આંગણવાડી કાર્યકર્તા મંગલ કાર્પે પૂછે છે, “શાસન કા બરં કદર કરત નાહી આમચ્યા મેહનતચી [સરકાર અમારી મહેનતની કદર કેમ નથી કરતી]?”
સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને તેમના નાના બાળકો સુધી તેમના જેવા આંગણવાડી કાર્યકરો કેવી રીતે સરકારી પહેલો પહોંચાડે છે તે સમજાવતાં તેઓ કહે છે, “દેશાલા નિરોગી, સુદ્રુઢ થેવળ્યાત આમચા મોથા હાતભાર લાગતો [અમે દેશને સ્વસ્થ અને મજબૂત રાખવામાં ઘણું યોગદાન આપીએ છીએ].”
39 વર્ષીય મંગલ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રહાટા તાલુકાના દોરહાલે ગામમાં આંગણવાડી ચલાવે છે. તેમની જેમ રાજ્યભરમાં બે લાખ મહિલાઓ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો તરીકે કામ કરે છે. તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઇ.સી.ડી.એસ.)ની તમામ આરોગ્ય, પોષણ અને પ્રારંભિક શિક્ષણ પહેલોને અમલમાં મૂકે છે.
તેમના પ્રત્યે રાજ્યની ઉદાસીનતાનો વિરોધ કરવા માટે, સેંકડો આંગણવાડી કાર્યકતો 5 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ કરવામાં આવેલા મહારાષ્ટ્ર વ્યાપી અનિશ્ચિતકાલીન વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓની યાદી આપતાં મંગલ કહે છે, “અમે અગાઉ પણ ઘણી વખત વિરોધ કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારી ગણતરી સરકારી કર્મચારી તરીકે થાય. અમને દર મહિને 26,000 રૂપિયા પગાર જોઈએ છે. અમને નિવૃત્તિ પછી પેન્શન, મુસાફરી અને ઇંધણ ભથ્થું પણ જોઈએ છે.”
વિરોધ પ્રદર્શનના ત્રીજા દિવસે, આ સમાચાર પ્રકાશિત થયા ત્યાં સુધી રાજ્ય તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં, સેંકડો કામદારોએ 8 ડિસેમ્બર, 2023ના રોજ શિરડી શહેરમાં જિલ્લા કલેક્ટરની કચેરી તરફ કૂચ કરી હતી.
58 વર્ષીય આંગણવાડી કાર્યકર્તા મંદા રુકરે કહે છે, “શું અમે તેઓ અમને ગૌરવપૂર્ણ જીવન જીવવા દે તેવી માંગ કરીને કંઈ ખોટું કરી રહ્યાં છીએ?” તેમની ઉંમર 60 વર્ષની નજીક હોવાથી, તેઓ ચિંતિત છેઃ “હું થોડા વર્ષોમાં નિવૃત્ત થઈ જઈશ. જ્યારે હું કોઈ શારીરિક પ્રવૃત્તિ કરી શકીશ નહીં ત્યારે મારી સંભાળ કોણ રાખશે?” છેલ્લા 20 વર્ષથી મંદાએ રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલા પોતાના રુઈ ગામની આંગણવાડીમાં કામ કર્યું છે. તેઓ પૂછે છે, “સામાજિક સુરક્ષા તરીકે મને બદલામાં શું મળશે?”
હાલમાં આંગણવાડી કાર્યકર્તાઓને દર મહિને 10,000 રૂપિયા અને સહાયકોને 5,500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. મંગલ કહે છે, “જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને 1,400 રૂપિયા મળતા હતા. વર્ષોથી, તે [2005] થી માત્ર 8,600 રૂપિયાનો વધારો છે.”
મંગલ ગાવણે વસ્તીની આંગણવાડીમાં 50 બાળકોની સંભાળ રાખે છે − જેમાંથી 20 બાળકો 3 થી 6 વર્ષની વય વચ્ચેનાં છે. જ્યાં, “દરરોજ મારે ખાતરી કરવી પડે છે કે બાળકો આંગણવાડી કેન્દ્રમાં આવે.” તેથી, તેઓ ઘણીવાર તેમને પોતાના સ્કૂટર પર બેસાડીને જાતે લાવે છે.
પરંતુ તેઓ આનાથી પણ વિશેષ કામ કરે છે. તેઓ “સવારનો નાસ્તો અને બપોરનું ભોજન રાંધે છે, બાળકો તેને યોગ્ય રીતે ખાય તેની ખાતરી કરે છે, ખાસ કરીને કુપોષિત બાળકોની.” આટલું કર્યા પછી પણ દિવસનું તેમનું કામ પૂરું નથી થતું, આ સાથે તેમણે દરેક બાળકનો રેકોર્ડ રાખવો પડે છે અને પોષણ ટ્રેકર એપ્લિકેશનને અપડેટ કરવી પડે છે − જે સમય માંગી લે તેવું અને કંટાળાજનક ડેટા એન્ટ્રીનું કામ છે.
મંગલ કહે છે, “ડાયરી અને અન્ય સ્ટેશનરી ખર્ચ, પોષણ એપ માટે ઇન્ટરનેટ રિચાર્જ, ઘરની મુલાકાતો માટે વાહનનું બળતણ, બધું અમારા પોતાના ખિસ્સામાંથી જાય છે. પૈસા તો જરાય બચતા નથી.”
તેઓ સ્નાતક છે અને છેલ્લાં 18 વર્ષથી આ કામ કરી રહ્યાં છે, તેમના બે કિશોરવયના બાળકો − 20 વર્ષીય દીકરો સાંઈ અને 18 વર્ષીય દીકરી વૈષ્ણવી − ના એકલ માતાપિતા તરીકે પોતાનું ઘર ચલાવી રહ્યાં છે. સાંઈ એન્જિનિયરિંગની પદવી માટે અભ્યાસ કરી રહ્યો છે અને વૈષ્ણવી નીટની પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેઓ કહે છે, “હું ઇચ્છું છું કે મારાં બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે. અમારો વાર્ષિક ખર્ચ હજારો રૂપિયામાં હોય છે. ઘરના અન્ય ખર્ચાઓને બધું જોતાં 10,000 રૂપિયામાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.”
તેથી મંગલને આવકના અન્ય સ્રોતો શોધવાની ફરજ પડે છે. તેમણે અન્ય કામ શા માટે શોધવાં પડે છે તે સમજાવતાં તેઓ કહે છે, “હું ઘરે ઘરે જઈને પૂછું છું કે શું તેઓ બ્લાઉઝ અથવા કપડાં જેવી કોઈ વસ્તુની સિલાઈ કરવા માંગે છે કે કેમ. હું લોકો માટે નાના વીડિયો પણ સંપાદિત કરું છું, અંગ્રેજીમાં કોઈપણ પ્રકારના અરજી ફોર્મ ભરવામાં મદદ કરું છું. જે પણ નાનું મોટું કામ મળે એ હું કરું છું. પછી હું બીજું શું કરું?”
આંગણવાડી કાર્યકર્તાઓનો સંઘર્ષ આશા કાર્યકર્તાઓ − માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ જેવો જ છે. (વાંચોઃ માંદગી અને તંદુરસ્તીમાં ગામડાઓની સંભાળ ). બન્ને આરોગ્ય સેવાઓ અને બાળજન્મ, રસીકરણ, પોષણથી માંડીને ક્ષય રોગ અથવા તો કોવિડ−19 જેવી મહામારી જેવા સૌથી ઘાતક રોગોનો સામનો કરવા સુધીની માહિતીના પ્રાથમિક પ્રદાતા તરીકે કામ કરે છે.
એપ્રિલ 2022માં ભારતની સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં કુપોષણ અને કોવિડ−19 સામે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની ભૂમિકાને 'નિર્ણાયક' અને 'નોંધપાત્ર' ગણાવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે લાયકાત ધરાવતાં આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો વાર્ષિક 10 ટકાના સરળ વ્યાજ સાથેની ગ્રેચ્યુઇટીના હકદાર છે.
ન્યાયમૂર્તિ અજય રસ્તોગીએ તેમની અંતિમ ટિપ્પણીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે તેઓ 'અવાજ વિનાના લોકો માટે તેમના દ્વારા આપવામાં આવતી નોકરીની પ્રકૃતિને અનુરૂપ વધુ સારી સેવાની શરતો પૂરી પાડવાની પદ્ધતિઓ શોધે.'
મંગલ, મંદા અને લાખો અન્ય આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો આના અમલીકરણની રાહ જોઈ રહ્યાં છે.
મંગલ ઉમેરે છે, “અમે આ વખતે સરકાર પાસેથી લેખિત ખાતરી ઇચ્છીએ છીએ. ત્યાં સુધી અમે હડતાળ નહીં સમેટીએ. આ તે સન્માન મેળવવાની વાત છે જેના અમે લાયક છીએ. આ અમારા અસ્તિત્વની લડાઈ છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ