“બજેટમાં મોટા મોટા આંકડાઓની જ ચર્ચા હોય છે. એક નાગરિક તરીકે સરકારને મન મારી કિંમત કંઈજ નથી!”
ચાંદ રતન હલદાર ‘સરકાર બજેટ’ શબ્દ સાંભળતાં તેમનામાં ઊભરતી કડવાશને છુપાવવાનો પ્રયાસ કરતા નથી. કોલકાતાના જાદવપુરમાં રિક્ષા ખેંચતા 53 વર્ષીય ચાંદ રતન કહે છે, “કેવું બજેટ? કોનું બજેટ? તે એક મોટી અફવા સિવાય બીજું કંઈ નથી!”
ચંદુ દા ઉમેરે છે, “ઘણા બજેટ અને ઘણી યોજનાઓ પછી પણ અમને દીદી [મુખ્યમંત્રી મમતા બેનર્જી] કે [વડાપ્રધાન] મોદી પાસેથી ઘર મળ્યું નથી. હું હજુ પણ તાડપત્રી અને વાંસની પટ્ટીઓથી બનેલી ઝૂંપડપટ્ટીમાં જ રહું છું જે જમીનમાં લગભગ એક ફૂટ ડૂબી ગઈ છે.” કેન્દ્રીય બજેટથી તેમને વધુને વધુ નિરાશા સાંપડી હોય તેવું લાગે છે.
પશ્ચિમ બંગાળના સુભાષગ્રામ નગરના જમીનવિહોણા રહેવાસી એવા તેઓ વહેલી સવારે સિયાલદાહ જતી લોકલ ટ્રેનમાં જાદવપુર જાય છે જ્યાં તેઓ ઘરે પાછા જતાં પહેલાં મોડી સાંજ સુધી કામ કરે છે. તેઓ પૂછે છે, “આપણી લોકલ ટ્રેનોની જેમ જ બજેટ પણ આવે છે ને જાય છે. શહેરમાં આવવું હવે ખૂબ મુશ્કેલ બની ગયું છે. આવા બજેટનો શું ફાયદો છે જે અમારાં ખાલી પેટ પર પાટાં મારે?”
તેમના તેમના પડોશીઓ દ્વારા પ્રેમથી ચંદુ દા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જાદવપુર યુનિવર્સિટીના ગેટ નંબર 4ની સામે મુસાફરોની રાહ જુએ છે — જે એક સમયે 20થી વધુ વાહનો સાથે ભીડભાડવાળી રીક્ષા લાઇન હતી, પરંતુ હવે ત્યાં તેમની રીક્ષા સહિત માત્ર ત્રણ જ રીક્ષાઓ છે. તેઓ એક દિવસમાં 300-500 રૂપિયા કમાય છે.
12 લાખ રૂપિયાની આવક સુધી કરવેરામાં આપવામાં આવેલી રાહત વિષે તેઓ કહે છે, “હું ચાર દાયકા કરતાં વધુ સમયથી કામ કરી રહ્યો છું. મારી પત્ની કોઈના ઘરે તનતોડ મહેનત કરે છે. અમે મહા મહેનતે અમારી બે દીકરીઓને પરણાવી છે. ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. ક્યારેય પૈસા ચોર્યા નથી કે કોઈ છેતરપિંડી કરી નથી. અમે હજી પણ અમારા માટે બે ટંકના ભોજનનું સંચાલન કરી શકતાં નથી. શું તમને લાગે છે કે આ 7, 10 કે 12 લાખ [રૂપિયા] વિષેની આ વાતોથી અમને કંઈ ફેર પડશે?”
તેઓ પારીને કહે છે, “જે લોકો મોટી રકમ કમાય છે તેમને બજેટમાં છૂટ આપવામાં આવી છે. વેપારના નામે બેંકો પાસેથી કરોડો ઉધાર લઈને વિદેશ ભાગી જનારાઓને સરકાર કંઈ નહીં કરે. પરંતુ, જો મારા જેવા ગરીબ રિક્ષાચાલક ક્યારેય ખોટું કામ કરતાં પકડાય, તો અમારું વાહન જપ્ત કરવામાં આવે છે અને જો અમે પોલીસને લાંચ નહીં આપીએ તો અમને હેરાન કરવામાં આવે છે.”
આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે બજેટમાં સૂચિત પગલાં સાંભળીને, ચંદુ દા નિર્દેશ કરે છે કે તેમના જેવા લોકોએ લાંબી કતારોમાં ઊભા રહેવું પડશે ને ઓછામાં ઓછી આરોગ્યને લગતી નાનામાં નાની બાબત માટે પણ આખો દિવસ રાહ જોવી પડશે. તેમના એક પગમાં ગાંઠ થઈ છે તે તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “મને એક વાત કહો, જો મારે હોસ્પિટલ જવા માટે મારા વેતનથી હાથ ધોવા પડે, તો સસ્તી દવાનો શું ફાયદો? મને ખબર નથી કે મને તેના માટે કેટલું નુકસાન થશે.”
અનુવાદ: ફૈઝ મોહંમદ