રાજસ્થાનના સીકર જિલ્લાના દંતા રામગઢના કઠપૂતળી કલાકાર પૂરન ભાટ કહે છે, “મોબાઇલ, ટીવી, વિડિઓ ગેમ્સ આવી ગયાં છે અને કઠપૂતળી અને વાર્તા કહેવાની ઐતિહાસિક પરંપરા લુપ્ત થઈ રહી છે.” 30 વર્ષીય પૂરન તે સમયને યાદ કરે છે જ્યારે તેઓ પોતાની કઠપૂતળીઓ બનાવતા હતા અને બાળકોની પાર્ટીઓ, લગ્ન પ્રસંગો અને સરકારી કાર્યક્રમોમાં નાટક ભજવતા હતા.

તેઓ કહે છે, “આજે લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ છે. પહેલા મહિલાઓ ઢોલકની તાલ પર ગાતી હતી પરંતુ હવે લોકોને હાર્મોનિયમ પર પણ ફિલ્મી ગીતો જોઈએ છે. જો અમને આશ્રય મળશે, તો અમે અમારા પૂર્વજોએ અમને જે શીખવ્યું છે તેને આગળ ધપાવી શકીશું.”

ભાટ આ વર્ષે ઑગસ્ટ (2023) માં જયપુરના ત્રણ દાયકા જૂના બહુકલા કેન્દ્ર જવાહર કલા કેન્દ્રમાં હતા. આ રાજ્ય દ્વારા પ્રાયોજિત મહોત્સવ માટે રાજસ્થાનભરના લોક કલાકારોના ઘણા જૂથો એકઠા થયા હતા, જ્યાં રાજ્ય સરકારે તેમની કળા અને આજીવિકાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા કલાકારો માટે એક નવી યોજનાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી લોક કલાકાર પ્રોત્સાહન યોજના તરીકે ઓળખાતી, તે યોજના દરેક લોક કલાકાર પરિવાર માટે તેમના રહેઠાણે જ 500 રૂપિયા પ્રતિ દિવસ લેખે 100 દિવસના વાર્ષિક કામની બાંયધરી આપે છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો 2005, જે ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે, તેમાં સૌપ્રથમ આ પ્રકારની બાંયધરી આપવામાં આવી હતી.

સપ્ટેમ્બર 2023માં કારીગરો અને શિલ્પકારો માટે કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ યોજના − કલાકાર યોજના − કાલબેલિયા, તેરા તાલી, બહુરૂપિયા અને અન્ય ઘણા કલા સમુદાયો માટે પહેલવહેલી યોજના છે. કાર્યકર્તાઓનો અંદાજ છે કે રાજસ્થાનમાં લગભગ 1 થી 2 લાખ લોક કલાકારો છે અને કોઈએ ક્યારેય તેમની આધિકારીક ગણતરી નથી કરી. આ યોજના ગિગ કામદારો (પરિવહન અને વિતરણ) અને શેરી વિક્રેતાઓને સામાજિક સુરક્ષાના દાયરામાં પણ આવરી લેશે.

Artist Lakshmi Sapera at a gathering of performing folk artists in Jaipur.
PHOTO • Shalini Singh
A family from the Kamad community performing the Terah Tali folk dance. Artists, Pooja Kamad (left) and her mother are from Padarla village in Pali district of Jodhpur, Rajasthan
PHOTO • Shalini Singh

ડાબેઃ જયપુરમાં લોક કલાકારોના એક મેળાવડામાં કલાકાર લક્ષ્મી સપેરા. જમણેઃ કામડ સમુદાયનો એક પરિવાર તેરા તાલી લોકનૃત્ય કરે છે. કલાકારો, પૂજા કામડ (ડાબે) અને તેમનાં માતા રાજસ્થાનના જોધપુરના પાલી જિલ્લાના પડરલા ગામનાં છે

Puppeteers from the Bhaat community in Danta Ramgarh, Sikar district of Rajasthan performing in Jaipur in August 2023.
PHOTO • Shalini Singh
A group of performing musicians: masak (bagpipe), sarangi (bow string), chimta (percussion) and dafli (bass hand drum)
PHOTO • Shalini Singh

ડાબેઃ રાજસ્થાનના સીકર જિલ્લાના દંતા રામગઢમાં ભાટ સમુદાયના કઠપૂતળી કલાકારો ઑગસ્ટ 2023માં જયપુરમાં પ્રદર્શન કરી રહ્યા છે. જમણેઃ પ્રદર્શન કરનારા સંગીતકારોનું એક જૂથઃ મશક, સારંગી, ચિમટા અને ડફળી સાથે

લક્ષ્મી સપેરા કહે છે, “લગ્નની મોસમમાં ફક્ત થોડા મહિનાઓ માટે જ અમારી પાસે કામ હોય છે, પરંતુ વર્ષના બાકીના સમયે અમે ફક્ત ઘરે જ બેસી રહીએ છીએ. આ યોજના અંતર્ગત, અમે નિયમિત કમાણી કરવાની આશા રાખીએ છીએ.” જયપુર નજીકના મહલાન ગામનાં આ 28 વર્ષીય કાલબેલિયા કલાકાર આશાવાદી તો છે, છતાં તેઓ આગળ ઉમેરે છે, “જ્યાં સુધી મારા બાળકો નહીં ઇચ્છે, ત્યાં સુધી હું તેમને પારિવારિક કળા શીખવા માટે દબાણ નહીં કરું. જો તેઓ અભ્યાસ કરે અને નોકરી મેળવે તો તે વધુ સારું રહેશે.”

જવાહર કલા કેન્દ્રનાં મહાનિર્દેશક ગાયત્રી એ. રાઠોડ કહે છે, “લોક કલાકારો, જેઓ 'રાજ્યની જીવંત કળાઓ અને હસ્તકળા છે’, તેઓ ખાસ કરીને 2021ની મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. તેમને મદદની જરૂર હતી, નહીં તો તેઓ તેમની કળા છોડી ગયા હોત અને નરેગા હેઠળ કામદારો બની ગયા હોત.” કોવિડ−19 દરમિયાન, તમામ પ્રસ્તુતિઓ રાતોરાત બંધ થઈ ગઈ હતી, જેના કારણે કલાકારો બાહ્ય સહાય પર નિર્ભર થઈ ગયા હતા.

પૂજા કામડ કહે છે, “મહામારીમાં, અમારી કમાણી ઘટી ગઈ હતી. આ કલાકાર કાર્ડ મળવાથી, તેમાં સુધાર આવવો જોઈએ.” આ 26 વર્ષીય કલાકાર જોધપુરના પાલી જિલ્લાના પડરલા ગામનાં તેરા તાલી કલાકાર છે.

મુકેશ ગોસ્વામી કહે છે, “મંગનિયાર [પશ્ચિમ રાજસ્થાનના સંગીતકારોના જૂના સમુદાય] જેવા લોક સંગીતમાં માત્ર એક ટકા કલાકારોને વિદેશ જઈને પ્રદર્શન કરવાની અને કમાણી કરવાની તક મળે છે; 99 ટકા કલાકારોને કંઈ મળતું નથી.” કાલબેલિયા (વિચરતા જૂથો જે અગાઉ મદારીઓ અને નર્તકો તરીકે ઓળખાતા હતા) માં, કેટલાક પસંદ કરેલા 50 લોકોને જ કામ મળે છે, બાકીના લોકોને કામ મળતું નથી.

પાલી જિલ્લાના પડરલા ગામનાં તેરા તાલી કલાકાર પૂજા કામડ કહે છે, 'મહામારીમાં, અમારી કમાણી ઘટી ગઈ હતી. આ કલાકાર કાર્ડ મળવાથી, તેમાં સુધાર આવવો જોઈએ'

વિડિયો જુઓઃ રાજસ્થાનના લોક કલાકારો એકસાથે

ગોસ્વામી મજૂર કિસાન શક્તિ સંગઠન (એમ.કે.એસ.એસ.) ના કાર્યકર્તા છે. તેઓ ઉમેરે છે, “લોક કલાકારોને ક્યારેય આખું વર્ષ રોજગાર મળ્યો નથી. જે આજીવિકા અને ગૌરવની ભાવના માટે જરૂરી છે.” એમ.કે.એસ.એસ. એક જન સંગઠન છે, જે 1990થી મધ્ય રાજસ્થાનમાં કામદારો અને ખેડૂતોના સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

વંચિત કલાકારોને સરકાર તરફથી સામાજિક સુરક્ષા, પાયાની આજીવિકા મળવી જોઈએ જેથી તેમને અન્ય શહેરોમાં સ્થળાંતર ન કરવું પડે. ગોસ્વામી નિર્દેશ કરે છે, “મજદુરી ભી કલા હૈ [શ્રમ પણ એક કળા છે].”

આ નવી યોજના હેઠળ તેમને એક ઓળખપત્ર મળશે, જે તેમને કલાકારો તરીકે ઓળખ આપશે. તેઓ સરકારી કાર્યક્રમોમાં પ્રદર્શન કરવા માટે પાત્ર બનશે અને સ્થાનિક સરપંચ તેમની વિગતોની ચકાસણી કરે પછી તેમણે કમાવેલા નાણાં તેમના ખાતામાં જમા થશે.

અકરમ ખાન તેમની બહુરૂપીની પરંપરાગત પ્રદર્શન કળા, કે જેમાં અભિનેતાઓ બહુવિધ ધાર્મિક અને પૌરાણિક ભૂમિકાઓ નિભાવતા હોય છે, તેના સંદર્ભમાં કહે છે, “હમ બહુરૂપી રૂપ બદલતે હૈં.” આ કળાની ઉત્પત્તિ રાજસ્થાનમાં થઈ હોવાનું કહેવાય છે અને તે નેપાળ અને બાંગ્લાદેશમાં ફેલાઈ હતી. તેઓ કહે છે, “ઐતિહાસિક રીતે, આશ્રયદાતાઓ અમને [તેમના મનોરંજન માટે] વિવિધ પ્રાણીઓ તરીકે સજીને આવવાનું કહેતા અને બદલામાં અમને ખાવાનું આપતા, જમીન આપતા, અને અમારી સંભાળ રાખતા.”

ખાનનો અંદાજ છે કે કલાના આ સ્વરૂપમાં આજે તેમના જેવા માત્ર 10,000 કલાકારો જ બાકી છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો ભાગ લે છે.

Left: The Khan brothers, Akram (left), Feroze (right) and Salim (middle) are Bahurupi artists from Bandikui in Dausa district of Rajasthan.
PHOTO • Shalini Singh
Right: Bahurupi artists enact multiple religious and mythological roles, and in this art form both Hindu and Muslim communities participate
PHOTO • Shalini Singh

ડાબેઃ ખાન ભાઈઓ, અકરમ (ડાબે), ફિરોઝ (જમણે) અને સલીમ (વચ્ચે) રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકુઈના બહુરૂપી કલાકારો છે. જમણેઃ બહુરૂપી કલાકારો બહુવિધ ધાર્મિક અને પૌરાણિક ભૂમિકાઓ ભજવે છે, અને આ કળામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો ભાગ લે છે

Left: Members of the Bhopas community playing Ravanhatta (stringed instrument) at the folk artists' mela
PHOTO • Shalini Singh
Right: Langa artists playing the surinda (string instrument) and the been . Less than five artists left in Rajasthan who can play the surinda
PHOTO • Shalini Singh

ડાબેઃ લોક કલાકારોના મેળામાં રાવણહથ્થો (તારવાળું વાદ્ય) વગાડતા ભોપા સમુદાયના સભ્યો. જમણેઃ સુરિંડા વગાડતા લંગા કલાકારો. રાજસ્થાનમાં હવે સુરિંડા વગાડી શકે તેવા કલાકારોની સંખ્યા પાંચથી પણ ઓછી છે

એમ.કે.એસ.એસ.નાં કાર્યકર શ્વેતા રાવ કહે છે, “આ યોજના કાયદામાં ફેરવાવી જોઈએ, જેથી જો સરકાર બદલાય તો પણ કામની બાંયધરી અકબંધ રહે.” તેઓ કહે છે કે પરિવાર દીઠ 100 દિવસની કામની બાંયધરી અસલમાં કલાકાર દીઠ 100 દિવસની હોવી જોઈએ. “હવે અસલ કલાકાર કે જેને તેની જરૂર છે − દૂરના ગામની અંદર જજમાની [આશ્રય] પ્રણાલીની અંદર ક્યાંક પ્રદર્શન કરતા − તેને આમાં જોડવાની અને તેના સુધી લાભ પહોંચાડવાની જરૂર છે.”

મે અને ઑગસ્ટ 2023ની વચ્ચે, લગભગ 13,000-14,000 કલાકારોએ આ નવી યોજના માટે અરજી કરી હતી. ઑગસ્ટ સુધીમાં 3,000ને મંજૂરી મળી હતી અને તહેવાર પછી અરજદારોની સંખ્યા વધીને 20,000-25,000 થઈ ગઈ હતી.

દરેક કલાકાર પરિવારને તેમનું વાદ્ય ખરીદવા માટે એક વખત 5,000 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. રાઠોડ કહે છે, “અમારે હવે કાર્યક્રમોનું કેલેન્ડર તૈયાર કરવું પડશે કારણ કે કલાકારોના પોતાના જિલ્લાઓમાં તે કલા અને સંસ્કૃતિની હાજરી નથી, અને તેથી અમારે તેમને તેમના કલા સ્વરૂપો અને તેમની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને સરકારી સંદેશો લોકો સુધી પ્રસારિત કરવા માટે પ્રેરિત કરવા પડશે.”

લોક કળાઓના પ્રદર્શન માટે એક એવી સંસ્થાની પણ માંગ છે જ્યાં વરિષ્ઠ કલાકારો સમુદાયની અંદર અને બહાર તેમનું જ્ઞાન વહેંચી શકે. આનાથી કલાકારોના કામને બચાવવામાં અને તેનો સંગ્રહ કરવામાં મદદ મળશે અને એ સુનિશ્ચિત કરાશે કે તે જ્ઞાન ક્યાંક ખોવાઈ ન જાય.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Shalini Singh

ஷாலினி சிங், பாரி கட்டுரைகளை பதிப்பிக்கும் CounterMedia Trust-ன் நிறுவன அறங்காவலர் ஆவார். தில்லியை சேர்ந்த பத்திரிகையாளரான அவர் சூழலியல், பாலினம் மற்றும் பண்பாடு ஆகியவற்றை பற்றி எழுதுகிறார். ஹார்வர்டு பல்கலைக்கழகத்தின் 2017-18ம் ஆண்டுக்கான Niemen இதழியல் மானியப்பணியில் இருந்தவர்.

Other stories by Shalini Singh
Video Editor : Urja

உர்ஜா, பாரியின் மூத்த உதவி காணொளி தொகுப்பாளர். ஆவணப்பட இயக்குநரான அவர் கைவினையையும் வாழ்க்கைகளையும் சூழலையும் ஆவணப்படுத்துவதில் ஆர்வம் கொண்டிருக்கிறார். பாரியின் சமூக ஊடகக் குழுவிலும் இயங்குகிறார்.

Other stories by Urja
Editor : PARI Desk

பாரி டெஸ்க், எங்களின் ஆசிரியப் பணிக்கு மையமாக இருக்கிறது. இக்குழு, நாடு முழுவதும் இருக்கிற செய்தியாளர்கள், ஆய்வாளர்கள், புகைப்படக் கலைஞர்கள், பட இயக்குநர்கள் மற்றும் மொழிபெயர்ப்பாளர்களுடன் இணைந்து இயங்குகிறது. பாரி பதிப்பிக்கும் எழுத்துகள், காணொளி, ஒலி மற்றும் ஆய்வு அறிக்கைகள் ஆகியவற்றை அது மேற்பார்வையிட்டு கையாளுகிறது.

Other stories by PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad