“20 વર્ષ પહેલા જ્યારે નાળા સાફ હતા, ત્યારે પાણી કાચની જેવું સાફ હતું. [નદીના તળિયે] પડેલા સિક્કાઓ પણ ઉપરથી જોઈ શકાય તેવું હતું. અમે સીધા યમુનામાંથી પાણી પી શકતા,” માછીમાર રમણ હલ્દર કહે છે અને પોતાની વાત પર ભાર મુકવા પોતાની હથેળી ભરીને ગંદુ પાણી પોતાના મોઢા પાસે લાવે છે. અમારા મોઢા પર ગમગીન ભાવ જોઈ, તેઓ ઉત્કંઠિત હાસ્ય સાથે પોતાની આંગળીઓ વચ્ચેથી પાણીને સરકી જવા દે છે.
આજની યમુનાની અંદર વહેતા, પ્લાસ્ટિક, વરખ આવરણો, છાણ, છાપાઓ, મૃત વનસ્પતિ, કોંક્રિટની કાટમાળ, કપડાના કટકા, કાદવ, સડેલો ખોરાક, વહેતા નારિયેળ, રાસાયણિક ફીણ અને જળકુંભી રાજધાનીના આ શહેરની સામગ્રી અને પૌરાણિક વપરાશનું કાળું પ્રતિબિંબ છે.
યમુનાના માત્ર 22 કિલોમીટર (અથવા માંડ 1.6 ટકા) રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાંથી વહે છે. પરંતુ જે કચરો અને ઝેરીલાં પદાર્થો તે નાના પટ્ટામાં તેનામાં ઠલવાય છે તે 1,376 કિલોમીટર લાંબી આ નદીના 80 ટકા પ્રદુષણ માટે જવાબદાર છે. આ વાત સ્વીકારતા, 2018 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના મોનિટરિંગ કમિટીના રિપોર્ટમાં દિલ્હીની નદીને 'સિવર લાઇન' (ગટર લાઈન) જાહેર કરી હતી. પાણીમાં ઓક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો થવાથી માછલીઓના મોટા પાયે મૃત્યુ થાય છે.
ગયા વર્ષે, દિલ્હીમાં નદીના દક્ષિણ પટ પર કાલિંદી કુંજ ઘાટ પર હજારો મૃત માછલીઓ અને અન્ય જળચર જીવ મળી આવ્યા હતા અને આ એક વાર્ષિક ઘટના બની ગઈ છે.
“નદીની જીવસૃષ્ટિને ટકી રહેવા માટે ઓગળેલા ઓક્સિજનનું (પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ) સ્તર 6 અથવા તેનાથી ઉપરનું હોય તે જરૂરી છે. માછલીઓને ઓછામાં ઓછા 4-5ના ઓગળેલા ઓક્સિજન સ્તરની જરૂર હોય છે. યમુનાના દિલ્હી વાળા ભાગમાં, ઓગળેલા ઑક્સિજનનું સ્તર 0 થી 0.4 ની વચ્ચે છે, ”શિકાગો યુનિવર્સિટીમાં ટાટા સેન્ટર ફોર ડેવલપમેન્ટના વોટર-ટુ-ક્લાઉડ પ્રોજેક્ટના ડિરેક્ટર પ્રિયંક હિરાણી કહે છે. આ પ્રોજેક્ટ નદીઓમાં વાસ્તવિક સમયમાં થતા પ્રદૂષણનો નકશો બનાવે છે.
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં રામ ઘાટ કાંઠે ઘાસના પટ્ટા પર તેમની માછલી પકડવાની જાળની બાજુમાં બેસીને, 52 વર્ષીય હલ્દર અને તેના બે મિત્રો શાંતિપૂર્ણ ધૂમ્રપાનનો આનંદ માણી રહ્યા હતા. “હું ત્રણ વર્ષ પહેલા કાલિંદી કુંજ ઘાટથી અહીં આવ્યો હતો. ત્યાં કોઈ માછલી નથી, અગાઉ ત્યાં પુષ્કળ હતી. હવે માત્ર અમુક કેટફિશ જ બાકી છે જે ઘણી ખરાબ છે અને એલર્જી, ફોલ્લીઓ, તાવ અને ઝાડાનું કારણ બને છે, ”તેઓ હાથથી બનાવેલી માછલી પકડવાની જાળીને ખોલતા કહે છે, જે દૂરથી એક સફેદ વાદળ જેવી લાગે છે.
પાણીમાં રહેતી અન્ય પ્રજાતિઓથી વિપરીત, કેટફિશ સપાટી પર તરવા અને તેમ શ્વાસ લેવા માટે સક્ષમ છે - અને તેથી અન્ય પ્રજાતિઓ કરતા વધુ ટકી શકે છે. આ જીવસૃષ્ટિમાં શિકાર કરનારા ઝેરીલા પાણીમાં રેવાવાળી માછલીઓને ખાતા હોવાને કારણે તેમના શરીરમાં પણ ઝેરીલા પદાર્થો જમા થાય છે , દિલ્હી સ્થિત દરિયાઈ સંરક્ષણવિદ દિવ્યા કર્નાડ સમજાવે છે. "માટે એ સામાન્ય વાત છે કે કેટફિશ - એક મુરદાખોર માંસાહારી- ને ખાવાવાળા લોકો પર પણ આનો પ્રભાવ પડે છે."
*****
ભારતમાં લગભગ 87 ટકા માછલી પકડવાની ક્ષમતા 100 મીટરની ઉંડાણવાળા પાણીમાં ઉપલબ્ધ છે, એવું દિલ્હી સ્થિત રિસર્ચ કલેક્ટીવ જે આ મુદ્દાઓ પર સક્રિય અને બિનનફાકારક જૂથ છે, તેના પ્રકાશન, ઓક્યુપેશન ઓફ ધ કોસ્ટ: ધ બ્લુ ઈકોનોમી ઈન ઈન્ડિયા , નું કહેવું છે. આમાંથી મોટાભાગની માછલી પકડવાની ક્ષમતા ધરાવતા પાણી દેશના માછીમાર સમુદાયોની પહોંચની અંદર છે. આ સમુદાયો માત્ર ખોરાક ઉત્પાદન જ નહીં, પણ દૈનિક જીવન અને સંસ્કૃતિઓનું પણ સૃજન કરે છે.
નેશનલ પ્લેટફોર્મ ફોર સ્મોલ સ્કેલ ફિશ વર્કર્સ (ઈનલેન્ડ (એનપીએસએસએફડબલ્યુઆઈ) ના વડા પ્રદિપ ચેટર્જી જણાવે છે કે, "હવે આપણે માછીમારોની નાના સ્તરની અર્થવ્યવસ્થા તોડી રહ્યા છીએ." "તેઓ સ્થાનિક બજારોમાં સ્થાનિક માછલીઓનો સપ્લાય કરે છે, અને જો આપણને ત્યાં ન મળે, તો આપણે દૂરના સ્થળોથી માછલી લાવીશું, તે માટે ફરીથી પરિવહનનો ઉપયોગ થશે જે મૂળ સમસ્યાને વધારશે." ભૂગર્ભજળ તરફ સ્થળાંતરનો અર્થ છે "વધુ ઉર્જાનો ઉપયોગ, જે પછી પાણીના ચક્ર સાથે છેડ છાડ કરશે."
આનો અર્થ સમજાવતા તેઓ કહે છે કે, " જલાશ્રયો પ્રભાવિત થશે, અને નદીઓ પાછી પાણીથી ભરાશે નહીં. આનું નિવારણ કરવા અને નદીમાંથી સ્વચ્છ, પીવાલાયક પાણી મેળવવા માટે પરંપરાગત સ્ત્રોતોમાંથી વધુ ઉર્જાની જરૂર પડશે. આમ, આપણે બળજબરીથી પ્રકૃતિ આધારિત અર્થવ્યવસ્થા તોડી રહ્યા છીએ, અને શ્રમ, ખોરાક અને ઉત્પાદનને કોર્પોરેટ ચક્રની અંદર મૂકી રહ્યા છીએ જે ઉર્જા અને મૂડી આધારિત છે . આ દરમિયાન, નદીઓનો ઉપયોગ હજુ પણ કચરો ફેંકવા માટે થઈ રહ્યો છે.
જ્યારે ઉદ્યોગો નદીમાં કચરો ફેંકે છે, ત્યારે માછીમારોને સૌથી પહેલા ખબર પડે છે. "અમે દુર્ગંધના આધારે, અને જ્યારે માછલીઓ મરવા લાગે છે તે આધારે કહી શકીએ છીએ," હરિયાણા-દિલ્હી પર પલ્લા ખાતે રહેતા 45 વર્ષીય મંગલ સાહની ટિપ્પણી કરતા કહે છે. પલ્લા એ સ્થળ છે જ્યાંથી યમુના રાજધાનીમાં પ્રવેશ કરે છે. સાહની બિહારના શિવહર જિલ્લામાં રહેતા તેમના 15 સભ્યોના પરિવારના ભરણ પોષણને લઈને ચિંતિત છે. "લોકો અમારા વિશે લખી રહ્યા છે, પરંતુ અમારા જીવનમાં સુધારા તો દૂર, તે વધારે ખરાબ બન્યું છે," તેઓ અમને બરતરફ કરતા કહે છે.
સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, પરંપરાગત રીતે દરિયાઈ માછલી પકડનારા સમુદાયોમાંથી લગભગ 40 લાખ લોકો ભારતના દરિયાકિનારે રહે છે જેઓ લગભગ 8.4 લાખ પરિવારોમાંથી આવે છે. પરંતુ માછીમારીના આ અર્થતંત્ર સાથે જોડાયેલ અથવા તેના પર નિર્ભર લોકોની સંખ્યા આનાથી લગભગ 7-8 ગણી વધારે છે. અને, એનપીએસએસએફડબલ્યુઆઇના ચેટર્જી કહે છે કે, તેમાંના 40 લાખ લોકો અંતરિયાળ માછીમારો હોઈ શકે છે. દાયકાઓથી, લાખો લોકો માછીમારીને સંપૂર્ણ સામયિક અથવા સંગઠિત પ્રવૃત્તિ તરીકે છોડી રહ્યા છે. ચેટરજી કહે છે, "તેમનો સમુદાય ધીરે ધીરે નાશ પામી રહ્યો છે અને માટે માછીમારોમાંથી લગભગ 60-70 ટકા અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે."
પરંતુ કારણ કે રાજધાનીમાં માછીમારોનું હોવું તે વિચાર ખૂબ જ અસામાન્ય છે, યમુનાના દિલ્હીવાળા વિસ્તારમાં કેટલા માછીમારો હતા અને છે તેનો કોઈ રેકોર્ડ, કોઈ પ્રકાશિત ડેટા નથી. ઉપરાંત, કેટલાક સાહની જેવા સ્થળાંતરિત માછીમારો છે, જે ગણતરીને વધુ મુશ્કેલ બનાવે છે. હયાત માછીમારો જે બાબતે સંમત છે તે એ છે કે તેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે. લાંબા સમય સુધી લોન્ગ લિવ યમુના ચળવળનું નેતૃત્વ કરનાર નિવૃત્ત વન સેવા અધિકારી મનોજ મિશ્રાને લાગે છે કે આઝાદી પહેલા હજારોની સંખ્યામાં પૂર્ણ સામયિક માછીમારો હતા અને હવે તે સંખ્યા ઘટીને હવે 100થી પણ ઓછી રહી ગઈ છે.
“યમુનામાં માછીમારોની ગેરહાજરી એ સંકેત છે કે નદી મરી ગઈ છે અથવા મરી રહી છે. તેઓ વાસ્તવિક્તાનું પ્રતિબિંબ છે,”રિસર્ચ કલેક્ટિવના સિદ્ધાર્થ ચક્રવર્તી કહે છે. અને જે ચાલી રહ્યું છે તે "માનવ પ્રવૃત્તિ દ્વારા સર્જિત જળવાયું સંકટમાં ઉમેરો કરે છે. તેનો અર્થ એ પણ છે કે જૈવવિવિધતા જે પર્યાવરણને જીવંત કરતી તે હવે થઈ રહ્યું નથી,” ચક્રવર્તી કહે છે. "આ બધાનો છેવટે અસર જીવન ચક્ર પર પડે છે કારણ કે 40 ટકા કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સ્તરે મહાસાગરો દ્વારા શોસવામાં છે."
*****
દિલ્હીમાં 40 ટકા વિસ્તાર ગટરો સાથે ન જોડાયો હોવાને કારણે, સેપ્ટિક ટાંકીઓ અને અન્ય સ્રોતોમાંથી અસંખ્ય ટન કચરો સીધો પાણીમાં ફેંકી દેવામાં આવે છે. એનજીટી નોંધે છે કે 1,797 (અનધિકૃત) વસાહતોમાંથી 20 ટકાથી ઓછી વસાહતોમાં સીવેજ પાઇપલાઇન હતી, " પણ આશ્ચર્યજનક વાત એ છે કે 51,837 ઉદ્યોગો રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કાર્યરત છે, જેનું ગંદું પાણી સીધું ગટરમાં અને છેવટે નદીમાં જાય છે."
વર્તમાન સંકટને એક નદીના મૃત્યુના સંદર્ભમાં, માનવ પ્રવૃત્તિના સ્તર, પેટર્ન અને અર્થશાસ્ત્ર સાથે તેના જોડાણના સંદર્ભમાં જોઈ શકાય છે.
માછલીઓની સંખ્યા ઝડપથી ઘટી જતાં, માછીમારોની કમાણી ઘટી છે. અગાઉ તેમને પૂરતી કમાણી મળતી હતી. કુશળ માછીમારો ક્યારેક એક મહિનામાં 50,000 સુધી કમાઈ લેતા.
રામ ઘાટ પર રહેતા 42 વર્ષીય આનંદ સાહની કિશોરાવસ્થામાં બિહારના મોતીહારી જિલ્લામાંથી દિલ્હી આવ્યા હતા. "20 વર્ષમાં મારી કમાણી અડધી થઈ ગઈ. મને હવે દિવસ દીઠ રૂ.100-200 સુધી મળે છે. મારે મારા પરિવારને ટેકો આપવા અન્ય વિકલ્પો શોધવા પડશે- મછલી કા કામ [માછલીનું કામ] હવે કાયમી નથી." તેઓ ઉદાસીનતા સાથે કહે છે.
મલ્લાહ સમુદાય - અથવા માછીમારો અને નાવિક સમુદાયના લગભગ 30-40 પરિવાર-યમુનાના ઓછા પ્રદૂષિત સ્થળ રામ ઘાટ પર રહે છે. ઘર વપરાશ માટે કેટલીક માછલીઓ સિવાય, તેઓ બાકીની માછલીઓ સોનિયા વિહાર, ગોપાલપુર અને હનુમાન ચોક જેવા નજીકના બજારોમાં માછલીની પ્રજાતિના આધારે 50-200 રૂપિયા પ્રતિ કિલોમાં વેચે છે.
*****
તિરુવનંતપુરમના વરિષ્ઠ પર્યાવરણવિદ સલાહકાર ડો.રાધા ગોપાલન કહે છે કે વરસાદ અને તાપમાનમાં વધઘટ સાથે જળવાયું સંકટ યમુનાની સમસ્યાઓમાં ઉમેરો કરે છે. પાણીની માત્રા અને ગુણવત્તા સાથે ચેડા અને આબોહવામાં પરિવર્તનની અનિશ્ચિતતા, તે સમસ્યાને વધારે છે જેનાથી માછલીઓની ગુણવત્તા અને માત્રામાં ભારે ઘટાડો થાય છે.
"પ્રદૂષિત પાણીને કારણે માછલીઓ મરી જાય છે," 35 વર્ષીય સુનિતા દેવી કહે છે; તેમના માછીમાર પતિ નરેશ સાહની દૈનિક મજૂરિવાળા કામની શોધમાં છે. " આજકાલ લોકો આવે છે અને તમામ પ્રકારના કચરા ફેંકે છે, ખાસ કરીને પ્લાસ્ટિકવાળો કચરો." ધાર્મિક કાર્યક્રમો દરમિયાન, તે જણાવે છે કે, લોકો પુરી, જલેબી અને લાડુ જેવી રાંધેલી વસ્તુઓ પણ ફેંકી દે છે, જેને કારણે નદી વધુ ક્ષીણ બને છે.
ઓક્ટોબર 2019 માં, 100 વર્ષોમાં પ્રથમ વખત, દિલ્હીમાં દુર્ગા પૂજા દરમિયાન મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે એનજીટીના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ નદીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે.
16મી અને 17મી સદીમાં, મુગલોએ દિલ્હીમાં પોતાનું સામ્રાજ્ય આ કહેવત ને ધ્યાન માં રાખી બનાવ્યું હતું કે: 'દરિયા, બાદલ, બાદશાહ (નદી, વાદળો અને સમ્રાટ)'. તેમની પાણીની વ્યવસ્થા, જે કોઈ કલાના સ્વરૂપથી ઓછી નથી, તે આજે માત્ર એક ઐતિહાસિક ખંડેર બનીને રહી ગઈ છે. 18મી સદીમાં અંગ્રેજોએ પાણીને માત્ર એક સાધન તરીકે ગણ્યું અને યમુનાથી દૂર રહેવા માટે નવી દિલ્હીનું નિર્માણ પણ કર્યું. સમય જતાં, વસ્તી ખૂબ વધતી ગઈ અને દિલ્હીનું શહેરીકરણ થયું.
નેરેટિવસ ઓફ એનવાયરોનમેન્ટ ઓફ દિલ્હી (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા પ્રકાશિત) પુસ્તકમાં, જૂના લોકો યાદ કરે છે કે, કેવી રીતે 1940 અને 1970 ના દાયકા દરમિયાન, દિલ્હીના ઓખલા વિસ્તારમાં માછીમારી, બોટિંગ, સ્વિમિંગ અને પિકનિક જીવનનો એક ભાગ હતા. ગંગા-ડોલ્ફિન પણ ઓખલાના અંતરાયની નીચેની તરફ જોવા મળતી અને કાચબાઓ નદીની વચ્ચેના નાના ટાપુઓ પર જ્યારે પાણી ઓછું હોય ત્યારે સુરજના તાપની મજા માણતાં.
આગ્રા સ્થિત પર્યાવરણવિદ બ્રિજ ખંડેલવાલ કહે છે, "યમુનાની સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે." ઉત્તરાખંડ હાઈકોર્ટે 2017 માં ગંગા અને યમુના નદીઓને જીવંત હસ્તીઓ જાહેર કર્યા પછી તરત જ, ખંડેલવાલે તેમના શહેરમાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ 'હત્યાના પ્રયાસ' અંગેનો કેસ દાખલ કરવાની માંગ કરી. તેમનો આરોપ હતો કે: તેઓ ધીમે ધીમે ઝેરથી યમુનાને મારી રહ્યા હતા.
આ દરમિયાન, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં જળમાર્ગોને બંદરો સાથે જોડવા સારગમાલા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. NPSSFWIના ચેટર્જી ચેતવણી આપતા કહે છે કે, "જો મોટા કાર્ગોને અંતરિયાળ વિસ્તારમાં લઈ જવામાં આવે, તો તે ફરીથી નદીઓને પ્રદૂષિત કરશે."
*****
હલ્દર તેમના પરિવારમાં માછીમારોની છેલ્લી પીઢી છે. તે પશ્ચિમ બંગાળના માલદાના છે, આખા મહિનામાં 15-20 દિવસ તેઓ રામ ઘાટ પર રહે છે, અને બાકીનો સમય તેઓ તેમના 25 અને 27 વર્ષના બે પુત્રો સાથે નોઈડામાં રહે છે. એક છોકરો મોબાઈલ રીપેરનું કામ કરે છે તો બીજો ઈંડાના રોલ અને મોમોસ વેચે છે. " મારા બાળકો કહે છે કે મારો વ્યવસાય હવે જૂનો થઈ ગયો છે. મારો નાનો ભાઈ પણ માછીમાર છે. આ એક પરંપરા છે - વરસાદ હોય કે છાંયડો - અમે ફક્ત આ કામ જાણીએ છીએ. હું નથી જાણતો કે આ કામ વિના હું કેવી રીતે જીવતો રહીશ ... "
"હવે જ્યારે માછીમારીનો સ્ત્રોત જ સુકાઈ ગયો છે ત્યારે તેઓ શું કરશે?" ડો. ગોપાલન પૂછે છે. "અગત્યની વાત એ છે કે માછલી તેમના માટે પોષણનો સ્રોત પણ છે. આપણે તેમને સામાજિક-પારિસ્કથિક અવકાશમાં જોવા જોઈએ, જેમાં આર્થિક પાસા પણ હોય. જળવાયું પરિવર્તનમાં, આ અલગ અલગ હોઈ શકે નહીં: આપણને આવકના સ્ત્રોતમાં અને જીવસૃષ્ટમાં - બંનેમાં વિવિધતાની જરૂર છે.
આ દરમિયાન, સરકાર વૈશ્વિક માળખામાં જળવાયું સંકટ વિશે વાત કરે છે જ્યારે સરકારી નીતિ માત્ર નિકાસ માટે માછલીઓના ઉછેર તરફ જુકેલ છે, એમ રિસર્ચ કલેક્ટિવના ચક્રવર્તી કહે છે.
ભારતે 2017-18માં 4.8 અબજ ડોલરના ઝીંગા નિકાસ કર્યા હતા. ચક્રવર્તી કહે છે કે, આ એક વિદેશી જાતની માછલી હતી - મેક્સીકન પાણીમાંની પેસિફિક વ્હાઇટ ઝીંગા. ભારત આ મોનોકલ્ચરમાં (એક જ પ્રકારનું ઉત્પાદન) છે કારણ કે "અમેરિકામાં મેક્સીકન ઝીંગાની ભારે માંગ છે." આપણા ઝીંગાના નિકાસમાં માત્ર 10 ટકા બ્લેક ટાઇગર પ્રોનનો સમાવેશ થાય છે જે ભારતીય પાણી માંથી પકડવામાં આવે છે. ભારત જૈવવિવિધતાને થતા નુકશાનને સ્વીકારી રહ્યું છે જેને કારણે લોકોની આજીવિકા ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. "જો નીતિ નિકાસલક્ષી હશે, તો તે ખૂબ મોંઘી પડશે અને સ્થાનિક લોકોના પોષણ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે નહીં."
અંધકારમય ભવિષ્યનો સામનો કરી રહેલા, હલ્દરને હજી પણ તેમની કળા પર ગર્વ છે. જ્યારે ફિશિંગ બોટની કિંમત રૂ. 10,000 છે અને નેટ આશરે રૂ. 3,000-5,000ની પડે છે, તે અમને ફીણ, કાદવ અને દોરડાનો ઉપયોગ કરીને તેમણે બનાવેલી માછલી પકડવાની જાળ બતાવે છે. એક જાળ તેમને દિવસમાં રૂ. 50-100 મૂલ્યની માછલી ઉપલબ્ધ કરાવે છે.
45 વર્ષીય રામ પરવેશ આજકાલ વાંસ અને દોરાની પાંજરા જેવી રચનાનો ઉપયોગ કરે છે જે 1-2 કિલોગ્રામ માછલી પકડી શકે છે. “અમે આ અમારા ગામમાં બનાવતા શીખ્યા. આટે કા ચારા [ઘઉંનો ચારો] બંને બાજુએ મુકવામાં આવે છે, અને પાંજરાને પાણીમાં નીચે ઉતારવામાં આવે છે. થોડા કલાકોમાં, નાની માછલી, પુથી, પકડાઈ જાય છે, ”તે સમજાવે છે. પુથી અહીંની સૌથી સામાન્ય માછલી છે, સ્થાનિક કાર્યકર્તા ભીમ સિંહ રાવત કહે છે કે જે ડેમ, નદીઓ અને લોકો પર કામ કરતા સાઉથ એશિયા નેટવર્ક સાથે કામ કરે છે. “ચિલવા અને બચુઆ હવે ઓછા છે, જ્યારે બામ અને મલ્લી લગભગ લુપ્ત થઈ ગયા છે. મગુર [કેટફિશ] પ્રદૂષિત પાણીમાં જોવા મળે છે. ”
"અમે યમુનાના રક્ષક છીએ," 75 વર્ષીય અરુણ સાહની, જે ચાર દાયકા પહેલા બિહારના વૈશાલી જિલ્લામાંથી પોતાનો પરિવાર છોડીને દિલ્હી આવ્યા હતા, તેઓ હસતા હસતા જણાવે છે. 1980-90ના દાયકામાં, તેઓ દાવો કરે છે કે, તે એક દિવસમાં 50 કિલોગ્રામ માછલી મેળવી શકતા, જેમાં રોહુ, ચિંગરી, સૌલ અને મલ્લી જેવી પ્રજાતિઓની માછલીઓ શામેલ રેહતી . હવે તે સારા દિવસે પણ માત્ર 10, વધુમાં વધુ 20 કિલોગ્રામ જ માછલીઓ મેળવી શકે છે.
આકસ્મિક રીતે, યમુના પરનો સીમાચિહ્ન સિગ્નેચર બ્રિજ - કુતુબ મિનારથી બમણી ઉંચાઈ ધરાવતો- જે રામ ઘાટ પરથી પણ જોઈ શકાય છે - આશરે રૂ. 1518 કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. બીજી બાજુ 1993 થી યમુનાની સફાઈમાં કોઈ પણ સફળતા મેળવ્યા વિના રૂ. 1,514 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
એનજીટીએ ચેતવણી આપી છે કે "અધિકારીઓની નિષ્ફળતા નાગરિકોના જીવન અને આરોગ્યને અસર કરી રહી છે અને નદીના અસ્તિત્વ માટે પણ ખતરો પેદા કરી રહી છે, અને ગંગા નદીને પણ અસર કરી રહી છે."
ડો. ગોપાલન કહે છે, "સરકારી નીતિના સ્તરે સમસ્યા એ છે કે યમુના એક્શન પ્લાન [જે 1993 માં આવ્યો હતો] માત્ર તકનીકી દ્રષ્ટિકોણથી જોવે છે" નદીને એકમ અથવા જીવસૃષ્ટિ તરીકે ગણવામાં આવતી નથી. “નદી એ તેના જળગ્રહણ વિસ્તારનું પ્રતિબિંબ છે. યમુના માટે દિલ્હી એક જળગ્રહણ વિસ્તાર છે. તેને સાફ કર્યા વિના આપણે નદીને સાફ કરી શકીએ નહીં.”
દરિયાઈ સંરક્ષણવિદ દિવ્યા કર્નાડ જણાવે છે કે માછીમારો કોલસાની આ ખાણમાં ભેદીયા છે. "આપણે કેવી રીતે જોઈ શકતા નથી કે ભારે ધાતુઓ કેન્દ્રિય તંત્રીકા તંત્રના તૂટવાનું કારણ બને છે? અને પછી એ પણ જોતા નથી કે સૌથી પ્રદૂષિત નદીઓમાંની કોઈ નદીના નજીકના વિસ્તારોમાંથી ભૂગર્ભજળ ખેંચવાથી આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે? માછીમારો, જે કિનારા પર છે, તેઓ આ જોડાણો જુએ છે, અને તેની સૌથી તાત્કાલિક અસરના પણ સાક્ષી છે.”
સૂર્યાસ્ત પછી મોડેથી જાળ ફેલાવવા તૈયાર હલ્દર સ્મિત સાથે કહે છે, " મારા માટે આ શાંતિની છેલ્લી ક્ષણો છે." 9 વાગ્યાની આસપાસ છેલ્લી જાળ ફેલાવવા માટે શ્રેષ્ઠ સમય મનાય છે અને ફાંસેલી માછલી સૂર્યોદય સમયે ખેંચવામાં આવે છે. તે રીતે "મૃત માછલીઓ તાજી રેહશે."
જળવાયું પરિવર્તન પર PARI રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ-જે સામાન્ય લોકોના અવાજો અને જીવંત અનુભવો દ્વારા ઘટનાઓને રેકોર્ડ- કરવાની UNDP સમાર્થીત પહેલનો એક ભાગ છે .
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો.
અનુવાદ: જાહ્નવી સોધા