જોશુઆ બોધિનેત્રાને પોતાની કવિતાઓનો પાઠ કરતા સાંભળો


સરસ્વતી બાઉરીને ખોટનો સમય હતો.

જ્યારથી તેમની સબૂજ સાથી સાયકલ ચોરાઈ ગઈ ત્યારથી નિશાળે જવું જ પડકારરૂપ હતું. સરકારી શાળાઓમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે રજૂ કરવામાં આવેલી રાજ્ય યોજનાના ભાગ રૂપે સરસ્વતીને આ અદભૂત ભેટ મળી તે દિવસ એને હજુ યાદ છે. ઓહ! પકવેલી માટી જેવા સૂરજના અજવાળામાં તે કેવી ચળકતી હતી!

આજે તે ગ્રામપ્રધાન પાસે એક આશા અને નવી સાયકલની અરજી લઈને આવી છે. "સાયકલ તો પેયે જાબી રે છૂડી, કિંતુ તોર ઈસકુલ-તા અર કોડીન થાકબે સેટા  દેયાખ આગયે [સાયકલ તો સમજો તને મળી પણ જાય, છોડી, પણ આ નિશાળ જ અહીં લાંબા સમય સુધી નહીં રહે એનું શું?]," સરપંચ મોં પર એક સ્મિત સાથે ખભા ઉલાળતા બોલ્યા. સરસ્વતીના તો પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.  ગ્રામપ્રધાનના કહેવાનો અર્થ શું હતો? કારણ કે એણે શાળામાં જવા માટે 5 કિલોમીટર પેડલ મારતાં જવું પડે છે. હવે જો તે 10 કે 20 કિમી થયું કે પછી એથી ય વધારે તો તો સત્યાનાશ સમજો. કન્યાશ્રી તરફથી દર વર્ષે મળતા એક હજાર રૂપિયાના જોરે એ કેમની પિતા સાથે લડશે, જે તેના લગન લેવડાવવા પાછળ પડેલા છે.

સાયકલ

બેબીની સરકારી સાઇકલ સરરર જાય
જંગલમહાલને પાર કરી જાય
સ્ટીલના હળ જેવી મજબૂત ઘણી
બાબુઓની વૃત્તિ જમીન હડપવા ભણી
શાળા થાય બંધ તો શું?
કરી ભવાં બેન નાનકા ચડાવો છો શું?

*****

ફુલ્કી ટુડુનો દીકરો બુલડોઝરે જમીન પર પાડેલા પટ્ટામાં રમી રહ્યો છે.

આશા એને પરવડે નહીં એવી મહામૂલી ચીજ છે. કોવિડ પછી તો જરાય નહીં. તેની ગુમટી વેચતી નાની ચોપ-ઘુગની પર સરકારે બુલડોઝ ફેરવી નાખ્યું એ પછી તો નહીં જ. આ એ જ સરકાર જે ફાસ્ટ ફૂડ અને પકોડાને આપણી ઔદ્યોગિક શક્તિનો પાયાનો પથ્થર ગણાવીને બિરદાવે છે. એ જ લોકો જેમણે જ્યારે તે પહેલાં સ્ટોલ સ્થાપિત કરવા માંગતી હતી ત્યારે એમની તમામ બચત પચાવી પાડી હતી એ જ હવે આજે અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે.

વધતા જતા દેવાને પહોંચી વળવા એમનો પતિ રોજગાર માટે બાંધકામના કામની શોધમાં મુંબઈ ગયા છે. “આ પાર્ટી કહેશે કે, 'અમે તમને મહિને 1200 રૂપિયા આપીશું.' તે પાર્ટી કહેશે  કે 'અમે તમને ભગવાન આપીશું! બકવાસ લોખીર ભાંડાર, સાલા મસ્જિદ હોય કે મંદિર મારે શું લેવા દેવા?"  ફુલકી દીદી ગુસ્સામાં બબડતા રહે છે. "હોતોભાગાર ડોલ, આગે આમાર 50 હજાર ટકાર કાટ-મની ફેરોદ તે [બદમાશો ના જોયા હોય તો! પહેલા તમે ખાધેલા 50 હજાર રૂપિયા તો પાછા લાવો]!"

બુલડોઝર

દેવું આપણો જન્મસિદ્ધ અધિકાર, ને આશા તો નકરું નરક
ખીરામાં ડુબોળીને ભજિયા વેચીએ, પડે ના કોઈ ફરક
લોખીર ભંડાર,
નીચે, અંદર, ચારે તરફ
અમે પરસેવાથીલથબથ પીઠે લઇ દેશને ચાલીએ સતત
અમને કોઈ કહી ગયું'તું આપીશ પંદર લાખ સાવ મફત

*****

કોઈને ના મળ્યા હોય એવા એને મનરેગા હેઠળ 100 માંથી 100 દિવસો મળ્યા છે; ઉજવણીનો કરવી રહી હતી. પણ ના! લાલુ બાગદી બરાબરનો ફસાયો હતો, ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો જોઈ લો. એના સો દિવસોની ગણતરી કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત યોજના હેઠળ કરવાની હતી કે રાજ્યના મિશન નિર્મલ બાંગ્લા હેઠળ એ સરકારી બાબુઓને નક્કી કરી શકતા ન હોવાથી, તેના પૈસા  અમલદારશાહી દુઃસ્વપ્ન બનીને રહી ગયા હતા.

"સોબ શાલા મકાલ ફોલ [સાલા એકે એક હરામી છે]," લાલુ બાગદી અપશબ્દોનો વરસાદ વરસાવી રહ્યા હતા. સફાઈ એટલે સફાઈ, કચરો એટલે કચરો કે નહીં? એમાં વળી સ્કીમના નામ શું છે? કેન્દ્ર, રાજ્ય, શું ફેર પડે? પણ ફરક તો પડતો હતો, મોટો. રાષ્ટ્રના ઘમંડી મૂર્ખોને મન કચરાનો પણ પક્ષ હોવો જરૂરી છે.

કચરાનો ડબ્બો

રામ રામ! નિર્મલ, કેમ છો?
"વગર વેતનના સફાઈ કામદારની લાઈનમાં ઊભા છો?"
અહીં નદીઓમાં કોઈ શબ નથી...
મજૂર અધિકારો? એનો કોઈ ખપ નથી
આદાબ, સ્વચ્છ ભાઈ, શું હાલ ચાલ?
"લોહી મારું લીલું, ને પરસેવો કેસરિયો લાલ"

*****

ફારુક મંડલને ઘડીની નિરાંત નથી! માંડ દુકાળના દહાડાઓમાંથી નીકળ્યા ત્યાં   વરસાદ આવ્યો, ને પછી જ્યારે લણણીનો સમય થયો, ત્યારે અચાનક પૂર ને એમનું ખેતરને ધોવાઈ ગયું. "હાય અલ્લાહ, હે મા ગોંધેશ્વરી, એતો નીઠૂર કેને તોમરા? [ઓહ અલ્લાહ, ઓહ દેવી ગંધેશ્વરી, તું આટલી ક્રૂર કેમ છે?]" તે પૂછતો રહી ગયો.

જંગલમહલ - પાણીની હંમેશા અહીં અછત રહી છે પરંતુ વચનો, નીતિઓ, પ્રોજેક્ટોનો તોટો નથી. સજલ ધારા, અમૃત જલ. નામમાં જ સાંપ્રદાયિક વિવાદ ભર્યો ના હોય જાણે?  જળ કહો કે પાણી? પાઇપો નાખવામાં આવી છે, પ્રથા મુજબ દાન આવ્યા કરે છે, પણ હરામ છે જો ચોખ્ખા પીવાના પાણીનું એક ટીપું આવ્યું હોય તો. નિરાશ ફારુક અને બીબીજાને કૂવો ખોદવાનું શરૂ કર્યું, લાલ ધરતી નીચે ઘેરું લાલ પાતાળ, પણ પાણીનો કોઈ સંકેત નહીં. "હાય અલ્લાહ, હે મા ગોંધેશ્વરી, એતો પાશાન  કેને તોમરા? [હે અલ્લાહ, ઓહ દેવી ગંધેશ્વરી, તું આટલી પથ્થર-દિલ કેમ છે?]"

તરસ્યાં

અમી? અમરત? અમૃત? કેવી રીતે લખશો?
આપણી માતૃભાષાને પાણી કેમે ધરશો?
કે પછી તમે એને ય તરફડતી કરશો?
કેસર...ઝાફરાન?  શું છે કાનને નડતું?
મત આપું ગંડુનગરી માટે
કે મૂકીએ એના નામને પડતું?

*****

સોનાલી મહતો અને નાનો રામુ હૉસ્પિટલના દરવાજા પાસે સ્તબ્ધ મુખે ઊભા હતા. પહેલા બાબા અને હવે મા. એક વર્ષમાં બે બે જીવલેણ બીમારીઓ.

સરકારી આરોગ્ય વીમા કાર્ડ સાથે સજ્જ, એમણે એક દફતરથી બીજા દફતર સુધી દોડ્યા કર્યું, ભીખ માંગી, આજીજીઓ કરી, વિરોધ કર્યો. સ્વાસ્થ્ય સાથી દ્વારા આપવામાં આવેલી 5 લાખની મદદ તદ્દન અપૂરતી હતી. ભૂમિહીન, અને ટૂંક સમયમાં ઘરવિહોણા થનારાઓએ આયુષ્માન ભારત માટે અરજી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈને ખબર ન હતી કે તે શક્ય છે કે નહીં અને હશે તો ય કેટલી મદદ લાગશે. કેટલાકે કહ્યું કે રાજ્ય એ સ્કીમમાંથી હવે પીછેહઠ કરી ગયું છે. તો બીજાઓએ કહ્યું કે તેમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને આવરી લેવાઈ નથી. તો વળી થોડાંક અન્ય લોકોએ કહ્યું કે એમાંય પૈસા પૂરતા નથી. માહિતીના નામે માત્ર અંધાધૂંધી હતી

"દ-દ-દીદી રે, તોબે જે ઈસકુલે બ-બ-બોલે સોરકર અમાદેર પ-પ-પાશે અચ્છે [પણ દ-દ- દીદી, શું આપણે શ-શ-શાળામાં નથી શીખ્યા કે સરકાર આપણી સ-સ-સાથે છે]?" એની ઉંમરના પ્રમાણમાં વધુ સમજ ધરાવતો રામુ તોતડાતો બોલ્યો. સોનાલી શૂન્યાવકાશમાં ખોવાયેલી રહી.

વચનો

આશા દીદી! આશા દીદી, કરશો અમને મદદ જરા!
બાબાને નવા હૃદયની અને માને કિડનીની જરૂર જરા.
તત સત સત્ય, ને સાથી ભાઈબંધ નું હેત,
વેચી નાખ્યાં ખોલીયા ને વીચી નાખ્યાં ખેત
આયુષ, તમે ઉઠશો ને કરશો અમારી દશા દૂર?
કે તમે રહ્યા બસ ગરજતાં વાદળ, વરસવાથી દૂર?

*****

કવિ સ્મિતા ખટોરના આભારી છે કારણ એમના વિચારો કવિના આ કર્મમાં મહત્વના રહ્યા છે.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Joshua Bodhinetra

ஜோஷுவா போதிநெத்ரா, பாரியின் இந்திய மொழிகளுக்கான திட்டமான பாரிபாஷாவின் உள்ளடக்க மேலாளராக இருக்கிறார். கொல்கத்தாவின் ஜாதவ்பூர் பல்கலைக்கழகத்தில் ஒப்பீட்டு இலக்கியத்தில் ஆய்வுப்படிப்பு படித்திருக்கும் அவர், பன்மொழி கவிஞரும், மொழிபெயர்ப்பாளரும், கலை விமர்சகரும், ச்மூக செயற்பாட்டாளரும் ஆவார்.

Other stories by Joshua Bodhinetra
Illustration : Aunshuparna Mustafi

அவுன்ஷுபர்ணா முஸ்தஃபி, கொல்கத்தாவின் ஜாதவ்பூர் பல்கலைக்கழகத்தில் ஒப்பீட்டு இலக்கியம் படித்தவர். கதைசொல்லல், பயண எழுத்து, பிரிவினை மற்றும் பெண்கள் ஆய்வு ஆகியவற்றில் ஆர்வம் கொண்டவர்.

Other stories by Aunshuparna Mustafi
Editor : Pratishtha Pandya

பிரதிஷ்தா பாண்டியா பாரியின் மூத்த ஆசிரியர் ஆவார். இலக்கிய எழுத்துப் பிரிவுக்கு அவர் தலைமை தாங்குகிறார். பாரிபாஷா குழுவில் இருக்கும் அவர், குஜராத்தி மொழிபெயர்ப்பாளராக இருக்கிறார். கவிதை புத்தகம் பிரசுரித்திருக்கும் பிரதிஷ்தா குஜராத்தி மற்றும் ஆங்கில மொழிகளில் பணியாற்றுகிறார்.

Other stories by Pratishtha Pandya