પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 10360 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ સુંદરવન એ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે. અહીં ખારા અને તાજા પાણીની સંરચનાને એક છેડેથી બીજા છેડા સુધી ફેલાયેલ જંગલનો વિશાળ વિસ્તાર છે, જે પ્રાણીઓ, વનસ્પતિઓ અને પક્ષીઓ, સરિસૃપ અને સસ્તન જીવોથી ભરપૂર છે. આ વૈવિધ્યસભર અને અનોખા પ્રદેશને યુનેસ્કો હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો છે.
અહીં આ ભૂમિની લોકકથાઓમાં જડાયેલ બોનબીબીની વાર્તાઓ પેઢી દર પેઢી કહેવાતી આવી છે. દંતકથા અનુસાર જંગલની આ દેવીને દૂર-દૂરના અરેબિયાથી સુંદરવનમાં, 'સુંદર જંગલ' માં - અઠારો ભાતિર દેશ (18 ભરતીની ભૂમિ) માં - તેના લોકોને દક્ષિણરાયના (સ્થાનિક રીતે તેને દોખિન રાય પણ કહેવામાં આવે છે) જુલમથી બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા, દક્ષિણરાય એક ક્રૂર બ્રાહ્મણ હતો, જે વાઘના વેશમાં છાનેમાને માણસોનો પીછો કરી, તેમને મારી નાખીને ખાઈ જતો હતો. અહીં જીવના જોખમના સમાન સંકટને દૂર કરવા માટે હિંદુ અને મુસ્લિમ પૌરાણિક કથાઓ એકરૂપ થઈ ગઈ છે. માત્ર સુંદરવનમાં જ અનુભવાતી (અદ્વિતીય સંમિશ્ર) જીવનશૈલીમાં ધાર્મિક મતભેદો ઓગળી ગયા છે.
નદીના પટમાં ઘાસ છાયેલી દેરીઓમાં પોતાના ભાઈ શાહ જંગલી સાથે રાજા દક્ષિણરાય પર સવાર થયેલ દેવીની મૂર્તિ એક સામાન્ય દૃશ્ય છે. મધ એકઠું કરનારાઓ અને માછીમારો વાઘના પ્રદેશમાં પ્રવેશતા પહેલા અહીં આદરપૂર્વક નમન કરે છે ત્યારે આ જ દેરીઓમાંથી ઊઠતા "મા બોનબીબી અલ્લાહ, અલ્લાહ" ના અને "બાબા દક્ષિણરાય હરિ હરિ" ના નારા સાવ સહજતાથી એકમેક સાથે ભળી જાય છે.
સુંદરવનના ટાપુવાસીઓનું માનવું છે કે જંગલો ફક્ત ગરીબ લોકો માટે અને (જંગલમાંથી) જીવન ટકાવી રાખવા જરૂરી છે તેના કરતા વધુ કંઈ પણ લેવાનો ઈરાદો ન ધરાવતા લોકો માટે છે. તેઓ ‘શુદ્ધ હૃદય’ અને ‘ખાલી હાથ’ બંનેને અહીંના જીવનની આવશ્યકતા તરીકે જુએ છે. મનુષ્યો અને બીજા રહેવાસીઓ વચ્ચેનો આ '(વણલખ્યો) કરાર' બંનેને જંગલ પર નિર્ભર રહેવાની છૂટ આપે છે, અને છતાં દરેક એકબીજાની જરૂરિયાતોને માન આપે છે. અહીં ‘હૃદયની શુદ્ધતા’ નો અર્થ એ છે કે તેઓ લોભ કે હિંસક ભાવ વગર જંગલમાં પ્રવેશ કરે છે. ‘ખાલી હાથ’ નો અર્થ છે કે તેઓ હથિયાર વિના જંગલમાં પ્રવેશ કરશે.
બોનબીબી એ જંગલનું જ મૂર્તિમંત સ્વરૂપ છે અને ગામલોકોમાં તેમના પ્રત્યેનો ઊંડો વિશ્વાસ એ જંગલ અને વાઘના સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ફરી એક વાર સુનિશ્ચિત કરે છે. બોનબીબી જત્રા (સ્થાનિક કલાકારો દ્વારા દેવીની બહાદુરીનું નિરુપણ કરતી લોકકથાઓની રજૂઆત) એ સુંદરવનની ઓળખસમું કલા સ્વરૂપ બની ગઈ છે. આ રજૂઆતો અતિશય ભાવના પ્રધાન હોય છે, તેમ છતાં તેમની પાછળનો સંદેશ સ્પષ્ટ હોય છે: "જો જંગલ ટકશે, તો વાઘ બચશે અને તો જ આપણો વિકાસ થઈ શકશે."
આ દસ્તાવેજી ફિલ્મ વિશ્વના સૌથી મોટા મુખત્રિકોણ - સુંદરવન, અઢાર ભરતી અને એક દેવીની ભૂમિમાં વસતા લોકોની ચિંતા અને તેમના ભાવવિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. દસ્તાવેજી, ટૂંકી અને એનિમેશન ફિલ્મો માટેના 13 મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સ્પર્ધા વિભાગમાં આ ફિલ્મ સત્તાવાર પસંદગી પામી હતી.
આ પણ વાંચો: મા બોનબીબી, મનુષ્યો અને વાઘની માતા અને હોડીઓ, માછલીઓ, વાઘ અને પ્રવાસન
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક