“કેમેરા એ ધાતુનો એક કાણાંવાળો ટુકડો છે, ફોટો તો તમારા હૈયામાં છે. તમારો હેતુ તમારા ફોટોગ્રાફનું સ્વરૂપ નક્કી કરે છે.”
પી. સાંઈનાથ
નીચે વળીને કામ કરતાં, સંતુલન કરતાં, મકાન બનાવતાં, દોરડાથી ખેંચતાં, વજન ઊંચકતાં, કચરો વાળતાં, રસોઈ કરતાં, પરિવારની સંભાળ રાખતાં, પ્રાણીઓને ચરાવતાં, વાંચતાં, લખતાં, વણાટ કરતાં, સંગીત બનાવતાં, નૃત્ય કરતાં, ગાતાં અને ઉજવણી કરતાં ગ્રામીણ ભારતના લોકોના જીવનની નાની મોટી પળોને લખાણ સાથે જોડતી છબીઓ તેમનાં જીવન અને કામકાજની ઊંડી અને વધુ ઝીણવટભરી સમજણ ઊભી કરે છે.
પારી ફોટાઓ સામૂહિક સ્મૃતિને જાળવી રાખવાની કોશિશ છે. તેઓ આપણે જે સમયમાં જીવીએ છીએ તેનું નિષ્પક્ષ દસ્તાવેજીકરણ નથી, પરંતુ એક પ્રવેશદ્વાર છે કે જેના થકી આપણે આપણી જાત અને આપણી આસપાસની દુનિયા બન્ને સાથે જોડાઈએ છીએ. અમારો ફોટોગ્રાફ્સનો વિશાળ સંગ્રહ તે વાર્તાઓ કહે છે જે સમાચારના મુખ્ય માધ્યમોમાં આવરી લેવામાં આવતી નથી — હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, તરછોડાયેલા સ્થળો, જમીન, આજીવિકા અને મજૂરોની વાર્તાઓ.
આનંદ, સૌંદર્ય, સુખ, ઉદાસી, દુઃખ, વિસ્મય અને ભયંકર સત્યો ફોટોગ્રાફ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, તે મનુષ્યનું તેની તમામ નાજુકતા અને નબળાઈઓમાં ચિત્રણ કરે છે. વાર્તામાંની વ્યક્તિ ફક્ત છબી ખેંચવાનો કાંઈ વિષય માત્ર નથી. છબીમાં રહેલ વ્યક્તિનું નામ જાણવાથી તેમના પ્રત્યે સહાનુભૂતિ પેદા કરે છે. અને અનન્ય વાર્તા મોટા સત્યની વાત કરે છે.
પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે ફોટોગ્રાફર અને જે વ્યક્તિનો ફોટો પાડવામાં આવી રહ્યો હોય તેમની વચ્ચે સહયોગ હોય. શું તેઓ અપાર નુકસાન અને અકલ્પનીય દુ:ખ સહન કરતા હોય ત્યારે આપણી પાસે તેમનો ફોટો પાડવા માટે તેમની સંમતિ છે? આપણે સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો સન્માન સાથે ફોટો કેવી રીતે લઈએ? કયા સંદર્ભમાં વ્યક્તિ અથવા લોકોના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે? લોકોના રોજિંદા જીવનની રોજરોજની વાર્તાઓ કહેતી છબીઓની શ્રેણી બનાવવા પાછળનો હેતુ શું છે?
આ એવા નિર્ણાયક પ્રશ્નો છે કે જેની સાથે અમારા ફોટોગ્રાફરો જ્યારે અહેવાલ બનાવી રહ્યા હોય ત્યારે ઝઝૂમતા હોય છે, પછી ભલેને તેમણે એક વાર્તા માટે પણ થોડાક દિવસો કે થોડાક વર્ષો સુધી શૂટિંગ કરવું પડે. તેઓ પ્રતિષ્ઠિત કલાકારોનું શૂટિંગ કરતા હોય આદિવાસી ઉત્સવો, વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો અને અન્ય ઘટનાઓનું શૂટિંગ કરતા હોય તો પણ.
વિશ્વ ફોટોગ્રાફી દિવસ પર અમે તમારા માટે પારી પર ફોટોગ્રાફરો દ્વારા તેમની વાર્તાઓ માટે લેવામાં આવેલી છબીઓનો સંગ્રહ લાવ્યા છીએ. તેઓ તેમની પદ્ધતિ વિષે લખે છે, જે આપણને તેમની છબીઓ વિષે ઊંડાણપૂર્વકની સમજ આપે છે. તેઓ મૂળાક્ષરોના ક્રમમાં નીચે ગોઠવાયેલ છે:
મહારાષ્ટ્રના મુંબઈમાં આકાંક્ષા
આ છબી મુંબઈ લોકલમાં સારંગીના સૂર ની છે, જે વાર્તા મેં સારંગી કલાકાર કિશન જોગી પર લખી હતી, જેઓ મુંબઈ લોકલ ટ્રેનને પ્રદર્શન મંચ બનાવીને ત્યાં તેમની સારંગી વગાડવાની કળાનું પ્રદર્શન કરે છે. તેમની છ વર્ષની પુત્રી ભારતી તેમની સાથે હોય છે.
તેમની વાર્તા એવા ઘણા કલાકારોની વાર્તાનો પડઘો છે, જેઓ બાળપણથી ઘણીવાર મારી નજરે પડ્યા છે. મેં તેમને જોયા છે, સાંભળ્યા છે, પરંતુ ક્યારેય તેમને એક કલાકાર તરીકે સ્વીકાર્યા નથી. અને તેથી જ મારા માટે આ વાર્તા કરવી મહત્ત્વપૂર્ણ બની ગઈ.
આ છબી તેમની ઝડપી મુસાફરીના એકધારા લયની વચમાં એક સમયે લેવામાં આવી હતી, જેઓ પૂરપાટ દોડતી ટ્રેનની ભીડમાં એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં જતા હતા.
કિશન ભૈયા તેમની પ્રસ્તુતિ દરમિયાન ખીચોખીચ ભરેલા ટ્રેનના ડબ્બામાં પણ શ્વાસ લીધા વિના ઝડપથી આગળ વધી રહ્યા હતા, ને હું ક્યાં ઊભું રહેવું એની જગ્યા શોધવા માટે ફાંફા મારી રહી હતી. તેઓ એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈ રહ્યા હતા, પણ તેમનું સંગીત સતત ચાલુ રહ્યું હતું.
મારા વ્યૂફાઇન્ડરમાંથી તેમને જોતાં મેં શરૂઆતમાં વિચાર્યું કે તેઓ આસપાસ કેમેરા જોઈને ખચકાટ અનુભવશે અને સભાન બની જશે, પરંતુ હું ખોટી હતી – આ કલાકાર તેમની કળામાં ગળાડૂબ હતા.
તેમની કળાની ઊર્જા ચેપી હતી, અને તેઓ જે થાકેલા મુસાફરો વચ્ચે હતા તેમનાથી તદ્દન વિપરીત હતું. મેં આ ફોટામાં તે દ્વૈતતાને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
*****
અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગમાં બીનાઇફર ભરૂચા
મેં આ ફોટો અગમના એંધાણ આપતા અરુણાચલના અબોલ જીવો વાર્તા માટે પાડ્યો હતો.
(ફોટોમાં) ઐતિ થાપાની પાછળ હરિયાળી વનસ્પતિથી છલોછલ સાપ જેવા રસ્તાઓ પર ઉપર અને નીચે જતાં, લપસણા કાદવ પરથી લપસતાં, અને જળો મને ચોંટશે નહીં એવી આશામાં તેમની પાછળ હું જતી હતી. પક્ષીઓના અવાજોથી અમુકવાર મૌન પ્રસરી જતું. અમે જળવાયું પરિવર્તન પરની એક વાર્તા માટે અરુણાચલ પ્રદેશના ઈગલનેસ્ટ અભયારણ્યમાં હતાં.
2021થી, ઐતિ અહીં પક્ષીઓની પ્રજાતિઓનો અભ્યાસ કરતી સંશોધન ટીમનાં સભ્ય છે. જંગલમાં ટીમ દ્વારા ગોઠવવામાં આવેલી ભીની જાળીમાં પક્ષીઓ પકડાય છે. ધીમેથી તેમને ગૂંચમાંથી બહાર કાટવાનું કામ મુશ્કેલ છે, પરંતુ તેઓ આ કામને ઝડપથી, છતાં સાવચેતીપૂર્વક કરે છે.
મારું હૃદય ઝડપથી ધબકે છે, કારણ કે હું રૂફસ-કેપ્ડ બેબલરની નાજુક ફ્રેમ તરફ માયાળુ રીતે જોઈ રહેલી ઐતિનો ફોટો ખેંચવામાં સફળ થાઉં છુંઃ પ્રકૃતિની વચ્ચે માનવ અને પક્ષીઓ વચ્ચેના આ જોડાણ અને વિશ્વાસની ક્ષણ જાદુઈ છે. તેઓ મુખ્યત્વે પુરુષોની ટીમમાં સંરક્ષણમાં કામ કરતી માત્ર બે સ્થાનિક મહિલાઓમાંનાં એક છે.
ઐતિ મજબૂત અને સૌમ્ય બાંધાનાં છે, સહજતાથી જાતિના બંધનોને તોડે છે, જે વાર્તા માટે આ છબીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
*****
તમિલનાડુના રામનાથપુરમમાં દીપ્તિ અસ્થાના
ધનુષકોડી તમિલનાડુના તીર્થ શહેર રામેશ્વરમથી માત્ર 20 કિલોમીટર દૂર છે. એક બાજુ બંગાળની ખાડી અને બીજી બાજુ હિંદ મહાસાગર સાથે, તે સમુદ્રમાં ઝૂલતી જમીનનો એક નાનો ટુકડો છે — તે અદ્ભૂત છે! લોકો ઉનાળાના છ મહિના સુધી બંગાળની ખાડીમાં માછલીઓ પકડે છે અને જ્યારે પવન બદલાય છે, ત્યારે તેઓ હિંદ મહાસાગર તરફ વળે છે.
બ્રોકન બોઉઝ: ધનુષકોડી'સ ફરગોટન પીપલ વાર્તા માટે પહોંચ્યાના થોડા દિવસ પછી મને સમજાયું કે આ પ્રદેશમાં પાણીની તીવ્ર કટોકટી છે.
બન્ને બાજુએ મહાસાગરોથી ઘેરાયેલી આ જગ્યાએ, દરરોજ તાજા પાણીનો લાભ મેળવવો એ એક પડકાર છે. ઘણીવાર, મહિલાઓ રોજિંદા ઉપયોગ માટે તેમના વાસણો પાણીથી ભરવા માટે તેમના હાથથી છિદ્રો ખોદે છે.
અને આ એક પુનરાવર્તિત થતું વિષ ચક્ર છે, કારણ કે પાણી ખૂબ જ ઝડપથી ખારું થઈ જાય છે.
આ છબી વિશાળ લેન્ડસ્કેપ સામે મહિલાઓના જૂથને દર્શાવે છે, જે તેને રસપ્રદ બનાવે છે. સાથે સાથે, તે જીવનની મૂળભૂત જરૂરિયાતોનો અભાવ પણ દર્શાવે છે, જે દરેક મનુષ્યનો પાયાનો અધિકાર છે.
*****
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ઈન્દ્રજીત ખામ્બે
ઓમપ્રકાશ ચૌહાણ છેલ્લા 35 વર્ષથી દશાવતાર થિયેટરમાં એક સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે 8,000થી વધુ નાટકોમાં અભિનય કર્યો હોવાથી, તેઓ આ કળાના સૌથી જાણીતા કલાકારોમાંના એક છે. તેઓ તેમના પ્રેક્ષકો માટે દશાવતારના ગ્લેમરને જીવંત રાખે છે, જેવું તમે મારી વાર્તા: અ રિચ નાઇટ ઓફ દશાવતાર ઇમ્પ્રૂવાઇઝેશન માં જોઈ શકો છો:
હું એક દાયકા કરતાં વધુ સમયથી તેમનું દસ્તાવેજીકરણ કરી રહ્યો છું, અને તેમની વાર્તા કહેવા માટે એક પ્રતિકાત્મક છબી લેવા માંગતો હતો. મને આ તક ત્યારે મળી, જ્યારે તેઓ થોડા વર્ષો પહેલા સાતરડામાં પ્રસ્તુતિ કરી રહ્યા હતા. અહીં (ઉપર) તેઓ નાટક માટે સ્ત્રીના પાત્ર તરીકે તૈયાર થતા જોવા મળે છે.
આ ફોટોમાં તેમને તેમના બન્ને અવતારમાં જોઈ શકાય છે. આ એકલી છબી જ સ્ત્રીની ભૂમિકા ભજવતા પુરુષ તરીકેના તેમના વારસાની સાક્ષી છે.
*****
છત્તીસગઢના રાયગઢમાં જોયદીપ મિત્ર
મેં રામદાસ લેમ્બનું ‘રૅપ્ટ ઇન ધ નેમ’ એ સમયે વાંચ્યું હતું જ્યારે દાયકાઓથી હિન્દુ જમણેરીઓ દ્વારા રચાયેલ રામનું સંપૂર્ણ વિપરીત અર્થઘટન ભારત પર જીત મેળવી રહ્યું હતું.
તેથી હું તરત જ આ બહુમતીવાદી કથનના વિકલ્પની શોધમાં નીકળ્યો, જે મને રામનામીઓ તરફ દોરી ગયો. વર્ષો સુધી મેં તેમને આત્મીયતાથી જાણીને તેમનો એક ભાગ બનવાનો પ્રયત્ન કર્યો છે.
ઈન ધ નેઈમ ઓફ રામ ની આ છબી તે તાબા હેઠળના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જો તેમને સશક્ત કરવામાં આવ્યા હોત, તો તેઓ ભારતને તેના વર્તમાન સ્વરૂપ તરફ સરકતાં અટકાવી શક્યા હોત.
*****
જમ્મુ અને કાશ્મિરના શ્રીનગરમાં મુઝમ્મિલ ભાટ
જીગર દેદના ચહેરાનું આ પોટ્રેટ મારી વાર્તા, ધ સોરોઝ ઓફ જીગર દેડ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે આપણને તેમના જીવન વિષે ઘણું કહે છે.
મને સ્થાનિક અખબારમાંથી જીગર દેદ વિષે જાણવા મળ્યું, જેમાં કોવિડ–19 મહામારી દરમિયાન તેમના સંઘર્ષ વિષે લખ્યું હતું. હું તેમને મળવા અને તેમની વાર્તા જાણવા આતુર હતો.
જ્યારે હું દાલ તળાવ પર તેમની હાઉસબોટ પર ગયો, ત્યારે તેઓ ખૂણામાં ઊંડા વિચારમાં મગ્ન હતાં. હું આગામી 8–10 દિવસો સુધી તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. તેમણે મને છેલ્લા 30 વર્ષથી એકલા રહેવાના તેમના સંઘર્ષ વિષે જણાવ્યું.
તેમની વાર્તા લખતી વખતે મેં જે સૌથી મોટા પડકારનો સામનો કર્યો તે એ હતો કે મારે વસ્તુઓનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું, કારણ કે તેઓ ચિત્તભ્રંશથી પીડિત દર્દી હતાં. તેમના માટે વસ્તુઓ યાદ રાખવી અને કેટલીકવાર મને ઓળખવું પણ મુશ્કેલ થઈ પડતું હતું.
આ મારી પ્રિય છબી છે, કારણ કે તે તેમના ચહેરા પરની કરચલીઓ પણ દર્શાવે છે. મારા માટે દરેક કરચલી એક વાર્તા કહે છે.
*****
તમિલનાડુના તિરુવલ્લુરમાં પલાની કુમાર
ગોવિંદમ્માની વાર્તા લખવી એ એક લાંબા ગાળાનો પ્રોજેક્ટ હતો. મેં તેમની સાથે 2–3 વર્ષ સુધી વાત કરી, લોકડાઉન પહેલાં અને પછી પણ. મેં તેમના પરિવારની ત્રણ પેઢીઓની છબીઓ કંડારી છે —ગોવિંદમ્મા, તેમનાં માતા, તેમના પુત્ર અને તેમની પૌત્રી.
જ્યારે મારી વાર્તા ગોવિંદમ્મા: 'આખી જિંદગી હું પાણીમાં જ રહી છું' પ્રકાશિત થઈ, ત્યારે તે ઉત્તર ચેન્નાઈના પર્યાવરણીય મુદ્દાઓ વિષે હોવાથી, લોકોએ વાર્તાને વ્યાપકપણે શેર કરવાનું શરૂ કર્યું.
તિરુવલ્લુરના કલેક્ટરે પટ્ટા [જમીનની માલિકીના દસ્તાવેજો] આપ્યા, અને લોકોને પેન્શન આપવામાં આવ્યું. તેની સાથે તેમના માટે નવા મકાનો પણ બનાવવામાં આવ્યા હતા. એટલા માટે વાર્તામાંની આ છબી મારા માટે મહત્ત્વની છે. તે મામલાને આગલા સ્તર પર લઈ ગઈ હતી.
તમે કહી શકો કે આ મારા માટે જીવન બદલી નાખનારી છબી છે.
*****
ઓડિશાના રાયગઠમાં પુરુષોત્તમ ઠાકુર
હું આ નાની છોકરી, ટીનાને ત્યારે મળ્યો જ્યારે હું મારી વાર્તા, અ વેડિંગ ઈન નિયામગીરી માટે કામ કરી રહ્યો હતો. તેણી લગ્ન સમારોહમાં ભાગ લઈ રહી હતી. જ્યારે મેં આ ફોટો લીધો ત્યારે તેણી તેના પિતા સાથે માટીના ઘરના વરંડા સામે ઊભી હતી.
છોકરી ગુડાકુ [તમાકુ અને સડેલા ગોળની પેસ્ટ] વડે દાંત સાફ કરી રહી હતી. મને ગમ્યું કે તેણી કેવી રીતે તેનો ફોટો પાડવામાં આવી રહ્યો છે તેની સાથે આરામદાયક હતી.
આ છબી મને આદિવાસીઓની ફિલસૂફીની પણ યાદ અપાવે છે. તેઓ માત્ર તેમની પોતાની જમીન અને નિયમગિરી ટેકરીની જ નહીં, પરંતુ તેમની આસપાસની સમગ્ર જૈવવિવિધતાની જાળવણી માટેના તેમના સંઘર્ષને પણ દર્શાવે છે, જેના પર તેઓ તેમના સામાજિક–સાંસ્કૃતિક અને આર્થિક જીવન માટે નિર્ભર છે.
માનવ સભ્યતા માટે આ કેટલું મહત્ત્વનું છે, તે વિશ્વ માટે એક સંદેશ છે.
*****
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં રાહુલ એમ.
મેં મારી વાર્તા અરે, તે ઘર? એ તો હવે દરિયામાં છે – ત્યાં! માટે 2019માં આ ફોટો લીધો હતો. હું યાદ રાખવા માંગતો હતો કે ઉપારામાં માછીમારોની વસાહત એક સમયે કેવી દેખાતી હતી.
જળવાયુ પરિવર્તન વિષેની વાર્તાઓ શોધતી વખતે, મને સમજાયું કે ગામડાઓને અસર કરતા દરિયાઈ સ્તરના વધારાને લીધે ઘણાં ગામડાં અસરગ્રસ્ત થયાં છે. છબીની ડાબી બાજુએ તોડી પાડવામાં આવેલી ઈમારતે મારું ધ્યાન ખેંચ્યું અને ધીમે ધીમે મારી છબી અને વાર્તાનો વિષય બની ગઈ.
તે એક સમયે ભવ્ય રીતે ઘોંઘાટીયું મકાન હતું. જે પરિવાર 50 વર્ષ પહેલા તે ઈમારતમાં ગયો હતો તે હવે તેની બાજુની શેરીમાં વસે છે. ઉપારામાં જે કંઈ જૂનું હતું તે લગભગ બધું જ દરિયાએ ભરખી લીધું છે.
મેં વિચાર્યું કે હવે પછી આ ઈમારતનો વારો આવશે, અને ઘણાંએ પણ એવું જ કહ્યું હતું. તેથી હું તે ઈમારતની વારંવાર મુલાકાત કરતો રહ્યો, તેની તસવીરો લેતો રહ્યો અને તેના વિષે લોકોનાં ઇન્ટરવ્યુ લેતો રહ્યો. અને આખરે દરિયો 2020માં તે ઈમારતને ભરખી ગયો, મારી કલ્પના કરતાં વધુ ઝડપથી.
*****
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં રિટાયન મુખર્જી
નિત્યાનંદ સરકારની કુશળતાએ મારી વાર્તા: ઈન ધ સુંદરબન્સ, અ ટાઇગર-શેડોઉડ વેડિંગ ના મહેમાનોને ખુશ કર્યા હતા, અને હું ઇચ્છતો હતો કે મારી છબીઓ તેને દર્શાવે.
અહીં રજત જ્યુબિલી ગામમાં, પરિવાર કન્યાના પિતા, અર્જુન મંડલની યાદો વચ્ચે લગ્નની ઉજવણી કરે છે, જેમનું 2019માં અહીં ગંગાના ડેલ્ટામાં વાઘના હુમલામાં મૃત્યુ થયું હતું અને તેમનો પરિવારને દુઃખમાં ઘેરાઈ ગયો હતો.
એક ખેડૂત અને કલાકાર એવા નિત્યાનંદ ઝુમુર ગીતો, મા બનબીબી નાટકો અને પાલ ગાન જેવા લોક કલા સ્વરૂપો પ્રસ્તુત કરે છે. તેઓ 53 વર્ષીય ખેડૂત છે અને પાલ ગાનના પીઢ કલાકાર છે, જેઓ 25 વર્ષ કરતાં વધુ સમયથી આ કળાની પ્રેક્ટિસ કરે છે. તેઓ અલગ–અલગ શો માટે એક કરતાં વધુ ટીમો સાથે કામ કરે છે.
*****
મહારાષ્ટ્રના મુંબઈમાં રિયા બહેલ
24 જાન્યુઆરી 2021ના રોજ, સંયુક્ત શેતકારી કામદાર મોરચા દ્વારા આયોજિત બે દિવસીય ધરણા માટે સમગ્ર મહારાષ્ટ્રમાંથી હજારો ખેડૂતો દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એકઠા થયા હતા. મેં મારી વાર્તામાં તેના વિષે લખ્યું હતું: મુંબઈ ફાર્મ સીટ-ઈન: 'ટેક બૅક ધ ડાર્ક લૉઝ'
હું તે દિવસે વહેલી સવારે આ વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ખેડૂતોની ટુકડીઓ પહેલેથી જ ત્યાં આવવા લાગી હતી. જો કે, અમે બધા પત્રકારો આ આ મોટું જૂથ સાંજે કેટલા વાગે આવશે તે અંગેની માહિતી માટે રાહ જોઈ રહ્યા હતા, શ્રેષ્ઠ છબી મેળવવાની આશા સાથે. ફોટોગ્રાફરો ડિવાઇડર, અન્ય વાહનો અને તમામ સંભવિત અનુકૂળ સ્થળોએ ઊભા હતા — તેમની પાસે કયો લેન્સ હતો તેના આધારે — એ જોવા માટે અધીરા હતા કે ક્યારે ખેડૂતોનો મોટો મહેરામણ સાંકડા રસ્તા ભરી દેશે અને મેદાનમાં પ્રવેશ કરશે.
હું પહેલીવાર પારી સાથે અસાઇનમેન્ટ પર હતી, હું એ વાતથી સારી પેઠે વાકેફ હતી કે યોગ્ય ફોટોગ્રાફ મેળવવા માટે 5 મિનિટથી પણ ઓછો સમય મળશે, જેને પ્રકાશિત કરવામાં આવી શકે છે. મારી જાતને યોગ્ય રીતે ગોઠવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. પરંતુ આ શહેરે તેને મુશ્કેલ ન બનાવ્યું, કારણ કે અમારી બરાબર સામે, છત્રપતિ શિવાજી ટર્મિનસ નામનું એક ઐતિહાસિક રેલ્વે ટર્મિનસ, તેજસ્વી પીળા, વાદળી અને લીલા રંગમાં પ્રકાશિત હતું. હું જાણતી હતી કે આ મારું બેકડ્રોપ હશે.
અચાનક, શેરી ખેડુતોથી ભરાઈ ગઈ હતી, જેઓ તેમની AIKSSની લાલ રંગની ટોપીઓમાં અમારી તરફ ઝડપથી કૂચ કરી રહ્યા હતા. આ મારો મનપસંદ ફોટો છે કારણ કે તે બે યુવતીઓ વચ્ચેની શાંત ક્ષણને બહાર લાવે છે, જેઓ કદાચ પહેલવહેલી વાર શહેરમાં આવી છે, અને આ બધું સમજવાની કોશિશ કરી રહી છે. તેઓએ ભારે બેગ અને ખોરાક લઈને આખો દિવસ મુસાફરી કરવામાં વિતાવ્યો છે; અને તેઓ વિરામ લઈને આ મોટા જૂથની ગતિ ધીમી પાડી રહ્યાં છે, જેઓ કદાચ મુસાફરીથી થાકી ગયાં છે અને મેદાનમાં જલ્દી સ્થાયી થવા માંગે છે. પરંતુ આ યુવતીઓ ગમેતેમ કરીને એકાદ ક્ષણ માટે વિરામ લે છે, અને હું તેની સાક્ષી આપવા માટે પૂરતી નસીબદાર હતી.
*****
ઓડીશાના રાયગઢમાં પી. સાંઈનાથ
ભારતની સારતત્ત્વરૂપ છબી.
જમીન માલિકને ફોટો પડાવવામાં ગર્વ હતો. સીધા ઊભા રહીને, જ્યારે નવ મહિલા કામદારોની હરોળ બમણી થઈ ગઈ હતી અને તેમના ખેતરમાં પ્રત્યારોપણનું કામ કરી રહી હતી. તેઓ તેમને એક દિવસના કામમાં જેટલું વેતન મળવું જોઈએ તેના કરતાં 60 ટકા ઓછું વેતન આપતા હતા.
2001ની વસ્તી ગણતરી હમણાં જ બહાર આવી હતી, અને ભારતની વસ્તીએ પ્રથમ વખત નવ–અંકનો આંકડો વટાવ્યો હતો. અને અમે ભારતની બહુવિધ વાસ્તવિકતાઓને એક નજરમાં જોઈ રહ્યા હતા.
પુરુષ જમીનદાર સીધો ઊભો રહીને ગર્વ અનુભવતો હતો. મહિલાઓની સંખ્યા મેદાનમાં બમણી થઈ ગઈ હતી. હાજર રહેલા તમામ લોકોમાંથી દસ ટકા સીધા અને ગર્વથી ઊભા હતા. અને 90 ટકા લોકો જમીન પર નમેલા હતા.
લેન્સમાં 9 શૂન્ય ‘1’ને અનુસરતા હોય તેવું દેખાતું હતું. એટલે કે 1 અબજ — એટલે કે ભારત પોતે.
*****
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સંકેત જૈન
આ ફોટો મારી વાર્તા ઈન કોહલાપુર: રેસલર્સ' ડાયેટ, વેઇટી પ્રોબ્લેમ્સ માંથી છે
કોઈપણ મુકાબલા અથવા તાલીમ સત્ર દરમિયાન, કુસ્તીબાજો ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમના પ્રતિસ્પર્ધીની ચાલ પર નજર રાખે છે અને નક્કી કરે છે કે તેઓ ક્ષણભરમાં કેવી રીતે બચાવ કરશે અથવા હુમલો કરશે.
જો કે, આ છબીમાં કુસ્તીબાજ સચિન સાળુંખે હારી ગયેલા અને વ્યથિત દેખાય છે. વારંવારનાં પૂર અને કોવિડના કારણે ગ્રામીણ કુસ્તીબાજોનું જીવન બરબાદ થઈ ગયું હતું અને તેમને વિચિત્ર નોકરીઓ કરવાની અથવા ખેત મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી હતી. તેની અસર એટલી મોટી હતી કે કુસ્તીમાં પાછા આવવાનો પ્રયાસ કરવા છતાં સચિન ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હતા.
આ રીતે છબીમાં આ ક્ષણ કેદ કરવામાં આવી હતી, જે કુસ્તીબાજોને તેમની વાસ્તવિક ચિંતામાં દર્શાવે છે, જે વધતી જતી આબોહવા આપત્તિઓને કારણે વધુ પડકારરૂપ બની રહી છે.
*****
કર્ણાટકના હાવેરીમાં એસ. સેંથાલીર
હાવેરી જિલ્લાના કોનાંતલે ગામમાં હું રત્નવ્વાના ઘરે પહેલી વાર લણણીની મોસમમાં ગઈ હતી. રત્નવ્વા ટામેટાંની લણણી કરી રહ્યાં હતાં, જેમને લણણી પછી બીજ કાઢવા માટે કચડી નાખવામાં આવ્યા હતા. આ બિયારણોને સૂકવીને જિલ્લા મથકની વિશાળ બિયારણ ઉત્પાદક કંપનીઓને મોકલવામાં આવ્યા હતા.
જ્યારે હાથોથી પરાગાધાન કરવાની ક્રિયા ખરેખર શરૂ થાય તે માટે મારે બીજા ત્રણ મહિના રાહ જોવી પડી. ફૂલોને પરાગાધાન કરવા માટે મહિલાઓ વહેલી સવારે કામ શરૂ કરી દેતી.
હું તેણીને ખેતરોમાં અનુસરતી અને કામ કરતી વખતે તેમનો ફોટો પાડવા માટે છોડની હરોળમાં તેમની સાથે કલાકો સુધી ચાલતી, જેનું દસ્તાવેજીકરણ મારી વાર્તા: હવેરીમાં આશાઓના બીજ ઉછેરતી રત્નવ્વા માં કરાયું છે.
આ વાર્તા માટે તેમને વિશ્વાસમાં લેવા માટે હું છ મહિનાથી લગભગ દરરોજ રત્નવ્વાના ઘરે જતી હતી.
આ મારી મનપસંદ છબીઓમાંની એક છે, કારણ કે તેમાં તેમને કામ કરતી મુદ્રામાં દર્શાવવામાં આવ્યાં છે. આ મુદ્રા વર્ણસંકર બીજ બનાવવાની મહેનત અને સ્ત્રીઓ આ કપરું કાર્યો કેવી રીતે કરે છે તે સમજાવે છે. તેઓ ત્રણથી ચાર કલાક કરતાં વધુ સમય વિતાવે છે, હાથથી નીચાં વળીને ફૂલોનું પરાગાધાન કરે છે, જે બીજ ઉત્પાદનમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે.
*****
મહારાષ્ટ્રના મુંબઈમાં શ્રીરંગ સ્વર્ગે
લાંબી કૂચ: છાલાભર્યા પગ, અણનમ નિર્ધાર માં બતાવવામાં આવેલ આ છબી ખેડૂતોની કૂચમાંથી મારી પ્રિય છે કારણ કે તે કૂચ અને વાર્તાની ભાવનાને સમાવે છે.
જ્યારે નેતાઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે મેં આ ખેડૂતને એક ટ્રકની ટોચ પર ધ્વજ લહેરાવતા જોયો. હું તરત જ ટ્રક તરફ આગળ વધ્યો અને મારી ફ્રેમમાં પાછળ બેઠેલા ખેડૂતોના મહેરામણ સુધી પહોંચવા માટે મુખ્ય રસ્તા પર ગયો કારણ કે હું જાણતો હતો કે જો હું ખૂબ લાંબી રાહ જોઈશ તો મને આ ફ્રેમ નહીં મળે.
આ છબી કૂચની ભાવનાને કેદ કરે છે. તે પાર્થ દ્વારા લખાયેલી વાર્તાને સારી રીતે રજૂ કરે છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની અખંડ ભાવનાની ઝલક દર્શાવે છે. આ છબી કૂચનું એક લોકપ્રિય દૃશ્ય બની ગયું હતું, જેને વ્યાપકપણે શેર અને પ્રકાશિત કરવામાં આવી હતી.
*****
જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં શુભ્રા દીક્ષિત
પુરગીના તૈસુરુમાં બોલાતી ભાષા શાળામાં શિક્ષણનું માધ્યમ નથી. શાળામાં શીખવવામાં આવતી ભાષાઓ અંગ્રેજી અને ઉર્દૂ છે. આ બન્ને ભાષાઓ બાળકો માટે દૂરની અને મુશ્કેલ છે, અંગ્રેજી પાઠ્યપુસ્તકો માટે આ વાત વધુ સાચી છે. માત્ર ભાષા જ નહીં પણ વાર્તાઓ પણ, રોજબરોજની વસ્તુઓના ઉદાહરણો આ પ્રદેશના લોકોના જીવંત અનુભવોથી ઘણા દૂર છે.
મારી વાર્તા: સુરુ ખીણમાં મોહરમની ઉજવણી , હાજીરા અને બતુલ જેઓ સામાન્ય રીતે તેમના પાઠ્યપુસ્તકોમાં વધુ રસ ધરાવતાં નથી, તેઓ સૌરમંડળ વિષે શીખી રહ્યાં છે, તેમના પુસ્તકો સાથે જોડાઈ રહ્યાં છે, ગ્રહો, ચંદ્ર, અને સૂર્ય વિષે જાણવામાં ઉત્સુકતા અને રસ દર્શાવી રહ્યાં છે.
આ છબી મોહર્રમ મહિના દરમિયાન લેવામાં આવી હતી, તેથી છોકરીઓએ કાળાં કપડાં પહેર્યાં છે, અને તેમના અભ્યાસ પછી એકસાથે ઇમામબારા માટે રવાના થશે.
*****
તમિલનાડુના તિરુવલ્લુરમાં સ્મિતા તુમુલુરુ
કૃષ્ણએ એક રસદાર ફળનું બટકું ભર્યું અને મોટેથી હસવા લાગ્યા. તેમનું મોં તેજસ્વી લાલ–ગુલાબી રંગનું હતું. તેમને જોઈને બધા બાળકો ઉત્સાહિત થઈ ગયા અને આ ફળ શોધવા માટે દોડધામ કરવા લાગ્યા. તેમણે મુઠ્ઠીભર નાધેલી પાઝમ ફળ એકઠાં કર્યાં હતાં, આ ફળ બજારોમાં જોવા મળતું નથી. તેઓ આ જ કારણોસર તેને “લિપસ્ટિક ફળ” કહેતા હતા. અમે બધાંએ તેનું બટકું ભર્યું અને અમારા ગુલાબી હોઠો સાથે સેલ્ફી લીધી.
આ છબી મારી વાર્તા: બંગલામેડુના વનમાં ચરુની શોધ માંથી છે. તે એક હળવાશભરી ક્ષણને કેદ કરે છે, જ્યારે કેટલાક ઇરુલા પુરુષો અને બાળકો તેમના ગામની નજીક ઝાડીદાર જંગલમાં ફળો શોધી રહ્યા હતા.
મારા માટે,થોર અને ઊંચા ઘાસ વચ્ચે પૃષ્ઠભૂમિમાં ફળની શોધ કરતા બાળક વિના છબી અધૂરી છે. ઇરુલર સમુદાયના બાળકો નાની ઉંમરથી જ તેમની આસપાસના જંગલોની ઊંડી સમજણ વિકસાવે છે, આ વાર્તા પણ તેના વિષે છે.
“લિપસ્ટિક ફળ”ની ક્ષણ ઇરુલાઓ સાથેના મારા અનુભવનો યાદગાર ભાગ બની રહેશે.
*****
રાજસ્થાનના ઉદયપુરમાં સ્વેતા ડાગા
હું હજી પણ સારા ફોટા કેવી રીતે લેવા તે શીખી રહી હતી, તેથી મેં મારી વાર્તા, બીજના રખેવાળ માટે ઘણા ફોટા પાડ્યા હતા.
હવે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું ઘણી વસ્તુઓ અલગ રીતે કરી શકી હોત, પરંતુ તે જ તો પ્રવાસ છે — ભૂલો વિના, તમે સુધરી શકતાં નથી.
ચમની મીનાનો હસતો પહેલો ફોટો ખૂબ જ આકર્ષક છે, હું તે સ્મિત સાથેનો તે ફોટો પાડી શકવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું!
*****
ગુજરાતના દહેજમાં ઉમેશ સોલંકી
તે એપ્રિલ 2023ની શરૂઆતનો સમય હતો. હું ગુજરાતના દાહોદ જિલ્લાના ખરાસણા ગામમાં હતો. એક અઠવાડિયા કરતા થોડા વધુ સમય પહેલાં આ જિલ્લામાં ઝેરી ગટરના ચેમ્બર સાફ કરતી વખતે પાંચ યુવાન આદિવાસી છોકરાઓમાંથી ત્રણ મૃત્યુ પામ્યા હતા. હું ગુજરાતમાં દહેજની ગટરમાં ગૂંગળાઈ મર્યા આદિવાસીઓ વાર્તા પર કામ કરવા માટે પરિવારો અને બચી ગયેલા લોકોને મળવાનો હતો
હું ભાવેશના પરિવાર સાથે રહેવાનો હતો, જે બચી ગયેલા 20 વર્ષીય ‘નસીબદાર’ પૈકીના એક હતા, પરંતુ તેઓએ તેમની નજર સામે ત્રણ માણસોને મરતા જોયા હતા, જેમાં તેમના મોટા ભાઈ 24 વર્ષીય પરેશ પણ હતા. પરિવારના માણસો સાથે જ્યારે હું ઘર તરફ ચાલ્યો ત્યારે મેં જોયું કે પરેશ કટારાનાં માતા સપના બેન, માટીના ઘરની બહાર બેઠેલાં હતાં. જ્યારે તેમણે મને જોયો ત્યારે તેઓ ઊભાં થઈ ગયાં અને દિવાલનો ટેકો લઈને બેઠાં. મેં પૂછ્યું કે શું હું તેમનો ફોટો લઈ શકું, તો તેમણે હકારમાં માથું ધૂણાવ્યું.
તેમણે દુઃખ, અસહાયતા અને ગુસ્સો ભરી આંખે સીધું કેમેરાની સામે જોયું. તેમની આસપાસના પીળચટ્ટાં રંગોની ભાતમાં તેમની માનસિક સ્થિતિની નાજુકતા છલકાઈ રહી હોય તેવું લાગતું હતું. આ મેં લીધેલી સૌથી વાચાળ છબીઓમાંની એક હતી. મને લાગ્યું કે એ એક ફોટામાં મેં બધું જ કહી દીધું છે. તે એક જ ફ્રેમમાં ચાર પરિવારોની આખેઆખી વારતા.
*****
મહારાષ્ટ્રના નંદુરબારમાં ઝિશાન એ. લતીફ
પલ્લવી (નામ બદલેલ છે)ને સારવાર ન કરાયેલ ગર્ભાશયની સાથે કપરી અગ્નિપરીક્ષા હતી. તેણીએ એવી શારીરિક પીડા સહન કરવી પડી જેને પુરુષો ક્યારેય સમજી શકશે નહીં. તેણીની અપાર માનસિક સ્થિતિસ્થાપકતા સ્પષ્ટ હતી, જ્યારે મેં બે ઝૂંપડીઓ ધરાવતા તેણીના ગામમાં તેણીના નાના ઝૂંપડાની અંદર ફોટો પાડ્યો, જે એક ખડક પર બનેલી છે. તેમને સામાન્ય રીતે નજીકના સરકારી ક્લિનિક સુધી પહોંચવામાં બે કલાક લાગે છે, જ્યાં તેમની અગવડતાની સારવાર કરી શકાય છે. તે પણ કામચલાઉ છે અને કાયમી ઉકેલ નથી. મારી વાર્તા ‘મારી કોથળી (ગર્ભાશય) બહાર આવી જાય છે’ માટે મેં તેમનો આ ફોટો પાડ્યો હતો.
તેણી જ્યારે ઉભી હતી, ત્યારે મેં તેણીનો ફોટો પાડ્યો હતો. તેણીની નબળાઈઓ ખૂબ વધારે હતી, પણ એક આદિવાસી ભીલ સ્ત્રીના પ્રતીકની જેમ, તે બીમાર હતી પરંતુ તેના પરિવારો અને સમુદાયને હૂંફ આપવાનું ચાલુ રાખ્યું હતું.
કવર ડિઝાઇન: સંવિતી ઐયર
અનુવાદક: ફૈઝ મોહંમદ