“ઈંગ્લીશ” વર્ગના બાળકો એકસાથે બોલ્યા. "તેમનો પ્રિય વિષય કયો છે?" એવા અમારા પ્રશ્નનો એમનો એ સામૂહિક જવાબ હતો. જો કે એ ભારતની નિશાળના વર્ગખંડમાં પૂછવા માટેનો સૌથી ચતુર પ્રશ્ન તો ના જ કહી શકાય. જો પહેલાં બે બાળકો "અંગ્રેજી" કહે, તો રૂમમાં રહેલું દરેક ટબૂડીયું તે જ કહેશે એની ખાતરી. જ્યારે તમે જુઓ છો કે પહેલા બે બાળકોને એમના જવાબ બદલ કોઈ ઠપકો મળતો નથી ત્યારે તમે સમજી જાઓ છો કે આગળ રસ્તો સાફ છે.
પરંતુ આ માત્ર કોઈ જેવીતેવી જગ્યા નથી. તે એડલિપારામાં એકમાત્ર શિક્ષક દ્વારા ચલાવતી ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શાળા છે. તે કેરળના સૌથી દૂરના અને એકમાત્ર આદિવાસી પંચાયત, એડમલકુડીમાં આવેલી છે. શાળાની બહાર ક્યાંય પણ તમને કોઈ અંગ્રેજી બોલતું સંભળાય એ શક્ય જ નથી. તે ભાષામાં કોઈપણ બોર્ડ, પોસ્ટર અથવા સાઈનેજ પણ શોધ્યા જડે એમ નથી. તેમ છતાં, બાળકોએ કહ્યું કે અંગ્રેજી તેમનો પ્રિય વિષય છે. બીજી ઘણી શાળાઓની જેમ, ઇડુક્કી જિલ્લાની આ શાળા પણ 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભેગા ભણાવે છે. ગંભીર રીતે ઓછો પગાર, ભારે વધારે કામ, અશક્ય પરિસ્થિતિઓ સામે લડીને પણ પોતાના સમૂદાય માટે કામ કરતાં એક અદ્ભુત શિક્ષકની દેખરેખમાં આ શાળા ચાલે છે.
બધાંની વચ્ચે એક અવાજ વિરોધનો છે, “ગણિત”!! એક બહાદુર નાનો છોકરો ઊભો થઈને બોલ્યો. એને ઊંચકીને સળગતા કોલસા પર ઊભો કરતાં હોઈએ એમ અમે માંગણી કરી, 'ચાલો તો અમને તમારું ગણિત બતાવો'. તે તેની નાનકડી છાતીને ફુલાવી કડકડાટ 1 થી 12 ના ઘડિયા બોલવા લાગ્યો, હા શ્વાસ લેવા રોકાયો કે ના તાળીઓના ગડગડાટ માટે. એ બીજી વાર ચાલુ કરે એ પહેલાં જ અમારે એને અટકાવવો પડ્યો.
અમે શિક્ષકની પાસે ગોઠવેલી એક અલગ બેન્ચ તરફ વળ્યા જ્યાં પાંચ યુવા છોકરીઓ બેઠી હતી, એ પણ દેખીતી રીતે વર્ગની ચુનંદા બૌદ્ધિક વ્યક્તિઓ હતી. તેમની ખાસ બેઠક વ્યવસ્થા જ એ વાત સ્પષ્ટ કરી આપતી હતી. સૌથી મોટી 11 વર્ષની હશે. બાકીની બધી નવ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની. છોકરાએ તો એમનું ગણિત જ્ઞાન પૂરવાર કરી દીધું હતું. હવે વારો છોકરીઓનો હતો, અંગ્રેજી તેમનો પ્રિય વિષય હોવાના દાવાને સાબિત કરી દેખાડવાનો. તો ચાલો, છોકરીઓ, થોડું અંગ્રેજી સાંભળીએ.
સૌ થોડી શરમાઈ, કોણ ના શરમાય જો આવી રીતે કોઈ આઠ અજાણ્યા ને વિચિત્ર દેખાતા વ્યકિતઓ તેમના વર્ગખંડમાં ઘૂસી જાય તો. પછી શિક્ષક એસ. વિજયલક્ષ્મી બોલ્યા: "છોકરીઓ, તેમને એક ગીત ગાઈ બતાવો." અને તેમણે ગાયું. આપણે બધા જાણીએ છીએ કે આદિવાસીઓ ગાઈ શકે છે. અને આ પાંચ મુથાવન છોકરીઓએ બહુ સુંદર ગાયું. સંપૂર્ણ રીતે સૂરમાં. એક સૂર આઘોપાછો નહીં. જો કે સૌ છોકરીઓ હજુ પણ શરમાતી હતી. નાની વૈદેહી માથું નીચું રાખીને પ્રેક્ષકોને બદલે પોતાના ટેબલ તરફ જોઈ રહી હતી. પરંતુ તેઓ ખરેખર અદભૂત હતા. ગીતો, જોકે, એમના ગીતના શબ્દો સાવ અલાયદા પ્રકારના હતા.
છેવટે એ બટાકાનું ગીત હતું.
લોકો અહીં ઇડુક્કીની ટેકરીઓમાં ક્યાંક રતાળુ ઉગાડે છે. પરંતુ મને નથી લાગતું કે એદાલિપારાના સો કિલોમીટરની અંદર ક્યાંય પણ બટાકાની ખેતી થાય છે.
પરિસ્થિતિ જે હોય તે ભલે - અને તમે પોતે પણ સાંભળી શકો છો - ગીત તો કંઈક આમ ચાલ્યું:
બટાકા, બટાકા
ઓ મારા
વ્હાલા બટાકા
મને ગમે બટાકા
તને ગમે બટાકા
અમને
સૌને ગમે બટાકા
બટાકા, બટાકા, બટાકા
તે ખૂબ સરસ રીતે ગાયું હતું, એક નમ્ર કંદ કે જેને એમણે ક્યારેય ચાખ્યું ય નહીં હોય એને આટઆટલું માન. (કદાચ અમે ખોટા હતા. સાંભળ્યું કે મુન્નાર નજીકના કેટલાક ગામોએ બટાકાની ખેતી શરૂ કરી છે. તે અહીંથી લગભગ 50 કિલોમીટર દૂર). પરંતુ ગીતના શબ્દો અમારા મનમાં રહ્યા.અઠવાડિયા પછી આજે પણ આપણામાંના ઘણા લોકો હજી પણ ગીતને ગણગણે છે. એટલા માટે નહીં કે અમે બટાકાપ્રેમી છીએ - જે કે મને લાગે છે કે અમે આઠેય છીએ - પરંતુ એટલા માટે કારણ કે અમે સૌ એમના એ ઉન્મત્ત પરંતુ અત્યંત ગંભીરતાથી ગાયેલા ગીતથી મંત્રમુગ્ધ હતા. અને તે તદ્દન મોહક ગાયકીની રજૂઆત સાથે.
તો વર્ગખંડ તરફ પાછા વળીએ . ખૂબ તાળીઓના ગડગડાટ અને સમજાવટ અમે એમને વિડિયો કેમેરા માટે ગીતનું પુનરાવર્તન કરવા રાજી કર્યા અને અમે વર્ગમાંના છોકરાઓ તરફ વળ્યા. તેમનું ગજું નથી, અમે તેમને ઉશ્કેર્યા. શું તેમને લાગે છે એ લોકો આ છોકરીઓના ગાનને આંટી દઈ શકે? તેમણે પડકારઝીલ્યો. જો કે એમની રજૂઆતમાં ગીત ઓછું ને પઠન ઝાઝું હતું. અને રજૂઆત ઘણી સારી હોવા છતાં, છોકરીઓ સાથે મેળ ખાય એવી તો ન હતી. પરંતુ તેમના ગીતના શબ્દો એવા જ વિચિત્ર હતા.
આ એક 'ડૉક્ટરને પ્રાર્થના' હતી. એક એવા પ્રકારની જે ફક્ત ભારતમાં લખાય, પઠન કરાય અથવા ગાઈ શકાય. હું તમને બધા શબ્દો કહીને તમારી મજા ખરાબ નહીં કરું - ના અહીંયા એમની ડોક્ટરની વીડિઓની વાત કરીશ. તે થોડું વધારે પડતું હશે. આ ભાગ તો માત્ર પાંચ અદભુતો માટે છે: અંશીલા દેવી, ઉમા દેવી, કલ્પના, વૈદેહી અને જાસ્મીન. જો કે, હું જાહેર કરી શકું છું કે ડૉક્ટરની પ્રાર્થનામાં ક્લાસિક ઈન્ડિયા-ઓન્લી લાઈનો હતી જેમ કે “મારું પેટ દુખ્યું, ડૉક્ટર. મારું ઓપરેશનની કરાવો, ડૉક્ટર. ઓપરેશન, ઓપરેશન, ઓપરેશન.”
પરંતુ તે બીજું ગીત છે. અને તે વિડિયો માટે બીજા દિવસની રાહ જોવી પડશે.
હમણાં માટે, તમારા બટાકાના ગીતને સાંભળો.
આ લેખ મૂળરૂપે P.Sainath.org પર જૂન 26, 2014ના રોજ દેખાયો હતો
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા