ચિંતિત સ્વરમાં સંદીપ યાદવ કહે છે, “ઘેર રાખેલ કપાસ તેનો વજન અને રંગ ખોઈ રહ્યું છે. કપાસનો રંગ જેટલો આછો હશે, વેપારીઓ અમને તેટલો જ ઓછો ભાવ આપશે.” મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ગોગાવા તાલુકાના ખેડૂત સંદીપ 2022ના ઓક્ટોબર મહિનામાં કપાસની લણણી થઈ ત્યારથી તેના ભાવમાં વધારો થવાની વાટ જોઈ રહ્યા છે.
ખરગોન જિલ્લાની 2 લાખ 15 હજાર હેક્ટર જમીન પર કપાસની ખેતી થાય છે, અને તે મધ્ય પ્રદેશના સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતા જિલ્લાઓમાંનો એક છે. અહીં દર વર્ષે મે મહિનામાં કપાસની વાવણી શરૂ થાય છે, જે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ચાલે છે. ત્યારબાદ ઓક્ટોબરથી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી કપાસની લણણી કરવામાં આવે છે. ખરગોનના કપાસ બજારમાં દરરોજ આશરે રૂ. 6 કરોડના કપાસની ખરીદી થાય છે અને આ ખરીદી સામાન્ય રીતે ઓક્ટોબરમાં શરૂ થાય છે અને બીજા વર્ષે મે મહિના સુધી ચાલુ રહે છે. સંદીપ પણ મધ્યપ્રદેશના બહેરામપુરા ગામમાં તેમની 18 એકરમાંથી 10 એકર જમીનમાં કપાસની ખેતી કરે છે.
2022ના ઓક્ટોબરમાં સંદીપને લગભગ 30 ક્વિન્ટલ કપાસની ઉપજ થઈ હતી, જેને તેમણે તેમના ઘેર રાખી હતી. તેમના ખેતરમાં તાજેતરની સિઝનમાં પ્રથમ વખત કપાસ લેવામાં આવ્યો હતો. પછી તેમણે અનુમાન લગાવ્યું હતું કે બીજી વખતની લણણીમાં પણ તેમને કપાસની લગભગ એટલી જ ઉપજ મળશે – જેમાં તેમને લગભગ 26 ક્વિન્ટલ જેટલી ઉપજ મળી હતી.
જો કે, તેઓ ઇચ્છે તો પણ તેમની 30 ક્વિન્ટલ ઉપજને વેચવા માટે ખરગોનના કપાસ બજારમાં લઈ જઈ શકે તેમ ન હતા, કારણ કે મધ્યપ્રદેશના બધા કપાસ બજારો 11 ઓક્ટોબર, 2022થી વેપારીઓની હડતાલને કારણે બંધ હતા. વેપારીઓ દર 100 રૂપિયાના વેચાણ પર બજાર દ્વારા જે 1.70 રૂપિયાનો જે કર વસૂલવામાં આવે છે, તેનો વિરોધ કરતા હતા. આ કર દેશના મોટા ભાગના રાજ્યો કરતા ઘણો વધારે છે. તેને ઘટાડવા માટે કપાસના વેપારીઓની હડતાલ આઠ દિવસ સુધી ચાલી હતી.
હડતાળ શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 10 ઓક્ટોબરે ખરગોનના કપાસ બજારમાં પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ 8,740 રૂપિયા હતો. હડતાલ સમાપ્ત થયા પછી, કપાસના ભાવમાં 890 રૂપિયાનો ઘટાડો થયો હતો અને તે પ્રતિ ક્વિન્ટલ 7,850 રૂપિયા પર પહોંચી ગયા હતા. જ્યારે 19 ઓક્ટોબરે બજાર ફરીથી ખૂલ્યાં, ત્યારે સંદીપ યાદવે ભાવમાં ધરખમ ઘટાડો થયો હોવાને કારણે તેમની પેદાશ વેચી ન હતી. ઓક્ટોબર 2022માં પારી સાથે વાત કરતાં આ 34 વર્ષીય ખેડૂતે કહ્યું હતું કે, “જો હું અત્યારે માલ વેચીશ, તો મને કંઈ નહીં મળે.”
આ પહેલી વાર નથી કે સંદીપે કપાસની ઉપજને લાંબા સમય સુધી તેમના ઘેર રાખવી પડી હોય. તેઓ કહે છે કે કોવિડ દરમિયાન પણ બજારો બંધ હતા, અને “2021માં પાકમાં કીડા પડી ગયા હતા, જેનાથી અડધાથી વધુ પાક બગડી ગયો હતો.”
તેમને આશા હતી કે તેઓ 2022માં પાછલા વર્ષોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી લેશે અને તેમની 15 લાખની લોનનો મોટો હિસ્સો પણ ચૂકવી શકશે. પરંતુ, તેઓ આગળ કહે છે કે, “એવું લાગે છે કે આ વર્ષે [2022 માં] લોનના હપ્તાઓ ચૂકવ્યા પછી કંઈ બાકી રહેશે નહીં.”
કિસાન પોર્ટલના આંકડાઓ અનુસાર, વર્ષ 2022-23માં કેન્દ્ર સરકાર દ્વારા કપાસ માટે 6,380 રૂપિયાનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) નક્કી કરવામાં આવ્યું હતું. આ કિંમત વર્ષ 2021-22 કરતાં 355 રૂપિયા વધુ હતી. પરંતુ ભારતીય કિસાન સંઘના ઈન્દોર વિભાગના પ્રમુખ શ્યામ સિંહ પંવાર કહે છે, “એમએસપી ઓછામાં ઓછી 8,500 રૂપિયા હોવી જોઈએ. સરકારે આ માટે કાયદો લાવવો જોઈએ કે જેથી વેપારીઓ આનાથી ઓછા ભાવે ખરીદી ન કરે.”
બડવાહ તાલુકાના નવલપુરા ગામના ખેડૂત સંજય યાદવને તેમની ઉપજ માટે ક્વિન્ટલ દીઠ 7,405 રૂપિયા મળ્યા હતા, જે તેમના કહેવા પ્રમાણે ખૂબ જ ઓછા છે. તેમણે ફક્ત 12 ક્વિન્ટલ જ કપાસ વેચ્યો, જે તેમના કુલ ઉત્પાદનનો માત્ર નાનો ભાગ જ હતો. 20 વર્ષીય સંજય કહે છે કે કપાસની કિંમત ઓછામાં ઓછી 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોવી જોઈએ, એટલે કે તે સમયની કિંમત કરતાં લગભગ 2,595 રૂપિયા વધુ.
સંદીપ કહે છે, “અમે ખેડૂતો ન્યૂનતમ સમર્થન મૂલ્યના ભાવ બાબતે કંઈ બોલી જ શકતા નથી. અમારી ઉપજના ભાવ અમારા હાથોમાં નથી હોતા.”
સંદીપના કહેવા પ્રમાણે, “બિયારણ જેવા મૂળભૂત ખર્ચ સિવાય, એક એકરમાં 1,400 રૂપિયાનું ડીએપી [ડાયએમોનિયમ ફોસ્ફેટ] ખાતર, દૈનિક વેતન પેટે ચૂકવવા પડતા 1,500 રૂપિયા, ઈયળોને મારવા માટે 1000 રૂપિયાના ત્રણ સ્પ્રે, આ રીતે એક એકરમાં કુલ ખર્ચ મળીને 15,000 રૂપિયા સુધી પહોંચી જાય છે.
ઓક્ટોબર 2022માં, કપાસની લણણી કરવાના વેતનની ચૂકવણી કરવા માટે તેમણે લગભગ 30,000 હજાર રૂપિયાની લોન લેવી પડી હતી. તેઓ કહે છે, “દિવાળીના સમયે દરેકને નવા કપડાં ખરીદવાના હોય છે. અમે મજૂરોને પૈસા આપીશું, તો જ તેઓ તેમના તહેવારનો ખર્ચ ઉઠાવી શકશે.”
બહેરામપુરા ગામમાં સંદીપના નવા મકાનનું કામ પણ ચાલી રહ્યું છે, જેના માટે તેમણે એક શાહુકાર પાસેથી 9 લાખ રૂપિયાની લોન લીધી છે. આ વિસ્તારમાં સારી સરકારી શાળા ન હોવાથી, તેમણે કોવિડ પહેલા તેમના બાળકોને નજીકની ખાનગી શાળામાં દાખલ કરાવ્યાં હતાં, અને તેમણે ત્યાંની તગડી ફી તેમની બચતમાંથી ચૂકવી હતી. જેના કારણે તેમના પર આર્થિક બોજ પણ વધ્યો હતો.
કસરાવડ તાલુકાના સબદા ગામના ખેડૂત રાધેશ્યામ પટેલ પણ કપાસને મોંઘો પાક ગણાવે છે. લગભગ 47 વર્ષીય રાધેશ્યામ કહે છે, “જો અમે રવી પાક વાવીશું તો તેમાં પણ ખર્ચ થશે. અમારે વ્યાજ પર લોન લેવી પડશે. આ પછી, જો આગામી પાક પણ નાશ પામે, તો નુકસાન ફક્ત ખેડૂતનું જ થાય છે. તેથી, ખેડૂત કાં તો ઝેર પી લે છે કાં તો વ્યાજની માયાજાળમાં ફસાઈને જમીન વેચવા મજબૂર બને છે.”
એમએસપીના પ્રશ્ન પર કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્મા કહે છે, “ખેડૂતના પાકની ચોક્કસ કિંમત ફક્ત ખેડૂત જ જણાવી શકે છે. પરંતુ સરકારે ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ખેડૂતને તેના પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળે.”
જાન્યુઆરી 2023 સુધીમાં તો સંદીપના ઘરના ખર્ચનો બોજ ઘણો વધી ગયો હતો. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં તેમના નાના ભાઈના લગ્ન થવાના હતા. તેમણે પારીને કહ્યું હતું કે પૈસાની ખૂબ જરૂર પડી હોવાથી તેમણે જાન્યુઆરી મહિનામાં લગભગ 30 ક્વિન્ટલ કપાસ ક્વિન્ટલ દીઠ 8,900 રૂપિયાના ભાવે વેચ્યો હતો.
તેમનું કહેવું છે કે આ ભાવ પહેલાં કરતા સારા છે, પરંતુ ખર્ચને બધું ગણ્યા પછી હાથમાં પૈસા નહીં રહે.
પાકના ભાવને લઈને પોતાની લાચારી વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, “ખેડૂતોનું ક્યાંય સાંભળવામાં નથી આવતું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ