થાંગ્કા - સામાન્ય રીતે બૌદ્ધ દેવતાનું નિરૂપણ કરતા, પેચવર્કથી શણગારેલા રેશમી અથવા સુતરાઉ કાપડ પર કરેલા ચિત્રો - ની પુન:જાળવણી કરવી એ કોઈ કાચાપોચાનું કામ નથી. માથો ગામના રહેવાસી દોરજે અંગચૂક કહે છે, "પુન:જાળવણીમાં એક નાનીસરખી પણ ભૂલ થઈ જાય, જેમ કે જો કાનના આકારને મૂળ જેવો દેખાતો હતો તેના કરતા થોડો વધારે વળાંક અપાઈ જાય [અને મૂળ આકાર કરતા એ અલગ થઈ જાય] તો પણ લોકો નારાજ થઈ જાય, એમની લાગણીને ઠેસ પહોંચે."
લેહથી 26 કિલોમીટર દૂર આવેલા માથો ગામના આ રહેવાસી જણાવે છે કે, "આ એક સંવેદનશીલ કામ છે." 1165 લોકોની વસ્તી (વસ્તીગણતરી 2011) ધરાવતા માથોમાં લગભગ બધા જ લોકો બૌદ્ધ ધર્મ પાળે છે.
થાંગ્કા (તેને થાંકા પણ કહેવાય છે) ની પુન:જાળવણી કરનાર નવ કુશળ મહિલાઓની ટીમે અંગચૂક અને તેના સમુદાયના બીજા લોકોનો ડર દૂર કરી દીધો છે, આ મહિલાઓએ કલાના આ પ્રાચીન નમૂનાઓમાં સચવાયેલી સદીઓ જૂની આ ચિત્રકલાની ભાતને સમજવા, ઓળખવા અને પારખવા માટે સેંકડો વર્ષો પહેલાના સમયમાં મુસાફરી કરી છે/ની આ કલાનું અધ્યયન કર્યું છે. દરેક સદીને તેના પોતાના વિશિષ્ટ તત્વો, શૈલીઓ અને મૂર્તિશાસ્ત્ર હતા.
આ મહિલાઓને પુનઃજાળવણીના કામની તાલીમ આપનાર કલા સંરક્ષણના કામમાં નિષ્ણાત ફ્રાન્સના નેલી રિયાફ કહે છે કે માથોની આ મહિલાઓ જે થાંગ્કાની પુન:જાળવણી કરે છે તે તમામ 15-18મી સદીના છે. ત્સેરિંગ સ્પેલ્દન કહે છે, "શરૂઆતમાં ગ્રામવાસીઓ થાંગ્કાની પુન:જાળવણી કરતી મહિલાઓની વિરુદ્ધ હતા." પરંતુ અમે જાણતા હતા કે અમે કંઈ ખોટું નથી કરી રહ્યા; અમે જે કંઈ કરી રહ્યા હતા તે આપણા ઇતિહાસ માટે કરી રહ્યા હતા.”
બૌદ્ધ સાધ્વી તુકચેય દોલ્મા કહે છે, "થાંગ્કા એ બુદ્ધ અને બીજા કેટલાક પ્રભાવશાળી લામાઓ અને બોધિસત્વોના જીવનને સમજવા માટેના કાર્યક્ષમ શૈક્ષણિક સાધનો છે." દોલ્મા લદ્દાખના નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં કારગિલ જિલ્લાના દૂરસ્થ ઝંસ્કાર તહેસીલમાં કારશા ભિક્ષુણી મઠમાં સ્થિત છે.
ત્સેરિંગ અને બીજા પુન:જાળવણી કરનારાઓ ખેડૂત પરિવારોમાંથી આવે છે, તેઓ હિમાલયન આર્ટ પ્રિઝર્વર્સ (એચએપી) નામની સંસ્થાના સભ્ય છે અને તેઓ થાંગ્કાની પુનઃજાળવણી કરવામાં નિષ્ણાત છે. નેલી કહે છે, “બીજા ઐતિહાસિક ચિત્રોની સરખામણીમાં થાંગ્કાની પુનઃજાળવણી કરવાનું મુશ્કેલ છે કારણ કે રેશમનું કાપડ દુર્લભ અને અત્યંત શુદ્ધ ગુણવત્તાનું છે. રંગ અથવા કાપડને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર ગંદકીને દૂર કરવાનું અઘરું છે."
ત્સેરિંગ કહે છે, "અમે 2010 માં માથો ગોમ્પા [મઠ] માં જાળવણીનું કામ શીખવાનું શરૂ કર્યું હતું. 10 મું ધોરણ પૂરું કર્યા પછી નવરા બેસી રહેવા કરતાં એ વધુ સારું હતુ."
ત્સેરિંગ ઉપરાંત (પુન:જાળવણીનું કામ કરતી) બીજી મહિલાઓ છે: થિન્લેસ આંગ્મો, ઉર્ગેન ચોદોલ, સ્ટેન્ઝિન લદોલ, કુન્ઝાંગ આંગ્મો, રિન્ચિન દોલ્મા, ઈસેય દોલ્મા, સ્ટેન્ઝિન આંગ્મો અને ચુન્ઝિન આંગ્મો. તેઓને દિવસના 270 રુપિયા ચૂકવવામાં આવે છે. ત્સેરિંગ કહે છે, "ખાસ કરીને અમારા દૂરસ્થ વિસ્તાર અને નોકરીની ઓછી તકોને ધ્યાનમાં લેતા આ એક ઠીકઠાક રકમ છે." સમય જતાં, “અમને આ ચિત્રોની પુન:જાળવણી કરવાનું મહત્વ સમજાયું. એ પછી અમે કલા અને ઇતિહાસની વધુ કદર કરતા થયા."
2010 માં માથો મઠ સંગ્રહાલયે (મોનેસ્ટ્રી મ્યુઝિયમે) ક્ષતિગ્રસ્ત થાંગ્કાની પુન:જાળવણીનું કામ ઝડપી બનાવવામાં મદદ કરી. ત્સેરિંગ કહે છે, “થાંગ્કા અને ધાર્મિક મહત્વ ધરાવતી બીજી કલાકૃતિઓની પુન:જાળવણી કરવાની તાત્કાલિક જરૂર હતી. અમે 2010 ની આસપાસ આ પુન:જાળવણીનું કામ શીખવાનું શરૂ કર્યું." ત્સેરિંગે બીજા લોકો સાથે મળીને આ તક ઝડપી લેવાનું અને પુન:જાળવણીની તાલીમ લેવાનું નક્કી કર્યું.
થાંગ્કાની પુનઃજાળવણી કરવામાં લાગતો સમય તેના કદ પર આધાર રાખે છે. એ થોડા દિવસોથી લઈને થોડા મહિનાઓ સુધીનો હોઈ શકે છે."થાંગ્કા રિસ્ટોરેશન રોકના પડતા હૈ સર્દિયોં મેં કયુંકિ ફેબ્રિક ઠંડ મેં ખરાબ હો જાતા હૈ [થાંગ્કાની પુનઃજાળવણીનું કામ અમે ફક્ત શિયાળા દરમિયાન બંધ રાખીએ છીએ કારણ કે ઠંડીમાં કાપડને નુકસાન થાય છે]."
સ્ટેન્ઝિન લદોલ કામના નમૂનાઓને કાળજીપૂર્વક સૂચિબદ્ધ કરેલું એક મોટું રજિસ્ટર ખોલે છે. દરેક પાના પર સાથે-સાથે બે છબીઓ મૂકવામાં આવી છે - એક પુનઃજાળવણી કર્યા પહેલાની અને બીજી પુનઃજાળવણી કર્યા પછી થયેલો સુધારો દર્શાવતી.
થિન્લેસ કહે છે, "અમે ખૂબ જ ખુશ છીએ કે અમે આ કામ કેવી રીતે કરવું તે શીખ્યા; તેનાથી અમને આગળ વધવા માટે એક અલગ કારકિર્દી મળી છે. અમે બધા પરિણીત છીએ, અમારા બાળકો એમનું પોતપોતાનું કામ કરે છે, તેથી અમે પુનઃજાળવણીના કામમાં સારો એવો સમય ફાળવી શકીએ છીએ." તેઓ રાત્રિભોજન માટે શાકભાજી સમારી રહ્યા છે.
થિન્લેસ કહે છે, "અમે સવારે 5 વાગ્યે ઊઠીએ છીએ અને અમારું ઘરનું બધું જ કામ, અને ખેતરનું કામ પૂરું કરવાનો પ્રયાસ કરીએ છીએ." તેમના સાથીદાર ત્સેરિંગ પોતાનો મત વ્યક્ત કરતા કહે છે, "ખેતી બહોત ઝરૂરી હૈ, સેલ્ફ-સફિશિયન્ટ રહેને કે લિયે [અમારું ખેતીનું કામ ખૂબ મહત્વનું છે. આત્મનિર્ભર રહેવા માટે]."
મહિલાઓ માટે લાંબો દિવસ છે. થિન્લેસ કહે છે, “અમે ગાયોને દોહીએ છીએ, રાંધીએ છીએ, અમારા બાળકોને શાળાએ મોકલીએ છીએ, પછી અમારે ચરવા ગયેલા ઢોર પર નજર રાખવાની હોય છે. આ બધા પછી, અમે એચએપી પર આવીએ છીએ અને કામ શરૂ કરીએ છીએ."
પુનઃજાળવણી કરનારાઓ કહે છે કે લગભગ તમામ ભંડોળ નવા થાંગ્કા બનાવવા પાછળ ખર્ચાય છે. બૌદ્ધ વિદ્વાન ડો.સોનમ વાંગચૂક કહે છે, "આજકાલ ભાગ્યે જ કોઈ લોકો આ સદીઓ જૂના થાંગ્કાના વારસાનું મૂલ્ય સમજે છે અને લોકો તેની પુનઃજાળવણી કરવાને બદલે એને કાઢી નાખે છે." તેઓ લેહ સ્થિત હિમાલયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક છે.
શરુઆતમાં ગામલોકોના વિરોધનો સામનો કરવો પડેલો એ વિશે ટૂંકમાં વાત કરતા ત્સેરિંગ કહે છે, "હવે અમને કોઈ કંઈ કહેતું નથી કારણ કે ઘણા વર્ષો વીતી ગયા છે અને અમે નિયમિતપણે આ કામ કરીએ છીએ." લેહના શેસરિગ લદ્દાખ સ્થિત એક કલા સંરક્ષક કલાભવનના સ્થાપક નૂર જહાં જણાવે છે કે, "ભાગ્યે જ કોઈ પુરુષો આ કામ કરે છે. અહીં લદ્દાખમાં કલાની પુન:જાળવણીનું કામ મોટાભાગે મહિલાઓ કરે છે." અને તેમનું કામ માત્ર થાંગ્કાની પુનઃજાળવણી પૂરતું મર્યાદિત નથી પરંતુ તેઓ સ્મારકો અને ભીંતચિત્રોની પુનઃજાળવણીના ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છે.
ત્સેરિંગ કહે છે, "અમે ઈચ્છીએ છીએ કે વધુ ને વધુ લોકો અહીં આવે અને અમારું કામ જુએ." પહાડોમાં સૂર્ય આથમી રહ્યો છે અને ત્સેરિંગ અને બીજા લોકો ટૂંક સમયમાં ઘેર પાછા ફરશે. સ્ટેન્ઝિન લદોલ કહે છે કે સૌથી મોટી ચિંતા એ મોંઘી પુનઃજાળવણી સામગ્રીના અભાવની છે, તેમને લાગે છે કે "આ કામ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે એટલા માટે નહિ કે એમાંથી અમે કોઈ બહુ મોટો નફો કમાઈએ છીએ પરંતુ એટલા માટે કારણ કે આ કામ કરવાથી અમને સંતોષ મળે છે."
આ કામે તેમને આ પ્રાચીન ચિત્રોની પુનઃજાળવણી કરવાની કુશળતા કરતાં ઘણું વધારે આપ્યું છે, આ કામને કારણે તેમનામાં વધુ આત્મવિશ્વાસ આવ્યો છે. ત્સેરિંગ હસીને કહે છે, "આ કામને કારણે ધીમે ધીમે અમારી વાતચીત કરવાની રીત પણ બદલાઈ ગઈ છે - પહેલા અમે ફક્ત લદ્દાખીમાં જ વાત કરી શકતા હતા, પરંતુ હવે અમે અંગ્રેજી અને હિન્દીમાં પણ વધુ સારી રીતે બોલતા શીખી રહ્યા છીએ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક