મજબૂત સાગવાન (સાગ) વૃક્ષની ડાળીની આસપાસ કોબ્રા વીંટળાયેલો હતો. રત્તી તોલા ગામના રહેવાસીઓએ હોંશભેર પ્રયાસો કરવા છતાંય તેને ખસેડી શકાયો નહીં.
પાંચ કલાક પછી, અસહાય ગામલોકોએ આખરે મુંદ્રિકા યાદવને ફોન કર્યો, જેઓ એક સમયે નજીકના વાલ્મિકી વાઘ પ્રકલ્પમાં રક્ષક હતા. તેમણે વાઘ, ચિત્તા, ગેંડા અને સાપ સહિત 200થી વધુ પ્રાણીઓને બચાવ્યાં છે.
જ્યારે મુંદ્રિકા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે પહેલાં કોબ્રાને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, જે ઉતર્યો પણ ખરો. આ 42 વર્ષીય કહે છે, “મેં તેના મોંમાં વાંસની લાકડી મૂકી અને દોરડું કડક કર્યું. પછી મેં તેને એક કોથળીમાં મૂકી દીધો અને તેને પાછો જંગલમાં છોડી દીધો. તેમાં મને માત્ર 20-25 મિનિટ લાગી હતી.”
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલું વાઘ પ્રકલ્પ લગભગ 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને અન્ય વન્યજીવો ઉપરાંત 54 વાઘોનું ઘર છે. મુંદ્રિકા તેમની બચાવ વ્યૂહરચના વિશે કહે છે, “હમ સ્પૉટ પર હી તુરંત જુગાડ બના લેતે હૈં [હું સ્થળ પર જ કંઈને કંઈ રસ્તો ઘડી કાઢી છું].”
યાદવ સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગો તરીકે સૂચિબદ્ધ)ના મુંદ્રિકા જંગલ અને તેના પ્રાણીઓની નજીક ઉછર્યા છે. અહીં તેમનાં પત્ની અને દીકરી સાથે રહેતા વિજયપુર ગામના રહેવાસી કહે છે, “જ્યારે હું ભેંસને જંગલમાં ચરાવવા લઈ જતો, ત્યારે હું ઘણી વાર સાપ પકડતો. તે સમયથી, મને વન્યજીવન પ્રત્યે પ્રેમ થયો. તેથી, જ્યારે 2012માં વન રક્ષક માટે શારીરિક પરીક્ષા યોજાઈ ત્યારે મેં અરજી કરી અને નોકરી મેળવી.”
ભૂતપૂર્વ વનરક્ષી (વનરક્ષક) કહે છે, “સમગ્ર પ્રકલ્પનો નકશો અમારી આંખમાં કેદ છે. તમે અમારી આંખો પર પટ્ટી બાંધો અને અમને જંગલમાં છોડી દો, અને તમે કારમાં બહાર નીકળો, તેમ છતાં અમે તમારા પહેલાં જંગલમાંથી બહાર આવી જઈશું.”
તેમના માસિક પગારમાં નિયમિતપણે એક વર્ષ સુધી વિલંબ થતો હોવા છતાં મુંદ્રિકાએ આગામી આઠ વર્ષ સુધી વન રક્ષક તરીકે કામ કર્યે રાખ્યું. તેઓ કહે છે, “જંગલો અને પ્રાણીઓનું રક્ષણ કરવું એ મારા માટે રસનો વિષય છે.”
2020માં બિહાર સરકારે ખુલ્લી ભરતી દ્વારા વન રક્ષકોના નવા સમૂહની નિમણૂક કરી હતી. યાદવ જેવા રક્ષકોના અગાઉના સમૂહને અન્ય નોકરીઓ આપવામાં આવી હતી − તેઓ હવે વી.ટી.આર.માં વાહનો ચલાવે છે. પોતાની નવી સ્થિતિથી નાખુશ મુંદ્રિકા કહે છે, “અમને બાજુ પર કરી દેવામાં આવ્યા છે.” મુંદ્રિકા તેમની ઉંમરને કારણે નવી પરીક્ષામાં બેસવા માટે પાત્ર ન હતા, અને તેમની શૈક્ષણિક લાયકાત — તેઓ મેટ્રિક પાસ છે — ગાર્ડના પદ માટે પૂરતી ન હતી.
જ્યારે પરિસ્થિતિ ખતરનાક અને ગંભીર હોય છે, ત્યારે નવા વન રક્ષકો મુંદ્રિકાના સહારે જ હોય છે. તેઓ કહે છે, “પરીક્ષાઓ દ્વારા નિયુક્ત વન રક્ષકો પાસે ડિગ્રી હોઈ શકે છે, પરંતુ તેમની પાસે વ્યવહારુ જ્ઞાન નથી. અમે જંગલમાં જન્મ્યા છીએ અને તેમની સાથે રહીને પ્રાણીઓને બચાવવાનું શીખ્યા છીએ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ