આ બધું શરૂ થયું કાગળની એક ચબરખી અને એક અજાણી વ્યક્તિના એક પ્રશ્નથી.
માત્ર 12 વર્ષનો કમલેશ ડાંડોલિયા રાથેડ ગામમાં તેના ઘરની નજીક આવેલા પ્રવાસી અતિથિગૃહ પાસે ભટકતો હતો ત્યારે તેને એક પરદેશી (અજાણી વ્યક્તિ) નો ભેટો થયો. "તેમણે પૂછ્યું કે હું ભરિયા જાણું છું કે કેમ." કમલેશ જવાબ આપે તે પહેલાં, "તે માણસે મને એક કાગળ આપ્યો અને વાંચવાનું કહ્યું."
અજાણી વ્યક્તિને આશા હતી કે તેમનું કામ થઈ જશે - મધ્ય પ્રદેશમાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ - પીવીટીજી ) તરીકે સૂચિબદ્ધ ભરિયા સમુદાયના ઘણા લોકો અહીં તામિયા બ્લોકની પાતાલકોટ ખીણમાં રહે છે. કમલેશ એક ભરિયા છે અને તે સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી તેના સમુદાયની ભાષા - ભરિયાટી - બોલી શકતો હતો.
નાના બાળકે પહેલા આત્મવિશ્વાસ સાથે કાગળ વાંચ્યો. તેમાં તેના સમુદાય વિશે સામાન્ય માહિતી હતી. એ દેવનાગરી લિપિમાં હતું એટલે "સરળ લાગ્યું." બીજો વિભાગ, જેમાં વસ્તુઓના નામ હતા એ વાંચતા કમલેશ ગોથા ખાવા લાગ્યો. તેઓ યાદ કરે છે, "શબ્દો ચોક્કસપણે ભરિયાટીમાં હતા. એ અવાજો ખૂબ પરિચિત હતા, પરંતુ એ શબ્દો અજાણ્યા હતા."
કંઈક યાદ કરવાનો સખત પ્રયાસ કરતા તેઓ એક મિનિટ માટે થોભે છે. તેઓ કહે છે, “ખાસ કરીને એક શબ્દ હતો. તે એક પ્રકારની જંગલી જડીબુટ્ટી [ઔષધીય વનસ્પતિ] હતી. કાશ મેં એ શબ્દ લખી લીધો હોત." પછી નિરાશામાં માથું હલાવતા ઉમેરે છે, "હવે આજે મને એ શબ્દ કે તેનો અર્થ યાદ પણ નથી."
કમલેશની તકલીફે તેમને વિચારતા કરી દીધા: "મને થયું કે ભરિયાટીમાં બીજા કેટલાય એવા શબ્દો હશે જે હું જાણતો પણ નહીં હોઉં." તેઓ જાણતા હતા કે પોતે સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી ભરિયાટી બોલી શકે છે – કમલેશને તેમના દાદા દાદીએ ઉછેર્યા હતા અને તેઓ તેમની સાથે ભરિયાટીમાં વાતો કરતા કરતા જ મોટા થયા હતા. “કિશોરાવસ્થા સુધી હું આ એકમાત્ર ભાષા બોલતો હતો." તેઓ હસતા હસતા ઉમેરે છે, "સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી હિન્દી બોલવા માટે હજી આજેય મારે ભારે મહેનત કરવી પડે છે.”
(અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા, 2013 અનુસાર) મધ્ય પ્રદેશમાં ભરિયા સમુદાયના લગભગ બે લાખ લોકો છે પરંતુ માત્ર 381 લોકોએ જ ભરિયાટીને પોતાની માતૃભાષા તરીકે નોંધાવી છે. જો કે આ માહિતી ભારતીય ભાષા જનગણના દ્વારા પ્રકાશિત 2001 ના એકીકૃત આંકડા પરથી મળેલી છે, ત્યાં વધુ અપડેટ નથી કારણ કે 2011 ની વસ્તી ગણતરીમાં ભરિયાટીને અલગથી સૂચિબદ્ધ કરવામાં આવી નહોતી. તે અનામી માતૃભાષાઓની શ્રેણીમાં છુપાયેલી રહે છે જે ઘણીવાર 10000 થી ઓછા નોંધાયેલા બોલનારાઓ સાથેની બોલીઓને અવગણે છે.
સરકારે પ્રકાશિત કરેલ આ વીડિયો કહે છે કે આ સમુદાયના લોકો એક સમયે મહારાષ્ટ્રના રાજાઓ માટે હમાલનું કામ કરતા હતા. 1818 ના ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન નાગપુરના મુધોજી બીજાને (જેઓ અપ્પા સાહેબ તરીકે પણ ઓળખાય છે તેમને) યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો અને ભાગી જવું પડ્યું એ પછી ઘણા ભરિયાઓ તેમને અનુસર્યા હતા અને મધ્યપ્રદેશના છિંદવાડા, બેતુલ અને પચમઢીના જંગલોમાં ફરી સ્થાયી થયા હતા.
આજે આ સમુદાય પોતાને ભરિયા (અથવા ભારતી) તરીકે ઓળખાવે છે. તેમનો પરંપરાગત વ્યવસાય સ્થાનાંતરી ખેતી હતો. તેઓ ઔષધીય છોડ અને જડીબુટ્ટીઓનું પણ બહોળું જ્ઞાન ધરાવતા હતા – આ જ કારણે લોકો આખું વર્ષ આ ગામની મુલાકાત લેતા રહે છે. કમલેશ કહે છે, “તેઓ અમારી પાસેથી જડીબુટ્ટી ખરીદવા અહીં આવે છે. ઘણા વડીલો પાસે હવે પરવાનો (લાઈસન્સ) છે અને તેઓ આ ઔષધીય છોડ વેચવા માટે ગમે ત્યાં જઈ શકે છે."
પરંતુ ભાષાની જેમ જ, આ છોડનું જ્ઞાન પણ, "હવે ફક્ત ગામના વડીલો પાસે જ બચ્યું છે," તેઓ ઉમેરે છે.
યુવા પેઢી કે જેમણે આ પરંપરાગત જ્ઞાન અપનાવ્યું નથી તેમને ભૂરટા (ભરિયાટીમાં મકાઈ) ની ખેતી અને ચારક (ચિરોંજી/ભરિયાટીમાં કુડ્ડાપાહ બદામ), મહુ (મધુકા લોંગિફોલિયા), આમળા જેવી મોસમી વન્ય પેદાશો અને બળતણ માટેના લાકડા આખા વર્ષ દરમિયાન જીવનનિર્વાહ ચલાવવામાં મદદ કરે છે.
તેમની ખીણમાં મહાદેવનું મંદિર અને રાજા ખોહ ગુફા જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો હોવા છતાં પણ આ સમુદાયની રસ્તાઓ સુધીની પહોંચ હજુ પણ નબળી છે. તેઓ મોટા ભાગે પાતાલકોટ પ્રદેશમાં સાતપુડા પર્વતમાળાની તળેટીમાં પથરાયેલા 12 ગામોમાં વસે છે. આ સમુદાયના બાળકો અભ્યાસ કરવા માટે ઘણી વાર ઈન્દોર જેવા નજીકના શહેરોની નિવાસી શાળાઓમાં રહે છે.
*****
દસ વર્ષ પછી, મોટા થયેલા કમલેશ મધ્ય ભારતના પહાડોમાં તેમની ગાયો અને બકરીઓ ચરાવી રહ્યા હતા ત્યારે ફરી એકવાર તેમની મુલાકાત એક અજાણી વ્યક્તિ સાથે થઈ હતી. તેઓ તેમની સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાને યાદ કરતા એક મોટું સ્મિત કરે છે. જ્યારે એ અજાણી વ્યક્તિ કમલેશને સવાલ પૂછવા માટે પોતાની ગાડી રોકે છે ત્યારે તેઓ મનમાં વિચારે છે, "કદાચ એ પણ મને વંચાવવા માટે એક કાગત [કાગળ] કાઢશે!"
પરિવારની જમીન પર (ખેતીમાં) મદદ કરવા કમલેશે 12 મા ધોરણમાં હતા ત્યારે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો; તેમની અને તેમના સાત ભાઈ-બહેનોની કોલેજની અને શાળાની ફી માટે પરિવાર પાસે પૂરતા પૈસા નહોતા. ગામમાં 5 મા ધોરણ સુધીની પ્રાથમિક શાળા હતી. તે પછી છોકરાઓ તામિયા અને નજીકના શહેરોમાં નિવાસી શાળામાં જતા જ્યારે છોકરીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેતી.
આ અજાણી વ્યક્તિએ હવે 22 વર્ષના કમલેશને પૂછ્યું હતું કે શું તેઓ તેમની માતૃભાષાને સાચવવા માગે છે જેથી આવનારી પેઢી યાદ રાખી શકે કે ભરિયાટી કેવી રીતે બોલાય છે. આ સવાલ તેમના હૃદયને સ્પર્શી ગયો અને તેઓ તરત જ સંમત થઈ ગયા.
આ અજાણી વ્યક્તિ દેહરાદૂન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજિસ એન્ડ લિંગ્વિસ્ટિક્સના ભાષા સંશોધક પવન કુમાર હતા જેઓ ભરિયાટીનું દસ્તાવેજીકરણ કરવા આ ગામમાં આવ્યા હતા. તેઓ એ પહેલા જ બીજા કેટલાય ગામડાઓમાં ફરી ચૂક્યા હતા જ્યાં તેમને સહેજ પણ ખચકાયા વિના સહેલાઈથી ભરિયાટી બોલનાર કોઈ મળ્યું નહોતું. પવન કુમાર ત્રણ-ચાર વર્ષ સુધી આ વિસ્તારમાં રહ્યા હતા, કમલેશ યાદ કરે છે, “અમે ઘણી વાર્તાઓ અને એક કિતાપ [પુસ્તક] પણ ભરિયાટીમાં ડિજિટલી પ્રકાશિત કર્યા હતા."
એકવાર કમલેશ સંમત થયા પછી સૌથી પહેલા કરવાના કામોમાંનું એક કામ હતું એક એવી જગ્યા શોધવાનું હતું જ્યાં તેઓ કોઈપણ પ્રકારની ખલેલ વિના કામ કરી શકે. "યહાં બહુત શોર-શરાબા હોતા થા ક્યુંકિ ટુરિસ્ટો કા આના જાના લગા રહેતા થા [અહીં ખૂબ જ ઘોંઘાટ હતો કારણ કે ઘણા પ્રવાસીઓ આવતા-જતા રહેતા હતા]." તેમણે ભરિયા ભાષા વિકાસ ટીમ બનાવવા માટે બીજા ગામમાં સ્થળાંતરિત થવાનું નક્કી કર્યું.
એક મહિનામાં કમલેશ અને તેમની ટીમે ભરિયાટી મૂળાક્ષરો નો ચાર્ટ સફળતાપૂર્વક તૈયાર કર્યો, "મેં દરેક અક્ષરની સામે બધી છબીઓ દોરી." વડીલોએ શબ્દો પસંદ કરવામાં મદદ કરી. પરંતુ તેઓ અહીં જ અટક્યા નહીં. તેમની ટીમે સંશોધકની મદદથી મૂળાક્ષરોના ચાર્ટની 500 થી વધુ નકલો ડિજિટલી પ્રિન્ટ કરાવવાની વ્યવસ્થા કરી. બે જૂથોમાં વહેંચાઈને તેઓ મોટરબાઈક પર સવાર થઈને નરસિંગપુર, સિવની, છિંદવાડા અને (હવે નર્મદાપુરમ તરીકે ઓળખાતા) હોશંગાબાદ સહિત વિવિધ શહેરોની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં આ ચાર્ટનું વિતરણ કરતા. કમલેશ પારીને કહે છે કે, "મેં એકલાએ જ તામિયા, હર્રાઈ અને જુન્નરદેવમાં 250 થી વધુ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓને આવરી લીધી હશે."
ભલે અંતર લાંબા હોય, ક્યારેક 85 કિલોમીટર પણ થઈ જાય, પરંતુ “હમ તીન-ચાર દિન ઘર પે નહીં આતે થે. હમ કિસી કે ભી ઔર રુખ જાતે થે રાત મેં ઔર સુબહ વાપસ ચાર્ટ બાંટને લગતે.” [અમે ત્રણ-ચાર દિવસ સુધી ઘેર પાછા જતા નહીં. રાત્રે અમે કોઈને પણ ઘેર સૂઈ રહેતા અને સવાર પડે એટલે અમે ઊઠીને ફરીથી ચાર્ટ વહેંચવા માંડતા]."
તેઓ પ્રાથમિક શાળાના જે જે શિક્ષકોને મળ્યા હતા તેમાંના મોટાભાગના તેમના સમુદાય વિશે ખાસ કંઈ જાણતા ન હતા, કમલેશ કહે છે, "પરંતુ તેમણે અમારા એ પ્રયત્નોની ખૂબ કદર કરી હતી, અમારા એ પ્રયત્નોએ અમને હવે જ્યાં ભરિયાટી બોલાતી નથી એવા ગામડાઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી."
એક વર્ષમાં કમલેશ અને તેમની ભાષા વિકાસ ટીમે ભરિયાટીમાં ભાષાની જોડણી અંગેની માર્ગદર્શિકા , ત્રણ આરોગ્ય વાર્તાઓ અને ત્રણ બોધવાર્તાઓ સહિત અનેક પુસ્તકો લખ્યા. આ ઘરમાં એક પતરાની પેટી ફંફોસીને તેમાં દટાયેલા કેટલાક રંગબેરંગી ચાર્ટ પેપર બહાર કાઢતા તેઓ કહે છે, “પહેલા અમે બધું કાગળ પર લખ્યું હતું." આ સમુદાયના પ્રયાસોથી ભરિયાટીમાં એક વેબસાઇટ બનાવવામાં આવી હતી.
રાથેડમાં તેમને ઘેર અમારી સાથે વાત કરતા તેઓ કહે છે, "અમે વેબસાઈટના બીજા તબક્કા માટે ઉત્સાહિત હતા. હું ખિસ્સાપોથી (પોકેટ બુક), લોકગીતો, કોયડાઓ, બાળકો માટેની શબ્દ રમતો વિગેરે ઘણી ઘણી વસ્તુઓ...ની ડિજિટલ નકલો પૂરી પાડવા તૈયાર હતો. પરંતુ મહામારી ફાટી નીકળી.” અમારી ટીમના પ્રયાસો અટકી ગયા. એથીય વધુ ખરાબ બન્યું: કમલેશનો ફોન રીસેટ થઈ ગયો ત્યારે રાતોરાત તેઓ પોતાના ફોનમાંથી બધી જ માહિતી ગુમાવી બેઠા. તેઓ ઉદાસ થઈને કહે છે, "સબ ચલે ગયા. અમે હાથે લખેલી નકલ પણ સાચવી શક્યા નથી." તેમની પાસે સ્માર્ટફોન નહોતો; ઈમેલ શી રીતે કરવો એ તેમને હજી આ વર્ષે જ ખબર પડી છે.
જે થોડું બચ્યું હતું તે તેમણે તેમની ટીમના બીજા ગામના સભ્યોને આપી દીધું હતું. તેઓ કહે છે કે તે પોતે હવે તેમની સાથે સંપર્કમાં નથી, "મને ચોક્કસ ખબર નથી કે તેમની પાસે પણ હજી એ બધું હશે કે કેમ."
મહામારી એ કમલેશને તેમનું દસ્તાવેજીકરણ અટકાવવાનું દબાણ કરવા માટે જવાબદાર એક માત્ર કારણ નહોતું. તેઓ કહે છે કે ભરિયાટીના દસ્તાવેજીકરણમાં સૌથી મોટા અવરોધો પૈકીનો એક છે તેમના સમુદાયના યુવાનો અને વૃદ્ધો બંને તરફથી રસનો અભાવ. તેઓ ઉમેરે છે, "બુજુર્ગો કો લિખના નહીં હૈ ઔર બચ્ચો કો બોલના નહીં હૈ [વડીલોને લખવું નથી અને બાળકોને બોલવું નથી]. ધીમે ધીમે મેં આશા ગુમાવવા માંડી અને પછી મેં ભાગ લેવાનું બંધ કરી દીધું."
કમલેશની ટીમમાં એવા સાથી ખેડૂતોનો સમાવેશ થતો હતો જેઓ ખેતરોમાં કામ કરીને તેમના દિવસો પસાર કરતા હતા. તેઓ સમજાવે છે કે લાંબા કંટાળાજનક દિવસ પછી તેઓ ફક્ત જમવા અને વહેલા સૂવા માટે ઘેર પાછા ફરતા. પરંતુ એક તબક્કા પછી તેઓએ પણ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
કમલેશ કહે છે, "હું એકલો આ ન કરી શકું. આ એક જણનું કામ નથી."
*****
ગામમાંથી પસાર થતા કમલેશ એક ઘરની બહાર અટકી જાય છે. “જ્યારે હું મારા મિત્રોને મળું છું, ત્યારે અમે ઘણીવાર દિવલુ ભૈયા વિશે વાત કરીએ છીએ."
48 વર્ષના દિવલુ બગદરિયા એક લોકનર્તક અને ગાયક છે અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણીવાર ભરિયા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. કમલેશ કહે છે, “અમારી ભાષા અમારી સંસ્કૃતિ માટે કેટલી મહત્વની છે એ સમજનાર તેઓ એકલા જ છે."
અમે દિવલુને રાથેડમાં તેમના ઘરની બહાર મળ્યા હતા. તેમના પૌત્રો બળતણ માટે લાકડા એકઠા કરવા ગયેલી તેમની માતા જંગલમાંથી પાછી ફરે એની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેઓ એ બાળકો માટે ભરિયાટીમાં ગીત ગાતા હતા.
દિવલુ કમલેશ તરફ ઝુકતા કહે છે, "લખવું અને બોલવું એ બંને મહત્વપૂર્ણ છે. કદાચ જેમ અંગ્રેજી અને હિન્દીને વિષય તરીકે શીખવવામાં આવે છે તેવી જ રીતે ભરિયાટી અને બીજી આદિવાસી માતૃભાષાઓને વૈકલ્પિક [વિષય] તરીકે શીખવી ન શકાય?" તેઓ તેમના સૌથી નાના છાવા (પૌત્ર) ને કમલેશનો મૂળાક્ષરોનો ચાર્ટ બતાવવાનું શરૂ કરે છે.
તેમનો પૌત્ર ચાર્ટમાં ઢઢુસ (વાનર) તરફ ઈશારો કરે છે અને હસે છે, દિવલુ કહે છે, “એ થોડા વખતમાં ભરિયા શીખી જશે."
પોતાના સમુદાય સાથે કામ કરતી વખતે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે જોતાં કમલેશને આ વાત પર સહેલાઈથી વિશ્વાસ બેસતો નથી. આ ભાષા આર્કાઇવર કહે છે, “જો એ નિવાસી શાળામાં જવાનું શરૂ કરશે તો એ ક્યારેય ભરિયાટી નહીં બોલે. જો એ [અહીં] અમારી સાથે રહેશે તો જ એ ભરિયાટી બોલી શકશે."
કમલેશ કહે છે, “વૈસે તો 100 મૈ સે 75 પ્રતિશત તો વિલુપ્ત હી હો ચૂકી મેરી ભાષા [લગભગ 75 ટકા જેટલી મારી ભાષા તો લુપ્ત થઈ ગઈ છે.] અમે ભરિયાટીમાં વસ્તુઓના મૂળ નામ ભૂલી ગયા છીએ. બધું ધીમે ધીમે હિન્દી સાથે ભળી ગયું છે."
જેમ જેમ લોકો વધુ મુસાફરી કરવા લાગ્યા અને બાળકોએ શાળાએ જવાનું શરૂ કર્યું તેમ તેમ તેઓ તેમની સાથે હિન્દી શબ્દો અને અભિવ્યક્તિઓ લાવતા ગયા અને તેમના માતાપિતાને એ શીખવવાનું શરુ કર્યું. જૂની પેઢી પણ તેમના બાળકોની જેમ બોલવા લાગી અને ભરિયાટીનો વપરાશ ઓછો થવા લાગ્યો.
કમલેશ કહે છે, “શાળા શરૂ થયા પછી હું પણ ઓછું ભરિયાટી બોલવા લાગ્યો હતો, હું મિત્રો સાથે વધુ સમય વિતાવતો થયો હતો, એ મિત્રો હિન્દી બોલતા હતા. મારા માટે પણ એ આદત બની ગઈ હતી." તેઓ હિન્દી અને ભરિયાટી બંને બોલે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેઓ બંને ભાષા ક્યારેય એક સાથે બોલતા નથી. "હું બીજા લોકોની જેમ એ બે ભાષાઓને સરળતાથી ભેળવી શકતો નથી કારણ કે હું મારા ભરિયાટી-ભાષી દાદી પાસે મોટો થયો છું."
કમલેશના દાદી સુક્તિબાઈ લગભગ 80 વર્ષના છે, તેઓ હજી આજે પણ હિન્દી બોલતા નથી. કમલેશ કહે છે કે હવે તેઓ એ સમજે છે ખરા પરંતુ તેનો જવાબ આપી શકતા નથી. કમલેશના ભાઈ-બહેનો ભરિયાટીમાં બહુ બોલતા નથી કારણ કે "તેમને શરમ આવે છે. તેઓ હિન્દી બોલવાનું પસંદ કરે છે.” કમલેશની પત્ની અનીતા પણ માતૃભાષા બોલતી નથી પણ તેઓ તેને (ભરિયાટીમાં બોલવા માટે) પ્રોત્સાહિત કરતા રહે છે.
“ભરિયાટીનો ઉપયોગ શું? તે આપણને રોજગાર આપે છે? સિર્ફ અપની ભાષા બોલને સે ઘર ચલતા હૈ? [ફક્ત આપણી માતૃભાષા બોલવાથી આપણે આપણું ઘર થોડું ચલાવી શકીએ?]," આ એક સવાલ છે જે ભાષાના બંને ઉત્સાહીઓને પરેશાન કરે છે.
વ્યવહારુ દિવલુ કહે છે, "આપણે હિન્દીને ટાળી ન શકીએ. પણ આપણે આપણી પોતાની ભાષાને જીવંત રાખવી પડશે."
કમલેશ જવાબ આપતા કહે છે, "આજકાલ તમે તમારા આધાર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ વડે તમારી ઓળખ સાબિત કરી શકો છો."
એ વાતથી પાછા પડ્યા વિના દિવલુ તેમની તરફ ઝૂકીને પૂછે છે, "આ દસ્તાવેજો વિના કોઈ તમને તમારી ઓળખ સાબિત કરવાનું કહે તો તમે શી રીતે કરશો?"
કમલેશ હસીને જવાબ આપે છે, "હું ભરિયાટીમાં બોલીશ."
દિવલુ ખાતરીપૂર્વક કહે છે, “એકદમ સાચી વાત. ભાષા પણ તમારી ઓળખ છે.”
ભરિયાટીનું ભાષાકીય વર્ગીકરણ તેના જટિલ ઇતિહાસને કારણે અનિશ્ચિત રહે છે. એક સમયે સંભવતઃ દ્રવિડિયન હશે એવી આ ભાષા હવે મજબૂત ઈન્ડો-આર્યન લક્ષણો દર્શાવે છે, ખાસ કરીને શબ્દભંડોળ અને ધ્વન્યાત્મકતામાં, આ ભાષા તેના મધ્ય ભારતીય સ્થાન અને બંને ભાષા પરિવારો સાથેના સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેના વર્ગીકરણમાં આ અસ્પષ્ટતા સમયાંતરે ભારતીય અને દ્રવિડિયન પ્રભાવોના જટિલ મિશ્રણ તરફ ખાસ ધ્યાન દોરે છે, પરિણામે ભાષાશાસ્ત્રીઓ માટે સ્પષ્ટ વર્ગીકરણ મુશ્કેલ બને છે.
આ પત્રકાર, પરાર્થ સમિતિના મંજીરી ચંદે અને રામદાસ નાગરે, અને પલ્લવી ચતુર્વેદીનો આભાર માને છે. ખાલસા કોલેજના સંશોધક અને વ્યાખ્યાતા અનઘા મેનન અને આઈઆઈટી કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીસ એન્ડ સોશિયલ સાયન્સીસના ભાષાશાસ્ત્રી અને મદદનીશ પ્રાધ્યાપક ડો. ચિન્મય ધારુરકરે ઉદારતાથી તેમના જ્ઞાનનો લાભ આપ્યો હતો.
પારીનો એન્ડેન્જર્ડ લેંગવેજિસ પ્રોજેક્ટ (ઈએલપી) અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ભારતની લુપ્તપ્રાય ભાષાઓ બોલતા સામાન્ય લોકોના અવાજો અને તેઓ જે અનુભવોમાંથી પસાર થયા છે એના દ્વારા એ ભાષાઓનું દસ્તાવેજીકરણ કરવાનો છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક