પન્ના જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ પડ્યો છે અને કૈથાબારો બંધ પૂરેપૂરો ભરાઈ ગયો છે. નજીકમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વ (પી.ટી.આર.)ની ટેકરીઓમાંથી પાણી વહીને અહીં આવે છે.
સુરેન આદિવાસી બંધ પર હથોડી લઈને પહોંચ્યા છે. તેઓ ઝડપથી વહેતા પાણીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે અને ખાતરી કરે છે કે કોઈ પથ્થરો કે કાટમાળ તેના પ્રવાહને અવરોધતા તો નથી ને. ઝડપથી વહેતા પાણીને વધુ સારી દિશા આપવા માટે તેઓ હથોડીનો ઉપયોગ કરીને કેટલાક પથ્થરોને ફરતે ખસેડે છે.
તેઓ પારીને કહે છે, “હું પાણી સારી રીતે વહી રહ્યું છે કે કેમ તે જોવા માટે આવ્યો છું.” બિલપુરા ગામના નાના ખેડૂતે હકારમાં કહ્યું, “હા, તે બરાબર વહી રહ્યું છે.” તેઓ ખુશ છે કે આનાથી થોડા મીટર દૂર આવેલો તેમનો ડાંગરનો પાક હવે સુકાઈ નહીં જાય.
નાના બંધ તરફ જોઈને તેઓ કહે છે, “તે એક મોટું આશીર્વાદ છે. ચોખા પણ ઉગી શકે છે, ને ઘઉં પણ. આ પહેલા હું અહીં મારી એક એકર જમીનને ન તો પાણી પૂરું પાડી શકતો કે ન ખેતી કરી શકતો.”
આ એક એવું આશીર્વાદ છે, જેને બિલપુરાના લોકોએ પોતાની જાતે આપ્યું છે, જ્યારે તેમણે બંધ બાંધવામાં મદદ કરી હતી.
આશરે એક હજારની વસ્તી ધરાવતા બિલપુરા ગામમાં મોટાભાગે ગોંડ આદિવાસી (અનુસૂચિત જનજાતિ) ના ખેડૂતો વસે છે. તેમાંના દરેક નાની સંખ્યામાં ઢોર ઉછેર કરે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, ગામમાં માત્ર એક જ હેન્ડ પંપ અને એક કૂવો છે. સરકારે જિલ્લામાં અને તેની આસપાસ ઘણાં તળાવ બાંધ્યાં છે અને તેમને પથ્થરોથી બાંધ્યાં છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં કોઈ જળગ્રહણ વિસ્તાર નથી અને “પાની રુક્તા નહીં હૈ [પાણી રોકાતું જ નથી].”
ગામના લોકો લગભગ 80 એકર જમીન ધરાવે છે જે ડેમ અને તેમના ગામની વચ્ચે આવેલી છે. મહારાજ સિંહ કહે છે, “પહેલાં અહીં એક નાનું નાળું [જળપ્રવાહ] હતું અને તેનો ઉપયોગ થોડા એકર જમીનની સિંચાઈ માટે થઈ શકતો હતો. ડેમ આવ્યા પછી જ અમે બધા અમારાં ખેતરોમાં વાવેતર કરી શક્યા છીએ.”
મહારાજ ડેમની પણ મુલાકાત લઈ રહ્યા છે અને પોતાની પાંચ એકર જમીન પર ઘરેલું વપરાશ માટે વાવેલા ઘઉં, ચણા, ડાંગર અને મકાઈની સ્થિતિની તપાસ કરી રહ્યા છે. જે વર્ષે ઉપજ સારી હોય છે, ત્યારે મહારાજ તેને વેચે પણ છે.
તેઓ વહેતા પ્રવાહ તરફ ઈશારો કરતાં કહે છે, “આ પાણી મારા ખેતરમાં જાય છે. પહેલાં અહીં ખેતી થતી નહોતી. હું બાંધકામ સ્થળો પર મજૂર તરીકે કામ કરવા માટે દિલ્હી અને મુંબઈ જતો હતો.” તેમણે પ્લાસ્ટિકની અને પછી એક દોરા બનાવતી કંપનીમાં પણ કામ કર્યું.
2016માં આ બંધનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું ત્યારથી તેમણે સ્થળાંતર કરવું પડ્યું નથી - તેઓ અને તેમનો પરિવાર ખેતીની આવક પર જીવે છે. બંધનું પાણી આખું વર્ષ ચાલે છે અને તેનો ઉપયોગ પશુઓ માટે પણ થાય છે.
બંધનું પુનઃનિર્માણ કરવાનું પગલું બિન-સરકારી સંસ્થા, પીપલ્સ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (પી.એસ.આઈ.) દ્વારા યોજાયેલી જાહેર સભાઓનું પરિણામ હતું. પી.એસ.આઈ. ખાતે ક્લસ્ટર કોઓર્ડિનેટર શરદ યાદવ કહે છે, “સ્થાનિકો સાથે વાત કરતાં અમને જાણવા મળ્યું કે તેઓ બધા પાસે જમીન હતી, પરંતુ નિયમિત સિંચાઈ સુવિધાઓના અભાવે તેઓ તેમાં ખેતી કરી શકતા ન હતા.”
સરકારે કૈથા (કોઠું) ના વૃક્ષના ઉપવનની નજીક આવેલા તળાવ પર બંધ બાંધ્યો હતો. તેને એક વાર નહીં, પરંતુ 10 વર્ષમાં ત્રણ વખત બનાવવામાં આવ્યો હતો. જ્યારે તે છેલ્લે ચોમાસાના વરસાદમાં તૂટી પડ્યો, ત્યારે સત્તાધારીઓએ નિર્ણય લીધો કે હવે તેનું પુનઃનિર્માણ કરવામાં આવશે નહીં અને બંધનું કદ ઘટાડવામાં આવ્યું હતું.
પરંતુ આ નાનો બંધ પૂરતો ન હતો: “પાણી ખેતરોમાં માંડમાંડ પહોંચ્યું હતું ને ઉનાળો આવે તે પહેલાં તે સુકાઈ ગયું હતું, તેથી સિંચાઈ માટે તે કંઈ કામનો ન હતો.” મહારાજ કહે છે, “માત્ર 15 એકરમાં ખેતી થઈ શકી હતી અને માત્ર એક જ પાક ઉગાડવામાં આવ્યો હતો.”
વર્ષ 2016માં ગામલોકોએ જાતે જ ઉકેલ શોધવાનું નક્કી કર્યું અને બંધના પુનઃનિર્માણમાં પોતાનું શ્રમદાન (જાતમહેનત) આપવાની રજૂઆર કરી. શ્રમદાનમાં ભાગ લેનારા મહારાજ સમજાવે છે, “અમે કાદવ ઉપાડ્યું, પથ્થરો તોડ્યા અને તેમને વ્યવસ્થિત ગોઠવ્યા. અને તેથી એક મહિનામાં અમે બંધનું નિર્માણ પૂર્ણ કર્યું. તમામ શ્રમદાન કામદારો અમારા ગામના જ હતા, મોટાભાગના આદિવાસી હતા અને કેટલાક અન્ય પછાત વર્ગના હતા.”
નવો બંધ કદમાં મોટો છે અને તેમાં પાણીને સમાનરૂપે વહેતું રાખવા અને બંધને ફરીથી તૂટી જવાથી રોકવા માટે એક નહીં પરંતુ બે બંધારા છે. બંધાને કોઈ ખતરો નથી તેની ખાતરી કર્યા બાદ મહારાજ અને સુરેન રાહતનો શ્વાસ લઈને ઘરે પાછા ફરે છે. ટૂંકા વરસાદી તોફાન આવે તે પહેલાં બંને તેમના ઘરે પાછા ફરે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ