મેં મારી આખી જીંદગી પશુઓની સંભાળ રાખવામાં કાઢી છે. આ અમારું રાયકાનું કામ જ છે: પશુઓની સંભાળ રાખવાનું.
મારું નામ સીતા દેવી છે અને હું 40 વર્ષની છું. અમારો સમુદાય સદીઓથી પશુઓની સંભાળ રાખતો આવ્યો છે. અગાઉ અમે મુખ્યત્વે ઊંટ પાળતા હતા, પણ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ઘેટાં, બકરાં અને ગાય-ભેંસ પણ પાળીએ છીએ. અમારો કસ્બો તારામગરીને નામે ઓળખાય છે અને તે રાજસ્થાનના પાલી જિલ્લાના જૈતારણ બ્લોકના કુર્કી ગામથી એક કિલોમીટર દૂર આવેલો છે.
મારા લગ્ન હરિ રામ દેવાસી સાથે થયેલા છે [તેઓ હાલ 46 વર્ષના છે] અને અમે અમારા બે દીકરાઓ - સવાઈ રામ દેવાસી અને જામતા રામ દેવાસી અને તેમની વહુઓ આચુ દેવી અને સંજુ દેવી સાથે રહીએ છીએ. આચુ અને સવાઈને 10 મહિનાનો દીકરો છે. ઉપરાંત મારી મા 64 વર્ષના શાયરી દેવી પણ અમારી સાથે રહે છે.
મારો દિવસ લગભગ સવારે 6 વાગ્યે બકરીના દૂધની ચાના કપથી શરૂ થાય છે, ચા હું જાતે બનાવી લઉં કે પછી મારી વહુઓ બનાવી આપે. પછી રસોઈ કરીને અમે બાડા [પશુઓ માટેની છાપરી] માં જઈએ, ત્યાં અમે અમારા ઘેટાં-બકરાં રાખીએ છીએ. હું ત્યાં કચરો વાળીને લીંપણ કરેલી ફર્શ સાફ કરું, અને પશુઓની લીંડીઓ એક બાજુએ ભેગી કરીને પછીથી વાપરવા માટે અલગ રાખું.
બાડા અમારા ઘરની પાછળ જ છે અને ત્યાં અમે અમારા 60 પશુઓ, ઘેટાં-બકરાં બંને રાખીએ છીએ, બાડામાં અમારી પાસે વાડ કરેલી થોડી જમીન છે, ગાડરાં અને લવારાંને અમે ત્યાં રાખીએ. બાડાના એક છેડે અમે અમારા પશુઓ માટે સૂકો ઘાસચારો રાખીએ - તેમાં મોટાભાગે ગુવારના સૂકા ઠૂંઠા હોય. ઘેટાં-બકરાં ઉપરાંત અમારી પાસે બે ગાય પણ છે અને ઘરના મુખ્ય દરવાજા પાસે તેમની અલગ છાપરી - ગમાણ છે.










