“ગરમીથી મારી પીઠ બળી ગઈ હતી,” ગજુવાસ ગામની જરાકજ બહાર, ખેજરીના ઝાડના આછા છાંયામાં જમીન પર બેઠેલા બજરંગ ગોસ્વામી કહે છે. “ગરમી વધી ગઈ છે, પાક ઘટી ગયો છે,” તેઓ લણેલા બાજરાના ઢગને જોતા કહે છે. એક એકલું અટુલું ઊંટ નજીક ઊભુ રહીને તેઓ અને તેમના પત્ની રાજ કૌર રાજસ્થાનના ચુરૂ જિલ્લાની તારાનગર તહેસીલમાં ભાગિયા તરીકે જે 22 વીઘા જમીન ખેડે છે તેના પર સૂકું ઘાસ ચાવી રહ્યું છે.
“માથે સૂરજ તપે છે, ને પગમાં રેતી,” તારાનગરની દક્ષિણે આવેલ સુજાનગઢના ગીતા દેવી નાયક કહે છે. જમીન ન ધરાવતાં વિધવા ગીતા દેવી ભગવાની દેવી ચૌધરીના કુટુંબની માલિકીના ખેતરમાં મજૂરી કરે છે. ગુદાવરી ગામના સાંજના લગભગ 5 વાગ્યા છે અને તેઓ બંને હમણાંજ દિવસનું કામ કરી રહ્યાં છે. “ગરમી હી ગરમી પડે આજ કલ [આજકાલ તો બસ તાપ અને ગરમીજ છે અને વધ્યા કરે છે] ,” ભગવાની દેવી કહે છે.
ઉત્તર રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં, જ્યાં રેતાળ જમીન ઉનાળામાં બળે છે અને હવા જ્યાં મે અને જૂનમાં ભઠ્ઠીની જેમ તપતી હોય છે, ગરમી વિશે – અને તે કેવી રીતે વધતી જાય છે – તેના વિશેની વાતો સામાન્ય છે. આ મહિનાઓ દરમિયાન તાપમાન સહેલાઈથી 40ના ઉપરના ભાગમાં જતું હોય છે. ગયા મહિને જ, મે 2020માં, તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું – અને તે દુનિયામાં સૌથી વધુ હતું, 26 મેનો સમાચાર રિપોર્ટ જણાવે છે.
માટે ગયા વર્ષે જ્યારે જૂન 2019ની શરુઆતમાં જ્યારે પારો 51 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતો રહ્યો - પાણીના ઉત્કલન બિંદુના અડધાથી વધુ – તો ઘણા લોકો માટે તે સાઇડબાર હતો. “મને યાદ છે, લગભગ 30 વર્ષ અગાઉ પણ તે 50 ડિગ્રી સુધી પહોંચ્યો હતો,” 75 વર્ષના હરદયાલજી સિંઘ તેમના ગજુવાસ ગામમાં આવેલ વિશાળ મકાનમાં એક પલંગ પર પડ્યા-પડ્યા કહે છે.
છ મહિના પછી, કેટલાંક વર્ષોમાં ડિસેમ્બર-જાન્યુઆરી સુધીમાં, ચુરૂએ શૂન્યથી નીચેનું તાપમાન પણ જોયું છે. અને ફેબ્રુઆરી 2020માં, ભારતના હવામાન ખાતાએ ભારતના મેદાનોમાં ઓછામાં ઓછું લઘુતમ તાપમાન ચુરૂમાં નોંધ્યું, 4.1 ડિગ્રી.
આ વિશાળ તાપમાન વિસ્તારમાં – માઇનસ 1 થી 51 ડિગ્રી સેલ્સિયસ સુધી – જિલ્લાના લોકો ગરમીવાળા છેડાની વધુ વાત કરે છે. જૂન 2019ની 50થી વધુ ડિગ્રી કે ગયા મહિનાની 50 ડિગ્રીની નહીં, પણ બીજી ઋતુઓને ખાઈ જતા લાંબા ઉનાળાની.
“અગાઉ તે [કાળઝાળ ગરમી] એક કે બે દિવસ ચાલતી,” ચુરૂના રહેવાસી અને નજીકના સીકર જિલ્લામાં આવેલ એસ. કે સરકારી કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, જેમને ઘણાં લોકો પોતાના ગુરુ માને છે, પ્રો. એચ. આર. ઇસરાન, કહે છે. “હવે આ ગરમી અનેક દિવસો સુધી ચાલે છે. આખો ઉનાળો વધી ગયો છે.”
અમૃતા ચૌધરી યાદ કરે છે, જૂન 2019માં, “અમે બપોરે રસ્તા પર ચાલી શકતા ન હતા, અમારા ચંપલ ડામરમાં ચોંટી જતા.” છતાં, બીજા લોકોની જેમ, ચૌધરી, જે સુજાનગઢમાં બાંધણીના કપડાં બનાવતી સંસ્થા દિશા શેખાવતી ચલાવે છે, ને ઉનાળાના વધુ ઊંડા થવાની વધુ ચિંતા છે. “આ ગરમ પ્રદેશમાં પણ, ગરમી વધી પણ રહી છે અને વહેલી પણ શરૂ થતી જાય છે,” તેઓ કહે છે.
“ઉનાળો દોઢ મહિનો લાંબો થઈ ગયો છે,”ગુદાવરી ગામમાં ભગવાની દેવી અંદાજો લગાવે છે. તેમની જેમ, ચુરૂ જિલ્લાના ગામોમાં અનેક લોકો વાત કરે છે કે ઋતુઓ કેવી રીતે ફરી છે – ફેલાતા ઉનાળાએ વચ્ચેના ચોમાસાના મહિનાઓને દબાવીને હવે શિયાળાના અઠવાડિયાઓને ખાઇ જવાનું શરૂ કર્યું છે – અને કેલેન્ડરના 12 મહિના હવે કેવા ભેગા થઈ ગયા છે.
હવામાનમાં ધીમે-ધીમે ઘુસી રહેલા આ ફેરફારો- 51 ડિગ્રીનું પેલું એક અઠવાડિયું કે ગયા મહિને 50 ડિગ્રીના કેટલાંક દિવસો નહીં – તેમને વધુ ચિંતિત કરે છે.
*****
2019માં, ચુરૂમાં 1 જૂન અને 30 સપ્ટેમ્બરની વચ્ચે 369 મિમી વરસાદ પડ્યો. આ ચોમાસાના તે મહિનાઓની સામાન્ય સરેરાશ, લગભગ 314 મિમીથી થોડો વધુ હતો. આખું રાજસ્થાન – ભારતનું સૌથી મોટું અને સૌથી સૂકું રાજ્ય, જે દેશના કુલ ક્ષેત્રફળનો 10.4 ટકા વિસ્તાર છે – એક શુષ્ક અથવા અર્ધ-શુષ્ક પ્રદેશ છે, જેમાં (અધિકૃત ડેટા દેખાડે છે) કે વાર્ષિક સરેરાશ વરસાદ આશરે 574 મિમી જેટલો થતો હોય છે.
રાજસ્થાનના ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લગભગ 70 લાખ લોકોમાંથી લગભગ 75 ટકાના માટે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ચુરૂ જિલ્લામાં 25 લાખ લોકોમાંથી આશરે 72 ટકા લોકો ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે – જ્યાં ખેતી મોટા ભાગે વરસાદ આધારિત હોય છે.
સમયાંતરે ઘણાં લોકોએ વરસાદ પર આશ્રિતતા ઘટાડવાના પ્રયત્નો કર્યાં છે. “1990ના દાયકાથી અહીં બોરવેલ [500-600 ફુટ ઊંડા] ખોદવાના પ્રયત્નો થયાં છે, પણ તે [ભૂમિગત જળ]ના ક્ષારના કારણે બહુ સફળ થયાં નથી,” પ્રો. ઇસરાન કહે છે. “કેટલાંક સમય માટે, જિલ્લાની છ તહેસીલના 899 ગામોમાં કેટલાંક ખેડૂતો મગફળી જેવો એક બીજો પાક લઈ શકતા હતા [બોરવેલના પાણીનો ઉપયોગ કરીને]”. “પણ પછી જમીન વધુ પડતી સૂકી થઈ ગઈ અને કેટલાંક ગામોને છોડીને મોટાભાગના બોરવેલ બંધ કરી દેવામાં આવ્યા.”
રાજસ્થાનના વાવણી કરાતા ક્ષેત્રના લગભગ 38 ટકા (અથવા 62,94,000 હેક્ટર)માં સિંચાઈ ઉપલબ્ધ છે, રાજસ્થાન રાજ્યની જળવાયુ પરિવર્તન સંબંધી કાર્ય યોજના ( RSAPCC , 2010) કહે છે. ચુરૂમાં તે માંડ 8 ટકા છે. જ્યાં હજુ પૂરી કરાઈ રહેલ ચૌધરી કુંભારામ લિફ્ટ કેનાલ જિલ્લાના કેટલાંક ગામો અને ખેતરોને પાણી પૂરું પાડે છે, ચુરૂની ખેતની અને તેના ચાર મુખ્ય ખરીફ પાક – બાજરો, મગ, મઠ અને ગવાર – મોટા ભાગે વરસાદ આધારિત રહે છે.
પણ પાછલાં 20 વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ચુરૂના લોકો બે મોટા ફેરફારોની વાત કરે છે: ચોમાસાના મહિના બદલાયા છે, અને વરસાદ મેળ વિનાનો થઈ ગયો છે – અમુક સ્થળોએ ભારે અને બીજે છૂટોછવાયો.
મોટી ઉંમરના ખેડૂતો એક જુદા ભૂતકાળના પહેલા ભારે વરસાદને યાદ કરે છે. “અષાઢના મહિનામાં [જૂન-જુલાઈ], અમે વીજળી જોતા અને અમને ખબર પડી જતી કે વરસાદ આવવાનો છે અને જલદી-જલદી ખેતરમાં રોટલા બનાવવા માંગતા [ઝૂંપડીમાં જતા અગાઉ],” ગોવર્ધન સહારન, જાટ સમુદાયના એક 59 વર્ષના ખેડૂત, જેમના સંયુક્ત પરિવાર પાસે ગજુવાસ ગામમાં 180 વીઘા (લગભગ 120 એકર) જમીન છે, કહે છે. જાટ અને ચૌધરી બંને ઓબીસી સમુદાયો ચુરૂના ખેડૂતોમાં વધુ છે. “હવે વીજળી ઘણી થાય છે, પણ ત્યાંજ અટકી જાય છે – વરસાદ નથી થતો,” સહારન ઉમેરે છે.
“જ્યારે હું સ્કૂલમાં હતો, તો ઉત્તરમાં કાળા વાદળ દેખાય, તો અમે માની લેતા કે વરસાદ આવે છે – અને તે આવતો, અડધા કલાકમાં,” બાજુના સીકર જિલ્લાના સડિનસાર ગામના 80 વર્ષના નારાયણ પ્રસાદ કહે છે. “હવે,” તેઓ પોતાના ખેતરમાં ઢાળેલા ખાટલામાં બેઠા-બેઠા કહે છે, “વાદળ હોય, તોય ખેંચાઈ જાય છે.” પ્રસાદે તેમના 13 વીઘાના ખેતરમાં (આશરે 8 એકર) વરસાદનું પાણી સંઘરવા માટે કે મોટી કૉન્ક્રીટની ટાંકી બનાવી છે. (જ્યારે નવેમ્બર 2019માં હું તેમને મળી ત્યારે તે ખાલી હતી.)
હવે, બાજરો વાવવાના સમયે જૂનના અંતમાં પહેલા વરસાદના બદલે, નિયમિત વરસાદ અઠવાડિયાઓ મોડો શરૂ થાય છે અને કેટલીક વાર તો એક મહિનો વહેલો, ઑગસ્ટના અંતમાંજ બંધ થઈ જાય છે, અહીંના ખેડૂતો કહે છે.
આના લીધે વાવણીની યોજના બનાવવી અને સમય નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે. “મારા નાનાના સમયમાં તેઓ હવા વિશે, નક્ષત્રો વિશે, પંખીઓના ગીત વિશે જાણતા – અને ખેતની નિર્ણયો તેના આધારે લેતા,” અમૃતા ચૌધરી કહે છે.
“હવે આખી પ્રણાલી પડી ભાંગી છે,” એને સરળ શબ્દોમાં સમજાવતા લેખક-ખેડૂત દુલારામ સહારન કહે ચે. સહારનનો સંયુક્ત પરિવાર તારાનગર બ્લૉકના બારંગ ગામમાં આશરે 200 વીઘામાં ખેતી કરે છે.
ચોમાસાના મોડા આવવા ઉપરાંત, વરસાદની તીવ્રતા પણ ઘટી છે, વાર્ષિક સરેરાશ લગભગ એટલીજ છે તેમ છતાં. “હવે વરસાદમાં જોર ઓછું છે,”ગજુવાસમાં 12 વીઘા ખેડતા ધરમપાલ સહારન કહે છે. “એ આવે છે, નથી આવતો, કોઈને ખબર હોતી નથી.” અને વરસાદની વહેંચણી ઢંગધડા વિનાની છે. “એવું પણ બને કે ખેતરના એક ભાગમાં વરસાદ પડે,”અમૃતા કહે છે, “પણ એજ ખેતરના બીજા ભાગમાં વરસાદ ન પડે.”
RSAPCC 1951 થી 2007 સુધીમાં અતિભારે વરસાદની ઘટનાઓ પણ નોંધે છે. પણ અભ્યાસોને ટાંકતા તે કહે છે કે રાજ્યમાં સમગ્ર વરસાદ ઘટવાની શક્યતા છે અને “જળવાયુ પરિવર્તનના કરાણે વાષ્પીભવન-વરાળ નિકળવી વધવાની શક્યતા છે.”
ચુરૂના ખેડૂતો ઘણા લાંબા સમયથી ઑક્ટોબરમાં થતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીની આસપાસ થતા માવઠાને ભરોસે રહે છે. જે મગફળી કે જુવાર જેવા રબી પાકને પાણી પૂરું પાડે છે. આ વરસાદ - “યુરોપ અને અમેરિકાની વચ્ચે આવેલા મહાસાગરમાંથી પાકિસ્તાનની બૉર્ડર પર થઈને આવતો ચક્રવાત વરસાદ” હરદયાલજી કહે છે – લગભગ અદૃશ્ય થઈ ગયો છે.
એ વરસાદથી ચણાના પાકને પણ પાણી મળતું – તારાનગરને દેશનો ‘ચણાનો કટોરો’ (વાટકો) કહેવાતું, એ અહીંના ખેડૂતો માટે ગર્વની વાત હીત, દુલારામ કહે છે. “પાક એટલો સારો થતો કે અમે વાડામાં ચણાના ગંજ લગાવતા.” આ વાટકો હવે લગભગ ખાલી છે. “લગભગ 2007 પછીથી, હું ચણા વાવતો પણ નથી, કારણકે સપ્ટેમ્બર પછી વરસાદ પડતોજ નથી,” ધરમપાલ કહે છે.
ચુરૂનો ચણાનો પાક નવેમ્બરમાં જ્યારે તાપમાન ઘટવા માંડે ત્યારે સારી રીતે અંકુરિત થતો. પણ વરસો વીતતા, અહિંયા શિયાળામાં પણ ફેરફાર થયો છે.
*****
RSAPCCનો રિપોર્ટ નોંધે છે કે જમ્મુ અને કાશ્મીર પછી ભારતમાં સૌથી વધુ શીતલહરો રાજસ્થાનમાં આવી છે – 1901 થી 1999 સુધીની એક સદીમાં લગભગ 195 (તેઓ પાસે 1999 પછીથી આ વિશેનો ડેટા ઉપલબ્ધ નથી). તેઓ નોંધે છે કે રાજસ્થાન મહત્તમ તાપમાન માટે ગરમીનું વલણ દાખવવા ઉપરાંત, લઘુતમ તાપમાન માટે ઠંડકનું વલણ પણ દાખવે છે – જેમ કે ચુરૂમાં ફેબ્રુઆરી 2020માં 4.1 ડિગ્રીનું તાપમાન ભારતના મેદાની પ્રદેશમાં સૌથી ઓછું હતું.
છતાં, ચુરૂમાં રહેનારા અનેક લોકો માટે શિયાળો પહેલા હતો તેવો નથી રહ્યો. “જ્યારે હું નાનો હતો (લગભગ 50 વર્ષ અગાઉ), નવેમ્બરની શરૂઆતમાં અમારે રજાઈનો ઉપયોગ શરૂ કરી દેવો પડતો હતો… હું જ્યારે સવારે 4 વાગ્યે ખેતરે આવતો ત્યારે કામળો ઓઢીને આવતો હતો,” ગજુવાસ ગામના ગોવર્ધન સહારન કહે છે. હવે, તેઓ ખેજરીના ઝાડ વચ્ચે લણેલા બાજરામાં પોતાના ખેતરમાં બેસીને કહે છે, “હું બનિયાન પહેરું છે – 11મા મહિનામાં પણ એટલી ગરમી હોય છે.”
“અગાઉ જ્યારે મારી સંસ્થા માર્ચમાં અંતર્રાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ આયોજિત કરતી ત્યારે અમારે સ્વેટરોની જરૂર પડતી,” અમૃતા ચૌધરી કહે છે. “હવે અમારે પંખાની જરૂર પડે છે, પણ આ પણ દર વર્ષે ખૂબ અપૂર્વાનુમેય હોય છે.”
સુજાનગઢ શહેરમાં આંગણવાડી કર્મચારી સુશીલા પુરોહિત 3થી 5 વર્ષના બાળકોના એક નાનકડા સમૂહ સામે આંગળી ચીંધતા કહે છે, “તેમને શિયાળાના કપડા પહેરાવેલા હતા, પણ હજુ નવેમ્બરમાં ગરમી છે. અમે નક્કી નથી કરી શકતા કે તેમને શું પહેરવા કહેવું.”
ચુરૂમાં 83 વર્ષના જાણીતા કટાર લેખક અને લેખક માધવ શર્મા તેને ટૂંકમાં જણાવે છે: “કંબલ ઔર કોટ કા ઝમાના ચલા ગયા.” (નવેમ્બરમાં) ધાબળાને કોટનો સમય હવે નથી.
*****
પેલા વિસ્તરતા ઉનાળાએ એ કામળા અને કોટના દિવસોને ગળી લીધા છે. “અગાઉ અમારે ચાર સ્પષ્ટ ઋતુઓ હોતી [વસંત સહિત],” માધવજી ઉમેરે છે. “હવે બસ એક જ મુખ્ય ઋતુ છે – ઉનાળો જે કમ સે કમ આઠ મહિના ચાલે છે. આ ખૂબ લાંબા સમયગાળે થયેલો ફેરફાર છે.”
“અગાઉ, માર્ચમાં પણ ઠંડક રહેતી,” તારાનગરના ખેડૂ કાર્યકર્તા નિર્મલ પ્રજાપતિ કહે છે. “હવે તો ક્યારેક-ક્યારેક ફેબ્રુઆરીના અંતથી ગરમી શરૂ થી જાય છે. અને તે ઑક્ટોબર કે ત્યાર પછી સુધી રહે છે, ઑગસ્ટની આસપાસ જતી નથી રહેતી.”
ચુરૂના ખેતરોમાં, પ્રજાપતિ નોંધે છે, કામના કલાકો આ વધતા ઉનાળાને અનુકૂળ થવાને બદલાઇ ગયાં છે – ખેડૂતોને મજૂરો પ્રમાણમાં ઠંડક ધરાવતી વહેલી સવાર અને વહેલી સાંજના કલાકોમાં કામ કરીને ગરમીથી બચવાનો પ્રયત્ન કરે છે.
ઉપરાંત, આ વધેલી ગરમી ઘટતીજ નથી. એવો સમય હતો, અહીંના કેટલાંક લોકો યાદ કરે છે, જ્યારે આંધી (ધૂળનું તોફાન) લગભગ દર અઠવાડિયે ગામડાઓમાં સૂસવાતું અને બધેજ ધૂળની ચાદર મૂકી જતું. ટ્રેનના પાટા ધૂળમાં ઢંકાઈ જતા, ધૂળના આખાને આખા ઢૂવા એક જગ્યાએથી બીજી જગ્યા પહોંચી જતા, ત્યાં સુધી કે આંગણામાં સૂતેલો ખેડૂત પણ ઢંકાઈ જતો. “પશ્ચિમના પવનો આંધી લાવતા,” નિવૃત્ત સ્કૂલ ટીચર હરદયાલજી યાદ કરે છે. “અમારી ચાદરોમાંય ધૂળ ભરાઈ જતી. હવેતો એવી આંધી અહીં આવતી જ નથી.”
આ ધૂળના તોફાનોમાં ઘણી વાર લૂ – સુકો, ગરમ અને ઝડપથી ફુંકાતો પવન- આવતી, સામાન્ય રીતે ઉનાળાની વચ્ચે, મે અને જૂનના મહિના માં, જે કલાકો સુધી ચાલતી. આંધી અને લૂ જ્યારે તે લગભગ 30 વર્ષ પહેલા ચુરૂમાં સામાન્ય હતા – તાપમાન ઘટાડવામાં મદદરૂપ થતા, નિર્મલ કહે છે, “અને આંધી ઝીણી રજ લાવતી જે જમીનની ફળદ્રુપતા વધારતી.” હવે ગરમી અંદરજ ભરાયેલી રહે છે, પારો 45થી વધુજ રહે છે. “એપ્રિલ 2019માં લગભગ 5-7 વર્ષે આંધી આવી હતી,” તેઓ યાદ કરે છે.
એ ભરાઈ રહેલી ગરમી ઉનાળાને લાંબો કરે છે અને તેને વધુ ધોમધખતો બનાવે છે. “રાજસ્થામાં અમે ઉનાળાની ગરમીથી ટેવાયેલા છીએ,” તારાનગરના ખેડૂ કાર્યકર્તા અને હરદયાલજીના દીકરા, ઉમરવા સિંઘ કહે છે. “પણ પહેલીજ વાર, અહીં નો ખેડૂત ગરમીથી બી ગયો છે.”
****
જૂન 2019માં કંઈ એવું પહેલી વાર ન હતું બન્યું કે રાજસ્થાને 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કે તેથવી વધુ તાપમાન જોયું હોય. જયપુરના હવામાન ખાતના કેન્દ્રના રેકૉર્ડ દર્શાવે છે, કે જૂન 1993માં ચુરૂનું મહત્તમ ઉનાળુ તાપમાન 49.8 હતું. બાડમેરમાં મે 1995માં તેનાથી 0.1 ડિગ્રી વધુ તાપમાન રહ્યું હતું. ઘણાં વર્ષો પહેલા, ગંગાનગર જૂન 1934માં 50 ડિગ્રી એ પહોંચેલું અને મે 1956માં અલવરમાં તાપમાન 50.6 થઈ ગયું હતું.
જૂન 2019ની શરુઆતમાં કેટલાંક સમાચાર રિપોર્ટમાં ચુરૂને પૃથ્વીનું સૌથી વધુ ગરમ સ્થળ કહેવામાં આવ્યું હતું, તેમ છતાં અંતર્રાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO)નો 2019નો એક રિપોર્ટ જણાવે છે કે દુનિયાના બીજા ભાગો – કેટલાંક આરબ દેશો સહિત – માં 50 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ તાપમાન નોંધાયું છે. વૈશ્વિક તાપમાન વૃદ્ધિની પેટર્ન કેવી રીતે બદલાય છે તેના આધારે રિપોર્ટ, વધુ ગરમ પૃથ્વી પર કામ , પૂર્વાનુમાન કરે છે કે 2025 થી 2085માં ભારતમાં તાપમાનમાં 1.1થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થસે.
પશ્ચિમી રાજસ્થાનના આખાય રણ પ્રદેશમાં (1 કરોડ 96 લાખ હેક્ટર) જળવાયુ પરિવર્તન વિશેની આંતરસરકાર પેનલ અને અન્ય સ્ત્રોતોએ 21મી સદીના અંત સુધીમાં વધુ ગરમ દિવસો અને ગરમ રાતોનું અનુમાન કર્યું છે અને સાથે-સાથે વરસાદમાં ઘટાડાનું પણ.
“આશરે 48 ડિગ્રી સેલ્સિયસ પછી,” ચુરૂ શહેરના ડૉ. સુનિલ જાંડુ કહે છે, ખૂબ વધુ ગરમીથી ટેવાયેલા લોકો માટે પણ, “એક ડિગ્રીના વધારાથી પણ ખૂબ ફેર પડે છે.” માનવ શરીર પર 48 ડિગ્રીથી વધુ તાપમાનનો પ્રભાવ, તેઓ જણાવે છે, ખૂબજ હોય છે – થાક, ડિહાઇડ્રેશન, પથરી (લાંબો સમય ડિહાઇડ્રેશનના કારણે) અને લૂ લાગવી પણ હોઈ શકે છે, તેના સિવાય મોળ આવવો, ચક્કર આવવા અને બીજા પ્રભાવો પણ થઈ શકે છે. જોકે, ડૉ. જાંડુ જે જિલ્લાના પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી છે, કહે છે કે તેમણે મે-જૂન 2019માં આવા કિસ્સાઓમાં કોઈ વધારો જોયો નથી એ સમયમાં ચુરૂમાં કાળઝાળ ગરમીના કારણે કોઈ મૃત્યુ થયાનો રિપોર્ટ થયો ન હતો.
ILOના રિપોર્ટમાં પણ તીવ્ર ગરમીના જોખમોની નોંધ છે: “જળવાયુ પરિવર્તનના કારણે વૈશ્વિક તાપમાનોમાં થયેલ વધારાથી...ગરમીના કારણે તણાવ વધુ સામાન્ય બનશે … શરીર શારીરિક બાધા સહ્યા વિના જે ગરમી સહી શકે તેનાથી વધુ ગરમી … ગરમીના અતિ-ઉચ્ચ સ્તરોના સંપર્કથી લૂ લાગી જઈ શકે છે, અને કેટલીક વાર તે જીવલેણ બની જાય છે.”
રિપોર્ટ જણાવે છે, કે દક્ષિણ એશિયા એ પ્રદેશોમાં છે જેમના પર સમય વીત્યે સૌથી ખરાબ પ્રભાવ થવાની વકી છે, અને ગરમીના તણાવથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામાન્ય રીતે ગરીબી, અનૌપચારિક બેરોજગારી અને ગુજરાન ચલાવવા પૂરતી ખેતીનો દર સૌથી વધુ હોય છે.
પણ બધાજ નુકસાનકારક પ્રભાવો હંમેશા આટલી ઝડપથી, આટલી સરળતાથી કે હોસ્પિટલમાં દાખલ થવા જેવી નાટકીય પરિસ્થિતિ વડે દેખાતા નથી.
બીજી સમસ્યાઓ સાથે મળીને, ILOના રિપોર્ટમાં નોંધ છે, ગરમીનો તણાવ “ખેતમજૂરો માટે ગ્રામીણ ક્ષેત્રો છોડવાના ધક્કા કરતીકે પણ કામ કરી શકે …[ને] 2005 થી 15ના સમયગાળામાં, ગરમીના તણાવના ઉચ્ચ સ્તરોને વધુ બહિર્ગમન પ્રવાહો સાથે જોડવામાં આવ્યા હતા – આ વલણ એની પહેલાના દસ વર્ષના ગાળામાં જોવામાં આવ્યું ન હતું. આ એ વાતું પણ ચિહ્ન હોઈ શકે કે પરિવારો તેમના દેશાંતર સંબંધી નિર્ણયોમાં જળવાયુ પરિવર્તનને વધુને વધુ ધ્યાનમાં લઈ રહ્યાં છે [ભાર ઉમેરેલો છે]."
ચુરૂમાં પણ ઘટતા પાકના કારણે ઘટતી આવક – આંશિક રીતે હવે અનિયમિત વરસાદના કારણે – દેશાંતરને પ્રવાહિત કરતા બળોની લાંબી શ્રૃંખલાનો એક ભાગ છે. અગાઉ, દુલારામ સહારન કહે છે, ‘અમને અમારી જમીનમાંથી 100 મણ [લગભગ 400 કિલો] બાજરો મળતો. હવે તે વધુમાં વધુ 20-30 મણ હોય છે. મારા ગામ, ભારંગમાં આશરે 50 ટકા લોકોજ હજુ ખેતી કરે છે, બાકીનાએ ખેતી છોડીને દેશાંતર કર્યું છે.”
ગજુવાસ ગામમાં ધરમપાલ સહારન કહે છે કે તેમની ઊપજ પણ ખૂબ ઘટી છે. તેથી, હવે છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ વર્ષમાં 3-4 મહિના જયપુર કે ગુજરાતના શહેરોમાં ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરવા જાય છે.
પ્રો. ઇસરાન પણ નોંધે છે કે આખા ચુરૂમાં ખેતીમાંથી ઘટતી આવકની ભરપાઇ માટે ઘણાં લોકો ખાડીના દેશોમાં કે પછી કર્ણાટક, મહારાષ્ટ્ર અને પંજાબના શહેરોમાં ફેકટ્રીઓમાં કામ કરવા માટે દેશાંતર કરી જાય છે. (સરકારી નીતિના કારણે પશુધનની લે-વેચ સંપૂર્ણપણે નાશ પામી છે તે પણ આનું એક કારણ છે – પણ તે આખી બીજી કહાણી છે.)
આવતા 10 વર્ષોમાં ઉચ્ચ તાપમાનના કારણે દુનિયામાં “ઉત્પાદકતા માં 8 કરોડ ફુલ-ટાઇમ નોકરીઓને બરાબર નુકસાન થશે” ILOનો રિપોર્ટ જણાવે છે. એટલે કે, જો વૈશ્વિક તાપમાન એકવીસમી સદીના અંતે જો હાલના અનુમાન પ્રમાણે 1.5° C વધે તો.
*****
ચુરૂમાં આબોહવા કેમ બદલાઈ રહી છે?
પર્યાવરણમાં પ્રદૂષણ, પ્રો. ઇસરાન કહે છે, અને માધવ શર્મા પણ. જે ગરમીને ફાંસી રાખે છે, અને હવામાનની પેટર્નમાં ફેરપાર કરે છે. “ગરમી વૈશ્વિક તાપમાન વૃદ્ધિના પરિણામે છે અને કૉન્ક્રિટીકરણના કારણે પણ. જંગલ ઘટ્યાં છે, વાહનો વધ્યાં છે,” તારાનગર તહેસીલના ભાલેરી ગામના ભૂતપૂર્વ સ્કૂલ પ્રિન્સિપાલ અને ખેડૂત, રામસ્વરૂપ સહારન કહે છે.
“ઉદ્યોગ વધી રહ્યાં છે, એર-કંડિશ્નરનો ઉપયોગ વધી રહ્યો છે,” જયપુર સ્થિત વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેથ કહે છે. “વાતાવરણ પ્રદૂષિત છે. આ બધાંથી વૈશ્વિક તાપમાન વૃદ્ધિ પણ વધે છે.”
ચુરૂ, જેને કેટલાંક વર્ણનોમાં ‘થારના રણનું દ્વાર’ કહેવામાં આવે છે, જળવાયુ પરિવર્તનની વૈશ્વિક સાંકળની એક કડીજ છે. જળવાયુ પરિવર્તન બાબતે રાજસ્થાન રાજ્યની કાર્ય યોજના 1970 પછીથી વિશ્વભરમાં થતા ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનની વાત કે છે. તે રાષ્ટ્રવ્યાપી કારણો પર વિચાર કરે છે, ફક્ત રાજસ્થાનમાં નહીં, જે વધુ માટા આકારના GHG-ચાલિત પરિવર્તનોનો ભાગ બને છે. આમાંના ઘણાં ઊર્જાના ક્ષેત્રમાં વધુ પ્રવૃત્તિમાંથી અને ‘જમીનના ઉપયોગ, જમાનના ઉપયોગમાં પરિવર્તન અને વાનિકીમાંથી નિપજે છે. આ બધુંજ જળવાયુ પરિવર્તનની જટિલ જાળમાં સતત બદલાતી કડીઓ છે
ચુરૂના ગોમાં, લોકો GHGઓની વાત ભલે ન કરતા હોય, પણ તેઓ તેના પ્રભાવમાં જીવે છે. “અગાઉ અમે પંખા અને કૂલર વિના પણ ગરમીનો સામનો કરી શકતા હતા. પણ હવે અમે એમના વિના રહી શકતા નથી,” હરદયાલજી કહે છે.
અમૃતા ઉમેરે છે, “ગરીબ પરિવારોને પંખા અને કૂલર પોસાતા નથી. અસહ્ય ગરમીથી ઝાડા અને ઊલટી થઈ જાય છે (બીજા પ્રભાવો ઉપરાંત). અને ડૉક્ટર પાસે જવાથી ખર્ચ વધે..”
સુજાનગઢમાં ઘરે જવાની બસ પકડતા પહેલા, ખેતરમાં દિવસ પૂરો કરીને ભગવાની દેવી કહે છે, “ગરમીમાં કામ કરવું મુશ્કેલ છે. અને મોળ આવે છે, ચક્કર આવે છે. પછી અમે ઝાડના છાંયે આરામ કરીએ, થોડું લીંબુ પાણી પીએ અને પછી પાછા કામે વળગીએ.”
તેમની ઉદારતાભરી મદદ અને માર્ગદર્શન બદલ સાભાર: જયપુરમાં નારાયણ બરેથ, તારાનગરમાં નિર્મલ પ્રજાપતિ અને ઉમરાવ સિંઘ, સુજાનગઢમાં અમૃતા ચૌધરી અને ચુરૂ શહેરમાં દલીપ સારાવાગ.
PARIનો જળવાયુ પરિવર્તન વિશેનો રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ સામાન્ય લોકોની વાતો અને તેમણે જીવેલા અનુભવો મારફતે તે પ્રક્રિયાને સમજવાની UNDP-સમર્થિત પહેલ છે.
આ લેખ પુનર્પ્રકાશિત કરવો છે? કૃપા કરી [email protected] ને ઈમેલ લખો અને સાથે [email protected] ને નકલ મોકલો.
ભાષાંતર: ધરા જોષી