રુખાબાઈ પાડવી એ સાડી પર હાથ ફેરવ્યા વિના રહી શકતા નથી. અમારી વાતચીત દરમિયાન મને ખ્યાલ આવી જાય છે કે એ સાડી પર હાથ ફેરવવાથી તેઓ એક જુદા જ સમયમાં સરી જાય છે, એક જુદી જ દુનિયામાં પહોંચી જાય છે.
અક્રાણી તાલુકાના ડુંગરાળ અને આદિવાસી પ્રદેશમાં બોલાતી એક આદિવાસી ભાષા, ભીલમાં તેઓ કહે છે, "આ મારી લગ્નની સાડી છે." ચારપાઈ (પલંગ) પર બેઠેલા, 90 વર્ષના આ વૃદ્ધા હળવાશથી તેમના ખોળામાંની આછા ગુલાબી રંગની અને સોનેરી કિનારવાળી સુતરાઉ સાડી પર હાથ ફેરવે છે.
તેઓ કહે છે, "મારા માતા-પિતાએ તેમની મહામહેનતે કરેલી બચતમાંથી આ ખરીદી હતી. આ સાડી મારે માટે તેમની યાદ છે,” અને તેઓ બાળસહજ સ્મિત કરે છે.
રુખાબાઈનો જન્મ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્રાણી તાલુકાના મોજારા ગામમાં થયો હતો; તેઓ હંમેશ આ જ પ્રદેશમાં રહ્યા છે.
તેઓ કહે છે, "મારા માતા-પિતાએ મારા લગ્ન પાછળ 600 રુપિયા ખર્ચ્યા હતા. એ સમયમાં તો આ રકમ ઘણી મોટી કહેવાય. તેઓએ આ લગ્નની સાડી સહિત પાંચ રુપિયાના કપડાં ખરીદ્યા હતા." જોકે, ઘરેણાં તેમની વહાલી માતાએ ઘેર બનાવ્યા હતા.
રુખાબાઈ કહે છે, “નહોતો કોઈ સોની કે નહોતો કોઈ કારીગર. મારી માએ ચાંદીના સિક્કામાંથી ગળાનો હાર બનાવ્યો હતો. સાચા રુપિયાના સિક્કા. મારી માએ સિક્કાઓ વીંધ્યા અને ગોધડી [ગોદડી - હાથેથી બનાવેલી ચાદર] નો જાડો દોરો સિક્કાઓમાં પરોવ્યો." ગળાનો હાર બનાવવાના પોતાની માતાના આ પ્રયાસની યાદ આવતા તેઓ હસી પડે છે. પછી તેઓ ફરીથી કહે છે, “ચાંદીના સિક્કા હોં. આજના જેવા કાગળના પૈસા નહીં.”
તેઓ કહે છે કે તેમના લગ્ન ધામધૂમથી થયા હતા, અને એ પછી થોડા જ વખતમાં યુવાન કન્યા મોજારાથી લગભગ ચાર કિલોમીટર દૂર તેના સાસરાને ગામ સુરવાણી રહેવા ગઈ હતી. બસ, ત્યારે અને ત્યાંથી જિંદગીએ એક વળાંક લેવાનું શરૂ કર્યું. તેમના દિવસો હવે સરળ કે આનંદભર્યા રહ્યા નહોતા.
તેઓ કહે છે, "એ ઘર મારે માટે પારકું ઘર હતું તેમ છતાં મેં મારી જાતને સમજાવ્યું કે હવે મારે મારી બાકીની જિંદગી ત્યાં જ રહેવું પડશે." ઉંમરના નેવુંમાં દાયકામાં પહોંચેલા તેઓ કહે છે, "મને માસિક આવતું હતું તેથી હું પુખ્ત વયની થઈ ગઈ છું એમ માનવામાં આવતું હતું."
"પરંતુ લગ્ન એટલે શું, પતિ એટલે શું એની મને કશી જ ખબર નહોતી."
તેઓ હજુ બાળક હતા; બાળકો જે રીતે મિત્રો સાથે રમે એ રીતે મિત્રો સાથે રમવા જેટલા નાના. જો કે તેમના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હોવાને કારણે તેમને તેમની ઉંમરના કરતા વધારે મોટા હોય એ રીતે વર્તવાની અને મુશ્કેલીઓ સહન કરવાની ફરજ પડી હતી.
“મારે આખી રાત મકાઈ અને બાજરી દળવા પડતા. મારા સાસુ-સસરા, મારી નણંદ, મારા પતિ અને હું - એમ પાંચ લોકો માટે મારે દળણું દળવું પડતું."
આ કામને કારણે તેઓ થાકી જતા, તેમને સતત પીઠનો દુ:ખાવો પણ રહેતો. "હવે તો મિક્સર અને ઘરઘંટીને કારણે સાથે બધું બહુ સરળ થઈ ગયું છે."
એ દિવસોમાં તેઓ અંદર ને અંદર જે ગભરાટ અનુભવતા હતા એ વિષે કોઈનીય સાથે વાત કરવાનું તેમને માટે મુશ્કેલ હતું. તેઓ કહે છે કે, કોઈએ સહાનુભૂતિપૂર્વક તેમની વાત સાંભળી ન હોત. વાત સાંભળવા તૈયાર હોય અને સહાનુભૂતિ ધરાવતા હોય એવા શ્રોતાઓ તો ન મળ્યા પણ રુખાબાઈએ ક્યારેય ધાર્યુંય ન હોય એવી સહિયર તેમને મળી ગઈ - નિર્જીવ વસ્તુમાં. તેઓ પતરાની જૂની પેટીમાં રાખેલા માટીના વાસણો બહાર કાઢે છે. તેઓ કહે છે, “મેં મારો કેટલો બધો સમય આ વાસણો સાથે ગાળ્યો છે, ચુલ પર રસોઈ કરતાં કરતાં સારી-નરસી બધી બાબતો વિશે વિચારવામાં. મને ધીરજથી સાંભળનાર કોઈ હોય તો એ આ વાસણો જ હતા.
આમાં કશું અસામાન્ય નથી. ગ્રામીણ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં, મહિલાઓને રસોઈ બનાવવા માટેના બીજા એક સાવ સીધા-સાદા સાધન - ગ્રાઇન્ડમિલ (ઘંટી) - માં એક વિશ્વાસુ સહિયર મળી હતી. દરેક ઉંમરની મહિલાઓ રોજેરોજ લોટ દળતી વખતે, તેમના પતિ, ભાઈઓ અને દીકરાઓના કાનથી દૂર, પોતના આનંદના, દુ:ખના અને હૃદયભંગના ગીતો રસોડાના આ સાધન આગળ ગાતી. અહીં ગ્રાઇન્ડમિલ સોંગ્સ (દળણું દળતી વખતે ગવાતા ગીતો) પરની પારીની શ્રેણી માં તમે એ વિષે વધુ વાંચી શકશો.
જેમ જેમ રુખાબાઈ પેટી ફંફોસતા જાય છે તેમ તેમ તેઓ તેમની વધતી જતી ઉત્તેજનાને રોકી શકતા નથી. તેઓ કહે છે, “આ દાવી [સૂકવેલી દૂધીમાંથી કોતરેલી કડછી] છે. અમે પહેલા આ રીતે પાણી પીતા હતા," અને તેઓ દાવીથી કેવી રીતે પાણી પીતા હતા એ મને બતાવે છે. આ સાવ સરળ ક્રિયા પણ તેમને હસાવવા માટે પૂરતી છે.
લગ્નના એક વર્ષમાં જ રુખાબાઈ માતા બન્યા. ત્યાં સુધીમાં તેઓને ઘરના અને ખેતરના કામ એકસાથે શી રીતે સાંભળવા એનોય હજી માંડ ખ્યાલ આવ્યો હતો.
બાળકના જન્મ સાથે જ ઘરમાં નિરાશા છવાઈ ગઈ. તેઓ કહે છે, “ઘરમાં બધાને છોકરો જોઈતો હતો, પણ છોકરી જન્મી હતી. મને એની (ઘરના બીજા સભ્યોની નિરાશાની) કોઈ પરવા નહોતી કારણ કે બાળકની સંભાળ તો માત્ર મારે જ લેવાની હતી."
એ પછી રુખાબાઈને પાંચ દીકરીઓ થઈ. તેઓ કહે છે, “છોકરા માટે એટલો તો દુરાગ્રહ હતો. આખરે, મેં તેમને બે દીકરાઓ આપ્યા. પછી હું છૂટી." આ યાદ આવતા આંખમાં આવેલા આંસુ લૂછતાં લૂછતાં તેઓ વાત કરે છે.
આઠ બાળકોને જન્મ આપ્યા પછી તેમનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું. “પરિવાર મોટો થયો હતો પણ અમારા બે ગુંઠા [આશરે 2000 ચોરસ ફૂટથી વધુ] ના ખેતરની ઉપજ વધી નહોતી. ખાવા માટે પૂરતું (ધાન) નહોતું. અને જે કંઈ મળતું તેમાંથી મહિલાઓ અને છોકરીઓને ભાગે તો બહુ ઓછો હિસ્સો આવતો. મને સતત પીઠનો દુ:ખાવો રહેતો હતો તેમ છતાં મારે ભાગેય સાવ ઓછું ખાવાનું આવતું." ગુજરાન ચલાવવા માટે વધુ કમાણી કરવી ખૂબ જરૂરી હતી." પીઠમાં દુખાવો હોવા છતાં હું મારા પતિ મોત્યા પાડવી સાથે દિવસના 50 પૈસામાં રસ્તા બનાવવા જતી હતી."
આજે રુખાબાઈ તેમના પરિવારની ત્રીજી પેઢીને તેમની આંખ સામે ઉછરતી જોઈ શકે છે. તેઓ કહે છે, "આ એક આખી નવી દુનિયા છે," અને સ્વીકારે છે કે પરિવર્તનથી કંઈક લાભ થયો છે.
અમારી વાતચીત પૂરી થાય છે ત્યારે તેઓ આજના જમાનાની એક વિચિત્રતાની વાત કરે છે: તેઓ કહે છે, “અગાઉ અમને માસિક આવે ત્યારે અમે બધેય જતા હતા. હવે મહિલાઓને રસોડામાં અંદર જવા દેવામાં આવતી નથી." તેઓ દેખીતી રીતે જ ચિડાયેલા છે, તેઓ કહે છે. "ભગવાનના ફોટા ઘરમાં ઘાલ્યા, પરંતુ મહિલાઓને બહાર કાઢી [મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે આભડછેટ પાળવાનું શરુ કર્યું]."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક