અમદાવાદ શહેર જવાનું નક્કી કરી લીધું છે. દેખીતી રીતે ચિંતિત તેના પિતા મનીષ કહે છે, “તેની પરીક્ષાઓ પૂરી થવા દો. પરિણામ આવે પછી અમે તેમને જણાવીશું."

અનુવાદ: મહેદી હુસૈન

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Other stories by Jyoti
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain