સુનિતા રાણી કહે છે, "હવે, અમારે રોજેરોજ ઓછામાં ઓછા 25 ઘેર જવું પડશે અને દરેક ઘેર મહિનામાં ઓછામાં ઓછું ચાર વાર જવું પડશે, કોરોનાવાયરસનું સર્વેક્ષણ કરવા." એક તરફ તે છેલ્લા 10 દિવસથી આ ચક્કરો લગાવી રહી છે, તો બીજી તરફ હરિયાણામાં કોરોનાવાયરસ સંક્રમિતઓની સંખ્યા છેલ્લા 10 દિવસથી વધી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 14 મી એપ્રિલ સુધીમાં 180 થી વધુ નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે.
સુનિતા કહે છે , “લોકો આ રોગથી ડરે છે. ઘણા લોકોને લાગે છે કે તે સ્પર્શથી ફેલાય છે. પ્રસાર માધ્યમોમાં એ લોકો ‘સામાજિક અંતર’ કહેતા રહે છે. કોરોનાવાયરસ શું છે અને તેમણે એકબીજાથી કેવી રીતે અંતર રાખવું જોઈએ તે સમજાવ્યા પછી તેમની સાથે આંખ શી રીતે મેળવવી એ મને સમજાતું નથી. 10 બાય 10 ફૂટની ખોલીમાં જ્યાં સાત લોકો એકસાથે રહેતા હોય ત્યાં સામાજિક અંતર શી રીતે જાળવવું?"
39 વર્ષના સુનિતા હરિયાણાના સોનીપત જિલ્લાના નાથુપુર ગામમાં માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા/ Accredited Social Health Activist --ASHA) તરીકે કામ કરે છે. તેઓ ભારતની ગ્રામીણ વસ્તીને જાહેર આરોગ્યસંભાળ સેવા સાથે જોડતી 10 લાખથી વધુ 'આશા'માંના એક છે. તેમના સામાન્ય વ્યસ્ત દિવસમાં તેઓ નવજાત શિશુઓને રસી આપવાથી માંડીને સગર્ભા સ્ત્રીઓની સંભાળ રાખવી અને તેમને કુટુંબ નિયોજન વિષે સલાહ આપવી વગેરે જેવા 60થી વધારે કામમાંથી કોઈ પણ કામ કરતા હોય છે. કોવિડ -19 એ જાહેર આરોગ્ય અને સમાજ કલ્યાણની સૌથી મોટી સમસ્યા બની છે ત્યારથી તેમની રોજની સામાન્ય વ્યસ્ત દિનચર્યામાં ઉથલપાથલ મચી ગઈ છે.
17 મી માર્ચે હરિયાણાના ગુરુગ્રામમાં કોવિડ -19 નો પહેલો કેસ નોંધાયો. ત્યાં સુધી સોનીપતમાં 'આશા'ઓને તેમના નિરીક્ષકો દ્વારા આ રોગ વિશે કોઈ માહિતી અપાઈ ન હતી . ચાર દિવસ પછી સોનીપતમાં પહેલો દર્દી મળી આવ્યો. તેમ છતાં નિરીક્ષકોએ ગામ લોકોને અનુસરવા માટે અથવા તેમને જાગૃત કરવા માટે નવા સુરક્ષા નિયમો અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી. 2 જી એપ્રિલે સુનિતા અને સોનીપતના 1270 આશા કાર્યકરોને જીવલેણ સાર્સ-સીઓવી-2 વાયરસ સામે જાગૃતિ લાવવા માટેની લડતમાં મોખરે રહેવાની તાલીમ આપવામાં આવી. ત્યાં સુધીમાં તો દેશવ્યાપી લોકડાઉન શરુ થઈ ગયું હતું અને રાજ્યમાં કોવિડ-19 ને કારણે પહેલું મોત થઇ ચૂક્યું હતું.
સુનિતાની દેખરેખ હેઠળ તેના ગામના આશરે 1000 લોકો છે. સુનિતાની નવી જવાબદારીઓમાં તેની દેખરેખ હેઠળના પ્રત્યેક ઘરોમાં રહેતા કુટુંબના બધા સભ્યોની વિગતવાર નોંધ તૈયાર કરવાનો, કુટુંબના બધા સભ્યોની ઉંમર, કુટુંબના કોઈ સભ્ય વિદેશથી પાછા ફર્યા છે કે કેમ અને કોવિડ -19 ના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા - દા.ત. કેન્સર, ક્ષય રોગ અથવા હ્રદયની બિમારીથી પીડાતા દર્દીઓ - ની તબિયતની વિગતવાર નોંધ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. સુનિતા કહે છે કે, "જો કોઈને ઈન્ફલ્યુએન્ઝા અથવા કોરોનાવાયરસના લક્ષણો જણાય તો હું ચકાસીને તેની નોંધ કરું છું. આ બધું મુશ્કેલ નથી. હું વિગતવાર નોંધ રાખવા માટે ટેવાયેલી છું, પરંતુ સંજોગો એકદમ બદલાઈ ગયા છે.
સુનિતા ઉમેરે છે, “અમને કોઈ માસ્ક આપવામાં આવ્યા નથી. જ્યારે અમને પહેલી વાર 2 જી એપ્રિલે કોરોનાવાયરસ અંગે તાલીમ આપવામાં આવી , ત્યારે અમે રક્ષણાત્મક સામગ્રી માંગી હતી. અમારી પાસે મૂળભૂત શિક્ષણ છે, અમે સમાચાર વાંચીએ છીએ. તેમણે અમને કશું આપ્યું નહીં: કોઈ માસ્ક નહીં, કોઈ હેન્ડ સેનિટાઈઝર નહીં, કોઈ ગ્લોવ્સ (હાથ-મોજાં) નહીં. અમે અમારી માગણી ભારપૂર્વક રજૂ કરી પછી, ફક્ત કેટલાક આશાઓને સુતરાઉ માસ્ક મળ્યું. અમારામાંના બાકીના લોકોએ ઘેર માસ્ક બનાવી દીધાં - પોતાને માટે અને બિમાર ગામલોકો માટે. અમે બધાએ પોતાના ગ્લોવ્સ ખરીદ્યા.”
કોઈ પણ રક્ષણાત્મક સામગ્રી વિના, આશા કાર્યકરોને કોવિડ - 19 નું પ્રાથમિક સર્વેક્ષણ કરવા માટે ઘેર-ઘેર મોકલવા એ સરકારની બેદરકારીનો જ એક ભાગ છે. નવી બિમારીના લક્ષણો અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો વચ્ચે તફાવત કેવી રીતે પારખવો, અથવા કોરોનાવાયરસના સંક્રમણનું વધારે જોખમ કોને હોઈ શકે છે એ અંગે આશા કાર્યકરોને ફક્ત એક જ વાર માંડ બે કલાકની તાલીમ આપવામાં આવી હતી. .લક્ષણો ન જણાતા હોય છતાં કોવિડ - 19 થી સંક્રમિત હોય તેવા દર્દીઓ અંગેની અથવા અન્ય કયા સંભવિત સંકેતો ધ્યાનમાં લેવા એ અંગેની મૂળભૂત વિગતો વિના, અપૂરતી તાલીમ પામેલા આશા કાર્યકરોને મોખરાની હરોળમાં ધકેલવા એ ઘણો મોડે મોડે થયેલો છેલ્લી ઘડીનો પ્રયત્ન હોવાનું જણાય છે.
સોનીપતના બહલગઢ ગામના આશા કાર્યકર 39 વર્ષના છવી કશ્યપ પણ એવા લોકોમાંના એક હતા જેમને માસ્ક મળ્યું નહોતું. તેમને તેમનું પોતાનું માસ્ક બનાવી લેવાનું કહેવામાં આવ્યું. તેઓ કહે છે, “મેં ઘેર જાતે બનાવેલું માસ્ક થોડા દિવસ માટે અજમાવી જોયું. પરંતુ તે પૂરતું ટાઇટ નહોતું. મારે બે બાળકો છે અને મારા પતિ પણ હોસ્પિટલમાં નોકરી કરે છે. હું કોઈ જોખમ લેવા માંગતી નહોતી, તેથી મેં ઘેર બનાવેલા માસ્કને બદલે મારી ચુન્નીનો ઉપયોગ કર્યો." સંપૂર્ણ સુરક્ષા માટે ચહેરા પર ચુન્ની કેવી રીતે બાંધવી તે અંગે હરિયાણાના આશા સંગઠનના વોટ્સએપ ગ્રુપ પર એક વ્યાપકપણે શેર કરેલ વીડિયો છે. આ વીડિયો જોઈને તેઓ ચહેરા પર ચુન્ની બાંધતા શીખ્યા.
હરિયાણામાં આશા સંગઠને રાજ્ય સરકારને સુરક્ષાની માંગ માટે બે પત્રો લખ્યા હતા. છ દિવસની કામગીરી પછી, 9 મી એપ્રિલે કેટલાકને વચન પ્રમાણે 10 ને સ્થાને 7 થી 9 ડિસ્પોઝેબલ (એક વાર ઉપયોગ કરીને ફેંકી દેવાના) માસ્ક અને ટ્રાવેલ-સાઇઝની હેન્ડ સેનિટાઈઝરની બાટલી મળી હતી.
આશા કાર્યકરોને નવી બિમારીના લક્ષણો અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો વચ્ચે તફાવત કેવી રીતે પારખવો એ માટે ફક્ત એક જ વાર માંડ બે કલાક તાલીમ આપવામાં આવી હતી
છવીને નવ વન-ટાઇમ (માત્ર એક જ વાર ઉપયોગમાં લેવા યોગ્ય) માસ્ક આપવામાં આવ્યા હતા - અને દરેકનો ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ પૂછે છે, "મહામારી ચાલતી હોય ત્યારે કોઈ પણ રક્ષણાત્મક સામગ્રી આપ્યા વિના સરકાર અમને કામ કરવાની ફરજ શી રીતે પાડી શકે?" તેમને અંદાજ છે જ કે ટૂંક સમયમાં જ તેમણે ફરી તેમની ચુન્નીનો - લાલ, સુતરાઉ કપડું જે તેઓ દરેક વપરાશ પછી ઓછામાં ઓછું બે વાર ઉકળતા પાણીમાં ધોઈ લે છે તેનો - જ ઉપયોગ કરવો પડશે. છવી કહે છે, "સરકાર કહે છે કે માસ્ક પહેર્યા વિના બહાર ન જશો. અમારી પાસે કોઈ માસ્ક નથી. જ્યારે અમે બહાર નીકળીએ ત્યારે લોકો અમને ગાળો આપે છે."
આશા કાર્યકરોએ લક્ષણો ધરાવતા વ્યક્તિની વિગતોની જાણ ANM (સહાયક નર્સ-મિડવાઈવ્સ) ને કરવી આવશ્યક છે, ત્યારબાદ પોલીસ અને નજીકની સરકારી હોસ્પિટલમાંથી આરોગ્યસંભાળ કર્મચારીઓ તે વ્યક્તિઓ પોતાને ઘેર અથવા કોઈ સત્તાવાર સ્થળે અલગ રહે એ સુનિશ્ચિત કરવા આવે છે. સુનિતા કહે છે, “અને પછી ઉપરથી "તેઓને જાણ કરવા બદલ" ઘરના લોકો અમને ગાળો આપે છે. જે લોકોને ઘેર જ એકાંતવાસમાં રાખવામાં આવે છે તે લોકો અમે તેમના ઘરની બહાર લગાવેલું સ્ટીકરને ઘણીવાર કાઢી નાખે છે, અને અમારે તે ફરી ફરી લાગવતા રહેવું પડે છે અને તેમની સાથે મગજમારી કરવી પડે છે."
શું તેમને ચેપ લાગવાનો/સંક્રમિત થવાનો ભય નથી લાગતો? લાગે છે. પરંતુ આશા કાર્યકર અને સંગઠનના નેતા તરીકેની તેમની બેવડી ભૂમિકામાં તેમના માથે ઘણી ચિંતાઓ છે. તેઓ ઓછામાં ઓછી 15 મહિલાઓને દર મહિને એક વાર ગર્ભ નિરોધક ગોળીઓ આપતા હતા. તેઓ કહે છે, "હવે આ લોકડાઉનને કારણે કોઈ માલ આવ્યો નથી. કોન્ડોમ પણ સમાપ્ત થઈ ગઈ છે, અમે છેલ્લા કેટલાક મહિનામાં કરેલી બધી મહેનત વેડફાઈ જશે." તેમને ખાતરી છે કે આ લોકડાઉન પછી બિનઆયોજિત સગર્ભાવસ્થાઓમાં વધારો થશે..
સુનિતા કહે છે, “પહેલાં, પુરુષો કામ માટે બહાર જતા હતા. અને અમને ઓળખતી હોય તેવી સ્ત્રીઓ સાથે વાત કરવા માટે અમને થોડો સમય મળતો. હવે જ્યારે અમે કોરોનાવાયરસનો સર્વે કરવા જઈએ છીએ ત્યારે બધા પુરુષો ઘેર હોય છે. તેઓ અમને પૂછે છે કે આ બધા પ્રશ્નો પૂછવાવાળા અમે કોણ ? તેઓ અમને ઓળખપત્ર બતાવવા કહે છે. સરકાર અમારા કામની નોંધ લેવાનો અને અમારી નોકરીઓ નિયમિત કરવાનો ઈન્કાર કરે છે. તેમને માટે માત્ર સ્વયંસેવકો છીએ. એટલે ઘણા માણસો અમારા પ્રશ્નોના જવાબ આપવાની ના પાડી દે
એકવાર તેમના એક દૈનિક ચક્કરમાં તેમને જાણતી હતી અને તેમના પર વિશ્વાસ કરતી મહિલાઓ તેમની સાથે વાત કરવા બહાર આવી. “તેમાંની એક મહિલાએ મને સહુથી પહેલો સવાલ કર્યો કે મારી પાસે કોઈ ગર્ભનિરોધક ગોળીઓ છે કે નહિ . તેણે મને કહ્યું, ‘અબ તો જરુરત બઢ ગઈ હૈ, દીદી. વો ઘર પે રેહતે હૈ ’[‘હવે તેની વધુ જરૂર છે, દીદી. એ ઘેર રહે છે ’]. મારી પાસે તેને આપવા માટે કોઈ જવાબ નહોતો અને મેં તેની માફી માંગી. ત્યાં સુધીમાં, તેનો પતિ બહાર આવ્યો અને મને ત્યાંથી જતા રહેવાનું કહ્યું. ”
આશા કાર્યકરો પાસે જરૂર પડે ત્યારે આપી શકાય તે માટે માથાના દુખાવા, શરીરના દુખાવા, તાવ અને ગર્ભનિરોધ માટેની મૂળભૂત દવાઓની પેટી હોવી જોઈએ. સુનિતા કહે છે કે આ દવાની પેટી હંમેશા માત્ર કાગળ પર જ રહી છે, પરંતુ તેના અભાવના પરિણામો હવે વધુ ગંભીર છે. તે સમજાવે છે, “હવે આ લોકડાઉનમાં લોકો દવાઓ માટે દવાખાને અથવા દવાની દુકાને જઈ શકતા નથી. હું તેમને ઘેર જઉં છું અને કોઈને તાવ હોય તો તેને આપવા માટે મારી પાસે એક પેરાસીટામોલ પણ નથી ... હું લોકોને આરામ કરવાનું જ કહી શકું છું. સગર્ભા સ્ત્રીઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ નથી મળી રહી. તેમાંના મોટા ભાગના (એનિમેક) પાંડુરોગના લક્ષણવાળા છે. જો આ ગોળીઓ નહીં મળે, તો તેમની પ્રસુતિ વધુ મુશ્કેલ થઈ જશે.”
છવિને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. 5 મી એપ્રિલે તેની સંભાળ હેઠળની 23 વર્ષની સગર્ભા સ્ત્રીને પ્રસુતિની પીડા શરુ થઈ. કોવિડની પહેલાના સમયમાં છવિની જવાબદારીઓમાંની એક એ તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાની અને પ્રસૂતિ સરળ થાય એ સુનિશ્ચિત કરવાની હતી. “સૌથી નજીકની સિવિલ હોસ્પિટલ લગભગ આઠ કિલોમીટર દૂર છે. જો હું તેની સાથે ગઈ હોત, તો પોલીસે અમને જવા દીધા હોત કારણ કે તે કટોકટી હતી. એકલા પાછા ફરતી વખતે જો તેઓ મને પકડે, તો હું મુશ્કેલીમાં મુકાઉં કારણ કે ત્યારે હું કંઈક ‘આવશ્યક’ કરતી ન હોત. મારી પાસે બતાવવા માટે એક ઓળખપત્ર પણ નથી.” છવિએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મહિલાને મદદ કરવાનો પ્રયાસ કર્યો. પણ કોઈ એમ્બ્યુલન્સ આવી નહિ અને આખરે પત્નીને હોસ્પિટલ લઈ જવા એના પતિએ રિક્ષાની વ્યવસ્થા કરવી પડી.
તેમણે કહ્યું કે 30 મી માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અમલ કરાવતી વખતે ગોહાણા તહસીલમાં પોલીસે બે આશાકાર્યકરોને લાઠીમાર માર્યો હતો. આ આશાકાર્યકરોએ તેમને સમુદાય આરોગ્ય કેન્દ્રમાં મીટિંગ માટે બોલાવવામાં આવ્યા છે માટે તેમને જવા દેવામાં આવે તેવી વિનંતી કરી હતી તેમ છતાં પોલીસે આવો અત્યાચાર કર્યો હતો.
આશાકાર્યકરો પાસે જરૂર પડે ત્યારે આપી શકાય તે માટે માથાના દુખાવા, શરીરના દુખાવા, તાવ અને ગર્ભનિરોધ માટેની મૂળભૂત દવાઓની પેટી હોવી જોઈએ. સુનિતા કહે છે કે આ દવાની પેટી હંમેશા માત્ર કાગળ પર જ રહી છે
કોવિડ -19 ને કારણે અમલી બનેલા કડક લોકડાઉનને કારણે નવજાત શિશુઓનું નિયમિત રસીકરણ પણ અટકી ગયું છે, અને તે ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગ્રામીણ વિસ્તારોની સગર્ભા સ્ત્રીઓ, જેઓ હંમેશાં આશાકાર્યકરો સાથે હોસ્પિટલોમાં જાય છે તેઓ ઘેર જ બાળકને જન્મ આપવા મજબૂર બનશે. સમય જતાં આ સ્ત્રીઓ આશકાર્યકરોને વહુ અને દીદી કહે છે. સુનિતાને ચેતવણી આપતા કહે છે કે છે કે 'યોગ્ય માર્ગદર્શન વિના આ ખૂબજોખમી સાબિત થઈ શકે છે.'
કોવિડ પહેલાં હરિયાણામાં આશકાર્યકરોને રાજ્ય સરકાર તરફથી મહિને 4000 રુપિયા પગાર મળતો હતો અને પાંચ મુખ્ય કામ માટે પ્રોત્સાહન રૂપે કેન્દ્ર સરકાર તરફથી 2000 રુપિયા મળતા હતા. આ પાંચ મુખ્ય કામમાં એક હોસ્પિટલ ડિલિવરી, શિશુનું રસીકરણ, પ્રસૂતિ પહેલાંની સંભાળ, પ્રસુતિ પછી ઘેર રખાતી સંભાળ અને કુટુંબ આયોજન જાગૃતિના કામનો સમાવેશ થતો. સ્ત્રી કે પુરુષ નસબંધી જેવા અન્ય કામમાં મદદ કરવા માટે કામદીઠ અલગથી નાણાકીય પ્રોત્સાહનો અપાતું.
સુનિતા કહે છે, "અમારા બધા કામ કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે અટકી ગયા છે. અમને આ [કોરોનાવાયરસનું ] સર્વેક્ષણ અમને ત્રણ મહિના માટે દર મહિને માત્ર 1000 રુપિયા મળે છે. અમને દર મહિને લગભગ 2500 રુપિયાનું નુકસાન થાય છે. તે ઉપરાંત મને ઓક્ટોબર 2019 પછી કોઈ પગાર મળ્યો નથી." તે પૂછે છે, "આ નજીવી રકમ મને ક્યારે મળશે? અમે અમારું ઘર શી રીતે ચલાવીશું? બાળકોને શું ખવડાવીશું? ”.
10 મી એપ્રિલે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કોવિડ -19 સામેની લડતમાં મોખરાની હરોળમાં સામેલ વૈદકીય કાર્યકરો - ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓના પગાર બમણા કર્યા. પણ આશાકાર્યકરોને રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ સ્વયંસેવકો માનવામાં આવે છે - અને તેથી તેમને બાકાત રાખવામાં આવ્યા. સુનિતાને પૂછે છે, "શું અમારી ગણતરી કર્મચારીઓમાં પણ નથી થતી? આ મહામારીમાં પણ સરકાર અમારા જીવન સાથે, લોકોના જીવન સાથે રમી રહી છે." અને તે સાથે, અમારી વાતચીત પૂરી થાય છે. તેમના પતિ પહેલીવાર ભાત રાંધી રહ્યા છે. તેમને ચિંતા છે કે કાં તો તે પોતે દાઝી જશે કાં તો ભાત.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક