જ્યારે હું તારપા વગાડું છું ત્યારે અમારા વારલી લોકો શરીરની અંદર જાણે પવન વાતો હોય તેવી અનુભૂતિ કરે છે. એક કલાક સુધી તેમનું શરીર પવનની સાથે ડોલતા વૃક્ષની જેમ ડોલે છે.
જ્યારે હું તારપા વગાડું છું, ત્યારે હું સાવરી દેવી અને તેમના સાથીઓને બોલાવું છું. અને મારા લોકો જે જવાબ આપે તેના કબજામાં આવી જાય છે.
આ શ્રદ્ધાનો વિષય છે. ‘માનલ ત્યાચા દેવ, નાહી ત્યાચા નાહી’ [માને તેના ભગવાન નકારે તેના નહીં.] મારા માટે, મારું તારપા જ મારા ભગવાન છે. તેથી, હું મારા હાથ જોડું છું અને તેની પૂજા કરું છું.
મારા પરદાદા નવશ્યા, તારપા વગાડતા હતા.
તેમના પુત્ર, ઢાકલ્યા. તેમણે પણ તે વગાડ્યું.
ઢાકલ્યાના દીકરા લાડક્યા. તેમણે પણ તે વગાડ્યું હતું.
લાડક્યા મારા પિતા હતા.
તે અંગ્રેજોના શાસન વખતની વાત છે. આપણને આઝાદી નહોતી મળી. અમારા ગામ વાળવંડેમાં ‘મોટા’ લોકો (ઉચ્ચ જાતિ)ના બાળકો માટે માત્ર એક જ શાળા હતી. ગરીબો માટે કોઈ શાળા ન હતી. હું તે સમયે 10-12 વર્ષનો હતો. મેં પશુઓની સંભાળ રાખી. મારા માતા-પિતાએ વિચાર્યું ‘ગાઈમાગે ગેલા તર રોટી મિલાલ. શાળેત ગેલા તર ઉપાશી રહલ [જો હું પશુઓની સંભાળ રાખીશ તો પેટનો ખાડો ભરી શકીશ. જો હું શાળાએ જઈશ તો હું ભૂખ્યો રહીશ]’. મારાં માતાને સાત બાળકોની સંભાળ રાખવાની હતી.
મારા પિતા કહેતા, ‘જ્યારે પશુઓ ચરતા હોય ત્યારે તમારે કંઈ કરવાનું હોતું નથી. તો પછી તારપા કેમ ન વગાડીએ? તે તમારા શરીરને [અને સ્વાસ્થ્યને] મદદ કરે છે અને તમારું મનોરંજન પણ કરે છે.’ આ અવાજને કારણે કોઈ જંતુઓ પશુઓની નજીક પણ નહીં આવે.
જ્યારે હું જંગલો અને ચરાઈના મેદાનમાં હતો ત્યારે મેં તેને વગાડવાનું શરૂ કર્યું હતું. લોકો ફરિયાદ કરતા, ‘ઢિંડ્યાનો દીકરો આખો દિવસ ક્યાઉં ક્યાઉંનો ઘોંઘાટ કરતો હોય છે. મારા પિતાએ એક દિવસ કહ્યું, ‘જ્યાં સુધી હું જીવતો રહીશ, ત્યાં સુધી તારા માટે તારપા બનાવતો રહીશ. પણ એક વાર હું નહીં હોઉં, પછી કોણ બનાવશે?’ તો પછી મેં આ કળા શીખી.
તારપા બનાવવા માટે તમારે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. ‘અવાજ’ [ધ્વનિના પડઘા પાડતું ચેમ્બર] બનાવવા માટે માડ [તાડ] વૃક્ષના પાંદડા. વાંસના બે ટુકડા, એક નર માટે અને એક માદા માટે. નર પાસે સ્પર્શ કરવા અને લય જાળવી રાખવા માટે બીજો નાનો ટુકડો હોય છે. ત્રીજી વસ્તુ જેની તમને જરૂર છે તે છે પવન ફૂંવા માટે દૂધી. જ્યારે હું કાણામાં મારું છું ત્યારે નર અને માદા એક થાય છે અને અત્યંત આકર્ષક અવાજ પેદા કરે છે.
તારપા એક પરિવાર જેવું છે. તેમાં એક પુરુષ અને એક સ્ત્રી છે. જ્યારે હું થોડી હવા ફૂંકું છું, ત્યારે તેઓ એક થાય છે અને તમને જે અવાજ મળે છે તે જાદુઈ હોય છે. પથ્થરની જેમ તે નિર્જીવ છે. પરંતુ મારો શ્વાસ તેમાં ભળતાં જ તે જીવંત બને છે અને એક અવાજ, એક સંગીતમય સૂર ઉત્પન્ન કરે છે. તેને વગાડવા માટે છાતીમાં હવા ભરવાની જરૂર છે. વ્યક્તિએ આ વાદ્યમાં ફૂંકવું પડે છે અને એ પણ સુનિશ્ચિત કરવું પડે છે કે તમારા શરીરમાં શ્વાસ લેવા માટે પૂરતી હવા હોય.
તે ભગવાનનું ડહાપણ છે કે અમે આવું સાધન બનાવી શકીએ. તે ભગવાનની જ દેન છે.
મારા પિતા કહેતા, ‘જ્યારે પશુઓ ચરતા હોય ત્યારે તમારે કંઈ કરવાનું હોતું નથી. તો પછી તારપા કેમ ન વગાડીએ? તે તમારા શરીરને [અને સ્વાસ્થ્યને] મદદ કરે છે અને તમારું મનોરંજન પણ કરે છે’
*****
મારા માતા-પિતા અને વૃદ્ધોએ અમને ઘણી વાર્તાઓ કહી છે. જો હું આજે તેને લોકો સમક્ષ પ્રસ્તુત કરું છું, તો લોકો મને ગાળો ભાંડે છે. પરંતુ આ અમને અમારા પૂર્વજોએ કહી હતી.
બ્રહ્માંડની રચના પછી દેવતાઓ તો ચાલ્યા ગયા. ત્યારે વારલી લોકો આવ્યા ક્યાંથી?
કંદરામ દેહલ્યાથી.
દેવતાઓએ તેમનાં માતા સાથે કંદરામ દેહલ્યા માટે થોડું દહીં રાખ્યું હતું. તેમણે દહીં તો ખાધું, પણ પછી ભેંસ પણ આરોગી ગયા. તેમનાં માતા ગુસ્સે થયાં, અને તેમને ઘરની બહાર ફેંકી દીધા.
અમારા પૂર્વજો અમને જણાવે છે કે પ્રથમ વારલી, કંદરામ દેહલ્યા અહીં કેવી રીતે પહોંચ્યા.
કંદરામ દેહલ્યાહુણ
પરસોંડ્યાલા
પરસંગ ઝાલા
નટવંડિલા નટલા
ખરવંડ્યાલા ખલ
ઝાલ
શિંગળાપડ્યાલા
શિંગળાલા
આડખડકાલા આડઝાલ
કાટ ખોચાય
કાડકવાડી ઝાલ
કસેલીલા યેઉન
હસલ
આન વાળવંડ્યાલા
યેઉન બસ્લ
ગોરાલ્યા જાન ખર
ઝાલ
ગોરાલ્યા રહલ
ગોન્ડ્યા
ચાંદ્યા આલ
,
ગંભીરગડા આલ
Kandram Dehlyalahun
Palsondyala parsang jhala
Natavchondila Natala
Kharvandyala khara jhala
Shingarpadyala shingarala
Aadkhadakala aad jhala
Kata khochay Kasatwadi jhala
Kaselila yeun hasala
Aan Walwandyala yeun basala.
Goryala jaan khara jaala
Goryala rahala Gondya
Chandya aala, Gambhirgada aala
*આ પંક્તિ પાલઘર જિલ્લાના જવહાર બ્લોકમાં ગામ અને નેસના નામોની લયબદ્ધ શબ્દોની રમત છે.
વારલીઓની જેમ, ઘણા સમુદાયો અહીં રહેતા આવ્યા છે. રાજકોળી, કોકણા, કતકરી, ઠકર, મહાર, ચાંભાર... મને યાદ છે કે મેં મહારાજાના દરબારમાં કામ કર્યું હતું. તેમણે તેમના દરબારમાં ખાતા તમામ લોકો સાથે કરવલના પાંદડા પર ભોજન કર્યું હતું. મેં ત્યાં કામ કર્યું અને વપરાયેલાં પાંદડાં ફેંકી દીધાં. બધા સમુદાયો ત્યાં ભેગા થયા અને એક હરોળમાં ભોજન કર્યું. કોઈનામાં પણ ભેદભાવ રાખવામાં આવતો નહીં. મેં આને ત્યાં જ શીખ્યું હતું અને કતકારી અથવા મુસલમાનોના હાથે પાણી પીવાનું શરૂ કર્યું. વારલીઓએ સ્પર્શ કરેલું પાણી રાજકોળી લોકો સ્વીકારતા નથી. અમારા લોકો કતકારી અથવા ચાંભાર અથવા ગોર કોલી લોકો દ્વારા સ્પર્શ કરેલું પાણી પીતા નથી. તેઓ હજુ પણ નથી પીતા. પણ હું ક્યારેય આવા ભેદભાવમાં માનતો નથી.
જુઓ, જે કોઈ પણ હિરવા દેવ અને તારપાની પૂજા કરે, તે વારલી આદિવાસી છે.
અમે સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ. જ્યારે ચોખાની લણણી કરવામાં આવે છે, ત્યારે અમે તેને પરિવાર સાથે, પાડોશીઓ સાથે વહેંચીએ છીએ અને તેને પહેલાં અમારા ગામનાં દેવી ગાંઉ દેવી પાસે લઈ જઈએ છીએ. તેમને પહેલો ટુકડો અર્પણ કર્યા પછી જ અમે તેને ખાઈએ છીએ. તમે આને અંધશ્રદ્ધા કહી શકો છો. પણ એવું નથી. તે અમારી શ્રદ્ધા છે.
નવો પાક આવે એટલે અમે અમારાં સ્થાનિક દેવી ગાંઉ દેવીના મંદિરની મુલાકાત લઈએ છીએ. અમે શા માટે તેમના માટે મંદિર બનાવ્યું અને તેમને અહીં લાવ્યા? અમે તેમની પ્રાર્થના કરીએ છીએ, ‘અમારાં બાળકો, સગા સંબંધીઓ, જાનવરોઓ અને રોજીરોટીને સ્વસ્થ અને હેમક્ષેમ રાખો. અમારાં ખેતરો અને બગીચાઓ ખીલવા દો. જેઓ નોકરીઓ કરે છે, તેમને સફળતા ચાખવા દો. અમારા પરિવારો અને અમને સારા દિવસો નસીબ કરો.’ અમે આદિવાસીઓ મંદિરની મુલાકાત લઈએ છીએ અને અમારાં દેવીની પ્રાર્થના કરીએ છીએ, તેમનું નામ જપીએ છીએ અને અમારી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ.
તારપા અમારા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વાઘબારસ પર અમે સાવરી દેવીનો તહેવાર ઉજવીએ છીએ. તમે તેને શબરી તરીકે ઓળખો છો, જેણે ભગવાન રામને અડધા ચાવેલા બોર આપ્યા હતા. અમારી પાસે તેની એક અલગ વાર્તા છે. સાવરી દેવી જંગલમાં રામની રાહ જોઈ રહ્યાં હતાં. તેઓ સીતા સાથે ત્યાં આવ્યા હતા. સાવરી તેમને મળ્યાં અને તેમને કહ્યું કે તેઓ ઘણા સમયથી તેમની વાટ જોઈ રહ્યાં હતાં અને હવે જ્યારે તેમણે રામને જોયા છે, ત્યારે તેમની પાસે જીવવા માટે કોઈ કારણ બચ્યું નથી. પછી તેમણે તેમનો જીવડો [હૃદય] કાઢીને એમના હાથમાં મૂકી દીધોઅને જતાં રહ્યાં, પછી ફરી ક્યારેય પાછાં ન આવ્યાં.
તેમના પ્રેમ અને સમર્પણની ઉજવણી કરવા માટે, અમે તારપાને ટેકરીઓ અને જંગલોમાં લઈ જઈએ છીએ. ત્યાં, જંગલમાં ઘણા દેવતાઓ રહે છે. તંગડા સવરી, ગોહરા સવરી, પોપટા સવરી, તુંબા સવરી, અને ઘુંઘા સવરી. તે બધા સાવરી દેવીના મિત્રો છે. તેઓ પ્રકૃતિના દેવતા છે. તેઓ અસ્તિત્વ ધરાવે છે. તેઓ હાલ પણ હયાત છે. અમે તેમની પૂજા કરવાનું શરૂ કર્યું છે. હું તારપા વગાડું છું અને તેમને ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ આપું છું. જે રીતે આપણે કોઈને નામથી બોલાવીએ છીએ, તે રીતે હું તે દરેક સાવરી માટે જુદી જુદી ધૂન વગાડું છું. તેમાંના દરેક માટે ધૂન બદલાય છે.
*****
તે 2022નું વર્ષ હતું. હું આદિવાસીઓ સાથે નંદુરબાદ, ધુળે, બરોડા બધે મંચ પર પ્રદર્શન કરી રહ્યો હતો. ત્યાં આગળ બેઠેલા લોકોએ મને કહ્યું કે હું આદિવાસી છું એવું મારે સાબિત કરવું પડશે.
મેં તેમને કહ્યું કે આ પૃથ્વી પર ઉતરનાર અને તેની માટીનું પરીક્ષણ કરનાર પ્રથમ વ્યક્તિ આદિવાસી જ હતી, અને તે જ વ્યક્તિ મારા પૂર્વજ છે. મેં કહ્યું, અમારી સંસ્કૃતિ એ અવાજ છે જે અમે અમારા શ્વાસથી પેદા કરીએ છીએ. અમે અમારા હાથથી જે રચીએ છીએ તે તમે ચિત્રોમાં જુઓ છો. ચિત્ર તો પછીથી આવ્યું. શ્વાસ અને સંગીત તો શાશ્વત છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી આ અવાજો અહીં છે.
મેં એમ કહીને સમાપ્તિ કરી કે આ તારપા એક દંપતીનું પ્રતિનિધિત્વ કરે છે, પુરુષ સ્ત્રીને ટેકો આપે છે અને સ્ત્રી પુરુષને ટેકો આપે છે. તારપા એ જ રીતે કામ કરે છે. એક શ્વાસ તેમને એક કરે છે અને પછી સૌથી જાદુઈ અવાજ રચાય છે.
મારા જવાબથી મને પ્રથમ સ્થાન મળ્યું. મેં મારા રાજ્યને પ્રથમ ક્રમાંક અપાવ્યો!
હું હાથ જોડીને મારા તારપાને કહેતો, ‘પ્રિય ભગવાન, હું તમારી સેવા કરું છું, હું તમારી પૂજા કરું છું. હવે બદલામાં તમારે મારી પણ સંભાળ રાખવી પડશે. મારે ઉડવું છે. મને વિમાનમાં બેસાડો.’ અને, માનો કે ન માનો, મારો તારપા મને લઈને ઉડવા લાગ્યો. ભિકલ્યા લાડક્યા ઢિંડાએ વિમાનમાં મુસાફરી કરી હતી. મેં ઘણી જગ્યાઓની મુલાકાત લીધી. હું આણંદી, જેજુરી, બારામતી, સન્યા (શની) શિંગણાપુર. મેં દૂર સુદૂર સુધી મુસાફરી કરી. અહીંથી કોઈ ‘ગોમા’ (ગોવા) ની રાજધાની પંજીમ ગયું નથી. પણ હું ત્યાં ગયો હતો. મને ત્યાંથી એક પ્રમાણપત્ર મળ્યું છે.
મારી પાસે શેર કરવા માટે ઘણી વસ્તુઓ છે પણ હું એવું નથી કરતો. હું 89 વર્ષનો છું અને મારી પાસે ઘણી બધી વાર્તાઓ છે. પરંતુ હું તે કોઈને નથી કહેતો. મેં તેમને મારા દિલમાં સંગરી રાખી છે. ઘણા પત્રકારો અહીં આવે છે અને મારી વાર્તા લખે છે. તેઓ પુસ્તકો પ્રકાશિત કરે છે અને દુનિયાને કહે છે કે તેમણે મને પ્રખ્યાત બનાવ્યો છે. ઘણા સંગીતકારો આવે છે અને મારું સંગીત ચોરી લેવાનો પ્રયાસ કરે છે. એટલે હું બધાંને મળતો નથી. તમે ભાગ્યશાળી છો કે મને મળ્યા છો.
મને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. આ કાર્યક્રમ દિલ્હીમાં હતો. જ્યારે મને પુરસ્કાર મળ્યો ત્યારે મારી આંખો ભરાઈ ગઈ હતી. મારા પિતાએ મને ક્યારેય શાળાએ મોકલ્યો નથી. તેમણે વિચાર્યું કે મને તે શિક્ષણ સાથે નોકરી મળે પણ ખરી ને ન ણ મળે. પણ તેમણે મને કહ્યું કે ‘આ વાદ્ય આપણા દેવતા છે.’ તે ખરેખર એક દેવતા છે. તેણે મને બધું જ આપ્યું છે. તેણે મને માનવતા શીખવી. લોકો મારું નામ આખી દુનિયામાં જાણે છે. મારો તારપા ટપાલના પરબિડીયા [ટપાલ ટિકિટ] પર છપાયેલો છે. જો તમે તમારા ફોન પર મારા નામનું બટન દબાવશો, તો તમને મારો વીડિયો દેખાશે... આપણે બીજું શું જોઈએ? કૂવામાં રહેલા દેડકાને ખબર નથી હોતી કે તેની બહાર શું છે. પરંતુ હું તેમાંથી બહાર નીકળી ગયો અને મેં દુનિયા નિહાળી લીધી.
આજના યુવાનો તારપા ધૂન પર નૃત્ય નથી કરતા. તેઓ ડીજે લાવે છે. તેમની વાત જવા દો. પણ મને એક વાત કહો, જ્યારે અમે ખેતરમાંથી અમારી ફસલ મેળવીએ છીએ, જ્યારે અમે ગાંઉદેવીને નવા ચોખાની ભેટ આપીએ છીએ, જ્યારે અમે તેમનું નામ લઈએ છીએ અને તેમને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે શું અમે ડીજે વગાડીશું? તે ક્ષણોમાં તો ફક્ત ને ફક્ત તારપા જ ચાલશે, બીજું કંઈ નહીં.
દસ્તાવેજીકરણના કામમાં એમની મદદ માટે પારી આરોહણના માધુરી મુખાનેનો આભાર માને છે.
ઇન્ટરવ્યુ,
લિપ્યાંતર અને અંગ્રેજી અનુવાદ: મેધા કાલે
તસવીરો અને
વિડીયો: સિદ્ધિતા સોનવાણે
આ વાર્તા પારીની લુપ્તપ્રાય ભાષાઓ પરની પરિયોજનાનો એક ભાગ છે , જેનો ઉદ્દેશ દેશમાં ભુલાઇ જવાના જોખમવાળી અને લુપ્તપ્રાય ભાષાઓનું દસ્તાવેજીકરણ કરવાનો છે.
વારલી એ ગુજરાત , દીવ અને દમણ , દાદરા અને નગર હવેલી , મહારાષ્ટ્ર , કર્ણાટક અને ગોવામાં રહેતા ભારતના વારલી આદિવાસીઓ દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે. યુનેસ્કોના ભાષાઓના નકશાએ વારલીને ભારતની સંભવિત સંવેદનશીલ ભાષાઓમાંની એક તરીકે સૂચિબદ્ધ કરી છે.
અમારું લક્ષ્ય મહારાષ્ટ્રમાં બોલાતી વારલી ભાષાનું દસ્તાવેજીકરણ કરવાનું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ