મહારાષ્ટ્રના ગુંડેગાવ ગામને છેડે ઉજ્જડ ખેતરોની વચ્ચે ઉભેલા બે ઓરડાના કોંક્રીટના નાના માળખા તરફ આંગળી ચીંધી અતુલ ભોસલે ગંભીરતાપૂર્વક કહે છે, “આ એ શાળા છે." ગામ જવાના રસ્તે કાદવવાળા રસ્તા પર ચાલતા જતા હો તો એ શાળા તમારી નજરે ચડ્યા વિના ન રહે, આ કાદવવાળો રસ્તો આખરે તમને લગભગ એક કિલોમીટર દૂર એક નાની પારધી વસાહતમાં પહોંચાડે.
વાદળી બારીઓ, રંગબેરંગી કાર્ટૂન અને દીવાલો પર ચીતરેલા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાઓ સાથેનું આછા-પીળા રંગનું કોંક્રીટનું એ શાળાનું માળખું અચૂક તમારું ધ્યાન ખેંચે. કામચલાઉ ઝૂંપડાઓ અને તાડપત્રીથી છાયેલાં માટીનાં મકાનો, જે અહીંના 20 પારધી પરિવારોના ઘરો છે તેની સરખામણીમાં એ સાવ અલગ તરી આવે.
અતુલ ભોસલેનો કસ્બો અહમદનગર જિલ્લાના નગર તાલુકામાં પૌટકાવસ્તીના નામે જાણીતો છે. 46 વર્ષના અતુલ ભોસલે પૌટકાવસ્તી વિશે વાત કરતા કહે છે, “આતા આમચ્યાકડે વિકાસ મ્હણજે હી શાળાચ આહે. વિકાસાચી નિશાની [અત્યારે અમારી પાસે અહીં વિકાસના નામે કંઈ હોય તો બસ આ એક શાળા જ છે].”
તેઓ કહે છે, “દૂસર કાય નાય. વસ્તીત યાયલા રસ્તા નાય, પાણી નાય, લાઈટ નાય, પક્કી ઘર નાયિત [બીજું કંઈ જ નથી. રસ્તાઓ નથી. પાણી નથી. વીજળી નથી. પાકાં મકાનો નથી]. શાળા નજીકમાં છે, તેથી અમારા બાળકો ઓછામાં ઓછું વાંચતા-લખતા શીખે છે." અતુલને શિક્ષણની આ નાનકડી જગ્યા પર ગર્વ છે. આ એ જગ્યા છે જ્યાં તેમના બાળકો સાહિલ અને શબનમ બીજા 16 વિદ્યાર્થીઓ - સાત છોકરીઓ અને નવ છોકરાઓ - સાથે અભ્યાસ કરે છે.
આ એ જ શાળા છે જેને ખસેડીને બીજી શાળામાં વિલીન કરી દેવાની યોજના રાજ્ય સરકાર બનાવી રહી છે. અને ગરીબી-રેખાથી સાવ નીચે જીવતા આ સમુદાય માટે એ વાત આઘાતજનક છે. વિચરતા જૂથ અને બિન-સૂચિત જનજાતિના આ પારધીઓ મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
આ આદિજાતિ દોઢસો વર્ષથી વધુ સમયથી ભારે ભેદભાવ અને વંચિતતાનો સામનો કરી રહી છે. 1871 માં બ્રિટિશ રાજે લગભગ 200 આદિવાસી જૂથો અને બીજી જાતિઓને - મોટાભાગે એવા લોકો કે જેઓ બ્રિટિશ આધિપત્ય સ્વીકારવા તૈયાર ન હતા તેમને - દબાવવાના હેતુથી 'ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ' (સીટીએ) લાગુ કર્યો હતો. પારધીઓ તેમાં સૂચિબદ્ધ હતા. આ અધિનિયમ પાછળનો મુખ્ય વિચાર એ હતો કે જો તમે આમાંના કોઈપણ જૂથમાં જન્મ્યા હો તો તમે જન્મથી જ ગુનેગાર છો. 1952 માં સ્વતંત્ર ભારતમાં સીટીએ રદ કરી પીડિત સમુદાયોને બિન-સૂચિત કરવામાં આવ્યા હતા. પરંતુ એ કલંક ક્યારેય ભૂંસાયું નથી. પારધીઓને માટે નિયમિત રોજગાર મેળવવાનું લગભગ અશક્ય છે. સરકારી શાળામાં જવાનો પ્રયાસ કરતા તેમના બાળકોને ધમકાવવામાં આવે છે અને ઘણીવાર માર મારવામાં આવે છે.
આ વંચિત સમુદાય માટે એ શાળા તેમની વસાહતના એક માત્ર પાકા માળખા કરતાં ઘણું વધારે છે. તેમને મન આ શાળા સરકારી વિકાસનું પ્રતીક નથી પણ તેમની પાસેની માનવ વિકાસ માટેની એકમાત્ર મહામૂલી ચીજ છે. સંભવતઃ એ તેમના બાળકોને યોગ્ય રોજગાર મળી રહે એ માટેનો માર્ગ છે. આ શાળા ગુમાવવાનો અર્થ તેમને માટે શું હશે એ તો આટલા લાંબા સમય સુધી નિર્દયતાથી 'મુખ્ય પ્રવાહ'ના શિક્ષણથી બાકાત રાખવામાં આવેલ એક સામાજિક જૂથ જ બરોબર સમજી શકે.
અતુલના પત્ની 41 વર્ષના રૂપાલી ભોસલે કહે છે, “મારા બાળકો મરાઠીમાં સારી રીતે બોલી શકે છે. તેઓ વાંચી શકે છે. અમે વાંચી શકતા નથી." તેઓ ઉમેરે છે, “પરંતુ મેં [શિક્ષકો પાસેથી] સાંભળ્યું છે કે સરકાર અહીંથી આ શાળા લઈ જવાની છે/અહીંની આ શાળા બંધ કરી રહી છે."
અતુલના અવાજમાં જેટલો અવિશ્વાસ છે એટલી જ ચિંતા છે. તેઓ પૂછે છે, "શું તેઓ ખરેખર એવું કરશે?"
દુર્ભાગ્યે તેઓ ખરેખર એવું કરશે. જો મહારાષ્ટ્ર સરકાર તેની વર્તમાન યોજનાઓ મુજબ આગળ વધશે તો માત્ર પૌટકાવસ્તી શાળા જ નહીં પરંતુ રાજ્યની બીજી 14000 થી વધુ શાળાઓને અસર પહોંચશે. એ શાળાઓ કાં તો બંધ પડી જશે, કાં તો બીજે ખસેડાશે કે પછી એને બીજી કોઈ શાળામાં વિલીન કરી દેવાશે.
*****
એ લાલ મરાઠી અક્ષરો, જેમાં આગળની દીવાલ પર આ શિક્ષણ સ્થળનું નામ – પૌટકાવસ્તી ગુંડેગાવ પ્રાયમરી જિલ્લા પરિષદ સ્કૂલ – ચીતરવામાં આવ્યું છે એ હજી આજેય,17 વર્ષ પછી પણ, વાંચી શકાય છે. ભારત સરકારના મુખ્ય શિક્ષણ કાર્યક્રમ - સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2007 માં આ શાળા ઊભી કરવામાં આવી હતી - અને તે આ વસાહતના બાળકોને 1 થી 4 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. આ શાળા ઊભી કરવા પાછળનો વિચાર હતો: પ્રત્યેક મૂલ શાળેત જાયિલ, એકહી મૂલ ઘરી ના રાહિલ (દરેક બાળક શાળાએ જશે, એક પણ બાળક ઘેર નહીં રહે). આજે એ વિચાર આ શાળાની દીવાલ પર ચીતરેલો છે
તે સમયે એ એક મહાન વિચાર લાગતો હતો.
પરંતુ વધુ તાજેતરનો, 21મી સપ્ટેમ્બર, 2023 નો એક સત્તાવાર પરિપત્ર જણાવે છે કે શૈક્ષણિક ગુણવત્તા, 'સંકલિત વિકાસ અને બાળકો માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓની જોગવાઈના હિતમાં' 20 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી અમુક વિસ્તારોની શાળાઓને એક મોટી 'ક્લસ્ટર સ્કૂલ' અથવા સમૂહ શાળામાં વિલીન કરી દેવામાં આવશે. નાની શાળાઓને એક ક્લસ્ટર શાળામાં એકસાથે લાવવાની આ પ્રક્રિયા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ની કલમ 7 હેઠળ લાગુ કરવામાં આવી રહી છે.
પૌટકાવસ્તી જીઝેડપીએસના આચાર્ય કુસલકર ગંગારામને તેમની સંભાળમાં રહેલા બાળકોની કુલ સંખ્યા જણાવવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને સરકાર તેને ક્લસ્ટર સ્કૂલમાં ભેળવી દેવાની શક્યતાનું મૂલ્યાંકન કરી શકે. અને તેઓ પણ ચિંતિત છે. તેઓ કહે છે, "બાળકો સારી રીતે ભણી રહ્યા છે. સંખ્યાઓ, અંગ્રેજી-મરાઠી મૂળાક્ષરો, કવિતાઓ. તેઓ વાંચી શકે છે.”
લગભગ માફી માગતા હોય એવા સ્વરમાં "અમારી પાસે શાળામાં શૌચાલય નથી, પીવાના પાણીના નળ નથી," એમ કહી તેઓ ઉમેરે છે, "પરંતુ સંપૂર્ણપણે નવું, મોટું માળખું બનાવવાને બદલે આ સગવડો પૂરી પાડવા પાછળ ભંડોળ ખર્ચવામાં આવે તો ઓછો ખર્ચ થાય. અહીં માનેમાળા વસ્તી શાળા અને બીજી કેટલીક શાળાઓ પણ છે, જેમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ છે. આ બધી શાળાઓને એકસાથે લાવવાનું શક્ય નથી. આ શાળા અહીં બાળકોની નજીક હોય એ જરૂરી છે." આ વાત કરતી વખતે તેમનો અવાજ હવે તેમના વિચારો જેટલો જ સ્પષ્ટ છે.
ગંગારામ કહે છે, “આ બાળકોમાં અભ્યાસ કરવાની ટેવ કેળવવી એ અમારે શિક્ષકો માટે સખત મહેનતનું કામ રહ્યું છે. તેઓ કહે છે, "જો જીઝેડપીએસ ચાલીને જઈ શકાય એટલા અંતર કરતા વધારે દૂર ખસેડવામાં આવશે તો આ બાળકો તો પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત રહી જશે."
સત્તાવાર પરિપત્ર કહે છે નવી ક્લસ્ટર સ્કૂલ સુધી પહોંચવામાં "બસ દ્વારા 40 મિનિટ કરતા ઓછો સમય" લાગવો જોઈએ અને સરકાર અને સીએસઆર [કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી] ના ભંડોળમાંથી મફત બસ સવારીની સુવિધા પૂરી પાડવામાં આવશે. કુસલકર જણાવે છે, “અંતર અંગે કોઈ સ્પષ્ટતા નથી. 40 મિનિટ કરતા ઓછા સમયનો અર્થ શું કરવો; હકીકતમાં કેટલે દૂર? એ અંતર ચોક્કસ એક કિલોમીટરથી વધુ હશે." મફત બસ સેવાનું વચન તેમને વિશ્વાસપ્રદ જણાતું નથી.
“આ હાઈસ્કૂલ આ વસાહતથી ચાર કિલોમીટર દૂર છે. બાળકોને ત્યાં જવા માટે નિર્જન રસ્તાઓ પરથી પસાર થવું પડે છે અને એ અસુરક્ષિત હોવાને કારણે ઘણાં બાળકો, ખાસ કરીને છોકરીઓ, શાળા અધવચ્ચે છોડી દે છે. ક્યાં છે તમારી મફત બસસવારી?" ગંગારામ પૂછે છે. તેઓ કહે છે કે ગયા વર્ષે સાત કે આઠ વિદ્યાર્થીઓએ 4 થા ધોરણ પછી તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો નહોતો. તેઓ હવે તેમના માતાપિતા સાથે કામ કરવા જાય છે.
તમને લાગતું હશે કે સાર્વજનિક પરિવહનનો અભાવ અને ઘર અને શાળા વચ્ચેનું અંતર એ બે જ પડકારો છે, પરંતુ હકીકતમાં બીજા કંઈક પડકારો છે. આ વિદ્યાર્થીઓના માતા-પિતાને કામ પર ગયા વિના છૂટકો નથી - અને ઘણી વખત કામની શોધમાં તેઓ સ્થળાંતર કરે છે - પરિણામે પરિસ્થિતિ વધુ પડકારજનક બની જાય છે. ચોમાસામાં તેમાંના મોટાભાગના નજીકના ખેતરોમાં ખેતમજૂરો તરીકે કાળી મજૂરી કરે છે - અને કેટલીકવાર એ ખેતરો નજીકમાં ન પણ હોય. વર્ષનો બાકીનો સમય તેઓ 34 કિલોમીટર દૂર અહમદનગરમાં બાંધકામના સ્થળોએ કામ શોધે છે.
અતુલ કહે છે, “અહીં નથી કોઈ એસટી બસ કે નથી શેરિંગ જીપ. કામ પર જવા માટે કોઈ વાહન મળે તે પહેલાં મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે અમે 8-9 કિલોમીટર ચાલીએ છીએ." રૂપાલી કહે છે, “તમારે સવારે 6 કે 7 વાગ્યા સુધીમાં મજૂર નાકા પર સમયસર પહોંચી જવું પડે. અમારા બાળકોને દૂરની શાળામાં જવું પડશે તો એ અમારા માટે મુશ્કેલ પસંદગી હશે." તેઓ ઉમેરે છે, "અમારે રોજેરોજ, આખું વર્ષ કામ શોધવું પડે છે." રૂપાલી અને અતુલ બંને મળીને રોજના 400-450 રુપિયાથી વધુ કમાતા નથી - અને તે પણ લગભગ 150 દિવસ માટે. તેથી તેમનું ઘર ચલાવવા માટે વર્ષના બાકીના સમયમાં તેઓ જ્યાં કરી શકે ત્યાં વધુ કામ શોધવું જરૂરી બની જાય છે.
એનઈપી 2020 ના દસ્તાવેજ પ્રમાણે નાની શાળાઓનું સંચાલન કરવું સરકાર માટે મુશ્કેલ છે. દસ્તાવેજ કહે છે કે "શિક્ષકોને કામે રાખવાના અને નિર્ણાયક ભૌતિક સંસાધનોની જોગવાઈના સંદર્ભમાં" એ શાળાઓનું કદ "તેમને ચલાવવા માટે આર્થિક દ્રષ્ટિએ અવ્યવહારુ અને કાર્યાત્મક દ્રષ્ટિએ જટિલ બનાવે છે." આ શાળાઓ શાસન અને વ્યવસ્થાપન માટે એક પ્રણાલીગત પડકાર ઊભો કરે છે કારણ કે "ભૌગોલિક ફેલાવો, પડકારજનક પહોંચની પરિસ્થિતિઓ અને શાળાઓની ખૂબ મોટી સંખ્યા તમામ શાળાઓ સુધી એકસમાન રીતે પહોંચવાનું મુશ્કેલ બનાવે છે."
નાની શાળાઓ વિવિધ પ્રકારના પડકારો ઊભા કરી શકે છે પણ શાળાઓનું વિલીનીકરણ પણ કોઈ શ્રેષ્ઠ ઉકેલ હોય તેમ લાગતું નથી. પુણેના પાનશેત ગામમાં મહારાષ્ટ્ર સરકારના આ પહેલા પ્રયોગ પર નજર કરીએ તો આ વાતની ખાતરી થયા વિના નહીં રહે. એક તરફ સરકાર આ યોજનાના રાજ્યવ્યાપી વિસ્તરણ માટે દબાણ કરી રહી છે ત્યારે બીજી તરફ વેલ્હે તાલુકામાં ક્લસ્ટર સ્કૂલ તરીકે પુનર્વિકસિત થનારી પહેલી શાળા કર્મચારીઓની અછત અને મૂળભૂત માળખાકીય સુવિધાઓના અભાવ અને બીજી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હોવાના અહેવાલ છે.
શિક્ષણના અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ જાણીતા વિદ્વાન જંધ્યાલા બી જી તિલક કહે છે, “પહાડી વિસ્તારો અને એકાંત સ્થળોએ નાની શાળાઓ ખરેખર એક ગંભીર સમસ્યા છે. પરંતુ એ શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી હોય તો પણ સારું શિક્ષણ આપવાનો બીજો કોઈ રસ્તો જણાતો નથી." તેઓ પારી દ્વારા તેમને ઈમેલ કરવામાં આવેલ પ્રશ્નાવલિનો જવાબ આપી રહ્યા હતા.
તેઓ ઉમેરે છે, "(શાળાઓનું વિલીનીકરણ એ રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) ના ધોરણોની વિરુદ્ધ છે." કાયદો આદેશ આપે છે કે ધોરણ 1 થી 5 ના બાળકો માટે આદર્શ રીતે જોતાં શાળા તેમની નજીકના એક કિલોમીટરના વિસ્તારમાં હોવી જોઈએ. અને એ શાળામાં 6-11 વર્ષની વય જૂથના ઓછામાં ઓછા 20 બાળકો હોવા જોઈએ.
તિલક સમજાવે છે, “ઉપરાંત 5-10 બાળકો સાથેની શાળા માટે 2-3 શિક્ષકો અને આરટીઈમાં વચનમાં અપાયેલ તમામ સુવિધાઓ સાથેની એક 'સંપૂર્ણ' શાળા અતાર્કિક લાગે છે. સંચાલકો વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. આપણે નવીન ઉપાયો વિશે વિચારવાની જરૂર છે. વિલીનીકરણ આકર્ષક હોવા છતાં સારો ઉકેલ નથી.”
*****
પરંતુ મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ વિભાગ માટે આ પ્રશ્ન માત્ર પૌટકાવસ્તી શાળા પૂરતો મર્યાદિત નથી. 2023 નો પરિપત્ર જણાવે છે કે રાજ્યભરમાં '1 થી 20' વિદ્યાર્થીઓ સાથેની '14783 શાળાઓ' છે, જેમને મોટા ક્લસ્ટરોમાં વિલીન કરવાની જરૂર છે. આ બધી શાળાઓમાં કુલ મળીને 185467 વિદ્યાર્થીઓ છે. તેમને માટે આ અનિશ્ચિતતા મોટી ચિંતાનો વિષય છે.
ગીતા મહાશબ્દે બિન-લાભકારી નવનિર્મિત લર્નિંગ ફાઉન્ડેશનના સંચાલક છે. શાળાઓના ઈતિહાસ વિશે વાત કરતા તેઓ કહે છે, "આ શાળાઓ નાની હોવાના વિવિધ કારણો છે."
વર્ષ 2000 માં મહારાષ્ટ્ર સરકારે વસ્તી શાળા યોજના શરૂ કરી હતી. હકીકતમાં જોવા જઈએ તો આ યોજના એ સર્વ શિક્ષા અભિયાન હેઠળ પૌટકાવસ્તી જેવી નાની વસાહતોમાં શાળાઓ સ્થાપવા માટેનો કાર્યક્રમ હતી. ગીતા કહે છે, “સરકારની એ યોજના શિક્ષણથી દૂર હોય એવા બાળકોને ઓળખી કાઢીને તેમને માટે તેમના પોતાના કસ્બાઓમાં અથવા અન્યથા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં નવી શાળાઓ ખોલવાની હતી. આ યોજના મહાત્મા ફૂલે શિક્ષણ હમી કેન્દ્ર યોજના તરીકે પણ જાણીતી હતી."
આ યોજના મુજબ વસ્તીશાળામાં ધોરણ 1 થી 4 માં લગભગ 15 વિદ્યાર્થીઓ હોઈ શકે છે. જિલ્લા પરિષદ અથવા મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ કમિટીની મંજૂરીથી નિશ્ચિત સંખ્યા બાબતના આ નિયમમાં બાંધછોડ થઈ શકે છે. અસાધારણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 જેટલી ઓછી પણ હોઈ શકે છે.
તદનુસાર સરકારે 2000 થી 2007 ની વચ્ચે લગભગ આઠ હજાર વસ્તીશાળાઓ શરૂ કરી હતી.
જો કે માર્ચ 2008માં સરકારે આ યોજનાને 'અસ્થાયી વ્યવસ્થા' ગણાવીને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગીતા કહે છે, "મહારાષ્ટ્ર સરકારે આ શાળાઓની સ્થિતિનો અભ્યાસ કરવા અને ભલામણો આપવા માટે એક સમિતિની નિમણૂક કરી હતી." ગીતા આ સમિતિના એક સભ્ય હતા. આ સમિતિએ કેટલીક શાળાઓને નિયમિત પ્રાથમિક શાળાઓમાં રૂપાંતરિત કરવાની ભલામણ કરી હતી. 2008 અને 2011 ની વચ્ચે રાજ્ય સરકારે 6852 વસ્તીશાળાઓને પ્રાથમિક શાળાઓ તરીકે નિયમિત કરવાનો અને બીજી 686 શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
વસ્તીશાળા યોજના હેઠળ સરકારે 2000 થી 2007 ની વચ્ચે લગભગ આઠ હજાર વસ્તીશાળાઓ શરૂ કરી હતી. જો કે માર્ચ 2008માં સરકારે આ યોજનાને 'અસ્થાયી વ્યવસ્થા' ગણાવીને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો
આગલા એક દાયકામાં આ બધું જ ઉલટાવી શકાય છે. એનઈપી 2020 હેઠળ આવી નિયમિત શાળાઓને પણ બંધ કરવા પર ચર્ચા શરુ થઈ છે. ગીતા કહે છે, “નિયમિત શાળાઓને બંધ કરવાનું કોઈ કારણ નથી. વિદ્યાર્થીઓની સંખ્યા ભલે ઓછી હોય, તો પણ ત્યાં વસાહત છે, અને ત્યાંના બાળકો પાસે શિક્ષણ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી."
“પડઘમ વરતી ટીપરી પડલી, તડમ તત્તડ તડમ…. ((પડઘમ પર ફટકો મારતા એ અવાજ કરે છે તડમ તત્તડ તડમ) અતુલની આઠ વર્ષની દીકરી શબનમ પોતે જે શીખી છે એ બતાવવાની તક મળતાં ઉત્સાહિત છે. "મને કવિતાઓ વાંચવી ગમે છે" કહી તે પોતાના 3 જા ધોરણના મરાઠી પાઠ્યપુસ્તકમાંથી અમને એક કવિતા વાંચી સંભળાવે છે.
પોતાની બહેનથી ચડિયાતા દેખાવાનો પ્રયાસ કરતા સાહિલ વચ્ચે બોલી ઊઠે છે, “હું બાદબાકી કરી શકું છું, ઓછા, વત્તા. મને 5 સુધીના ઘડિયા આવડે છે. પાચ એકે પાચ, પાચ દુને દહા….," [પાંચ એકા પાંચ; પાંચ દુ દસ].
આ ભાઈ-બહેનોને શાળાએ જવાનું ગમે છે, પરંતુ માત્ર કવિતા અને ગણિત માટે જ નહીં. સાહિલ કહે છે, “મને શાળાએ જવાનું ગમે છે કારણ કે હું અમારી વસ્તી [વસાહત] ના તમામ બાળકોને મળી શકું છું અને રિસેસ દરમિયાન અમે લંગડી અને ખો-ખો રમીએ છીએ. પૌટકાવસ્તી જીઝેડપીએસના તમામ બાળકો પહેલી પેઢીના શીખનારા છે.
પોતાની માટીની ઝૂંપડીની બહાર બેઠેલી તેમની માતા રૂપાલી કહે છે, "શાળા અને અભ્યાસમાં તેમની રુચિ જોઈને અમને ખરેખર આનંદ થાય છે." તેમની શાળા બંધ થવાનો ડર રૂપાલીના ચહેરા પરની ખુશીને ઝાંખી પાડી દે છે. તેઓ કે તેમના પતિ અતુલ ક્યારેય શાળાએ ગયા નથી. પારધી સમુદાય માટે શિક્ષણની પહોંચ હંમેશા એક પડકાર રહ્યો છે. 2011 ની વસ્તી ગણતરી જણાવે છે કે મહારાષ્ટ્રમાં 223527 પારધીઓ છે. દાયકાઓના અનેકવિધ નીતિવિષયક હસ્તક્ષેપો પછી પણ ઘણા પારધી બાળકો સુધી પ્રાથમિક શિક્ષણ પહોંચ્યું નથી.
*****
10 વર્ષનો આકાશ બરડે બેફિકરપણે કહે છે, "અહીં કોઈ શાળાએ જતું નથી." તે શિરુર તાલુકાના બીજા પારધી કસ્બામાં રહે છે, જે પૌટકાવસ્તીથી લગભગ 76 કિમી દૂર છે. કૂકાડી નદીના કિનારે આવેલી આ શિંદોડી વસાહતથી પ્રાથમિક અને માધ્યમિક શાળા ત્રણ કિમી દૂર છે. તે તેને માટે ચાલતા જવા માટે ખૂબ દૂર છે. તે કહે છે, “હું ક્યારેક માછલી પકડું છું. મને માછીમારી ગમે છે. મારા માતા-પિતા ઈંટના ભઠ્ઠાઓ અને બાંધકામના સ્થળો પર કામ કરે છે. તેઓ 3-4 મહિના માટે મઝદૂરી [મજૂરી કામ] માટે બહાર છે. મને યાદ નથી કે તેઓએ ક્યારેય મને શાળા વિશે કંઈ કહ્યું હોય, ન તો મેં તેના વિશે કંઈ વિચાર્યું હતું.”
આ વસાહતમાં 5-14 વર્ષના વયજૂથના 21 બાળકોમાંથી કોઈ શાળાએ જતું નથી.
મહારાષ્ટ્રની વિચરતી અને બિન-સૂચિત જનજાતિઓની શૈક્ષણિક સ્થિતિ અંગેના 2015 ના એક સર્વેક્ષણ માં જણાવાયું છે કે 2006-07 અને 2013-14 ની વચ્ચે, આ જૂથોના કુલ 22 લાખથી વધુ બાળકોએ શાળાઓમાં પ્રવેશ લીધો નહોતો.
58 વર્ષના કાંતાબાઈ બરડે કહે છે. “આમાંના ઘણા બાળકોના માતા-પિતા બહાર, મુંબઈ કે પુણેમાં, કામ કરે છે. બાળકો અહીં ગામમાં એકલા રહે છે, તેમાંથી કેટલાક તેમના માતાપિતા સાથે જાય છે." કાંતાબાઈ, તેમનો દીકરો અને દીકરાની વહુ સાંગલીમાં શેરડીના ખેતરોમાં કામ કરવા સ્થળાંતર કરે છે ત્યારે કાંતાબાઈ તેમની પૌત્રીઓ, નવ વર્ષની અશ્વિની અને છ વર્ષની ટ્વિંકલને ગામમાં છોડીને જાય છે. બેમાંથી એકેય છોકરી શાળામાં જતી નથી.
તેઓ કહે છે કે ટ્વિંકલનો જન્મ શેરડીના ખેતરમાં થયો હતો. જ્યારે પરિવારે તેને શાળામાં દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ દાખલો (જન્મનું પ્રમાણપત્ર) માગ્યું. કાંતાબાઈ કહે છે, “કોઈ આશા કાર્યકર અહીં આવતા નથી. અમારા બાળકો, પૌત્ર-પૌત્રીઓ બધા ઘેર જ જન્મ્યા છે. અમારી પાસે (જન્મનો) કોઈ દાખલો નથી."
નાનકડી અશ્વિની કહે છે, “હું મોટે ભાગે મારી બહેન સાથે રહું છું. એકલી." તે ઉમેરે છે, "મોઠી આઈ (દાદી) અમારી સંભાળ રાખવા થોડા અઠવાડિયા માટે પાછા આવે છે. હું સંપૂર્ણ ભોજન, ભાખરી સુદ્ધાં બનાવી શકું છું. હું શાળા બાબતે કંઈ જાણતી નથી. તેના વિશે મેં ક્યારેય વિચાર્યું નથી. મેં છોકરીઓને યુનિફોર્મમાં જોઈ છે." તે હસીને કહે છે, "તેઓ સરસ દેખાય છે."
નેશનલ સેમ્પલ સર્વે (એનએસએસ) 2017-18 મુજબ શિંદોડીના આકાશ, અશ્વિની અને ટ્વિંકલની જેમ સમગ્ર ગ્રામીણ ભારતમાં 3-35 વર્ષના વય જૂથમાં લગભગ 13 ટકા પુરૂષો અને 19 ટકા મહિલાઓએ ક્યારેય કોઈ શૈક્ષણિક સંસ્થામાં નોંધણી કરાવી નથી.
કાંતાબાઈને તેમના સમુદાયના બાળકો માટે શાળાઓ સલામત જગ્યા હોય એવું લાગતું નથી. તેઓ કહે છે, “બીજા લોકો અમને ચોર કહે છે. તેઓ અમને ગંદા કહે છે અને અમને તેમના ગામમાં પેસવા દેતા નથી. અમે બાળકોને શાળાએ શી રીતે મોકલીએ?"
ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ રદ થયાના દાયકાઓ પછી પણ પારધીઓ એ એક્ટ દ્વારા તેમના પર થપ્પો લાગ્યો હોવાનો બોજ વેંઢારવાનું ચાલુ રાખે છે. (વાંચો: નો ક્રાઈમ, અનએન્ડિંગ પનિશમેન્ટ ). જન્મ પ્રમાણપત્રો, આધાર કાર્ડ, મતદાન કાર્ડ, વિગેરે જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો અભાવ તેમને માટે સરકારી યોજનાઓની પહોંચ મુશ્કેલ બનાવે છે (વાંચો: ‘મારા બાળકો પોતાનું ઘર બનાવશે’ અને સમૃદ્ધિ હાઈવે તળે ચગદાઈ પારધી શાળા ). અને આ સમુદાયના બાળકો શાળામાં પ્રવેશ મેળવે તો પણ (તેમને માથે થોપાયેલું ચોરનું) આ કલંક તેમને શાળા છોડી દેવા મજબૂર કરે છે.
કાઉન્સિલ ફોર સોશિયલ ડેવલપમેન્ટ, હૈદરાબાદ દ્વારા મહારાષ્ટ્રના 25 જિલ્લાઓમાં બિન-સૂચિત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ પર કરવામાં આવેલ 2017 નું સર્વેક્ષણ જણાવે છે કે તેમાં આવરી લેવામાં આવેલા 199 પારધી પરિવારોમાંથી 38 ટકા પરિવારોમાં બાળકોએ ભેદભાવ, ભાષાકીય મર્યાદાઓ, લગ્ન અને શિક્ષણના મહત્વ વિશે ઓછી જાગૃતિને કારણે પ્રાથમિક શાળા પછી અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.
કાંતાબાઈ ખરાબ ભાવિની ચેતવણી આપતા કહે છે, “શિક્ષણ અમારા બાળકો માટે નથી. સમાજ હજી પણ અમને ધિક્કારે છે. મને નથી લાગતું કે કશું બદલાઈ શકે છે."
તેમના શબ્દો ભયજનક રીતે સાચા લાગે છે. 1919 માં મહારાષ્ટ્રના મહાન સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી કર્મવીર ભાઉરાવ પાટીલ રૈયત (જનતા) સુધી શિક્ષણ લઈ જવા માટે સંકલ્પબદ્ધ હતા અને તેમણે વસ્તી તિથે શાળા (દરેક વસાહતમાં એક શાળા) ની હિમાયત કરી હતી. 105 વર્ષ પછી પણ શિંદોડી સુધી હજી એક પણ શાળા પહોંચી નથી. પૌટકાવસ્તી સુધી એક શાળા પહોંચતા 90 વર્ષ લાગ્યા હતા - અને હવે આ સમુદાયના બાળકોને સંપૂર્ણપણે અસહાય સ્થિતિમાં મૂકીને પોલિસીના વાવાઝોડાને પગલે એ શાળા અદૃશ્ય થઈ જવાના ભયમાં છે.
ઝેડપી પૌટકાવસ્તી શાળાની દીવાલ પર ચીતરવામાં આવેલા શબ્દો આ પ્રમાણે છે:
શિક્ષણ હક્કાચી કિમ્યા ન્યારી,
શિક્ષણ ગંગા આતા ઘરોઘરી.
(શિક્ષણના અધિકારના મોહક જાદુથી
ઘેરેઘેર વિદ્યાની ગંગા વહેશે.)
એ શબ્દો સાચા પડતાં હજી કેટલો સમય લાગશે?
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક