વર્ષ 2022 માં ભારતમાં 'મહિલાઓ વિરુદ્ધ અપરાધ' તરીકે 445256 કેસ નિશ્ચિતપણે નોંધાયા હતા. એટલે કે રોજના લગભગ 1220 કેસ થયા - જે સત્તાવાર રીતે નોંધાયેલા છે અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. આવી જાતિગત હિંસાની વાસ્તવિક ઘટનાઓ અધિકૃત આંકડાઓ કરતા ચોક્કસ વધારે જ હશે
મહિલાઓ સામેની હિંસા ખ્યાલ પણ ન આવે એ રીતે ધીમે ધીમે રોજિંદા જીવનના દરેકેદરેક પાસાઓમાં ફેલાતી રહી છે. કાર્યસ્થળે ઉત્પીડન, મહિલાઓની માનવતસ્કરી, જાતીય દુર્વ્યવહાર, ઘરેલું હિંસા, કલા અને ભાષામાં લૈંગિકતા – આ બધું મહિલાઓની સલામતી અને સુરક્ષાને અવરોધે છે.
મહિલાઓ તેમની સામે આચરવામાં આવેલા ગુનાઓની જાણ કરતા અચકાય છે, પરિણામે તેમનો અવાજ વધુ ઉપેક્ષિત રહે છે એ એક સારી રીતે દસ્તાવેજીકૃત હકીકત છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશની 22 વર્ષની દલિત મહિલા બરખાનો કેસ લો. બરખા જણાવે છે કે બળાત્કાર અને અપહરણ અંગેની તેમની ફરિયાદ માટે તેમણે પહેલી વાર પોલીસનો સંપર્ક સાધ્યો ત્યારે પોલીસે એફઆઈઆર દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે (કેસનો) મુખ્ય આરોપી સ્થાનિક રાજકીય નેતા હતો. બીજા એક બળાત્કાર પીડિતા હરિયાણાના રહેવાસી માલિની કહે છે, “પોલીસે મને આરોપી પાસેથી થોડા પૈસા લઈને તેને જવા દેવાનું કહ્યું હતું. મેં બાંધછોડ કરીને પતાવટ કરવાનો ઇનકાર કર્યો ત્યારે પોલીસે મને ઠપકો આપ્યો અને કહ્યું, " તું બાંધછોડ કરીને પતાવટ નહીં કરે તો અમે તને જેલમાં પૂરી દઈશું ". "
પોલીસની બેદરકારી, અનૌપચારિક ખાપ પંચાયતો અને તબીબી અને કાયદાકીય સંસાધનોની પહોંચનો અભાવ આ તમામ પરિબળો ભેગા મળીને મહિલાઓને તેમની સામે થતી હિંસાનો બદલો લેતા રોકે છે. 2020 નો એક અહેવાલ, ન્યાય મેળવવામાં નડતા અવરોધો: ભારતના ઉત્તર પ્રદેશમાં 14 બળાત્કાર પીડિતોના અનુભવો જણાવે છે કે સમીક્ષા કરાયેલા છ કેસોમાં ફરિયાદો વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી એ પછી જ પોલીસે એફઆઈઆર નોંધી હતી. બાકીના પાંચ કેસો, જેમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, તે અદાલતના આદેશ પછી જ દાખલ કરવામાં આવી હતી. અમુક ચોક્કસ જાતિ, વર્ગ, વિકલાંગતા અને વયના લેબલ વ્યક્તિને લિંગ-આધારિત હિંસાનું નિવારણ કરવા માટે કામ કરતા સરકારી તંત્રની પહોંચથી વધુ દૂર કરે છે. દલિત હ્યુમન રાઈટ્સ ડિફેન્ડર્સ નેટવર્કના એક અહેવાલ મુજબ દલિત મહિલાઓ સામેના જાતીય હિંસાના 50 કેસ સ્ટડીઝમાંથી 62 ટકામાં અપરાધીઓએ 18 વર્ષથી નાની વયની છોકરીઓને નિશાન બનાવી હતી. ધ ક્રાઈમ ઈન ઈન્ડિયા 2022 અહેવાલ પણ નોંધે છે કે 18 થી 30 વર્ષની વયની મહિલાઓમાં બળાત્કારના કિસ્સાની ઘટનાઓ સૌથી વધુ છે.
આ અહેવાલ નોંધે છે કે માહિતીની આપલે કરવાની મર્યાદા તેમજ સંભાળ રાખનારાઓ પરની નિર્ભરતાને કારણે મનોવૈજ્ઞાનિક અથવા શારીરિક વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને મહિલાઓ પણ ભારતમાં જાતીય હિંસાનું વધુ જોખમ ધરાવે છે. માનસિક વિકલાંગતા સાથે જીવતા 21 વર્ષના કજરીના કિસ્સામાં બન્યું હતું તેમ, જ્યારે ફરિયાદ નોંધવામાં આવે છે ત્યારે પણ કાયદાકીય પ્રક્રિયા જ એક સજારૂપ બની જાય છે. 2010 માં કજરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમણે 10 વર્ષ માનવતસ્કરી, જાતીય હુમલા અને બાળ મજૂરીનો ભોગ બનીને વિતાવ્યા હતા . તેમના પિતા કહે છે, "એક જગ્યાએ મારી નોકરી ચાલુ રાખવાનું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે કજરીને પોલીસ નિવેદનો આપવા, પરીક્ષણ કરાવવા વગેરે માટે લઈ જવા મારે કેટલાય દિવસો રજા લેવી પડે છે. હું વારંવાર રજા માગું છું ત્યારે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે."
કન્સેપ્ચ્યુઅલાઈઝિંગ બ્રાહ્મિનિકલ પેટ્રિઆર્કિ ઈન અર્લી ઈન્ડિયા નિબંધમાં પ્રો. ઉમા ચક્રવર્તી પરાપૂર્વથી ચાલી આવતી "નિયંત્રણની અસરકારક પ્રણાલી બનાવવા માટેની ઘેલછા અને તેમની [મહિલાઓની] સતત સુરક્ષા કરવાની જરૂરિયાત" વિશે લખે છે. નિબંધમાં નોંધ્યા પ્રમાણે ઘણી વખત આ નિયંત્રણ પિતૃસત્તાક ધોરણોને સ્વીકારાનાર મહિલાઓને પુરસ્કૃત કરીને અને એ ધોરણો ન સ્વીકારનાર મહિલાઓને નીચાજોણું કરીને લાદવામાં આવે છે. મહિલાઓના હરવા-ફરવા પર બળજબરીપૂર્વક મર્યાદા લાદતા આ નિયમનકારી ધોરણો ઘણીવાર મહિલાઓની લૈંગિકતા અને તેમની નાણાકીય સ્વતંત્રતાના ડરમાંથી ઉદ્ભવેલા હોય છે. 30 વર્ષના ગિરિજા કહે છે, “પહેલાં જ્યારે પણ હું ગામમાં કોઈ ગર્ભવતી મહિલાને જોવા જતી અથવા તેમને દવાખાને લઈ જતી ત્યારે તેઓ [તેમના સાસરિયાઓ] કહેતા કે હું બીજા પુરુષોને મળવા જાઉં છું. (હકીકતમાં) એક આશા તરીકે આ મારી ફરજ છે." ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની રહેવાસી ગિરિજાને એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) તરીકેની નોકરી છોડી દેવા માટે તેના સાસરિયાઓ તરફથી કરવામાં આવતા દબાણનો સામનો કરવો પડે છે. તેઓ ઉમેરે છે, "ગઈ કાલે મારા પતિના દાદાએ મને લાઠી [લાકડી] વડે માર માર્યો હતો અને મારું ગળું ઘોંટવાનો પ્રયાસ પણ કર્યો હતો."
છેવટે જ્યારે મહિલાઓ ઘરની બહાર જઈને કામ કરવામાં સફળ થાય છે અને એ માટે તેમને ચૂકવણી કરવામાં આવે છે ત્યારે કાર્યસ્થળે ઉત્પીડન એ પછીનો લિંગ આધારિત અવરોધ છે. નેશનલ કેપિટલ રિજન (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) અને બેંગલુરુમાં કપડાં સંબંધિત ક્ષેત્રના કામદારોના એક સર્વેક્ષણ મુજબ 17 ટકા મહિલા કામદારોએ કાર્યસ્થળ પર જાતીય સતામણીના કિસ્સાઓ બન્યા હોવાની વાત કરી છે. કપડાં ઉદ્યોગમાં એક ફેક્ટરી કામદાર લતા નોંધે છે, "પુરુષ મેનેજરો, સુપરવાઈઝરો અને મિકેનિક્સ - તેઓ અમને અડકવાનો પ્રયાસ કરતા અને જેની પાસે જઈને ફરિયાદ કરી શકાય એવું અમારી પાસે કોઈ નહોતું," (વાંચો: જ્યારે દલિત મહિલાઓ ડિંડીગલમાં એક થઈ ). મહિલા કામદારોની સાથે મળીને, એક થઈને વાટાઘાટો કરવાની શક્તિને દ્રઢ કરવાના ઉદ્દેશ્યથી વિશાકા ગાઈડલાઈન્સ (1997) સંસ્થાઓને ફરિયાદ સમિતિ બનાવવાની ભલામણ કરે છે, આ સમિતિનું નેતૃત્વ એક મહિલાના હાથમાં હોવું જોઈએ અને તેના સભ્યોમાં અડધાથી વધારે સંખ્યામાં મહિલાઓ હોવી જોઈએ. કાગળ પર આવી માર્ગદર્શક સૂચનાઓ હોવા છતાં તેમનો અમલ સતત નબળો રહ્યો છે. કામના સ્થળે અને ઘરમાં મહિલાઓ સામે હિંસા ફેલાયેલી છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) 2019-21 માં 18-49 વર્ષની 29 ટકા મહિલાઓએ 15 વર્ષની ઉંમરથી ઘેર શારીરિક હિંસાનો અનુભવ કર્યો હોવાનું નોંધ્યું છે . છ ટકાએ જાતીય હિંસાનો અનુભવ કર્યો હોવાનું નોંધ્યું છે. જો કે માત્ર 14 ટકા મહિલાઓ કે જેમણે ક્યારેય જાતીય અથવા શારીરિક હિંસાનો અનુભવ કર્યો હોય તેમણે તેને રોકવા માટે - પરિવાર, મિત્રો અથવા સરકારી સંસ્થાઓ પાસેથી - મદદ માગી હતી. જીવનસાથીઓ દ્વારા મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. રવિ તેની પત્નીને માર મારે એની સામે કોઈ વાંધો ઉઠાવે તો એ કહેતો, “ મેરી ઘરવાલી હૈ, તુમ ક્યોં બીચ મેં આ રહે હો [મારી વહુ છે. તમે શું કરવા વચ્ચે પડો છો]?" વિશ્વભરમાં જોઈએ તો માત્ર વર્ષ 2021 માં લગભગ 45000 છોકરીઓની તેમના જીવનસાથી દ્વારા અથવા પરિવારના બીજા સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી .
પ્રચલિત સંસ્કૃતિમાં વર્ણવાયેલા પ્રેમ સંબંધોમાં હિંસાનું સમર્થન એક નિ:શંકપણે એક જવાબદાર પરિબળ છે. યુવા દર્શકો પર ભારતીય સિનેમાની અસર માં “છેદ ખાની” અથવા ઈવ-ટીઝિંગ (જેને વધુ સારી રીતે સ્ટ્રીટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ - જાહેરમાં મહિલાઓની જાતીય સતામણી - તરીકે ઓળખાવી શકાય) ના નિરૂપણને 60 ટકા યુવાનો નિર્દોષ મશ્કરી તરીકે જુએ છે. લિંગ આધારિત હિંસાનું બદઈરાદાપૂર્વકનું સામાન્યીકરણ તાજેતરના બીજા એક પ્રકાશન, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત જાહેર કરાયેલા કેસો ધરાવતા વર્તમાન સાંસદો/ધારાસભ્યો (એમપી/એમએલએ) નું વિશ્લેષણ 2024 , માં નોંધાયું છે, આ પ્રકાશન અનુસાર વર્તમાન સાંસદો અને ધારાસભ્યોમાંથી 151 પ્રતિનિધિઓ એવા છે કે જેઓ તેમની વિરુદ્ધ મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત જાહેર કરાયેલા કેસો ધરાવે છે.
આ બધું ઓછું ભયજનક હોય તેમ તેમાં પીડિતા માટે, ખાસ કરીને જાતીય હિંસાનો અનુભવ કરનાર માટે, શરમજનક ટિપ્પણીઓ કરવાની સમાજની વૃત્તિ ઉમેરો: રાધા, જેમની ઉપર બીડ જિલ્લામાં તેમના જ ગામના ચાર પુરુષો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેઓએ એ બળાત્કારીઓની વિરુદ્ધ જાહેરમાં હિંમતપૂર્વક પોતાનો અવાજ ઉઠાવ્યો તે પછી તેમની પર "ચારિત્ર્યહીન" હોવાનો અને તેમના ગામને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આવા ગુનાઓની યાદી લાંબી છે, અને તેના પિતૃસત્તાક મૂળ આપણા સમાજમાં ઊંડે સુધી ખૂંપેલા છે. પારી લાઇબ્રેરીના લિંગ-આધારિત હિંસા પરના વિભાગમાં મહિલાઓ સામેની હિંસા વિશે અહીં વધુ વાંચો.
કવર ડિઝાઇનઃ સ્વદેશા શર્મા
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક