બજેટ પરના મારા વારંવારના પ્રશ્નોના જવાબ આપવાનો ધરાર ઈન્કાર કરતા બાબાસાહેબ પવાર કહે છે, "આ બધું અમે જાણતા નથી."
તેમની પત્ની મંદા જાણવા માગે છે, "સરકારે ક્યારેય અમને પૂછ્યું છે ખરું કે અમારે શું જોઈએ છે? તે જાણ્યા વિના તેઓ અમારે માટે નિર્ણય લઈ કેવી રીતે શકે? અમારે તો મહિનાના ત્રીસેત્રીસ દિવસ કામ જોઈએ છે."
પુણે જિલ્લાના શિરુર તાલુકાના કુરુલી ગામની સીમમાં આવેલું તેમના એક રૂમના પતરાના ઘરમાં આજે સવારે રોજ કરતાં કંઈ વધારે ધાંધલ-ધમાલ છે. બાબાસાહેબ કહે છે, "અમે 2004 માં જાલનાથી અહીં સ્થળાંતર કર્યું હતું. અમારે અમારું પોતાનું કોઈ ગામ ક્યારેય હતું જ નહીં. અમારા લોકો હંમેશા ગામની બહાર રહેતા આવ્યા છે કારણ કે અમે સ્થળાંતર કરતા રહીએ છીએ."
તેમણે જે સ્પષ્ટ કર્યું નથી તે એ છે કે ભીલ પારધીઓ, જેમની પર બ્રિટિશ રાજ દ્વારા એક સમયે 'ગુનેગાર' જાતિ તરીકેનો છાપો ઠોકી બેસાડવામાં આવ્યો હતો, તેમને એ છાપામાંથી મુક્ત કરાયાના 70 વર્ષ પછી અને મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ થયા પછી પણ તેઓને સામાજિક કલંક અને વંચિતતાનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેમની પર થતા અસહ્ય જુલમને કારણે તેઓને સ્થળાંતર કરવું પડે છે.
દેખીતી રીતે જ તેઓએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને તેમના બજેટ ભાષણમાં સ્થળાંતરના મુદ્દા પર બોલતા સાંભળ્યા નથી. જો તેઓએ સાંભળ્યા હોત તો પણ તેનાથી તેમના પર કોઈ અસર થઈ ન હોત. સીતારામને તેમના 2025-26 ના બજેટ ભાષણમાં જણાવ્યું હતું, "અમારું ધ્યેય ગ્રામીણ વિસ્તારોમાં (રોજગારીની) પૂરતી તકો ઊભી કરવાનું છે જેથી સ્થળાંતર માત્ર એક વિકલ્પ બને નહીં કે જરૂરિયાત."
![](/media/images/02-IMG_20221017_125148-J-What_we_want_is_w.max-1400x1120.jpg)
ચાર સભ્યોનો આ ભીલ પારધી પરિવાર - બાબાસાહેબ, 57 (છેક જમણે), મંદા, 55 (લાલ અને વાદળી રંગના કપડાંમાં), તેમનો દીકરો આકાશ, 23 અને સ્વાતિ, 22 - ને મહિનામાં 15 દિવસથી વધુ કામ મળતું નથી. તેમને હંમેશા જુલમને કારણે સ્થળાંતર કરવું પડ્યું છે, નહિ કે પોતાની મરજીથી
જે ભવનોમાં નીતિઓ ઘડવામાં આવે છે તેનાથી લગભગ 1400 કિલોમીટર દૂર રહેતા આ ભીલ પારધી સમુદાયના બાબાસાહેબ અને તેમના પરિવાર પાસે જીવનમાં ગણ્યાગાંઠ્યા વિકલ્પો છે અને તકો એથીય ઓછી. તેઓ ભારતના એવા 14.4 કરોડ ભૂમિહીન લોકોમાં સામેલ છે જેમના માટે કામ શોધવું એ એક મોટો પડકાર રહ્યો છે.
બાબાસાહેબનો દીકરો આકાશ કહે છે, “અમને મહિનામાં માત્ર 15 દિવસ કામ મળે છે. બાકીના દિવસો અમે નવરા બેસી રહીએ છીએ." પરંતુ આજે એક દુર્લભ દિવસ છે, તેમને ચારેયને - આકાશ, 23, તેની પત્ની સ્વાતિ, 22, મંદા, 55 અને બાબાસાહેબ, 57 - ને નજીકના ગામના ડુંગળીના ખેતરોમાં કામ મળ્યું છે.
આ વસાહતમાં રહેતા 50 આદિવાસી પરિવારો પાસે પીવાનું પાણી, વીજળી કે શૌચાલય નથી. બધા માટે ભાથું બાંધતા સ્વાતિ કહે છે, “અમે જંગલમાં શૌચ કરવા જઈએ છીએ. કોઈ આરામ નથી, કોઈ સુરક્ષા નથી. નજીકના ગામડાઓના બાગાયતદાર (બાગાયતી ખેડૂતો) એ જ અમારી આવકનો એકમાત્ર સ્ત્રોત છે."
બાબાસાહેબ કહે છે, “ડુંગળી લણવાના અમને રોજના 300 રુપિયા મળે છે. કમાવાનું હોય ત્યારે એક-એક દિવસ મહત્ત્વનો છે.” તેઓને કેટલી વાર કામ મળે છે તેને આધારે પરિવારની સંયુક્ત આવક વર્ષે માંડ માંડ 1.6 લાખ રુપિયા સુધી પહોંચે છે. પરિણામે 12 લાખ રુપિયા સુધીની આવક પર જાહેર થયેલ કર મુક્તિનો તેમને માટે કોઈ અર્થ નથી. આકાશ કહે છે, "ક્યારેક અમે છ કિલોમીટર ચાલીએ છીએ, ક્યારેક વધુ. જ્યાં કામ મળે ત્યાં અમે જઈએ છીએ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક