લક્ષદ્વીપ દ્વીપસમૂહના ટાપુઓ નાળિયેરીના અસંખ્ય વૃક્ષોથી છવાયેલા છે, અને નાળિયેરના બહારના સૂકાયેલા છોડામાંથી રેસા (કોયર) કાઢવા એ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે.
માછીમારી અને નાળિયેર ઉત્પાદનની સાથેસાથે નાળિયેરના બહારના સૂકાયેલા છોડામાંથી કાઢેલા રેસાને કાંતી, તાંતણાને વળ ચડાવી કાથીના દોરડા બનાવવા એ અહીંના મુખ્ય વ્યવસાયોમાંનો એક છે. (2011 ની વસ્તીગણતરી પ્રમાણે) લક્ષદ્વીપમાં નાળિયેરના છોડામાંથી રેસા કાઢવાના સાત, રેસા કાંતીને તેમાંથી તાંતણા બનાવવાના છ અને તાંતણાને વળ ચડાવી કાથીના દોરડા બનાવવાના સાત એકમો છે.
આ ક્ષેત્ર દેશના સાત લાખથી વધુ શ્રમિકોને રોજગારી આપે છે, તેમાંથી 80 ટકા મહિલાઓ છે, આ મહિલાઓ નાળિયેરના છોડામાંથી રેસા (કોયર) કાઢી તે ને કાંતીને તેમાંથી તાંતણા બનાવવામાં રોકાયેલી છે. ટેક્નોલોજીના વિકાસ અને હાથબનાવટથી યાંત્રિકીકરણ તરફ આગળ વધવા છતાં નાળિયેરના છોડામાંથી કાઢેલા રેસાઓમાંથી ચીજવસ્તુઓ બનાવવાનું કામ ઘણી મહેનત માગી લે છે.
લક્ષદ્વીપના કાવારત્તીમાં કોયર પ્રોડક્શન કમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર ખાતે 14 મહિલાઓનું એક જૂથ નાળિયેરના છોડામાંથી રેસા કાઢીને દોરડા બનાવવા માટેના છ મશીન ચલાવે છે. સોમવારથી શનિવાર સુધી રોજ આઠ કલાકની પાળીમાં કામ કરીને તેઓ દર મહિને લગભગ 7700 રુપિયા કમાય છે. 50 વર્ષના શ્રમિક રહેમત બેગમ બી કહે છે કે આ આઠ કલાકની પાળીનો પહેલો ભાગ દોરડા બનાવવામાં જાય છે અને બીજો ભાગ ઉપકરણો અને મશીનોની સફાઈમાં. આ દોરડા કેરલાના કોયર બોર્ડને 35 રુપિયે કિલોના ભાવે વેચવામાં આવે છે.
છોડામાંથી રેસા કાઢવાના અને તાંતણાને વળ ચડાવી કાથીના દોરડા બનાવવાના મશીનો આવ્યા એ પહેલાં નાળિયેરના છોડામાંથી પરંપરાગત ઢબે હાથ વડે રેસા કાઢી, કાંતીને તાંતણા બનાવવામાં આવતા અને તાંતણાને વળ ચડાવી સાદડીઓ, દોરડા અને (માછલી પકડવાની) જાળ બનાવવામાં આવતી. ફાતિમા કહે છે, "અમારા દાદા-દાદી સવારે પાંચ વાગ્યે ઊઠીને કાવરત્તીની ઉત્તરે દરિયા પાસે રેતીમાં નારિયેળ દાટવા માટે જતા. આખો મહિનો નારિયેળ આ રેતીમાં દટાયેલા રહેતા."
ઓલ ઈન્ડિયા રેડિયો, કાવરત્તી ખાતેના સમાચારવાચક 38 વર્ષના ફાતિમા ઉમેરે છે, "પછી રેસા કાઢવા [ઝાડની મોટી ડાળી વડે નારિયેળને] આ રીતે (હાથ વડે અભિનય કરી બતાવે છે) કૂટતા ને પછી તેમાંથી દોરડા બનાવતા. આજકાલના દોરડાની ગુણવત્તા સારી નથી હોતી, તે (વજનમાં) ખૂબ જ હલકા હોય છે."
લક્ષદ્વીપના બિત્રા ગામના અબ્દુલ ખાદર તેઓ કાથીના દોરડા હાથથી કેવી રીતે બનાવતા હતા એ યાદ કરે છે. 63 વર્ષના આ માછીમાર કહે છે કે તેઓ આ દોરડાનો ઉપયોગ તેમની હોડી બાંધવા માટે કરતા. વાંચો: લક્ષદ્વીપ ટાપુઓના પરવાળાના ખડકોનું દુઃખ
આ વીડિયોમાં અબ્દુલ ખાદર અને કાવારત્તી કોયર પ્રોડક્શન સેન્ટરના કામદારોને નાળિયેરના છોડાના રેસામાંથી અનુક્રમે પરંપરાગત ઢબે (હાથેથી) અને આધુનિક ઢબે (મશીન વડે) કાથીના દોરડા બનાવતા જોઈ શકાય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક