“હું બધું ઠીક કરવાનો કોઈને કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરું છું.”
સુનીલ કુમાર એક ઠઠેરા (ધાતુના વાસણો બનાવનાર કંસારા) છે. “લોકો આપણી પાસે એવી વસ્તુઓ લાવે છે જેને બીજું કોઈ સુધારી શક્યું નથી હોતું. મિકેનિકો પણ ક્યારેક તેમના ઓજારો અમારી પાસે લાવે છે.”
તેઓ એવા લોકોની લાંબી હરોળમાંથી આવે છે જેઓ તાંબા, કાંસા અને પિત્તળનો ઉપયોગ કરીને રસોડાના વાસણો અને ઘરોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ધાતુના વાસણો બનાવે છે. છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહેલા આ 40 વર્ષીય કંસારા કારીગર કહે છે, “કોઈને પોતાના હાથ ગંદા નથી કરવા. હું આખો દિવસ એસિડ, કોલસા અને ગરમીમાં કામ કરું છું. હું તે કામ એટલા માટે કરું છું કારણ કે તે મારો શોખ છે.”
કંસારા (જેમને ઠઠિયારા પણ કહેવાય છે) ને પંજાબમાં ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગો) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે અને તેમનો પરંપરાગત વ્યવસાય ધાતુને વિવિધ આકારોમાં ઢાળવાનો રહ્યો છે, જેમાં મજબૂત દરવાજાના હેન્ડલ્સ અને હાથના સાધનોનો ઉપયોગ કરીને બિન-લોહ સામગ્રીને આકાર આપતા તાળાઓનો સમાવેશ થાય છે. તેમના 67 વર્ષીય પિતા કેવલ કૃષ્ણ સાથે, તેઓ સમારકામમાં ઉપયોગમાં લેવાતો ભંગારનો સામાન ખરીદે છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં, સ્ટીલ જેવી લોહ સામગ્રીની વધતી લોકપ્રિયતાએ હાથથી બનાવટ કરનારાઓ માટે બાજી પલટી નાખી છે. આજે ઘરોમાં મોટાભાગના રસોડાના સાધનો સ્ટીલના બનેલા છે અને મજબૂત અને વધુ મોંઘા પિત્તળ અને તાંબાની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે.
પંજાબના સંગરુર જિલ્લાના લેહરાગાગા શહેરમાં જ્યાં સુનીલ અને તેમનો પરિવાર પેઢીઓથી આ કળાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યાં લગભગ 40 વર્ષ પહેલાં અહીં કંસારાઓના અન્ય બે પરિવારો રહેતા હતા. પૈસાની અછતના કારણે આ કળાને છોડી દેનારા સુનીલ કહે છે, “એક અન્ય વ્યક્તિ હતી જેમની દુકાન મંદિરની નજીક હતી પરંતુ તેઓ ત્રણ લાખ રૂપિયાની લોટરી જીત્યા હતા અને પછી તેમણે આ વ્યવસાય છોડી દઈને પોતાની દુકાન બંધ કરી દીધી હતી.”
પેટનો ખાડો ભરવા માટે સુનીલ કુમાર જેવા કંસારાઓએ સ્ટીલના વાસણો બનાવવાનું અને તેમનું સમારકામ કરવાનું કામ શરૂ કર્યું છે.
લેહરાગાગામાં સુનીલની દુકાન એકમાત્ર એવી દુકાન છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના પિત્તળના વાસણોને સાફ કરાવી શકે છે, તેમનું સમારકામ કરાવી શકે છે અને તેમને ચમકાવી શકે છે. આ હેતુ માટે ગ્રાહકો દૂરના ગામો અને શહેરોમાંથી મુસાફરી કરીને આવે છે. દુકાનનું કોઈ નામ કે તેના પર કોઈ સાઇનબોર્ડ ન હોવા છતાં, લોકો તેનને કંસારાઓના કારખાના તરીકે ઓળખે છે.
એક ગ્રાહક જે લગભગ 25 કિમી દૂર આવેલા દિર્બા ગામમાંથી ચાર બાટ્ટી (બાઉલ) સાફ કરવા માટે પ્રવાસ કરીને આવ્યા છે તેઓ કહે છે, “અમારા ઘરે પિત્તળના વાસણો છે પરંતુ તે તેમના ભાવનાત્મક અને નાણાકીય મૂલ્યને કારણે રાખવામાં આવે છે, રોજિંદા ઉપયોગ માટે નહીં.” તેઓ ઉમેરે છે, “સ્ટીલના વાસણોનો સતત ઉપયોગ કરવાથી તેઓ તેમનું મૂલ્ય ગુમાવે છે. તેમના ફેરવેચાણથી પણ કંઈ કમાણી નથી થતી. જો કે, પિત્તળ તેનું મૂલ્ય જાળવી રાખે છે.”
સુનીલ જેવા કંસારાઓને પિત્તળની વસ્તુઓને પહેલા જેવી કરવાની વિનંતીઓ વારંવાર મળે છે. જ્યારે અમે તેમને સપ્ટેમ્બરમાં મળીએ છીએ, ત્યારે તેઓ એક માતા દ્વારા તેની પુત્રીને તેના લગ્નના પ્રસંગે આપવામાં આવનારા વાસણો પર કામ કરી રહ્યા છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પરંતુ વર્ષો સુધી પડી રહેવાથી તેમનો રંગ બદલાઈ ગયો છે અને હવે સુનીલ તેને ફરીથી નવી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પિત્તળના વાસણોની સફાઈની પ્રક્રિયા ઓક્સિડેશનને કારણે લીલા ડાઘ પડ્યા છે કે કેમ તેની તપાસ કરવાથી થાય છે. પછી તે ડાઘને દૂર કરવા માટે વાસણને નાની ભઠ્ઠી પર ગરમ કરવામાં આવે છે અને તેઓ ગરમીને લીધે કાળા પડી જાય ત્યારે તેમને મંદ એસિડથી સાફ કરવામાં આવે છે; પછી ચમકને પાછી લાવવા માટે આમલીની પેસ્ટને ચારે બાજુ અને અંદર ઘસવામાં આવે છે. આ રંગ બદામીથી બદલાઈને લાલાશ પડતા સોનેરી રંગમાં ફેરવાઈ જાય છે.
તેમની સફાઈ કર્યા પછી, સુનીલ તેમને સોનેરી બનાવવા માટે ગ્રાઇન્ડીંગ મશીનનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે, “જ્યારે અમારી પાસે ગ્રાઇન્ડર ન હતું, ત્યારે અમે તે કામ પાર પાડવા માટે રેગમાર (સેન્ડ પેપર) નો ઉપયોગ કરતા હતા.”
આગળનું પગલું છે ટિક્કા − વાસણની સપાટીને ટપકાં કરીને તેના પર લોકપ્રિય ડિઝાઇન બનાવવી. કેટલાક ગ્રાહકો તેમના પર સાદી પોલીશ અથવા કોઈ ચોક્કસ ડિઝાઇન કરી આપવાની પણ વિનંતી કરે છે.
સુનીલ જે કઢાઈ પર કામ કરી રહ્યા છે તેના પર ટિક્કા કરતા પહેલાં, વાસણો પર સ્વચ્છ, ચમકતા બિંદુઓ મેળવવા માટે તેઓ મેલેટ અને હથોડીને ચમકાવે છે. પોલીશ કરેલા સાધનો અરીસાની માફક ચમકતા હોય છે. તે પછી તેઓ કઢાઈને મેલેટ પર મૂકે છે અને તેના પર ગોળાકાર ગતિમાં હથોડો ફટકારવાનું શરૂ કરે છે, જે એક બિંદુવાળી, ચળકતી સોનેરી સપાટીને બહાર લાવે છે.
યોગ્ય રીતે ઉપયોગમાં ન લેવાયેલા કે થોડા વર્ષો સુધી સતત ઉપયોગમાં ન લેવાયેલા પિત્તળના વાસણોને સોનેરી ચમક લાવવા માટે સફાઈ અને પોલિશિંગની જરૂર પડે છે.
જો તેમને રસોઈ માટે વાપરવાના હોય, તો પિત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયાને કલાઈ કહેવાય છે, જેમાં પિત્તળ અને અન્ય લોહહીન વાસણોની આંતરિક સપાટી પર ટીનના એક સ્તરથી ઢોળ ચઢાવવામાં આવે છે જેથી તેમાં રાંધેલા અથવા રાખેલા ખોરાક સાથે તેની રાસાયણિક પ્રક્રિયાઓ થતાં અટકાવી શકાય.
થોડા વર્ષો પહેલાં, તેમના પિત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચઢાવવા ઇચ્છતા સંભવિત ગ્રાહકોને આકર્ષવા શેરી વિક્રેતાઓ આ રીતે કહેતા, “ભાંડે કલાશઈ કરા લો!” સુનીલ કહે છે કે જો કોઈ વાસણોનો યોગ્ય રીતે ઉપયોગ કરે, તો તેમને પાંચ વર્ષ સુધી કલઈ કરવાની જરૂર નથી રહેતી. જો કે, કેટલાક લોકો લગભગ એક વર્ષના ઉપયોગ પછી તેને કલઈ કરાવી લે છે.
કલઈ દરમિયાન, પિત્તળના વાસણને મંદ એસિડ અને આમલીની પેસ્ટથી સાફ કરવામાં આવે છે અને તે ગરમ થઈને ગુલાબી રંગનું ન થાય ત્યાં સુધી તેને જ્યોત પર ગરમ કરવામાં આવે છે. ટીનની કોઇલને તેની આંતરિક સપાટી પર નશાદ્દરનો છંટકાવ કરીને ઘસવામાં આવે છે, જે કોસ્ટિક સોડા, એમોનિયમ ક્લોરાઇડનું પાવડર મિશ્રણ છે જેને પાણીમાં પલાળવામાં આવે છે. રૂના કૂચાથી તેને સતત ઘસવાથી સફેદ ધુમાડો પેદા થાય છે અને પછી જાદુઈ રીતે થોડી જ મિનિટોમાં વાસણની અંદરની સપાટી ચાંદી જેવા રંગની થઈ જાય છે અને પછી ટુકડાને ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે છે.
તાજેતરના દાયકાઓમાં, સ્ટીલના વાસણોએ પિત્તળના વાસણો કરતાં લોકપ્રિયતા મેળવી છે કારણ કે તેમને ધોવા સરળ છે, અને તેમાં ખોરાક સાથે રાસાયણિક પ્રક્રિયાઓ થવાનો કોઈ ડર નથી. જ્યારે પિત્તળના વાસણો ટકાઉ હોય છે, તેમને મૂલ્યવાન પણ માનવામાં આવે છે, પરંતુ તેમને ચોક્કસ સંભાળની જરૂર હોય છે. સુનીલ તેમના ગ્રાહકોને વાસણોનો ઉપયોગ કર્યા પછી તરત જ તેમની સફાઈ કરવાની સલાહ આપે છે.
*****
સુનીલના પિતા કેવલ કૃષ્ણ લગભગ 50 વર્ષ પહેલાં 12 વર્ષની વયે માલેર કોટલાથી લેહરાગાગા આવ્યા હતા. તેઓ કહે છે, “શરૂઆતમાં હું થોડા દિવસો માટે આવ્યો હતો, પરંતુ પછી હું ત્યાં જ રોકાઈ ગયો હતો.” આ પરિવારની ઘણી પેઢીઓ વાસણો બનાવવા સાથે સંકળાયેલી છે − કેવલના પિતા કેદારનાથ અને દાદા જ્યોતિરામ કુશળ કારીગરો હતા. પરંતુ સુનીલને ખાતરી નથી કે તેનો પુત્ર તેમને અનુસરશે કે કેમ: “જો તેને આમાં આનંદ મળશે તો મારો પુત્ર તેને અનુસરશે.”
સુનીલના ભાઈએ પહેલેથી જ આ પારિવારિક વ્યવસાય છોડી દીધો છે અને હવે તેઓ એક ખાનગી ટેલિકોમ કંપનીમાં કામ કરે છે. અન્ય સંબંધીઓ પણ અન્ય દુકાનદારીના વ્યવસાયો અપનાવી લીધા છે.
સુનીલે આ કળા કેવલ કૃષ્ણ પાસેથી વારસામાં મેળવી હતી. તેમના વાસણો પર હથોડો મારતાં તેઓ કહે છે, “જ્યારે હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાને ઈજા થઈ હતી. મારે મારો અભ્યાસ બંધ કરવો પડ્યો અને અમારી આજીવિકા મેળવવા માટે વ્યવસાય કરવો પડ્યો.” તેઓ ગર્વથી કહે છે, “એક શાળાના વિદ્યાર્થી તરીકે હું મારા ખાલી સમયમાં દુકાન પર આવતો હતો અને કંઈક ને કંઈક બનાવવાનો પ્રયોગ કરતો હતો. એકવાર મેં પિત્તળમાં એર કૂલરની પ્રતિકૃતિ બનાવી હતી.”
તેમણે તૈયાર કરેલી પહેલી વસ્તુ હતી એક નાનો પતિલો, જેને તેમણે વેચ્યો હતો. ત્યારથી તેઓ કહે છે કે જ્યારે પણ તેમને કામમાંથી સમય મળે છે ત્યારે તેઓ કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરતા રહે છે. તેઓ યાદ કરીને કહે છે, “મેં મારી બહેન માટે પૈસા રાખવાની પેટી બનાવી હતી, જેના પર ચહેરાની ડિઝાઇન કરવામાં આવી હતી.” પોતાના ઘર માટે તેમણે એક કેમ્પર (પીવાનું પાણી રાખવાનો એકમ) માંથી પાણી એકત્ર કરવા માટે પિત્તળના એક કે બે વાસણો બનાવ્યા છે.
તાજેતરના દાયકાઓમાં, સ્ટીલના વાસણોએ પિત્તળના વાસણો કરતાં લોકપ્રિયતા મેળવી છે કારણ કે તેમને ધોવા સરળ છે, અને તેમાં ખોરાક સાથે રાસાયણિક પ્રક્રિયાઓ થવાનો કોઈ ડર નથી
પંજાબના જંડેયાલા ગુરુમાં કંસારા સમુદાયને યુનેસ્કો દ્વારા 2014માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણી હેઠળ માન્યતા આપવામાં આવી હતી. યુનેસ્કોની માન્યતા અને સમગ્ર અમૃતસરમાં ગુરુદ્વારામાં પિત્તળના વાસણોના સતત ઉપયોગને કારણે તે એવા કેટલાક સ્થળોમાંનું એક છે જ્યાં અહીંનો સમુદાય અને વ્યવસાય હજુ પણ અસ્તિત્વમાં છે.
ગુરુદ્વારામાં રસોઈ અને ભોજન પીરસવા માટે હજુ પણ મોટી દેગ (ભોજન રાંધવાના વાસણો) અને બાલ્ટી (ડોલ) નો ઉપયોગ થાય છે. જો કે, જાળવણીમાં આવતા પડકારોને કારણે કેટલાક ગુરુદ્વારાઓએ પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.
સુનીલ નિર્દેશ કરે છે, “અમે હવે મુખ્યત્વે સમારકામની કામગીરીમાં રોકાયેલા છીએ. અમારી પાસે નવા વાસણો બનાવવાનો સમય નથી.” તેઓ એક સમયે પિત્તળ અને કાંસાના વાસણો બનાવતા હતા તે સમયથી આ એક એક ગંભીર પરિવર્તન છે. એક કારીગર એક દિવસમાં 10-12 પતિલા (ખોરાક રાખવાના વાસણો) બનાવી શકતો હતો. જો કે, બદલાતી માંગ, ખર્ચ અને સમયની મર્યાદાઓએ વાસણો બનાવનારાઓનું ધ્યાન વાસણ બનાવવાથી દૂર કરી દીધું છે.
તેઓ કહે છે, “અમે તે ઓર્ડર પર બનાવીએ છીએ, પરંતુ અમે તેને બનાવીને સંગ્રહી રાખતા નથી.” તેઓ ઉમેરે છે કે મોટી કંપનીઓ અહીંથી વાસણો અને અન્ય ઉત્પાદનો ખરીદે છે અને તેને ચાર ગણી કિંમતે વેચે છે.
કંસારાઓ પિત્તળના વાસણોની કિંમત વપરાયેલી ધાતુના વજન અને ગુણવત્તા તેમજ ટુકડા અનુસાર નક્કી કરતા હતા. ઉદાહરણ તરીકે, એક કઢાઈ પ્રતિ કિલોગ્રામ 800 રૂપિયાના ભાવે વેચાશે. પિત્તળના વાસણો તેમના વજનને અનુરૂપ કોઈ ભાવે વેચાય છે, તેથી તેઓ સ્ટીલના વાસણો કરતાં વધુ કિંમતે વેચાય છે.
કેવલ કૃષ્ણ ગુસ્સે ભરાઈને કહે છે, “અમે અહીં નવા વાસણો બનાવતા હતા. લગભગ 50 વર્ષ પહેલાં સરકારે અમને ઝિંક અને તાંબુ સબસિડાઇઝ્ડ ભાવે મેળવવા માટે ક્વોટા આપ્યો હતો. પરંતુ હવે સરકાર ફેક્ટરીઓને ક્વોટા આપે છે, અમારા જેવા નાના વેપારીઓને નહીં.” તેમના સાઠના દાયકામાં, તેઓ દુકાનમાં કામ પર દેખરેખ રાખવામાં તેમનો સમય વિતાવે છે અને આશા પણ રાખે છે કે સરકાર સબસિડીને ફરી શરૂ કરશે.
કેવલ સમજાવે છે કે કેવી રીતે તેઓ પરંપરાગત રીતે 26 કિલો ઝિંક અને 14 કિલો તાંબુ ભેળવીને પિત્તળ બનાવતા હતા. તેઓ કહે છે, “ધાતુઓને ગરમ કરીને એકસાથે મિશ્રિત કરવામાં આવતી અને સૂકવવા માટે નાના બાઉલમાં મૂકવામાં આવતી. પછી વાટકીના આકારના ધાતુના ટુકડાઓને એક શીટમાં ફેરવવામાં આવતા હતા જેને વિવિધ વાસણો અથવા હસ્તકલાના ટુકડાઓ માટે વિવિધ આકારોમાં ઢાળવામાં આવતા હતા.”
આ પ્રદેશમાં, માત્ર થોડી જ રોલિંગ મિલો બાકી છે જ્યાં કંસારાઓ આર્ટવર્ક અથવા વાસણો માટે મોલ્ડ માટેની ધાતુની શીટ્સ મેળવી શકે છે. સુનીલ સમજાવતાં કહે છે, “અમે તેને કાં તો અમૃતસરમાં જંડેયાલા ગુરુ (લેહરાગાગાથી 234 કિમી દૂર) અથવા હરિયાણામાં જગાધરી (203 કિમી દૂર) થી મેળવીએ છીએ. અમને ધાતુની શીટ્સ મેળવીને તેમાંથી પછી ગ્રાહકોની ઇચ્છા મુજબના વાસણો બનાવીએ છીએ.”
કેવલ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (સપ્ટેમ્બરમાં જાહેર કરાયેલી) ની વાત કરે છે, જે હેઠળ સરકાર લુહાર, તાળા બનાવનારા કારીગરો, રમકડાં બનાવનાર કારીગરો અને અન્ય 15 કારીગરોને 3 લાખ રૂપિયાની કોલેટરલ-ફ્રી લોન આપે છે, પરંતુ કંસારાઓને નહીં.
સમારકામની કામગીરીમાં આવક અનિશ્ચિત છે અમુકવાર કામના આધારે દિવસના લગભગ 1,000 રૂપિયા પણ મળે છે. સુનીલ વિચારે છે કે નવા વાસણો બનાવવાથી તેમના વ્યવસાયમાં મદદ કરી શકે છે. તાજેતરમાં, તેમણે પિત્તળના વાસણોમાં થોડો રસ વધ્યો હોવાનું અનુભવ્યું છે અને તેમને આશા છે કે આ પરંપરા ચાલુ જ રહેશે.
અનુવાદક: ફૈઝ મોહંમદ