“મને નથી લાગતું કે હું ચિત્રકાર છું. મારામાં ચિત્રકારના ગુણો નથી. પણ મારી પાસે વાર્તાઓ છે. હું મારી પીંછીથી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કરું છું. હું એવો દાવો નથી કરતી કે મારા બધા જ લસરકા કોઈ ભૂલ વિનાના છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી જ હું ઘણા ચિત્રકારોના કામનો અભ્યાસ કરવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરી રહી છું. એ પહેલા મને ચિત્રકળાનું કોઈ જ્ઞાન ન હતું. હું વાર્તા કહેવા માટે ચિત્રો દોરતી હતી. જ્યારે હું વાર્તા વ્યક્ત કરી શકું છું ત્યારે મને આનંદ થાય છે. હું જાણે કોઈ વાર્તા લખતી ન હોઉં એ રીતે હું ચિત્રો દોરું છું.”
લબાની પશ્ચિમ બંગાળના ખૂબ જ ગ્રામીણ નાદિયા જિલ્લાના ધુબુલિયાના એક કલાકાર, ચિત્રકાર છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ગામમાં એરફિલ્ડ સાથેની લશ્કરી છાવણી નાખવામાં આવી હતી. જ્યારે અંગ્રેજોએ અહીં તે છાવણી નાખી ત્યારે મોટાભાગે મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામે તેની ખેતીની ઘણી જમીન ગુમાવી દીધી હતી. પાછળથી જ્યારે વિભાજન થયું ત્યારે ગામમાંથી ઘણા લોકો સરહદની બીજી તરફ ગયા. લબાની કહે છે, “પણ અમે ન ગયા, કારણ કે અમારા વડીલો જવા માગતા નહોતા. અમારા પૂર્વજો આ ભૂમિમાં દફન થયેલા છે. અમે આ જ ભૂમિ પર જીવવા અને મરવા માંગીએ છીએ." આ ભૂમિ સાથેનું એ જોડાણ અને તેના નામે જે કંઈ થાય છે તેણે આ કલાકારની સંવેદનશીલતાને નાનપણથી જ આકાર આપ્યો છે.
લબાનીને તેમના પિતા તરફથી ચિત્રકળા માટે પ્રોત્સાહન મળ્યું હતું, તેઓ તેમને બાળપણમાં થોડા વર્ષો માટે એક શિક્ષક પાસે લઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમના પિતા ઔપચારિક શિક્ષણ લેનાર પેઢીમાં સૌથી પહેલા છે. તેમના 10 ભાઈ-બહેનોમાંથી તેઓ એકલા જ ભણ્યા છે. તેઓ પાયાના સ્તરે કામ કરતા વકીલ છે, તેમણે ખેડૂતો અને મજૂરો માટે સહકારી સંસ્થાઓ શરૂ કરી હતી પરંતુ ખાસ કમાણી કરી નહોતી. લબાની કહે છે, “તેમને જે પૈસા મળે તેમાંથી તેઓ મારે માટે પુસ્તક ખરીદતા. મોસ્કો પ્રેસ, રદુગા પબ્લિશર્સના બાળકો માટેના ઘણા પુસ્તકો આવતા, જે તેમના બાંગ્લા અનુવાદ દ્વારા અમારા ઘરમાં આવતા. મને આ પુસ્તકોમાંના ચિત્રો ખૂબ ગમતા. ચિત્રાંકનની સૌથી પહેલી પ્રેરણા મને ત્યાંથી જ મળી.”
ચિત્રકળાની તેમના પિતાએ શરૂ કરાવેલી એ નાનપણની તાલીમ લાંબો સમય ન ચાલી. પરંતુ 2016માં જ્યારે ભાષાએ લબાનીનો સાથ આપવાનું છોડવા માંડ્યું ત્યારે ચિત્રકળા પ્રત્યેનો તેમનો પ્રેમ ફરીથી પાંગર્યો. રાજ્યની ઉદાસીનતા, લઘુમતીઓ પર ઇરાદાપૂર્વકના અત્યાચાર અને આવા દ્વેષપૂર્ણ અપરાધોની ઘટનાઓ બની હોવાના મોટાભાગની પ્રજાના ઇનકારને કારણે દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો હતો. તે વખતે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. નો અભ્યાસ પૂરો કરી રહેલ લબાની આ દેશની આ વાસ્તવિકતાઓથી ખૂબ જ પરેશાન હતા, છતાં તેના વિશે લખી શકતા નહોતા.
તેઓ કહે છે, "હું માનસિક રીતે ખૂબ અસ્વસ્થ હતી. પહેલા મને લખવાનું ગમતું હતું, અને મેં બાંગ્લા ભાષામાં થોડા લેખો લખ્યા હતા અને પ્રકાશિત કર્યા હતા. પરંતુ અચાનક મને ભાષા સાવ અપૂરતી લાગવા માંડી. ત્યારે હું દરેક વસ્તુથી દૂર ભાગવા માગતી હતી. તે વખતે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું. મને જે કોઈ નાનોસરખો કાગળનો ટુકડો મળે તેના પર વોટર કલરથી હું સમુદ્રને તેના તમામ મિજાજમાં દોરતી રહી. તે સમયે [2016-17] મેં એક પછી એક સમુદ્રના ઘણા ચિત્રો દોર્યાં. ચિત્ર દોરવા એ મારે માટે અન્યથા અશાંત દુનિયામાં શાંતિ શોધવાની મારી રીત હતી."
લબાની આજ સુધી એક સ્વ-શિક્ષિત કલાકાર રહ્યા છે.
પ્રતિષ્ઠિત યુજીસી-મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ ફોર માઈનોરિટી સ્ટુડન્ટ્સ (2016-20) એનાયત થયા બાદ 2017માં લબાનીએ જાદવપુર યુનિવર્સિટી સાથે સંકળાયેલા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓએ અગાઉ શરૂ કરેલ સ્થળાંતરિત શ્રમિકો પર નું પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ આ વખતે તેમના વધુ મોટા શોધ-નિબંધના પ્રોજેક્ટ 'બંગાળી સ્થળાંતરિત શ્રમિકોનું જીવન અને તેમની દુનિયા' ના ભાગરૂપે તેઓ આ શ્રમિકોના રોજબરોજના જીવનના અનુભવો અને તેમના સંજોગોની વિગતોમાં ઊંડા ઉતર્યા હતા.
લબાનીએ તેમના ગામના ઘણા લોકોને બાંધકામના સ્થળે મજૂરીના કામની શોધમાં કેરળ અથવા હોટલમાં કામ કરવા મુંબઈ જતા જોયા હતા. તેઓ કહે છે, "મારા પિતાના ભાઈઓ અને તેમના પરિવારના સભ્યો, ખાસ કરીને પુરુષો, હજી પણ બંગાળની બહાર સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરે છે. મહિલાઓ આ રીતે કામ કરવા સ્થળાંતર કરતી નથી." શોધ-નિબંધનો વિષય તેમના હૃદયની નજીક હોવા છતાં તેને માટે ઘણું ફિલ્ડ વર્ક કરવાની જરૂર હતી. તેઓ યાદ કરે છે, "પરંતુ તે પછી જ મહામારી ફેલાઈ. તેની સૌથી વધુ અસર સ્થળાંતરિત શ્રમિકોને થઈ. એ પછી મને મારા સંશોધન પર કામ કરવાનું મન થતું નહોતું. એ શ્રમિકો ઘેર પહોંચવા, આરોગ્ય સંભાળ મેળવવા અને સ્મશાનમાં અને દફનભૂમિમાં જગ્યા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે ત્યાં જઈને હું તેમને મારા શૈક્ષણિક કાર્યને લગતા પ્રશ્નો શી રીતે પૂછી શકું? તેમની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનું મને યોગ્ય ન લાગ્યું. હું સમયસર ફિલ્ડ વર્ક પૂરું ન કરી શકી અને તેથી મારું પીએચડીનું કામ લંબાયા કરે છે.”
પીપલ્સ આર્કાઈવ્સ ઓફ રૂરલ ઈન્ડિયા (પારી) ના પૃષ્ઠો પર સ્થળાંતરિત કામદારોના જીવનનું દસ્તાવેજીકરણ કરવા માટે આ વખતે લબાનીએ ફરીથી તેમની પીંછીનો ઉપયોગ કર્યો હતો. “સાંઈનાથના કેટલાક લેખો બંગાળી દૈનિક ગણશક્તિના સંપાદકીય પૃષ્ઠોમાં પ્રકાશિત થતા હતા. તેથી જ્યારે સ્મિતા દીએ મને પહેલા લેખ અને પછીથી કવિતા માટે થોડા ચિત્રો આપવાનું કહ્યું ત્યારે હું પહેલેથી પી. સાંઈનાથના કામથી પરિચિત હતી જ." (સ્મિતા ખટોર પારીના મુખ્ય અનુવાદ સંપાદક છે). 2020 ના સમગ્ર વર્ષ દરમિયાન લબાની જંગી પારી ખાતે ફેલો રહ્યા હતા જ્યાં તેમણે તેમના શોધ-નિબંધમાં ચર્ચાયેલા લોકોના તેમજ મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહેલા ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓના જીવનને ચિત્રિત કર્યું હતું.
“પારી સાથેનું મારું કામ વ્યાપક, પ્રણાલીગત પડકારો અને ગ્રામીણ જીવનની મજબૂત ભાવના બંને પર પ્રકાશ પાડે છે. આ વર્ણનોને મારી કળામાં એકીકૃત કરીને હું તેમના જીવનની જટિલતાઓનો રજૂ કરતી દ્રશ્ય અભિવ્યક્તિઓ બનાવવાનો પ્રયાસ કરું છું. મારા ચિત્રો એ એક માધ્યમ છે જેના દ્વારા હું ગ્રામીણ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક વાસ્તવિકતાઓની સમૃદ્ધ વિવિધતાને સાચવવામાં અને વહેંચવામાં યોગદાન આપું છું.”
લબાની કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી, પરંતુ પોતાની કલાને તેઓ રાજકીય દ્રષ્ટિએ જુએ છે. “જાદવપુર ભણવા આવ્યા પછી મેં ઘણા ચિત્રકારો – અને રાજકીય પોસ્ટરો – જોયા. અને આપણી આસપાસ જે કંઈ બને છે તેના વિશે હું જે પ્રકારના ચિત્રો બનાવું છું તે હું આ બધાના સંપર્કમાં આવી તેમાંથી અને અલબત્ત મારી પોતાની સંવેદનાઓમાંથી આવે છે.” જે સમાજમાં નફરતને એક સામાન્ય બાબત ગણવામાં આવી રહી છે, અને સરકાર-સમર્થિત હિંસા એ ઘણી વાર આજના સમયની કઠોર વાસ્તવિકતા બની રહી છે ત્યારે એવા સમાજમાં એક મુસ્લિમ મહિલા હોવાની રોજિંદી વાસ્તવિકતાઓમાંથી તેઓ પ્રેરણા મેળવે છે.
લબાની કહે છે, “દુનિયા અમને, અમારી કુશળતાને, અમારી પ્રતિભાને, અમારી મહેનતને સ્વીકારવા માગતી નથી. આ બધું ભૂંસી નાખવામાં અમારી ઓળખ મોટો ભાગ ભજવે છે. આજે પણ આ થઈ રહ્યું છે. મોટા ભાગના લોકો માટે ખાસ કરીને એક મુસ્લિમ મહિલા કલાકારના કામનું કોઈ અસ્તિત્વ જ નથી." જો તે નસીબદાર હોય અને તેને કોઈ યોગ્ય પુરસ્કર્તા ન મળે ત્યાં સુધી તો નહીં જ. તેઓ ઉમેરે છે, "કોઈ તેને સ્થાન આપતું નથી અથવા તેને ગંભીરતાથી લેતું નથી, ટીકા કરવા માટે પણ નહીં. તેથી જ હું તેને ભૂંસી નાખવાની પ્રક્રિયા કહું છું. એક એવી પ્રક્રિયા જે કલા, સાહિત્ય અને સાચું પૂછો તો બીજા ઘણા ક્ષેત્રોના ઇતિહાસમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે." પરંતુ લબાની ચિત્રો દોરીને પોતાનું કામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મની દિવાલો પર મૂકીને પોતાના પ્રયાસ જારી રાખે છે.
અને ફેસબુક દ્વારા જ ચટ્ટોગ્રામની ચિત્રભાષા આર્ટ ગેલેરીએ તેમનો સંપર્ક કર્યો હતો અને ડિસેમ્બર 2022 માં તેમને તેમના પહેલા એકલ પ્રદર્શન બીબીર દરગાહ માટે બાંગ્લાદેશ આવવાનું આમંત્રણ આપ્યું હતું.
બીબીર દરગાહ પ્રદર્શનનો વિચાર લબાનીને તેમના બાળપણમાંથી તેમજ બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ પરથી આવ્યો હતો, લબાની કહે છે કે બાંગ્લાદેશમાં તેઓ ફરી એકવાર રૂઢિચુસ્ત ઇસ્લામનો ઉદય થતો જોઈ રહ્યા છે. બીબી કા દરગાહ એ મહિલા પીર (આધ્યાત્મિક માર્ગદર્શકો) ના સ્મારકરૂપે બનાવેલ દરગાહોનો ઉલ્લેખ કરે છે. “જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે મારા ગામમાં મહિલાઓની બે દરગાહો હતી. અમારી સાંસ્કૃતિક પ્રથાઓ હતી, મન્નત [ઈચ્છાપૂર્તિ કે માનતા રાખવા] માટે દોરો બાંધવાની માન્યતાઓ હતી; જ્યારે અમારી ઇચ્છાઓ પૂરી થતી ત્યારે તેની ઉજવણીરૂપે મિજબાની કરવા અમે સાથે મળીને રાંધતા. એ સ્થાનકની આસપાસ સમન્વયાત્મક પરંપરાઓનો આખો એક સમૂહ હતો.
“પણ મેં મારી નજર સામે એ દરગાહોને અદૃશ્ય થતા જોઈ. પછીથી તેમના સ્થાને પાછળથી એક મક્ત [પુસ્તકાલય] આવે છે. રૂઢિચુસ્ત ઇસ્લામિક લોકો કે જેઓ મઝારો [કબરો] અથવા સૂફી દરગાહમાં માનતા નથી - તેમના પ્રયાસો કાં તો દરગાહોને તોડવા અથવા તેની જગ્યાએ મસ્જિદ બનાવવા તરફના હોય છે. હવે થોડીક દરગાહો રહી છે પણ તે બધી પુરૂષ પીરની છે. હવે કોઈ બીબી કા દરગાહ રહી નથી, અમારી સાંસ્કૃતિક યાદોમાંથી તેમના નામ ભૂંસાઈ ગયા છે.
પરંતુ આવા વિનાશની પેટર્ન વ્યાપક છે ત્યારે બીજી સમાંતર પેટર્ન પણ છે જેની તરફ લબાની ધ્યાન દોરે છે. કંઈક એવું કે જે આ રીતે ગણતરીપૂર્વક અને હિંસક રીતે યાદોને ભૂંસી નાખવાનો જાહેરમાં વિરોધ કરે છે. “જ્યારે બાંગ્લાદેશમાં ચિત્રોના પ્રદર્શન સમય આવ્યો ત્યારે એક તરફ મને મઝારોના વિનાશના વિચારો આવ્યા તો સાથોસાથ બીજી તરફ પોતાની ગુમાવેલી જમીન અને અધિકારો માટે આજે પણ ઝઝૂમી રહેલી મહિલાઓની મુશ્કેલીઓ સામે હાર માન્યા વિના દ્રઢતાપૂર્વક લડી લેવાની તાકાત વિશે પણ મેં વિચાર્યું. આ પ્રતિકાર અને દ્રઢતા એ જ મઝારની પાછળની ભાવના છે જે મઝારનું માળખું નાશ પામ્યા પછી પણ ટકી રહે છે. આ એકલ પ્રદર્શનમાં મેં આ ભાવનાને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.” તે પ્રદર્શન પૂરું થયાના લાંબા સમય પછી પણ લબાની એ વિષયવસ્તુ પર કામ કરી રહ્યા છે.
લબાનીના ચિત્રોએ લોકોના અવાજની તાકાતને વધારી છે, ઘણી કવિતાઓ અને લેખો અને પુસ્તકોને બીજું જીવન આપ્યું છે. લબાની કહે છે, “કલાકારો કે લેખકો, અમે બધા જોડાયેલા છીએ. મને યાદ છે કેશવ ભાઉ [ આંબેડકરથી પ્રેરિત સાલ્વેનું આઝાદી ગીત ] મને કહેતા હતા કે મેં તેમની કલ્પનાના શાહીરનું હૂબહૂ ચિત્રણ કર્યું હતું. અને મને એ વાતની નવાઈ નથી લાગતી, કારણ કે ભલે અમે અમારી વ્યક્તિગત, સામાજિક, સાંસ્કૃતિક ઓળખ દ્વારા અલગ હોઈએ પરંતુ અમારી કલ્પના, અમારી સામૂહિક યાદો, અમારી સામાન્ય વાર્તાઓનું હાર્દ એકસરખું છે."
લબાની ચિત્રોના ઘેરા રંગો, બળકટ લસરકા અને માનવ જીવનનું સ્વાભાવિક નિરૂપણ વાર્તાઓ કહે છે સાંસ્કૃતિક એકરૂપતા સામે પ્રતિકારની, સામૂહિક યાદોની, ઓળખ અને સંસ્કૃતિની, વિભાજનની વચ્ચે અનુસંધાન સાધવાની. લબાની કહે છે, “મને લાગે છે કે હું એક કાલ્પનિક આદર્શ રાજ્યની તાકીદથી પ્રેરિત છું. ચારે તરફ થઈ રહેલી હિંસાની પ્રતિક્રિયારૂપે એક નવા સમાજની કલ્પના કરવી અનિવાર્ય બની જાય છે. એક એવી દુનિયા જ્યાં રાજકીય પ્રવચન ઘણીવાર વિનાશ સાથે હારમાં ગોઠવાઈ જાય છે ત્યાં મારા ચિત્રો વિરોધ અને દ્રઢતાની ઋજુ પરંતુ એટલી જ તાકાતવાન ભાષા બોલે છે."
એક એવી ભાષા જે લબાની પોતાના નાની, જેમની સાથે લબાની તેમના જીવનના પહેલા10 વર્ષ દરમિયાન રહ્યા હતા તેમની પાસેથી શીખ્યા હતા. લબાની કહે છે, “માને ભાઈની અને મારી બેની સંભાળ રાખવામાં મુશ્કેલી પડતી હતી. ઘર પણ નાનું હતું. તેથી માએ મને મારા નાનીને ઘેર મોકલી દીધી હતી જ્યાં નાની અને ખાલા [માની બહેન] એ દસ વર્ષ સુધી મારી સંભાળ રાખી હતી. તેમના ઘરની નજીક એક તળાવ હતું જ્યાં દરરોજ બપોરે અમે કાંથાવર્ક [ એક પ્રકારનું ભરતકામ] કરતા હતા. તેમના નાની એક સરળ ફાંટના ટાંકાની મદદથી રંગબેરંગી ભરતકામમાં જટિલ વાર્તાઓ વણી લેતા હતા. સરળ લસરકામાં જટિલ વાર્તાઓ કહેવાની કળા લબાનીને તેના દાદીમા તરફથી મળી હશે, પરંતુ નિરાશા અને આશા વચ્ચેની જે જગ્યામાં તેઓ રહે છે એ તેમની માતાએ ઊભી કરેલી છે.
તેઓ કહે છે, “જ્યારે હું નાની હતી ત્યારે મારી પરીક્ષામાં હું ખૂબ ખરાબ દેખાવ કરતી. મને ગણિતમાં અને ક્યારેક વિજ્ઞાનમાં પણ શૂન્ય માર્ક્સ મળતા. અને એ બધો જ સમય મને ખબર નથી કેમ પણ બાબાને શંકા હતી ત્યારે પણ મા મારામાં વિશ્વાસ કરતી રહી. તે મને ખાતરી આપતી કે આગલી વખતે હું સારું કરી શકીશ. તેના વિના હું આટલી આગળ આવી શકી ન હોત. વળી મા તેની ઈચ્છા હોવા છતાં ક્યારેય કોલેજમાં જઈ શકી નહોતી. તેના લગ્ન કરાવી દેવાયા હતા. તેથી તે મારા દ્વારા તેનું જીવન જીવે છે. જ્યારે હું કોલકાતાથી પાછી આવું છું ત્યારે તે આવીને મારી બાજુમાં બેસે છે, તેના ઘરની બહારની દુનિયાની વાર્તાઓમાં તેને ખૂબ રસ પડે છે. મારી આંખોથી તે દુનિયા જુએ છે.
પરંતુ આ દુનિયા એક ડરામણી જગ્યા છે, ઝડપથી વ્યાપારીકરણ પામતી કળાની દુનિયા પણ. "મને મારું ભાવનાત્મક હાર્દ ગુમાવી બેસવાનો ડર છે. એક મોટા કલાકાર બનવાની ઇચ્છામાં હું ભાવનાત્મક રીતે વિસ્થાપિત થવા માગતી નથી, મારા લોકોથી અને જે મૂલ્યો માટે મારી કળા ઊભી છે તેનાથી દૂર થવા માગતી નથી. હું ખૂબ સંઘર્ષ કરતી રહું છું, પૈસા માટે, સમય માટે, પરંતુ મારો સૌથી મોટો સંઘર્ષ છે મારો આત્મા વેચ્યા વિના આ દુનિયામાં ટકી રહેવા માટેનો."
મુખપૃષ્ઠ તસવીર: જયંતિ બુરુડા
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક