રાજેશ કહે છે, "એક નાનીઅમથી ભૂલ થાય તો સત્તૂરની જગ્યાએ કોયતા બની જાય!" રાજેશ ચાફેકર કસાઈની છરી અને દાતરડા વચ્ચેનો તફાવત બરોબર જાણતા જ હોય. રાજેશ એક નિષ્ણાત લોહાર (લુહાર) છે, અને મહારાષ્ટ્રના આક્ટણ ગામમાં આવેલી પોતાની વર્કશોપમાં અત્યાર સુધીમાં લોખંડના 10000 થી વધુ ઓજારો બનાવી ચૂક્યા છે.

52 વર્ષના રાજેશ આ કામ તેમના પિતા દત્તાત્રેય ચાફેકર પાસેથી શીખ્યા હતા, અને તેઓ પંચાલ લોહાર સમુદાયમાંથી આવે છે, તેમના ઘણા ગ્રાહકો મહારાષ્ટ્રના ખેડૂત સમુદાયમાંથી છે અને એ ગ્રાહકોને તેમના પર ખૂબ વિશ્વાસ છે, તેઓ હંમેશ તેમની પાસેથી જ ઓજારો ખરીદતા આવ્યા છે. ખેતીના અલગ-અલગ 25 થી વધુ પ્રકારના ઓજારો બનાવી જાણતા વસઈ તાલુકાના આ સાતમી પેઢીના લુહાર કહે છે, “લોકો કહેશે, ‘આક્ટણ સે હી હત્યાર લેકે આઓ’ [ઓજારો તો આક્ટણથી જ લઈ આવો]."

તાસણી માટેનો જથ્થાબંધ ઓર્ડર આપવા માટે, છેક નવી મુંબઈના ઉરણથી  - આશરે 90 કિલોમીટર દૂરથી - ગ્રાહકો આવતા. તાસણી એ હોડી બનાવવા માટે જરૂરી ખૂબ મહત્ત્વનું સાધન હતું. તેઓ યાદ કરે છે, "ગિર્હાઈક [ગ્રાહકો] અમારે ઘેર ચાર દિવસ રોકાતા અને અમે ઓજાર શી રીતે તૈયાર કરીએ છીએ એની શરૂઆતથી માંડીને ઓજાર તૈયાર થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા જોતા."

આક્ટણ ગામની સાંકડી ગલીઓ પરંપરાગત રીતે જાતિ આધારિત વ્યવસાયો પરથી સીમાંકિત કરવામાં આવી છે: સોનાર (સોની), લોહાર (લુહાર), સુતાર (સુથાર), ચાંભાર (મોચી) અને કુંભાર. ગામલોકો કહે છે કે તેઓ હંમેશા કારીગરોના સમુદાયના લોકપ્રિય દેવતા વિશ્વકર્માના ઉપાસક રહ્યા છે. પાંચાલ લોહારો 2008 થી વિચરતી જાતિઓ હેઠળ સૂચિબદ્ધ છે, એ પહેલા તેઓને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ - અન્ય પછાત વર્ગો) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

રાજેશ કહે છે કે તેઓ 19 વર્ષના થયા ત્યાં સુધી પરિવારની લુહારીકામની  પરંપરા ચાલુ રાખવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તેમણે ઈલેક્ટ્રોનિક્સની એક દુકાનમાં સ્ટોરકીપર તરીકે કામ કરવાનું પસંદ કર્યું હતું, અને એ નોકરીમાં તેઓ મહિને 1200 રુપિયા કમાતા હતા. મોટા સંયુક્ત કુટુંબમાં વિખવાદ થતા, કુટુંબ તૂટતાં તેમના પિતાને મદદ કરનાર કોઈ ન રહ્યું, પરિણામે તેમને - સૌથી મોટા દીકરા તરીકે - પારિવારિક ધંધામાં જોડાવાની ફરજ પડી.

Rajesh Chaphekar, a blacksmith in Vasai taluka's Actan village with a sickle (left) made by him.
PHOTO • Ritu Sharma
He learnt the craft from his father Dattatrey Chaphekar, whose photo he is holding (right)
PHOTO • Ritu Sharma

વસઈ તાલુકાના આક્ટણ ગામના લુહાર રાજેશ ચાફેકર તેમણે બનાવેલ દાતરડા (ડાબે) સાથે. તેઓ તેમના પિતા દત્તાત્રેય ચાફેકર પાસેથી હસ્તકલા શીખ્યા હતા, જેમની તસવીર તેમણે હાથમાં પકડેલી છે (જમણે)

Rajesh's workshop (left) is close to the popular Actan cross (right), which leads to the lane where only lohars once lived
PHOTO • Ritu Sharma
Rajesh's workshop (left) is close to the popular Actan cross (right), which leads to the lane where only lohars once lived
PHOTO • Ritu Sharma

રાજેશની વર્કશોપ (ડાબે) ખૂબ જાણીતા આક્ટણ ચાર રસ્તા (જમણે) પાસે આવેલી છે, ત્યાંથી એક રસ્તો એક ગલી તરફ દોરી જાય છે જ્યાં એક સમયે માત્ર લોહારો જ રહેતા હતા

આજે ત્રણ દાયકા પછી રાજેશ પોતે એક નિષ્ણાત લુહાર છે. તેમનું કામ સવારે 7 વાગ્યા પછી શરૂ થાય છે અને પછીના 12 કલાક સુધી તેઓ કામમાં વ્યસ્ત રહે છે, વચ્ચે વચ્ચે ચા પીવા માટે તેઓ થોડો સમય કાઢી લે છે. એક દિવસમાં તેઓ ત્રણેક ઓજારો બનાવી શકે છે. તેમના ગ્રાહકોમાં મુખ્યત્વે વસઈના ભુઈગાંવ નજીક બેનાપટ્ટીના અને મુંબઈના ગોરાઈ ગામના આદિવાસીઓનો સમાવેશ થાય છે.

તેમના કેટલાક સૌથી વધુ વેચાતા ઓજારોમાં કોયતા (નાનું દાતરડું), મોરલી (શાકભાજી અને માંસ કાપવાનું ઓજાર), ઔત (હળ), તાસણી (કુહાડી), કાતી (માછલી કાપવાની છરી), ચિમટે (સાણસી/ચીપિયા) અને સત્તૂર (કસાઈની છરી) નો સમાવેશ થાય છે.

રાજેશ (તેમની પાસે આવતા ગ્રાહકોની માગણી પ્રમાણે) ખાસ ઓજારો પણ બનાવે છે કારણ કે “દરેક ગામની પોતાની ડિઝાઇન અને પોતાની જરૂરિયાતો હોય છે. તરવાડા (તાડી ઉતારનારા) ને ઝાડ પર ચડતી વખતે તેમના કોયતા [નાના દાતરડા] ને મજબૂત રીતે પકડી રાખવા માટે વધારાની પકડની જરૂર પડે છે.” કેળા અને નાળિયેર ઉગાડનારાઓ આખુંય વરસ ધાર કઢાવવવા અને મરામત કરાવવા તેમના ઓજારો મોકલતા રહે છે.

સ્થાનિક ખેડૂતે તેના દાતરડાની ધાર કાઢી આપવા બદલ કદર રૂપે ભેટમાં આપેલા તાજા લીલા નારિયેળ બતાવીને રાજેશ કહે છે, "બદલામાં અમને ભેટો મળતી રહે છે." તેઓ  ઉમેરે છે, "હું કાતી [માછલી કાપવાની છરી] ની મરામત કરું છું ત્યારે કોળી ભાઈઓ ક્યારેક અમારા માટે એ દિવસે પકડેલી તાજી માછલીઓ લઈ આવે છે."

તેમને પુણેના વાઘોલીથી પણ અનેક ઓર્ડર મળે છે કારણ કે એ વિસ્તારમાં હવે બહુ લુહાર રહ્યા નથી. "ત્યાંચે સત્તૂર અસતાત. બકરે કાપાયલા [તેમના ઓર્ડરમાં બકરીનું માંસ કાપવા માટેની કસાઈની છરીઓ હોય છે]."

પોતાના કામમાં હંમેશ કંઈક નવું કરવા ઉત્સુક રાજેશે સૂકા સખત નાળિયેરને કાપવામાં સરળતા રહે એ માટે ખાસ દાતરડું તૈયાર કર્યું છે, તેઓ હસતા હસતા કહે છે, “હું કંઈક ને કંઈક પ્રયોગો કરતો રહું છું. પરંતુ હું એ  તમને બતાવીશ નહીં. એ મારું પેટન્ટ છે!” અને તેઓ કોઈ ફોટા પાડવા દેતા નથી.

Rajesh can make more than 25 different types of tools (left), many of which he innovates for his customers (right) after understanding their requirements
PHOTO • Ritu Sharma
Rajesh can make more than 25 different types of tools (left), many of which he innovates for his customers (right) after understanding their requirements
PHOTO • Ritu Sharma

રાજેશ 25 થી વધુ અલગ-અલગ પ્રકારના ઓજારો (ડાબે) બનાવી શકે છે, જેમાંથી ઘણા સાધનોમાં તેઓ પોતાના ગ્રાહકો માટે તેમની જરૂરિયાતો સમજ્યા પછી ફેરફાર કરે છે (જમણે)

Sonali Chaphekar, Rajesh's wife holds a traditional morli used to cut vegetables and fruits (left).
PHOTO • Ritu Sharma
For elderly women who can't sit on the floor, Rajesh has designed a compact morli that be attached to the kitchen platform (right)
PHOTO • Ritu Sharma

રાજેશના પત્ની સોનાલી ચાફેકરના હાથમાં શાકભાજી અને ફળો કાપવા માટે વપરાતી પરંપરાગત મોરલી છે (ડાબે). જે વૃદ્ધ મહિલાઓ જમીન પર બેસી શકતી નથી તેમના માટે રાજેશે ઓછી જગ્યા રોકતી એક ખાસ મોરલી તૈયાર કરી છે જે રસોડાના પ્લેટફોર્મ સાથે જોડી શકાય છે

સૌથી ઝડપથી વેચાતી વસ્તુઓમાંની એક છે મોરલી, એક ઓછી જગ્યા રોકતું શાકભાજી સમારવાનું ઓજાર જે રસોડાના પ્લેટફોર્મ સાથે જોડી શકાય છે, ખાસ કરીને જેઓને મોટી, પરંપરાગત જમીન પર બેસીને વાપરવાની મોરલીનો ઉપયોગ કરવામાં તકલીફ પડે છે તેવા વૃદ્ધો માટે એ ખૂબ ઉપયોગી છે

ચોમાસાના મહિનાઓ દરમિયાન ખેડૂતો શહેરમાં દાડિયા મજૂરીના કામ માટે જતા રહે છે ત્યારે વેચાણમાં ઘટાડો થાય છે. તેઓ પોતાની કમાણીનું વર્ણન કરતા કહે છે, “ક્યારેક હું રોજના 100 રુપિયા કમાઉં છું તો ક્યારેક માત્ર 10 રુપિયાય. તો ક્યારેક વળી 3000 કે 5000 (રુપિયા) નો ધંધો થાય અને બીજા દિવસે ફરી કંઈ જ મળે એવુંય બને. કંઈ કહી શકાય નહીં. ગિર્હાઈક આણિ મરણ કધી યેઈલ કાય  સાંગત યેતે કા? [ગ્રાહક અથવા મૃત્યુ ક્યારે તમારો દરવાજો ખટખટાવશે એની તમે  ક્યારેય આગાહી કરી શકો ખરા?]."

*****

દરરોજ સવારે, રવિવારે સુદ્ધાં, રાજેશ તેમની ભટ્ટી (ભઠ્ઠી) સળગાવે છે.

અમે તેમની મુલાકાત લીધી એ દિવસે તેઓ ભઠ્ઠી ગરમ થવાની રાહ જોઈ રહ્યા હતા એટલામાં એક સ્થાનિક બટાકા લઈને આવિ છે. બે વચ્ચે કશી જ વાતચીત થતી નથી. રાજેશે બટેટા લઈને તેને ભઠ્ઠીના એક નાના ભાગમાં દાટી દે છે. તેઓ અમને કહે છે, "તેમને કોલસે શેકેલા બટાકા ભાવે છે અને એક કલાકમાં તેઓ આવીને લઈ જશે."

થોડી વારમાં જ એ દિવસનો પહેલો ગ્રાહક આવે છે અને ધાર કાઢવા માટે તેમને ચાર દાતરડા આપે છે. તેઓ થોડું થોભીને પૂછે છે, "આ બહુ તાકીદનું તો નથી ને?" ગ્રાહક તેમને ખાતરી આપે છે કે એ તાકીદનું નથી અને તેમને કહે છે કે પોતે થોડા દિવસો પછી આવીને એ પાછા લઈ જશે."

રાજેશ કહે છે, “શું કરું, મારે પૂછવું જ પડે છે. મને મદદ કરવાવાળું કોઈ નથી ને."

જેમ જેમ એ દિવસના ઓર્ડર આવવા માંડે છે  તેમ તેમ તેઓ તેને માટે જરૂરી કાચો માલ ભેગો કરવાનું શરૂ કરે છે. અગાઉથી તૈયારી કરવાનું મહત્વનું છે કારણ કે એકવાર ભઠ્ઠી ગરમ થઈ જાય એટલે તેમની પાસે બધું જ હાથવગું હોવું જોઈએ. તેઓ છથી આઠ કિલો કોલસા એક વાસણમાં ઠાલવે છે અને ખુલ્લા હાથ વડે પથ્થરોને અલગ કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે, "નાના પથ્થરો કોલસાને બાળવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે" અને ભઠ્ઠીમાં આગ સળગાવતા પહેલા યાદ રાખીને નાના પથ્થરો કાઢી નાખવા પડે છે.

Rajesh removing small stones from the coal (left).
PHOTO • Ritu Sharma
He adds small strands of wood shavings (right) to ignite the forge
PHOTO • Ritu Sharma

કોલસામાંથી નાના પથ્થરો વીણીને બહાર કાઢતા રાજેશ (ડાબે). ભઠ્ઠી સળગાવવા માટે તેઓ લાકડાનો ઝીણો છોલ (જમણે) ઉમેરે છે

The raw metal (left) is hammered and shaped on the airan (metal block). It is periodically placed inside the forge for ease of shaping
PHOTO • Ritu Sharma
The raw metal (left) is hammered and shaped on the airan (metal block). It is periodically placed inside the forge for ease of shaping
PHOTO • Ritu Sharma

કાચી ધાતુને ટીપવામાં આવે છે  (ડાબે) અને ઐરણ (ધાતુના ટુકડા) પર મૂકીને આકાર આપવામાં આવે છે. આકાર આપવામાં સરળતા રહે એ માટે સમયાંતરે તેને ભઠ્ઠીમાં મૂકીને તપાવવામાં આવે છે

ત્યાર બાદ ભઠ્ઠી સળગાવવા માટે આ પીઢ લુહાર કોલસાની ઉપર ઝડપથી લાકડાનો  ઝીણો છોલ મૂકે છે. એક ભાતા, જેને અગાઉ ધામણી (ધમણ) કહેવામાં આવતું હતું તે ભઠ્ઠીની અંદરની જ્યોત જાળવી રાખવામાં મદદ કરે છે. તે ભઠ્ઠીને ગરમ રાખવા માટે વધારાની હવા પૂરી પાડવાની સાથોસાથ પવનની દિશાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

કાચી ધાતુને ગરમ કરવા માટે પાંચથી સાત મિનિટ  ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. એક વાર ગરમ અને ચમકતી થઈ જાય પછી ધાતુને લોખંડના એક મોટા ટુકડા, ઐરણ (એરણ) પર મૂકવામાં આવે છે. એ પછી રાજેશ ધાતુને થોડીક સેકન્ડો માટે ઊંધી પકડી રાખે છે અને ઉપરાઉપરી ઘણ/ઘાણ (ઘણ/હથોડા) વડે ટીપે છે, તેઓ સમજાવે છે, "ધાતુ ઠંડી થઈ જાય એ પહેલાં આ કરવું જરૂરી છે, નહીં તો તેનો આકાર બગડી જવાનું જોખમ રહે છે."

રાજેશ નાની હથોડીનો ઉપયોગ કરે છે જ્યારે તેમનો દીકરો ઓમ મોટો હથોડો ઉપાડે છે. લગભગ એક કલાક સુધી, તેઓ બંને બાપદીકરા એકસાથે ધાતુને ટીપવાની અને ગરમ કરવાની આકરી પ્રક્રિયા ફરી ફરી કરતા રહે છે. ત્યારે જોઈતો આકાર તૈયાર થાય છે. એકવાર ઓજારનો આકાર તૈયાર થઈ જાય પછી લાકડાની મૂઠ સાથે ધાતુને જોડવા માટે માંદળ (સ્ટીલની પાતળી ગોળાકાર રિંગ) નો ઉપયોગ કરવામાં આવે છે.

ઓજારોની ધારને તીક્ષ્ણ કરવા માટે તેઓ 80 વર્ષ જૂની સરાણનો ઉપયોગ કરે છે.  હાથેથી બનાવેલા ઓજારને રાજેશ મોગરીની મદદથી આખરી ઓપ આપે છે, મોગરી એ ધાતુનું ફાઈલિંગ કરવા માટેનું સાધન છે, જે તેમના પિતાએ તેમને આપ્યું હતું.

તેમની વર્કશોપ સામાન્ય રીતે ધુમાડાથી ભરેલી હોય છે, પણ એનાથી તેમને કંઈ ફરક પડતો નથી. “મને આ ગરમી ગમે છે. મજ્જા આતા હૈ મેરેકો [મને મજા આવે છે]." ભઠ્ઠીની નજીક બેસવું અસહ્ય બની જાય ત્યારે થોડી રાહત મેળવવા માટે તેઓ વચ્ચે વચ્ચે પોતાના ખુલ્લા પગ પર ઠંડુ પાણી છાંટે છે.

Left: Rajesh shaping his tools using a small hammer.
PHOTO • Ritu Sharma
Right: His son Om helps out in the workshop
PHOTO • Ritu Sharma

ડાબે: રાજેશ નાની હથોડીનો ઉપયોગ કરીને તેમના ઓજારોને આકાર આપી રહ્યા  છે. જમણે: તેમનો દીકરો ઓમ વર્કશોપમાં તેમને મદદ કરે છે

The veteran blacksmith is almost done shaping the sickle (left).
PHOTO • Ritu Sharma
The last step is to attach the maandal (steel circular ring) and wooden base to it (right)
PHOTO • Ritu Sharma

આ પીઢ લુહારે દાતરડાને (ડાબે) આકાર આપવાનું કામ લગભગ પૂરું કરી દીધું છે. છેલ્લો તબક્કો એ તેની સાથે માંદળ (સ્ટીલની પાતળી ગોળાકાર રિંગ) અને લાકડાની મૂઠ  (જમણે) જોડવાનું છે

એક સ્થાનિક યુટ્યુબરે બનાવેલો તેમનો વીડિયો વાયરલ થયા બાદ તેમને વિદેશમાં રહેતા ભારતીયો તરફથી ઓર્ડર મળવા લાગ્યા. પરંતુ તેઓ એ ઓજારો  મોકલી શક્યા નહીં કારણ કે એ ઓજારોને શસ્ત્રો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ  છે. હવે ઓસ્ટ્રેલિયાના ગ્રાહકો કસાઈની છરીઓ લેવા ભારતમાં તેમની  વર્કશોપમાં જાતે આવે છે.

રાજેશ પાસે વફાદાર ગ્રાહકો છે પણ મદદ કરવા પૂરતા હાથ ન હોવાને કારણે તેમને માટે સમયસર ઓર્ડર પૂરા કરવાનું મુશ્કેલ બને છે. તેઓ ઉમેરે છે, "હું મારા ગ્રાહકોને આવતીકાલે આવો એમ ન કહી શકું."

તેમના સમુદાયમાંથી કેટલાક  હવે વધારે પગાર મળે તેવી, રેલવે અથવા નાના વ્યવસાયોમાં, વધુ સારી નોકરીની તકોની શોધમાં થાણે અને મુંબઈની નજીક સ્થાયી થયા છે: "હવે અમે કરીએ પણ શું? ખેતીની જમીનો જ નથી રહી." તેઓ  30 વર્ષ પહેલાનો સમય, જ્યારે તેમની ગલીમાં 10-12 જેટલી લુહારીકામની  વર્કશોપ હતી, એ યાદ કરતા કહે છે, "આતા દોનચ રાહિલે! [હવે માત્ર બે જ રહી છે!]." રાજેશ સિવાય તેમના સમુદાયમાંથી તેમનો પિતરાઈ ભાઈ એકમાત્ર લુહાર છે. રાજેશના પત્ની સોનાલી એક શિક્ષિકા છે અને લુહારીકામ ચાલુ રાખવાના પોતાના પતિના નિર્ણય પર તેઓ ગર્વ અનુભવે છે. તેઓ પૂછે છે, “આજે દરેક જણને વગર મહેનતે પૈસા જોઈએ છે. ભટ્ટીમાં બેસીને ઘણ [હથોડા] કોણ મારે?"

તેમનો 20 વર્ષનો દીકરો ઓમ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. “હું હંમેશા શનિ-રવિમાં તેને મારી સાથે કામમાં જોડાવા માટે કહું છું. તે અમારું કામ છે; આ કળા લુપ્ત થઈ જવી જોઈએ નહીં." રાજેશ પણ ઈચ્છે છે કે તેમના મૃત્યુ પછી તેમનો દીકરો તેમના તમામ ઓજારો સાચવે. “મારી પાસે હજી પણ મારા પિતા અને દાદાના ઓજારો છે. એ ઓજારને કઈ રીતે ટીપવામાં આવ્યું છે એના પરથી કયું ઓજાર કોણે બનાવ્યું છે એ તમે ઓળખી શકો. દરેક વ્યક્તિની હથોડા મારવાની શૈલી અલગ અલગ હોય છે.”

The lohar adds final touches to the sickle (left) and puts it inside the forge (right)
PHOTO • Ritu Sharma
The lohar adds final touches to the sickle (left) and puts it inside the forge (right)
PHOTO • Ritu Sharma

લોહાર દાતરડાને આખરી ઓપ આપે છે  (ડાબે) અને તેને ભઠ્ઠીમાં મૂકે છે (જમણે)

Rajesh sharpens (left) and then files (right) the newly crafted tools before they are handed over to the customer
PHOTO • Ritu Sharma
Rajesh sharpens (left) and then files (right) the newly crafted tools before they are handed over to the customer
PHOTO • Ritu Sharma

રાજેશ નવા બનાવેલા ઓજારોને ગ્રાહકને સોંપતા પહેલા તેની ધાર કાઢે છે (ડાબે) અને પછી તેને ફાઇલ કરે છે (જમણે)

ભઠ્ઠી સળગતી રાખવા માટે બિન-રાંધણ કોલસો મેળવવાનું મોંઘું બની રરહ્યું છે: કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) એ 2023 માં સારી ગુણવત્તાવાળા (હાઈ-ગ્રેડના) કોલસાના ભાવમાં 8 ટકાનો વધારો કર્યો છે. તેઓ કહે છે, “[32 વર્ષ પહેલાં] મેં આ કામ શરૂ કર્યું ત્યારે એ લગભગ 3 રુપિયે કિલો હતો આજે એનો ભાવ વધીને 58 રુપિયે કિલો થઈ ગયો છે.”

રોજેરોજ વપરાતા કોલસાનો ખર્ચ એ સૌથી મોટો પડકાર છે. તેઓ એક દાતરડું 750 રુપિયે વેચે છે. એક દાતરડું બનાવવા માટે કાચી ધાતુને આકાર આપવા લગભગ છ કિલો કોલસો વપરાય, એક દાતરડું બનાવવા બે થી ત્રણ કિલો જેટલા વજનની કાચી ધાતુની જરૂર પડે છે અને એક દાતરડા દીઠ તેની કિંમત 120-140 રુપિયા થાય. ઓજારના લાકડાની મૂઠની કિંમત જો જથ્થાબંધ  ખરીદવામાં આવે તો નંગ દીઠ 15 રુપિયા થાય, નહીં તો છૂટક લેવા જાઓ તો એની કિંમત નંગ દીઠ 60 રુપિયા સુધી પહોંચે.

"હવે તમે જ ગણતરી માંડીને મને કહો કે મારા હાથમાં કેટલા પૈસા આવતા હશે?"

કોલસાની વધતી કિંમતો ઉપરાંત બીજી સંબંધિત આજીવિકા સાથે સંકળાયેલ સમુદાયમાં થતો ઘટાડો એ પણ એક સમસ્યા છે. તેઓ કહે છે કે એક સમયે સુથારો અને લુહારો ખર્ચ ઘટાડવામાં એકબીજાને મદદ કરતા હતા. “અમે ખેરનું લાકડું વાપરતા જે આજે અમે વાપરીએ છીએ એ બાવળના લાકડા કરતાં મોંઘું હતું. પણ સુથારો જ્યારે જંગલમાં જાય ત્યારે અમારે માટે એ લઈ આવતા. બદલામાં અમે તેમને તેમની બળદગાડીના પૈડામાં હબ બેન્ડ અને બોક્સિંગ [મેટલ ઇન્સર્ટ] બનાવવામાં મદદ કરતા. આ રીતે અમે એકબીજાને મદદ કરતા."

Left: The blacksmiths would help carpenters by making the circular bands that hold the wheels of the bullock cart together.
PHOTO • Ritu Sharma
Right: Rajesh holding the finishing sickle made by him
PHOTO • Ritu Sharma

ડાબે: લુહાર બળદ ગાડાના પૈડાને એકસાથે પકડી રાખતી ગોળ પટ્ટીઓ બનાવીને સુથારોને મદદ કરતા. જમણે: રાજેશ તેમણે બનાવેલ દાતરડું બતાવી રહ્યા છે

આગ અને ધાતુ સાથે કામ કરવાના તેના પોતાના જોખમો છે અને ઈજાઓ થવાની શક્યતાઓ પણ છે. બજારમાં રક્ષણાત્મક સામગ્રી ઉપલબ્ધ છે, પરંતુ રાજેશ કહે છે કે  ગરમ ભઠ્ઠીમાં એનાથી ગૂંગળામણ થાય. તેમના પત્ની સોનાલી દાઝી જવાથી થતી ઈજાઓ બાબતે ચિંતિત છે અને ઉમેરે છે, “ઓજારો બનાવતી વખતે ઘણી વખત તેમના હાથને ઈજા પહોંચી છે. એકવાર તો તેમના પગને પણ ઈજા પહોંચી હતી."

પણ રાજેશ અટકતા નથી. “બેસી રહું તો મને કામ કેવી રીતે મળે? મારે ભઠ્ઠી પાસે તો બેસવું જ પડે. કોયલા જલાના હૈ મેરેકો [મારે કોલસા તો બાળવા જ પડે].”

દાયકાઓથી ચાલ્યું આવતું તેમનું લુહારીકામ ચાલુ રાખવા કૃતનિશ્ચયી રાજેશ ઉમેરે છે, "ચલતા હૈ ઘર [ઘર ચાલે છે આનાથી]."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritu Sharma

ரிது ஷர்மா, பாரியில், அழிந்துவரும் மொழிகளுக்கான உள்ளடக்க ஆசிரியர். மொழியியலில் எம்.ஏ. பட்டம் பெற்ற இவர், இந்தியாவின் பேசும் மொழிகளை பாதுகாத்து, புத்துயிர் பெறச் செய்ய விரும்புகிறார்.

Other stories by Ritu Sharma
Jenis J Rumao

ஜெனிஸ் ஜே ருமாவோ ஒரு மொழியியல் ஆர்வலர் ஆவார். இவர் கலாச்சாரம் மற்றும் மொழியை சுயமாக ஆராய்வதில் ஆர்வம் கொண்டவர்.

Other stories by Jenis J Rumao
Editor : Sanviti Iyer

சன்விதி ஐயர் பாரியின் இந்தியாவின் உள்ளடக்க ஒருங்கிணைப்பாளர். இவர் கிராமப்புற இந்தியாவின் பிரச்சினைகளை ஆவணப்படுத்தவும் செய்தியாக்கவும் மாணவர்களுடன் இயங்கி வருகிறார்.

Other stories by Sanviti Iyer
Editor : Priti David

ப்ரிதி டேவிட் பாரியின் நிர்வாக ஆசிரியர் ஆவார். பத்திரிகையாளரும் ஆசிரியருமான அவர் பாரியின் கல்விப் பகுதிக்கும் தலைமை வகிக்கிறார். கிராமப்புற பிரச்சினைகளை வகுப்பறைக்குள்ளும் பாடத்திட்டத்துக்குள்ளும் கொண்டு வர பள்ளிகள் மற்றும் கல்லூரிகளுடன் இயங்குகிறார். நம் காலத்தைய பிரச்சினைகளை ஆவணப்படுத்த இளையோருடனும் இயங்குகிறார்.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik