ભારતીય ઉપખંડમાં વસાહતીકરણ અને વિભાજનના પડઘા હજુ પણ જુદી જુદી રીતે આસામમાં તેમની હાજરીનો અનુભવ કરાવે છે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નામની નાગરિકતા સાબિત કરવાની કવાયત, કે જે સંભવિતપણે 19 લાખ લોકોને રાજ્યવિહોણા કરી મૂકશે તેમાં તે સૌથી સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. ‘શંકાસ્પદ (ડી) − મતદાર’ તરીકે ઓળખાતી નાગરિકોની એક શ્રેણીની રચના અને તેમાં આવતા લોકોને અટકાયત કેન્દ્રોમાં કેદ કરવામાં આવતા તે ઉઘાડું પડ્યું છે. 1990ના દાયકાના અંતથી સમગ્ર આસામમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સનો એકાએક વધારો, અને ડિસેમ્બર 2019માં નાગરિકતા સુધારો કાયદો (સીએએ) પસાર થવાથી રાજ્યમાં નાગરિકતા સંકટ વધુ વણસ્યો છે.
આ ચાલું કટોકટીના વમળમાં અટવાયેલા છ લોકોની મૌખિક જુબાની વ્યક્તિગત જીવન અને ઇતિહાસ પરની તેની વિનાશક અસરો દર્શાવે છે. જ્યારે તેઓ આઠ વર્ષનાં હતાં ત્યારે નેલ્લી નરસંહારમાં બચી ગયેલાં રશીદા બેગમની પરિસ્થિતિ એવી છે કે તેમના પરિવારના તમામ સભ્યોનું નામ આ યાદીમાં છે, પણ તેમનું નથી. શાહજહાં અલી અહમદનું નામ પણ તેમના પરિવારના કેટલાક સભ્યોની સાથે તેમાંથી ગાયબ છે. તેઓ હવે આસામમાં નાગરિકતાના પ્રશ્ન વિષે લોકોમાં જાગરૂકતા લાવવામાં સક્રિય ફાળો આપે છે.
આસામમાં નાગરિકતાની કટોકટીનો ઇતિહાસ બ્રિટિશ સામ્રાજ્યની નીતિઓ અને 1905માં બંગાળના વિભાજન અને 1947માં ભારતીય ઉપખંડના વિભાજનના પરિણામે આવેલા સ્થળાંતરના મોજા સાથે જોડાયેલો છે
ઉલોપી બિસ્વાસનો પરિવાર ભારતીય નાગરિક હોવા છતાં અને તેમની રાષ્ટ્રીયતા સાબિત કરતા તેમના પોતાના કાગળો હાજર હોવા છતાં તેમને ‘વિદેશી’ જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમને શંકાસ્પદ મતદાર જાહેર કરવામાં આવ્યાં હતાં, અને તેમણે તેમની નાગરિકતા સાબિત કરવા માટે 2017-2022 માં બોંગાઈગાંવ ફોરેન ટ્રિબ્યુનલમાં અદાલતી કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું હતું. કુલસુમ નિસા અને સુફિયા ખાતુન, જેઓ અટકાયત કેન્દ્રોમાંથી જામીન પર બહાર આવેલાં છે, તેઓ કસ્ટડીમાં વિતાવેલા તેમના સમયનું વર્ણન કરે છે. અને મોરજીના બીબી પણ છે, જેમણે વહીવટી ભૂલને કારણે કોકરાઝર અટકાયત કેન્દ્રમાં આઠ મહિના અને 20 દિવસ વિતાવ્યા હતા.
આસામમાં નાગરિકતા સંકટનો ઇતિહાસ જટિલ છે. તે બ્રિટિશ સામ્રાજ્યની સામાજિક-આર્થિક નીતિઓ, 1905માં બંગાળના વિભાજન અને 1947માં ભારતીય ઉપખંડના વિભાજનના પરિણામે આવેલા સ્થળાંતરના મોજાઓ સાથે જોડાયેલું છે. વર્ષોથી વિવિધ વહીવટી અને કાનૂની હસ્તક્ષેપના પરિણામે, અને 1979 થી 1985 દરમિયાન થયેલા વિદેશી આંદોલનો જેવી વિરોધી ઝુંબેશના પરિણામે, બંગાળ મૂળના મુસ્લિમો તેમજ બંગાળી હિંદુઓને “અન્ય” તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
‘ફેસિંગ હિસ્ટ્રી એન્ડ અવરસેલ્વ્સ’ પ્રોજેક્ટ કુલસુમ નિસા, મોરજીના બીબી, રશીદા બેગમ, શાહજહાં અલી અહમદ, સુફિયા ખાતુન અને ઉલોપી બિશ્વાસના વર્ણનો થકી યાદ કરાવે છે કે આસામમાં નાગરિકતા સંકટનો અંત હજુ દૂર છે. તેમાં અટવાયેલા લોકોનું ભવિષ્ય શું છે તે કોઈને ખબર નથી.
રશીદા બેગમ આસામના મોરીગાંવ જિલ્લાનાં રહેવાસી છે અને 18 ફેબ્રુઆરી, 1983ના રોજ જ્યારે નેલ્લી નરસંહાર થયો ત્યારે તેઓ આઠ વર્ષનાં હતાં. 2019માં પ્રકાશિત થયેલ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરની અંતિમ યાદીમાંથી તેમનું નામ બાકાત રાખવામાં આવ્યું છે.
શાહજહાં અલી અહમદ બક્સા જિલ્લાના એક સામાજિક કાર્યકર છે જેઓ આસામમાં નાગરિકતાના મુદ્દાઓ પર કામ કરે છે. તેમના સહિત તેમના પરિવારના ત્રીસ સભ્યો રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરમાંથી બહાર નીકળી ગયા છે.
સુફિયા ખાતુન બરપેટા જિલ્લાનાં છે અને તેમણે કોકરાઝર અટકાયત કેન્દ્રમાં બે વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. તેઓ હવે ભારતની સુપ્રીમ કોર્ટના આદેશથી જામીન પર બહાર આવેલાં છે.
કુલસુમ નિસા બરપેટા જિલ્લાનાં છે અને તેમણે કોકરાઝર અટકાયત કેન્દ્રમાં પાંચ વર્ષ વિતાવ્યાં છે. તેઓ હવે જામીન પર બહાર તો છે, પરંતુ તેમણે દર અઠવાડિયે સ્થાનિક પોલીસ સમક્ષ હાજર થવું પડે છે.
ઉલોપી બિસ્વાસ ચિરાંગ જિલ્લાનાં છે અને તેમના પર બોંગાઈગાંવ ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં 2017થી મુકદ્દમો ચાલી રહ્યો છે.
મોરજીના બીબી ગોલપારા જિલ્લાનાં છે અને તેમણે કોકરાઝર અટકાયત કેન્દ્રમાં આઠ મહિના અને 20 દિવસ વિતાવ્યા હતા. પોલીસે તેમને ભૂલથી કેદ કર્યાં હોવાનું સાબિત થતાં તેમને આખરે છોડી દેવામાં આવ્યાં હતાં.
'ફેસિંગ હિસ્ટ્રી એન્ડ અવરસેલ્વ્સ'નું સંકલન સુબાશ્રી કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન પ્રોજેક્ટને ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ, પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો છે. ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન, નવી દિલ્હીના આંશિક સમર્થનથી આ શક્ય બન્યું છે. આ પ્રોજેક્ટને શેર-ગિલ સુંદરમ આર્ટસ ફાઉન્ડેશનનો પણ ટેકો મળ્યો છે.
ફીચર કોલાજ: શ્રેયા કાટ્યાયિની
અનુવાદક: ફૈઝ મોહંમદ