તેમની સામે મૂકેલી વિવિધ કઠપૂતળીઓ જોઈને રામચંદ્ર પુલાવર કહે છે, “અમારા માટે, આ માત્ર ચામડાની વસ્તુઓ જ નથી. તેઓ દેવી-દેવતાઓ છે, અને દૈવીય આત્માઓના અવતારો છે.” તેમની સામે મૂકવામાં આવેલી જટિલ રીતે રચાયેલી આકૃતિઓનો ઉપયોગ તોલ્પાવાકૂતુ શૈલીની કઠપૂતળીઓ બનાવવાની કળામાં થાય છે, જે આ દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તાર-કેરળના મલબાર પ્રદેશમાં નાટ્ય શૈલીનું એક લોકપ્રિય સ્વરૂપ છે.
પરંપરાગત રીતે આ મૂર્તિઓને ચક્કિલિયાન જેવા કેટલાક ખાસ સમુદાયોના સભ્યો બનાવતા હતા. આ કળાની લોકપ્રિયતામાં ઘટાડો થવાથી, તેમણે આ કામ બંધ કરી દીધું. આથી કૃષ્ણકુટ્ટી પુલવર જેવા કારીગરોએ આ કળાને જીવંત રાખવા માટે કઠપૂતળી બનાવવાની કળા શીખવવાનું કામ હાથ ધર્યું છે. તેમના પુત્ર રામચંદ્ર તેમાં વધુ આગળ વધ્યા છે અને તેમના પરિવાર અને પડોશની મહિલાઓને કઠપૂતળી બનાવવાની કળામાં તાલીમ આપી રહ્યા છે. રાજલક્ષ્મી, રજિતા અને અશ્વતિ પરંપરાગત રીતે મંદિર પરિસરમાં કામ કરતા પુરુષો માટે જ મર્યાદિત રહેલા આ ક્ષેત્રમાં કામ કરતાં મહિલા કઠપૂતળી કલાકાર છે.
આ કઠપૂતળીઓને માત્ર કામદારો દ્વારા જ નહીં, પરંતુ કાર્યક્રમમાં ભાગ લેનારા ભક્તો દ્વારા પણ દૈવીય આકૃતિઓ માનવામાં આવે છે. તેમને ભેંસ અને બકરીની ચામડીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કઠપૂતળી કલાકારો ચામડી પર કાળજીપૂર્વક ડિઝાઇન બનાવીને પ્રક્રિયા શરૂ કરે છે અને કોતરણી માટે છીણી અને પંચ જેવા વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરે છે. રામચંદ્રના પુત્ર રાજીવ પુલાવર કહે છે, “કુશળ લુહારોની અછતને કારણે આ ઓજારો મેળવવા પડકારજનક થઈ પડ્યું છે.”
કઠપૂતળીઓની ડિઝાઇન પ્રકૃતિ અને પૌરાણિક કથાઓ, ચોખાના દાણા, ચંદ્ર અને સૂર્યથી પ્રેરિત છે, જે કુદરતી જગતની સુંદરતાને શ્રદ્ધાંજલિ આપે છે. ભગવાન શિવના ઢોલ અને ચોક્કસ વેશભૂષા જેવી શૈલીઓ કઠપૂતળીના પ્રદર્શન દરમિયાન ગવાયેલી પૌરાણિક કથાઓમાંથી આવે છે. જુઓઃ તોલ્પાવકૂત કઠપૂતળીના ખેલ સૌને માટે છે.
કઠપૂતળી બનાવનારાઓ હજુ પણ કઠપૂતળીઓને રંગવા માટે કુદરતી રંગનો ઉપયોગ કરે છે, જેમાં ઘણી મહેનત જાય છે. તેથી હવે તેઓએ એક્રેલિક રંગોનો સમાવેશ કરવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને બકરીની ચામડી પર, જે ડિઝાઇન અને રંગની પેટર્ન સાથે પ્રયોગ કરવાની મંજૂરી આપે છે.
તોલ્પાવાકૂતુ કળા પરંપરા કેરળના મલબાર પ્રદેશમાં બહુસાંસ્કૃતિક અને સમન્વય પરંપરાઓનું પ્રતીક છે અને વિવિધ કઠપૂતળીઓ કલાકારોનો ઉદય એ એક ઉત્સાહજનક વલણ છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ