સજાવટની સામગ્રી બનાવવા માટે હું શોલાપીઠનો ઉપયોગ કરું છું, જે એસ્કેનોમની એસ્પેરા એલ. છોડનો કૉર્ક છે. આ બહુ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે અને એને વિવિધ આકારો અને ડિઝાઇનમાં કાપી શકાય છે. વળી તેનું વજન પણ ઓછું હોય છે. અમે ઓડિશામાં આ કામને શોલાપીઠ તરીકે ઓળખીએ છીએ.
આમાંથી હું ગળાનો હાર, દશેરા માટે ભરતકામ, ફૂલો અને અન્ય સુશોભનની વસ્તુઓ બનાવી શકું છું, પરંતુ મંચ પર પ્રદર્શન કરતી વખતે ઓડિશાના નર્તકો જે માથાનું ઘરેણું પહેરે છે, તે તાહિયા માટે હું વધુ જાણીતો છું.
પ્લાસ્ટિકના તાહિયા પણ ઉપલબ્ધ છે, પરંતુ તે o c nn bgcvvcv,’; zx ઉપરની ચામડીમાં બળતરા કરે છે, જેનાથી તેમના માટે લાંબા સમય સુધી તેને પહેરી રાખવું મુશ્કેલ બને છે. ઉપરાંત, પ્લાસ્ટિકને વિવિધ ડિઝાઇનમાં કોતરી શકાતું નથી.
તાહિયા બનાવનારા બીજા ઘણા કુશળ કારીગરોએ તેને બનાવવાનું બંધ કરી દીધું છે, પરંતુ મને આ કામ પસંદ છે.
શાસ્ત્રીય નર્તકો દ્વારા તેમના વાળમાં લગાવવામાં આવતા ફૂલોને બદલે શોલાપીઠમાંથી તાહિયા બનાવવાનો વિચાર કાશી મહાપાત્રને આવ્યો હતો, જેઓ ઓડિસી નૃત્યના મહાન ઘડવૈયા કેલુચરણ મહાપાત્રાના મિત્ર હતા. મેં ડિઝાઇન પર કામ કર્યું હતું.
તાહિયા બનાવવા માટે શોલાપીઠ ઉપરાંત, બકરમ [સખત સુતરાઉ] કાપડ, ગેજ વાયર, ફેવિકોલ ગમ, કાળો દોરો, ચૂનો [ચૂનાનો પથ્થર], કાળો કાગળ અને લીલા કાગળની જરૂર પડે છે. જો માણસ એકલા હાથે તાહિયા બનાવતો હોય, તો તેને એક દિવસમાં બેથી વધારે તાહિયા બનાવી શકશે નહીં. પરંતુ અમારી પાસે ઘણા લોકો તેના જુદા જુદા ભાગો પર કામ કરે છે − કેટલીકવાર છ થી સાત લોકો.
નાગેશ્વર [ભારતીય રોઝ ચેસ્ટનટ] અને સેબતી [ક્રાયસન્થેમમ] તાહિયાના ઉત્પાદનમાં વપરાતા બે સૌથી મહત્ત્વપૂર્ણ ફૂલો છે. અન્ય ફૂલોની તુલનામાં, સેબતીના ફૂલોનું આયુષ્ય લગભગ આઠ દિવસ છે, જ્યારે નાગેશ્વરના ફૂલોનું આયુષ્ય લગભગ 15 દિવસ છે − તેથી તાહિયા બનાવવા માટે સૌપ્રથમ આ જ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે શોલાપીઠ વાપરીને તેની નકલ કરીએ છીએ.
ફૂલોની કળીઓ, ખાસ કરીને મલ્લી [જાસ્મીન], તાહિયાના મુગટ માં હારમાળા બનાવવા માટે વપરાય છે. કળીઓ ખીલે તે પહેલાં સામાન્ય રીતે સફેદ હોય છે, તેથી તાહિયા બનાવતી વખતે અમે તેને પણ સફેદ જ રાખીએ છીએ.
કેટલીક કળીઓને ટોચ પર ગોઠવીને ડિઝાઇન બનાવી શકાય છે, અને આ નાજુક કામ સામાન્ય રીતે સ્ત્રીઓ કરે છે.
એવું કહેવાય છે કે પુરીમાં ભગવાન જગન્નાથની પૂજા કરવાના હેતુથી શોલાપીઠનું કામ શરૂ થયું હતું. હવે તે હોટલ અને સ્થાનિક ડિઝાઇનનું પ્રદર્શન કરતા કાર્યક્રમોમાં પણ ઉપયોગમાં લેવાય છે.
અમે કામ ક્યારે શરૂ કરીએ છીએ તે માટે કોઈ નક્કી સમય નથી; અમે સવારે છ વાગે, સાત વાગે કે સવારે ચાર વાગે પણ કામે લાગી જઈએ છીએ. અમે આખો દિવસ છેક સવારે એક કે બે વાગ્યા સુધી કામ કરીએ છીએ. એક કામદાર એક તાહિયા બનાવીને 1,500 થી 2,000 રૂપિયા કમાઈ શકે છે.
મને 1996માં ઓડિશાના સંબલપુરમાં સરત મોહંતી હેઠળ તાલીમ લેતી વખતે એવોર્ડ મળ્યો હતો.
“કલાકર જમા કહારી સંપતિ નુહે. કલા હીન એપરી સંપત્તિ, નિજે નિજા કથા કુહે. [કલાકાર એ સંપત્તિ નથી. તે કળા છે જે પોતે જ સંપત્તિનો સ્રોત છે અને તે પોતે જ પોતાની વાત રાખે છે.]”
ઉપેન્દ્ર કુમાર પુરોહિત કહે છે, “મારી સંપત્તિ મારી 37 વર્ષ જૂની હસ્તકલા છે. આના જ લીધે મારો પરિવાર ભૂખ્યો નથી સૂતો.”
અનુવાદક: ફૈઝ મોહંમદ