મહિનાઓની અસહ્ય ગરમી બાદ આખરે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં શિયાળો શરુ થયો હતો. કામ પર રાતપાળી માટે હાજર થવા તૈયાર થતા થતા દામિની (નામ બદલવામાં આવ્યું છે) થોડો રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. તેઓ કહે છે, "હું પીએસઓ [પોલીસ સ્ટેશન ઓફિસર] તરીકે ફરજ પર હતી અને શસ્ત્રો અને વોકી-ટોકી આપવાનો હવાલો સંભાળતી હતી."
એકવાર દામિની ફરજ પર હતા ત્યારે સ્ટેશન હાઉસ ઓફિસર ઉર્ફે પોલીસ ઈન્સ્પેક્ટર (એસએચઓ/પીઆઈ) એ તેમને પોતાના વોકી-ટોકી માટે ચાર્જ કરેલી બેટરીઓ પોલીસ મથકેથી એ જ પરિસરની અંદર આવેલા તેમના સરકારી નિવાસસ્થાન સુધી લઈ આવવા કહ્યું હતું. એ મધ્યરાત્રિ પછીનો સમય હતો, અને આવા કામો માટે તેમને પીઆઈને ઘેર બોલાવવાનું પ્રોટોકોલની વિરુદ્ધ હોવા છતાં એ રૂઢ થઈ ગયેલ સામાન્ય બાબત હતી. દામિની સમજાવે છે, "અધિકારીઓ ઘણીવાર સાધનસામગ્રી ઘેર લઈ જાય છે...અને અમારે અમારા ઉપરી અધિકારીઓના આદેશોનું પાલન કરવું પડે છે."
એટલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દામિની પીઆઈને ઘેર ગયા હતા.
અંદર ત્રણ માણસો બેઠા હતા: પીઆઈ, એક સામાજિક કાર્યકર અને એક થાણા કર્મચારી (નાના સેમી-ઓફિશિયલ (થોડેઘણે અંશે સરકારી) કામો માટે પોલીસ થાણા દ્વારા નિયુક્ત કરાયેલ નાગરિક સ્વયંસેવક). નવેમ્બર 2017 ની આ રાતને યાદ કરતી વખતે તેઓ અસ્વસ્થતાથી કહે છે, “મેં તેમની તરફ ધ્યાન ન આપ્યું અને વોકી ટોકીની બેટરી બદલવા એ રૂમમાંના ટેબલ તરફ વળી." જેવી તેમણે પીઠ ફેરવી એની સાથે જ અચાનક તેમને દરવાજો બંધ કરવાનો અવાજ સંભળાયો. “હું રૂમમાંથી બહાર નીકળવા માગતી હતી. મેં પ્રયત્ન કર્યો પણ ખરો, મારી બધી તાકાત અજમાવીને, પરંતુ એમાંના બે પુરુષોએ મારા હાથ જોરથી પકડ્યા, મને પલંગ પર ફેંકી, અને….એક પછી એક એ ત્રણેએ મારા પર બળાત્કાર ગુજાર્યો."
લગભગ 2:30 વાગ્યાની આસપાસ આંસુભરી આંખે દામિની એ ઘરની બહાર નીકળી પોતાની બાઇક પર બેસીને પોતાના ઘર તરફ હંકારી ગયા. તેઓ કહે છે, “મારું મન સુન્ન થઈ ગયું હતું. હું વિચારતી હતી... મારી કારકિર્દી વિષે અને જિંદગીમાં જે હાંસલ કરવા માગતી હતી એ વિષે. અને હવે આ?"
*****
દામિની હંમેશ એક વરિષ્ઠ સરકારી અધિકારી બનવા માગતા હતા. તેમની ત્રણ ડિગ્રી - અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટસ, બેચલર ઓફ એજ્યુકેશન અને બેચલર ઓફ લો - તેમની મહત્વાકાંક્ષા અને સખત મહેનતના પુરાવા છે. તેઓ કહે છે, "હું હંમેશા એક ટોચની વિદ્યાર્થી રહી છું...મેં ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) માં કોન્સ્ટેબલ તરીકે જોડાવાનું અને પછી પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષાની તૈયારી કરવાનું વિચાર્યું હતું."
2007 માં દામિની પોલીસ દળમાં જોડાયા હતા. શરૂઆતના થોડા વર્ષો સુધી તેમણે ટ્રાફિક વિભાગમાં અને મરાઠવાડાના પોલીસ મથકોમાં કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું હતું. દામિની યાદ કરે છે, "વરિષ્ઠતા મેળવવા માટે, દરેકેદરેક કેસ સાથે મારી કુશળતા વધારવા માટે હું સખત મહેનત કરતી હતી." તેમ છતાં, તેમની સખત મહેનત છતાં, પુરૂષ પ્રભુત્વ ધરાવતા પોલીસ મથકોમાં તેમના અનુભવો નિરાશાજનક રહ્યા હતા.
દલિત સમુદાયમાંથી આવતા દામિની કહે છે, “પુરુષ સાથીકાર્યકરો ઘણીવાર આડકતરી રીતે ટોણા મારતા. ખાસ કરીને જાતિ અને અલબત્ત, લિંગ આધારિત." તેઓ ઉમેરે છે, “એકવાર એક કર્મચારીએ મને કહ્યું હતું, ‘તુમ્હી જર સાહેબાંચા મરજીપ્રમાણે રાહિલ્યાત તર તુમ્હાલા ડ્યુટી વગેરે કમી લાગેલ. પૈસે પણ દેઉ તુમ્હાલા’ (સાહેબ કહેશે તેમ કરીશ તો તારે ઓછી ડ્યુટી લાગશે અને પૈસાય મળશે)." દામિનીને આવું કહેનાર કર્મચારી, એ થાણા કર્મચારી હતો, જેની ઉપર દામિની પર બળાત્કાર કરવાનો આરોપ હતો. દામિની કહે છે કે પોલીસથાણામાં સેમી-ઓફિશિયલ (થોડેઘણે અંશે સરકારી) કામો કરવા ઉપરાંત એ ધંધાદારીઓ પાસેથી પોલીસ વતી 'વસૂલી' (કાનૂની કાર્યવાહી અથવા પજવણી કરવાની ધમકી હેઠળ ગેરકાયદેસર ચૂકવણી) એકઠી કરતો, ઉપરાંત દેહ વ્યાપાર કરનાર મહિલાઓને અને મહિલા કોન્સ્ટેબલ્સને પીઆઈને ઘેર અથવા હોટલ અથવ લોજમાં "પહોંચાડવા" માટે પણ "વસૂલી" એકઠી કરતો.
દામિની ઉમેરે છે, “અમારે ફરિયાદ કરવી હોય તો પણ અમારા ઉપરી અધિકારીઓ સામાન્ય રીતે પુરુષો હોય છે. તેઓ અમારી વાત પર ધ્યાન આપતા નથી." મહિલા પોલીસ ઉપરી અધિકારીઓ માટે પણ દુષ્કર્મ અને સતામણી નવી વાત નથી, તેઓ પણ આવા અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે. મહારાષ્ટ્રના સૌથી પહેલા મહિલા કમિશનર બનવાનું ગૌરવ ધરાવતા એક નિવૃત્ત ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી ડો. મીરા ચડ્ઢા બોરવણકર કહે છે કે ભારતમાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર વાતાવરણ હંમેશા અસુરક્ષિત રહ્યું છે. તેઓ ઉમેરે છે, "કાર્યસ્થળ પર જાતીય સતામણી એક વાસ્તવિકતા છે. કોન્સ્ટેબલ કક્ષાની મહિલાઓને આનો વધારે સામનો કરવો પડે છે, પરંતુ વરિષ્ઠ મહિલા અધિકારીઓને પણ બક્ષવામાં આવતા નથી. મારે પણ એનો સામનો કરવો પડ્યો છે."
કાર્યસ્થળ પર થતી જાતીય સતામણીથી મહિલાઓનું રક્ષણ કરવા માટે 2013 માં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન, એન્ડ રિડ્રેસલ) એક્ટ ઘડવામાં આવ્યો હતો અને નોકરીદાતાઓ તેના વિશે જાગૃતિ ઊભી કરવા માટે બંધાયેલા છે. ઓલ્ટરનેટિવ લો ફોરમ, બેંગલુરુ ખાતેના એક વકીલ પૂર્ણા રવિશંકર ભારપૂર્વક જણાવે છે, “પોલીસ મથકો આ કાયદા હેઠળ આવે છે અને તેમણે તેની જોગવાઈઓનું પાલન કરવું જ જોઈએ. એસએચઓ અથવા પીઆઈ એ 'નોકરીદાતા ' (એમ્પ્લોયર') છે અને આ કાયદાની જોગવાઈઓનું પાલન થાય એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે." આ કાયદો, દામિનીના કેસમાં હતું તેમ, પીઆઈ વિરુદ્ધની ફરિયાદો સહિત, કાર્યસ્થળ પર થતી સતામણીની ફરિયાદો બાબતે તપાસ કરવા માટે ઈન્ટરનલ કમ્પ્લેઈન્ટ્સ કમિટીસ (આઈસીસી) ની રચના કરવાનો આદેશ આપે છે. પરંતુ ડો. બોરવણકર વાસ્તવિકતા આગળ ધરે છે: "આઈસીસી ઘણીવાર માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હોય છે."
લોકનીતિ-પ્રોગ્રામ ફોર કમ્પેરેટિવ ડેમોક્રેસી, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (સીએસડીએસ) દ્વારા હાથ ધરવામાં આવેલા ' સ્ટેટસ ઓફ પોલિસિંગ ઈન ઈન્ડિયા ' શીર્ષક હેઠળના 2019 ના સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર સહિત 21 રાજ્યોમાં 105 સ્થળોએ 1834 પોલીસ કર્મચારીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમાં બહાર આવ્યું છે કે લગભગ ચોથા ભાગના (24%) મહિલા પોલીસ કર્મચારીઓએ તેમના કાર્યસ્થળ પર અથવા તેમના અધિકારક્ષેત્રમાં આવી સમિતિઓ અસ્તિત્વમાં ન હોવાની જાણ કરી હતી. આંશિક રીતે આ જ કારણસર મહિલા પોલીસ કર્મચારીઓને સહન કરવી પડતી (જાતીય) સતામણીનું પ્રમાણ નક્કી કરવું પડકારજનક બની રહે છે.
દામિની સ્પષ્ટતા કરે છે, “અમને આ કાયદા વિશે ક્યારેય જણાવવામાં આવ્યું નહોતું. કે નહોતી ત્યાં કોઈ સમિતિ.”
2014 થી નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) કામના સ્થળે અથવા ઓફિસ પરિસરોમાં જાતીય સતામણીના કિસ્સાઓની માહિતી (હવે સુધારેલ ઈન્ડિયન પિનલ કોડ ની કલમ 354 જે નવી ભારતીય ન્યાય સંહિતા અથવા બીએનેસની કલમ 74 ને સમકક્ષ છે તેની હેઠળ) 'મહિલાઓનો મર્યાદાભંગ કરવાના ઈરાદાથી તેમની ઉપર કરાતા હુમલા' ની શ્રેણીમાં એકઠી કરે છે. 2022 માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એ સમગ્ર ભારતમાં આ શ્રેણીમાં ઓછામાં ઓછી 422 પીડિતાઓની નોંધણી કરી હતી, જેમાં મહારાષ્ટ્રમાં પીડિતાઓની સંખ્યા 46 હતી - સંભવતઃ વાસ્તવિક આંકડા કરતા આ ઓછો અંદાજ છે.
*****
નવેમ્બર 2017 ની તે રાત્રે દામિની જ્યારે ઘરે પહોંચ્યા, ત્યારે તેમના મનમાં કંઈ કેટલાય સવાલો ઊઠતા હતા, સાચી હકીકત સ્પષ્ટપણે જણાવી દેવાના સંભવિત પરિણામોના વિચારો ઘોળાતા હતા અને ફરજ પર હોય ત્યારે રોજેરોજ તેમના કથિત બળાત્કારીઓના ચહેરા જોવા પડશે એ વિચાર માત્રથી જ તેમને ત્રાસ થતો હતો, ડર લાગતો હતો. દામિની યાદ કરે છે, "હું વિચારતી રહી કે શું [બળાત્કાર] મારા ઉપરીની દુષ્ટ લાલસાને શરણે ન થવાનું પરિણામ હતું... મારે હવે આગળ શું કરવું જોઈએ." ચાર-પાંચ દિવસ પછી દામિનીએ કામ પર હાજર થવાની હિંમત એકઠી કરી, પરંતુ તેમણે આ ઘટના વિશે કશું જ બોલવું-કરવું નહીં એવું નક્કી કર્યું હતું. દામિની કહે છે, "હું ખૂબ જ પરેશાન હતી. આવું બને ત્યારે કોઈ વ્યક્તિએ કયાં કયાં પગલાં લેવા જોઈએ એની મને પૂરેપૂરી ખબર હતી [જેમ કે સમય-સંવેદનશીલ તબીબી તપાસ] પણ...ખબર નહીં (મારે એ પગલાં લેવા એ નહીં એ હું નક્કી કરી શકતી નહોતી)." દામિની અચકાતા હતા.
પરંતુ એક અઠવાડિયા પછી લેખિત ફરિયાદ સાથે તેઓ મરાઠવાડાના એક જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) ને મળવા ગયા. એસપીએ તેમને ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરવાનું ન કહ્યું. પરંતુ દામિની જે પરિણામોનો સામનો કરવાથી ડરતા હતા એ જ પરિણામો ભોગવવાની શરૂઆત થઈ ગઈ. એસપીએ દામિનીના પોલીસ મથકમાંથી તેમનો સર્વિસ રેકોર્ડ માંગ્યો. દામિની કહે છે, “આરોપી પીઆઈએ તેમાં ઉલ્લેખ કર્યો કે મારું ચારિત્ર્ય સારું નથી અને મેં કામ પર અભદ્ર વર્તન કર્યું હતું."
થોડા દિવસો પછી દામિનીએ એસપીને બીજો ફરિયાદ પત્ર લખ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેઓ યાદ કરે છે, “એક પણ દિવસ એવો નહોતો ગયો કે જ્યારે મેં ઉચ્ચ અધિકારીઓને મળવાનો પ્રયાસ ન કર્યો હોય. સાથોસાથ હું મને ફાળવવામાં આવેલ ફરજ પણ નિભાવતી હતી. પછીથી મને ખબર પડી કે એ બળાત્કારથી હું ગર્ભવતી થઈ છું."
પછીના મહિને તેમણે બીજો ચાર પાનાનો ફરિયાદ પત્ર લખ્યો જે તેમણે ટપાલ અને વોટ્સએપ દ્વારા એસપીને મોકલ્યો. કથિત બળાત્કારના બે મહિના પછી જાન્યુઆરી 2018 માં પ્રાથમિક તપાસનો આદેશ આપવામાં આવ્યો. દામિની કહે છે, “તપાસની જવાબદારી એક મહિલા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) સાંભળતા હતા. મેં મારા ગર્ભાવસ્થાના અહેવાલો તેમને પૂરા પાડ્યા હોવા છતાં તેમણે તેમના તારણો સાથે એ જોડ્યા નથી. એએસપીએ જાતીય હુમલો થયો ન હોવાનું તારણ કાઢ્યું અને જૂન 2019 માં વધુ તપાસ ન થાય ત્યાં સુધી મને બરતરફ કરવામાં આવી."
દામિની ઉમેરે છે, ‘અમારે ફરિયાદ કરવી હોય તો પણ અમારા ઉપરી અધિકારીઓ સામાન્ય રીતે પુરુષો હોય છે. તેઓ અમારી વાત પર ધ્યાન આપતા નથી.' મહિલા પોલીસ ઉપરી અધિકારીઓ માટે પણ દુષ્કર્મ અને સતામણી નવી વાત નથી, તેઓ પણ આવા અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યા હોય છે
આ બધા સમય દરમિયાન દામિનીને તેમના પરિવારનો સાથ નહોતો મળ્યો. એ ઘટનાના વર્ષ પહેલા 2016 માં તેઓ તેમના પતિથી અલગ થઈ ગયા હતા. ચાર બહેનો અને એક ભાઈમાં સૌથી મોટા હોવાને કારણે તેમને આશા હતી કે તેમના પિતા, એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અને માતા, એક ગૃહિણી તેમની પડખે ઊભા રહેશે. તેઓ ઉમેરે છે, "પરંતુ એક આરોપીએ મારા પિતાને ઉશ્કેર્યા...તેમને કહ્યું કે હું સ્ટેશન પર જાતીય પ્રવૃતિઓ કરું છું...કે હું 'ફાલ્તુ' (નકામી) છું...કે મારે એ લોકોની સામે ફરિયાદ ન કરવી જોઈએ અને આ ગડબડમાં ન પડવું જોઈએ." જ્યારે દામિનીના પિતાએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું ત્યારે તેમને ખૂબ નવાઈ લાગી અને આઘાત લાગ્યો. "મારા પિતા આવું કરે એ માનવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ મેં એ વાત પર ધ્યાન ન આપવાનું પસંદ કર્યું. બીજું શું કરું?”
દામિનીને લાગ્યું કે તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે પરિણામે પરિસ્થિતિ વધુ બગડી. “આરોપી, ખાસ કરીને એ કર્મચારી, દરેક જગ્યાએ મારી પાછળ પાછળ આવતો. હું હંમેશા સજાગ હતી. હું ઊંઘી શકતી નહોતી, સારી રીતે ખાઈ શકતી નહોતી. મારું મન અને શરીર થાકી ગયું હતું.”
તેમ છતાં તેમણે લડત ચાલુ રાખી. ફેબ્રુઆરી 2018 માં તેમણે જિલ્લાના એક તાલુકામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) ની અદાલતનો સંપર્ક કર્યો. જાહેર સેવક સામે કાનૂની આશ્રય મેળવવા માટે તેમના ઉપરી અધિકારીઓની પરવાનગીના અભાવે (હવે સુધારેલ ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 197, જે નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસસની કલમ 218 ને સમકક્ષ છે તેની હેઠળ) તેમનો કેસ બરતરફ કરવામાં આવ્યો. તેમણે બીજી અરજી દાખલ કર્યાના એક અઠવાડિયા પછી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આખરે પોલીસ મથકને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો.
દામિની તે ક્ષણને યાદ કરીને કહે છે, "હતાશા અને નિરાશામાં ત્રણ મહિનાથી વધુ સમય પસાર કર્યા પછી અદાલતના આદેશે મારું મનોબળ વધાર્યું." પરંતુ એ અલ્પજીવી હતું. એફઆઈઆર દાખલ કર્યાના બે દિવસ પછી કથિત અપરાધના સ્થળ-પીઆઈના નિવાસસ્થાનની-તપાસ કરવામાં આવી. સ્વાભાવિક રીતે જ કોઈ પુરાવા મળ્યા નહીં કારણ જે રાત્રે દામિની પીઆઈને ઘેર ગઈ હતી ત્યાર પછી ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હતો. કોઈ ધરપકડ કરવામાં આવી નહોતી.
તે જ મહિને દામિનીને કસુવાવડ થઈ અને તેણે બાળક ગુમાવ્યું.
*****
જુલાઈ 2019 માં દામિનીના કેસની છેલ્લી સુનાવણીને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બરતરફી (સસ્પેન્શન) પર હતા ત્યારે વારંવાર તેમણે પોતાનો કેસ ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) પાસે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને મુલાકાતનો સમય આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. એક દિવસ દામિનીએ આઈજી આગળ પોતાની વાત રજૂ કરવા તેમની સરકારી ગાડી સામે ઊભા રહી ગાડી રોકી હતી. દામિની યાદ કરે છે, “મારી સામે લેવાયેલા તમામ અન્યાયી પગલાંની યાદી આપી મેં તેમને વિનંતી કરી હતી. પછીથી તેમણે મને ફરીથી કામ પર લેવાનો આદેશ આપ્યો હતો." ઓગસ્ટ 2020 માં તેઓ ફરીથી પોલીસ દળમાં જોડાયા હતા.
આજે તેઓ મરાઠવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહે છે. પ્રમાણમાં નિર્જન વિસ્તારમાં થોડા ખેતરો સિવાય ત્યાં માત્ર તેમનું એક ઘર જ છે અને આસપાસના ઝાઝા લોકો નથી.
રાહત અનુભવતા દામિની કહે છે, “હું અહીં સુરક્ષિત છું એવું મને લાગે છે. થોડા ખેડૂતો સિવાય આ તરફ કોઈ આવતું નથી.” બીજા લગ્નથી થયેલી છ મહિનાની દીકરીને તેઓ ઘોડિયામાં ઝૂલાવી રહ્યા છે. "હું હંમેશા ચિંતાતુર રહેતી હતી, પરંતુ આ દીકરીનો જન્મ થયો ત્યારથી હું થોડી હળવી થઈ ગઈ છું." તેમને પતિનો સાથ મળી રહે છે. નાની બાળકીના જન્મ પછી દામિનીના પોતાના પિતા સાથેના સંબંધો પણ સુધરી રહ્યા છે.
હવે તેઓ જ્યાં તેમની પર કથિત રીતે બળાત્કાર થયો હતો એ પોલીસથાણામાં કામ કરતા નથી. તેને બદલે તેઓ એ જ જિલ્લાના બીજા પોલીસ મથક પર હેડ કોન્સ્ટેબલનો હોદ્દો ધરાવે છે. માત્ર બે સાથી કર્મચારીઓ અને નજીકના મિત્રો જ જાણે છે કે તેમની ઉપર જાતીય હુમલો થયો હતો. તેમના - હાલના અથવા અગાઉના - કાર્યસ્થળે તેઓ હવે ક્યાં રહે છે એની કોઈને ખબર નથી. તેમ છતાં પણ તેઓ પોતાને સુરક્ષિત અનુભવતા નથી.
દામિની કહે છે, “જો હું બહાર હોઉં અને ગણવેશમાં ન હોઉં તો હું મારા ચહેરાને કપડાથી ઢાંકી દઉં છું. હું ક્યારેય એકલી બહાર જતી નથી. હું હંમેશા સાવચેતી રાખું છું. તેઓ મારા ઘર સુધી ન પહોંચવા જોઈએ.”
આ ભય તેઓ ખરેખર અનુભવે છે.
દામિનીનો આરોપ છે કે આરોપી કર્મચારી અવારનવાર તેમના નવા કાર્યસ્થળે અથવા જ્યાં તેઓ તૈનાત હોય એ પોલીસ ચોકીઓ પર આવે છે - અને તેમને માર મારે છે. "એકવાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મારા કેસની સુનાવણી હતી તે દિવસે તેણે મને બસ સ્ટોપ પર માર માર્યો હતો." નવી માતા તરીકે તેમની મુખ્ય ચિંતા પોતાની પુત્રીની સુરક્ષા છે. બાળકની આસપાસ પોતાની પકડ મજબૂત કરીને કોઈ જવાબની અપેક્ષા વગર તેઓ પૂછે છે, "એ લોકો તેને કંઈક કરશે તો?"
આ લેખિકા મે 2024 માં દામિનીને મળ્યા હતા. મરાઠવાડાની કાળઝાળ ગરમી છતાં, ન્યાય માટે લગભગ સાત વર્ષની લાંબી લડાઈ, અને સાચી હકીકત સ્પષ્ટપણે જણાવી દેવા બદલ નુકસાન થવાના લાંબા સમય સુધી મંડરાતા રહેલા ખતરા છતાં - તેઓ જરાય ઢીલા પડ્યા નહોતા, તેઓ મક્કમ હતા; તેમનો સંકલ્પ દ્રઢ હતો. “હું તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ જોવા માંગુ છું. મલા લઢાયચ આહે (મારે લડી લેવું છે).”
આ વાર્તા ભારતમાં સેસ્કયુઅલ એન્ડ જેન્ડર-બેઝ્ડ વાયોલન્સ (એસજીબીવી - જાતીય અને લિંગ આધારિત હિંસા) ના ઉત્તરજીવીઓ (બચી ગયેલ પીડિતાઓ) ની સંભાળ રાખવામાં, તેમની સુરક્ષા જાળવવામાં અને તેમની જરૂરિયાતો સંતોષવામાં નડતા સામાજિક, સંસ્થાકીય અને માળખાકીય અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા રાષ્ટ્રવ્યાપી અહેવાલ પ્રકલ્પ (રિપોર્ટિંગ પ્રોજેક્ટ) નો એક ભાગ છે. આ ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે.
ઉત્તરજીવીઓ અને તેમના પરિવારના સભ્યોના નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક