તુલુનાડુના ગરનાલ સાઇબેર અથવા ફટાકડાના કારીગરોની અહીં કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક ઉજવણીઓ માટે ખૂબ જ માંગ હોય છે. ભુત કોલા, તહેવારો, લગ્નપ્રસંગો, જન્મ દિવસની ઉજવણી, વાસ્તુ અને અંતિમ સંસ્કારમાં તેમની સહભાગિતાની ખૂબ જ આવશ્યકતા હોય છે.
‘ગરનાલ’નો અર્થ ફટાકડા થાય છે, અને 'સાઇબેર’ એ મુસ્લિમ વ્યક્તિ માટેનો સંદર્ભ છે.
મુલ્કી નગરના ગરનાલ સાઇબેર એવા આમીર હુસૈન કહે છે કે તેમના પિતાએ તેમને આ કળા શીખવી હતી, અને આ વ્યવસાય તેમના પરિવારમાં પેઢી દર પેઢી થતો આવ્યો છે.
કર્ણાટકની મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનના રિસર્ચ અસોસિએટ નિતેશ આંચન ઉમેરે છે, “ફટાકડા ફેંકવા અને તેને સંભાળવા એ એક ખતરનાક કામ છે, ખાસ કરીને ફટાકડા જ્યારે મોટા હોય ત્યારે.”
ઉડુપી જિલ્લાના અતરાડી ગામના એક યુવાન મુસ્લિમ, મુસ્તાક અતરાડી, ભૂત ધાર્મિક વિધિઓમાં ગરનાલ બનાવે છે અને ફેંકે છે, અને તેઓ ખાસ કરીને સૌથી શક્તિશાળી ગરનાલ એવા કદોની બનાવવામાં કુશળ છે. તેઓ કહે છે, “કદોની એ વિભિન્ન રસાયણોથી બનેલો બર્સ્ટિંગ પાવડર છે, જેને લાંબી પ્રક્રિયા પછી બને છે.” એવું કહેવાય છે કે જ્યાં કદોની ફૂટે છે, ત્યાંની જમીન પણ ધ્રુજી ઉઠે છે.
ભૂતા કોલા દરમિયાન ફટાકડા ફોડવા એ જોવાલાયક દૃશ્ય છે. તુલુનાડુમાં ઘણી સદીઓથી ભૂત (આત્માની) પૂજા કરવામાં આવે છે. કોલા (પ્રદર્શન) એ ભૂત પરંપરા સાથે સંકળાયેલ એક વિધિ છે. નાદસ્વરમ, તાસે અને અન્ય પરંપરાગત વાદ્યોના સંગીતની સાથે, ગરનાલ ફાટવાના મોટા અવાજો ભૂત કોલાનો અભિન્ન અંગ છે. જુઓ: તુલુનાડુના ભૂત: સમન્વયાત્મક પરંપરાનો આત્મા
કોલા દરમિયાન, ગરનાલ સાઇબરો દ્વારા સળગતા ફટાકડા આકાશમાં ફેંકવામાં આવે છે, જેનાથી એક જાદુઈ અને વિસ્ફોટક દૃશ્ય રચાય છે.
પ્રોફેસર પ્રવીણ શેટ્ટી સમજાવે છે કે ભૂતની પૂજામાં ઘણા સમુદાયો એક સાથે ભેગા થાય છે. “આજે તુલુનાડુમાં ભૂત વિધિઓમાં ચોક્કસ નિયમો અને કાર્યોનો સમૂહ છે, જે સામાન્ય રીતે હિંદુ સમુદાયોને સોંપવામાં આવેલા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, સમય જતાં, ભૂતની પૂજામાં મુસ્લિમ સમુદાયો ફટાકડા ફેંકવાના અથવા કોલા માટે સંગીત વગાડવાના કામમાં જોડાઈ ગયા હતા.”
ઉડુપી ખાતેની મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનમાં તુલુ સંસ્કૃતિના નિષ્ણાત પ્રોફેસર શેટ્ટી કહે છે, “ફટાકડાની રજૂઆતથી ભૂત કોલા ધાર્મિક વિધિઓમાં ભવ્યતા અને મનમોહક દૃશ્યો જોવા મળે છે.”
આમીર અને મુસ્તાક તેમના જગમગતા પ્રદર્શનો સાથે રાત્રિના આકાશને પ્રકાશિત કરીને સદીઓ જૂની સમન્વય અને સહિયારા વારસાની પરંપરાને આગળ ધપાવતા દર્શાવતી આ ફિલ્મ જુઓ.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF) તરફથી મળતી ફેલોશિપના સહકારથી તૈયાર થઇ છે.
કવર ડિઝાઇનઃ સિદ્ધિતા સોનાવણે
અનુવાદક: ફૈઝ મોહંમદ