નીલમ યાદવ કહે છે, "હમે પતા હી નહીં હમારા બેટા એકદમ કૈસે મારા, કંપની ને હમે બતાયા ભી નહીં [અમારો દીકરો અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યો એ અમને ખબર જ નથી. કંપનીએ અમને કંઈ કહ્યું પણ નથી]."

33 વર્ષના નીલમ સોનીપતના રાઈ નગરમાં તેમના ઘરની અંદર ઊભા છે, વાત કરતી વખતે તેઓ અમારી સાથે આંખ મેળવતા નથી. લગભગ છ મહિના પહેલા તેમના જેઠનો દીકરો રામ કમલ, જેમને નીલમે 2007 માં તેમના લગ્ન થયા ત્યારથી ઉછેરીને મોટો કર્યો હતો, તે સ્થાનિક ફૂડ રિટેલ ફેક્ટરીમાં કામ કરતી વખતે મૃત્યુ પામ્યો હતો, 27 વર્ષના રામ કમલ ત્યાં એસી રિપેર યુનિટમાં કામ કરતા હતા.

29 મી જૂન, 2023 ની વાત છે અને નીલમ એ દિવસને એક ગરમીના સુસ્તીભર્યા દિવસ તરીકે યાદ કરે છે. નીલમના ત્રણ નાના બાળકો - બે દીકરીઓ અને એક દીકરો, અને તેમના સસરા, શોભનાથ હમણાં જ નીલમે રાંધેલું બપોરનું ભોજન - દાળ ભાતનું રોજીંદુ ભોજન - જમ્યા હતા. નીલમ રસોડું સાફ કરી રહ્યા હતા જ્યારે શોભનાથ બપોરે ઘડીક આરામ કરી લેવાનું વિચારી રહ્યા હતા.

લગભગ બપોરે 1 વાગે દરવાજાની ઘંટડી વાગી. નીલમ હાથ ધોઈને દુપટ્ટાને ઠીક કરતા કરતા કોણ છે એ જોવા ગયા. વાદળી ગણવેશમાં સજ્જ બે માણસો દરવાજે ઊભા હતા અને તેમની મોટર-બાઈકની ચાવી વડે રમતા હતા. નીલમને ખ્યાલ આવી ગયો કે તેઓ રામ કમલ જ્યાં કામ કરતા હતા એ કંપનીના માણસો હતા. નીલમને યાદ છે તેમાંનો ક માણસ બોલ્યો હતો અને તેમને જાણ કરી હતી, “રામને વીજળીનો આંચકો (ઇલેક્ટ્રિક શોક) લાગ્યો છે. જલ્દી સિવિલ હોસ્પિટલ આવો."

નીલમનો અવાજ ભરાઈ આવે છે, તેઓ કહે છે, “હું પૂછતી રહી કે એને કેમ છે, એ ઠીક છે ને, એ ભાનમાં તો છે ને. તેઓએ એટલું જ કહ્યું, એ ભાનમાં નથી." તેમણે અને શોભનાથે જાહેર પરિવહન શોધવામાં સમય બગાડવાને બદલે એ માણસોને જ તેમની મોટર-બાઈક પર તેમને તરત જ હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી. તેમને હોસ્પિટલ પહોંચતા લગભગ 20 મિનિટ લાગી હતી.

Left: Six months ago, 27-year-old Ram Kamal lost his life at work in a food retail factory. He worked as a technician in an AC repair unit.
PHOTO • Navya Asopa
Right: Ram's uncle Motilal standing outside their house in Sonipat, Haryana
PHOTO • Navya Asopa

ડાબે: છ મહિના પહેલા 27 વર્ષના રામ કમલે ફૂડ રિટેલ ફેક્ટરીમાં કામ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેઓ એસી રિપેર યુનિટમાં ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. જમણે: હરિયાણાના સોનીપતમાં તેમના ઘરની બહાર ઊભેલા રામના કાકા મોતીલાલ

Left: The cupboard dedicated for the safekeeping of Ram Kamal’s documents and evidence of the case.
PHOTO • Ashish Kothari
Right: Ram lived with his uncle and aunt at their house in Sonipat since 2003
PHOTO • Navya Asopa

ડાબે: રામ કમલના દસ્તાવેજો અને કેસના પુરાવાઓને સલામત રાખી શકાય એ માટેનું ખાસ કબાટ. જમણે: રામ 2003 થી સોનીપતમાં તેમના કાકા-કાકી સાથે તેમને ઘેર રહેતા હતા

નીલમના પતિ અને રામના કાકા મોતીલાલ પર તેમના પત્નીનો ફોન આવ્યો ત્યારે તેઓ કામ પર હતા. તેઓ રોહતકના સમચાનામાં એક બાંધકામના સ્થળે કામ કરે છે અને (ફોન પર સમાચાર મળ્યાના) લગભગ અડધા કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપીને તેઓ પોતાના સ્કૂટર પર હોસ્પિટલ પહોંચી ગયા હતા.

રામના 75 વર્ષના દાદા શોભનાથ કહે છે, "તેઓએ તેને શબ-પરીક્ષણ વિભાગ (પોસ્ટમોર્ટમ યુનિટ) માં રાખ્યો હતો."  રામના કાકી નીલમ એ દ્રશ્ય યાદ કરતા લગભગ રડી પડે છે: તેઓ કહે છે, “હું તેને જોઈ શકી નહોતી. તેઓએ તેનું શરીર કાળા કપડાથી ઢાંકી દીધું હતું. હું મને તેનું મ્હોં જોવા દેવા માટે વિનંતી કરતી રહી."

*****

તાજેતરમાં મૃત્યુ પામેલ એ યુવકને તેના માતા-પિતા ગુલાબ અને શીલા યાદવે તેના કાકા-કાકી સાથે રહેવા મોકલ્યો હતો. તે મા ત્ર સાત વર્ષનો હતો ત્યારે મોતીલાલ તેને ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ તાલુકામાં તેના ઘેરથી અહીં લઈ આવ્યા હતા.  મોતીલાલે કહ્યું, "અમે જ તેને ઉછેરીને મોટો કર્યો છે."

રામ કમલ જાન્યુઆરી 2023 થી ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા અને મહિને 22000 રુપિયા કમાતા હતા. તેઓ પોતાનો અડધો પગાર પોતાને ગામ પોતાના પરિવારને મોકલતા હતા. તેમના પરિવારમાં 4 સભ્યો હતા - તેમના માતા, પિતા, પત્ની અને આઠ મહિનાની દીકરી.

શોભનાથ કહે છે, “રામ એ નાનનકડી દીકરીનો એક માત્ર આધાર હતો, હવે છોકરીનું કોણ? હવે એનું શું થશે? કંપનીના લોકોએ એક પણ વાર એના વિશે પૂછ્યું ન હતું." કંપનીના માલિકે હજી સુધી પરિવારની મુલાકાત લીધી નથી.

'If this tragedy took place at their home [the employers], what would they have done?' asks Shobhnath, Ram's grandfather.
PHOTO • Navya Asopa
Right: It was two co-workers who informed Neelam about Ram's status
PHOTO • Navya Asopa

રામના દાદા શોભનાથ પૂછે છે, 'જો આ દુર્ઘટના તેમના [નોકરીદાતાઓના] પરિવારમાં કોઈની સાથે થઈ હોત તો? તો તેમણે શું કર્યું હોત?’ જમણે: રામની સ્થિતિ વિશે નીલમને જાણ કરનાર બે જણા રામના સહકાર્યકરો હતા

નીલમ યાદ કરે છે કે રામ તેના મૃત્યુની આગલી રાત્રે ઘેર આવ્યો ન હતો: “તેણે કહ્યું કે તે કામમાં ખૂબ વ્યસ્ત છે. રામ લગભગ સળંગ 24 કલાક સુધી કાર્યસ્થળ પર જ હતો." પરિવારને રામના કામના કલાકો વિશે વધુ જાણકારી ન હતી. ક્યારેક રામને ભૂખ્યા પેટે કામ કરવું પડતું. તો ક્યારેક તેઓ ફેક્ટરીમાં કંપનીની ઝુંપડીમાં જ સૂઈ રહેતા. મોતીલાલ હસીને કહે છે, “અમારો દીકરો ખૂબ જ મહેનતુ હતો." ફુરસદના સમયમાં રામને પોતાની દીકરી કાવ્યાને વીડિયો-કોલ કરવાનું ગમતું હતું.

ફેક્ટરીના બીજા કેટલાક કર્મચારીઓ પાસેથી પરિવારને જાણવા મળ્યું કે રામ કૂલિંગ પાઈપલાઈનનું સમારકામ કરી રહ્યા હતા - એક એવું કામ કે જેને માટે તેમને ન તો કોઈ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે ન તો કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. તેમના કાકા મોતીલાલ કહે છે, “જ્યારે તેઓ તેમના એસી-પાઈપ સ્પ્રે અને પકડ સાથે એ વિસ્તારમાં ગયા ત્યારે તેમણે સ્લીપર પહેર્યા નહોતા અને તેમના હાથ ભીના હતા. જો કંપનીના મેનેજરે તેમને ચેતવણી આપી હોત તો આજે અમે અમારો દીકરો ગુમાવ્યો ન હોત."

પોતાનો દીકરાના મૃત્યુના સમાચાર જાણ્યાના એક દિવસ પછી રામના પિતા ગુલાબ યાદવ તેમના દીકરાના અંતિમ સંસ્કાર માટે સોનીપત આવ્યા હતા. દિવસો પછી તેમણે કંપનીની બેદરકારી બદલ ફરિયાદ નોંધાવવા માટે હરિયાણામાં રાઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પરિવારનું કહેવું છે કે કેસના તપાસ અધિકારી સુમિત કુમારે રામના પરિવારને સમાધાન કરી લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

મોતીલાલ કહે છે, “પોલીસે અમને એક લાખ [રૂપિયા]માં સમાધાન કરી લેવાનું કહ્યું હતું. પણ કશું થવાનું નથી. હવે અદાલતી મુકદ્દમાથી જ કંઈ થઈ શકે."

The police at the station in Rai, Sonipat, asked Ram's family to settle
PHOTO • Navya Asopa

સોનીપતના રાઈ સ્ટેશન ખાતે પોલીસે રામના પરિવારને સમાધાન કરવા કહ્યું

છેલ્લા કેટલાક દાયકાઓમાં ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવેલ સોનીપતમાં ફેક્ટરી કામદારોના મૃત્યુની ઘટનાઓ અસામાન્ય નથી. અહીંના મોટાભાગના કામદારો ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીના સ્થળાંતરિતો છે

પોલીસ તેમની વાત ધ્યાન પર લેતી નથી તેવું લાગતા મોતીલાલે આ ઘટનાના એક મહિના પછી કોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કર્યું. રાઈની લેબર કોર્ટમાં રામનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સંદીપ દહિયા માત્ર મુકદ્દમા સંબંધિત જરૂરી કાગળો તૈયાર કરવાના (પેપર વર્કના) જ 10000 રુપિયા લે છે. આશરે 35000 રુપિયાની માસિક આવક ધરાવતા પરિવાર માટે આ બહુ મોટી રકમ છે. હવે પરિવારના એક માત્ર કમાતા સભ્ય મોતીલાલ કહે છે, "અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, પરંતુ મને ખબર નથી કે અમારે કોર્ટના કેટલા ધક્કા ખાવા પડશે."

ગુલાબ અને મોતીલાલને રામની સ્કૂટી બાઇક પરત મેળવવામાં પોલીસ અધિકારી પણ મદદ કરી શક્યા નહીં, એ સ્કૂટી બાઇકનો ઉપયોગ રામ તેમના ઘરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલી ફેક્ટરીમાં જવા માટે કરતા હતા. બાઇક પાછી લેવા કંપનીમાં જતા પહેલા મોતીલાલે પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. એક અધિકારીએ તેમને સાઇટ પરના સુપરવાઇઝર સાથે સીધી વાત કરવા જણાવ્યું હતું. જો કે, સુપરવાઈઝરે મોતીલાલની વિનંતીને ફગાવી દીધી: "જ્યારે હું બાઇક પાછી લેવા ગયો ત્યારે સુપરવાઈઝરે પૂછ્યું કે અમે સમાધાન કેમ ન કર્યું? અમે કેસ કેમ દાખલ કર્યો?"

મોતીલાલને એ પણ ખબર નથી કે રામનું કામદાર ઓળખપત્ર (વર્કર આઈડી કાર્ડ) ક્યાં છે. તેઓ કહે છે, “એફઆઈઆરમાં રામને કરાર પર કામ કરનાર કહ્યો છે. પરંતુ તેનો પગાર મુખ્ય કંપની મારફતે મોકલવામાં આવતો હતો. તેને એક કામદાર ઓળખપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ હજી સુધી અમને એ આપ્યું નથી.” તેઓ ઉમેરે છે કે કંપનીએ કોઈ સીસીટીવી ફૂટેજ પણ આપ્યા નથી.

સુપરવાઈઝર દાવો કરે છે કે, "એ છોકરાની બેદરકારી હતી. તેણે પહેલા જ એક એસીની સર્વિસ કરી હતી... તેના હાથ અને પગ ભીના હતા, પરિણામે તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો." સુપરવાઈઝર પોતાના પક્ષે જવાબદારીનો કોઈપણ પ્રકારનો અભાવ હોવાની વાત ફગાવી દે છે.

Left: Ram Kamal’s postmortem report states the entry wound was found on his left finger, but the family are skeptical about the findings.
PHOTO • Navya Asopa
Right: Article about Ram's death in Amar Ujala newpaper
PHOTO • Navya Asopa

ડાબે: રામ કમલના શબ-પરીક્ષણ અહેવાલ (પોસ્ટમોર્ટમ રિપોર્ટ) માં જણાવવામાં આવ્યું છે કે વીજપ્રવાહ દાખલ થયાનો ઘા તેમની ડાબી આંગળી પર મળી આવ્યો હતો, પરંતુ પરિવારને આ તારણો અંગે શંકા છે. જમણે: અમર ઉજાલા અખબારમાં રામના મૃત્યુ વિશેનો લેખ

શબ-પરીક્ષણ અહેવાલ જણાવે છે કે કમલના "ડાબા હાથની ટચલી આંગળીની પાછળની બાજુએ બહારની તરફ વીજપ્રવાહ દાખલ થયાનો ઘા જોવા મળે છે." જો કે પરિવાર આ તારણને સાચું માનતો નથી, ખાસ કરીને ત્યારે કે જ્યારે રામ જમણેરી (કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરનાર વ્યક્તિ) હતા. નીલમ કહે છે, “ઈલેક્ટ્રિક શોક પછી લોકોના શરીર પર દાઝી જવાના નિશાન હોય છે, તેમનો ચહેરો કાળો પડી જાય છે. રામનો ચહેરો એકદમ ચોખ્ખો હતો."

છેલ્લા કેટલાક દાયકાઓમાં ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવેલા સોનીપતમાં ફેક્ટરી કામદારોના મૃત્યુની ઘટનાઓ અસામાન્ય નથી. અહીંના મોટાભાગના કામદારો ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત છે, પછીના ક્રમે બિહાર અને દિલ્હી (વસ્તીગણતરી 2011) આવે છે. પોલીસનું કહેવું છે કે તેઓને દર મહિને નજીકની ફેક્ટરીઓમાં કામદારોના ઘાયલ થવાની ઓછામાં ઓછી પાંચ ઘટનાઓ જોવા મળે છે. તેઓ કહે છે, “વિભિન્ન કિસ્સાઓ માં જ્યારે કર્મચારી ઘાયલ થાય છે ત્યારે ઘણીવાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચતો જ નથી. પહેલેથી જ સમાધાન થઈ ગયું હોય છે."

રામનો કેસ હવે અદાલતમાં હોવાથી દહિયા કહે છે કે યોગ્ય વાટાઘાટો માટે અવકાશ છે. તેમણે કહ્યું, “આટઆટલા લોકો મરી જાય છે, તેમનું પૂછે છે જ કોણ? આ આઈપીસી 304 નો કેસ છે અને હું આ નાની છોકરીના ભવિષ્ય માટે લડીશ." ભારતીય દંડ સંહિતા (ધ ઈન્ડિયન પીનલ કોડ - આઈપીસી) ની કલમ 304માં “ખૂન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ” માટે સજાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શોભનાથ કહે છે, “જો આ દુર્ઘટના તેમના [માલિકોના] પરિવારમાં કોઈની સાથે થઈ હોત તો? તો તેમણે શું કર્યું હોત? અમે એ જ કરી રહ્યા છીએ,” અને ઉમેરે છે, “જો ગયા વો તો વાપીસ ના આયેગા. પર પૈસા ચાહે કમ દે, હમે ન્યાય મિલના ચાહિયે [અમે અમારો દીકરો ગુમાવ્યો છે, એ તો હવે ક્યારેય પાછો આવવાનો નથી. તેઓ પૂરતું વળતર ન આપે તો કંઈ નહિ પણ અમને ન્યાય તો મળવો જોઈએ ને?]"

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Student Reporter : Navya Asopa

நவ்யா அசோபா, சோனிபட்டில் உள்ள அசோகா பல்கலைக்கழகத்தில், அரசியல் அறிவியல் மற்றும் ஊடகப் படிப்பில் மூன்றாம் ஆண்டு இளங்கலை மாணவி ஆவார். பத்திரிகையாளர் ஆக வேண்டும் என விரும்பும் அவரின் ஆர்வம், குறிப்பாக இந்தியாவில் வளர்ச்சி, இடம்பெயர்வு மற்றும் அரசியல் பிரச்சினைகளை ஆராய்வதாகும்.

Other stories by Navya Asopa
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik